સિંગાપોરઃ સિંગાપોરમાં ૧૩મીએ અજીબ ઘટના બની. એક પણ વોટ પડ્યા વિના એક મહિલા રાષ્ટ્રપતિ બની ગયાં. મુસ્લિમ મલય લઘુમતી સમુદાયનાં હલીમા યાકુબ રાષ્ટ્રપતિ બન્યાં. તેઓ સંસદના પૂર્વ અધ્યક્ષ છે. રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બન્યા પહેલા તેઓ શાસક એક્શન પાર્ટી તરફથી બે દાયકાથી સાંસદ હતા. તેઓ સિંગાપોરના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે.
જોકે, મતદાન વિના તેઓ રાષ્ટ્રપતિપદે ચૂંટાતાં લોકો તેમની પસંદગીને બિનલોકતાંત્રિક ગણાવી તેની ટીકા કરી રહ્યા છે. દેશમાં પહેલેથી ચૂંટણી પ્રક્રિયાને લઇને અશાંતિ હતી, કેમ કે પહેલી વાર મલય સમુદાય માટે રાષ્ટ્રપતિપદ અનામત રાખી દેવાયું હતું. ત્યાર બાદ હવે મતદાન વિના હલીમાના હાથમાં સત્તા સોંપવાના નિર્ણયથી લોકોમાં વધુ રોષ છે.
રાષ્ટ્રપતિપદ માટે મહિને ચૂંટણી થવાની હતી પણ તંત્ર દ્વારા હલીમાના તમામ હરીફ ઉમેદવારોને ચૂંટણી માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા. સિંગાપોરમાં અગાઉ પણ આવું બની ચૂક્યું છે અને દાયકાઓથી એક પક્ષ સત્તા પર છે. ૬૩ વર્ષીય હલીમાની સોશિયલ મીડિયા પર પણ સખત ટીકા થઇ રહી છે. ઘણા લોકોએ રાષ્ટ્રપતિપદે રીતે તેમની પસંદગીને લોકશાહીની ભદ્દી મજાક ગણાવી.