સાઉથ કેરોલિનામાં બોરસદના મહિલા સ્ટોર માલિક કિરણ પટેલની કરપીણ હત્યા
સાઉથ કેરોલિનાઃ અમેરિકાના સાઉથ કેરોલિનાની યુનિયન કાઉન્ટીમાં ગેસ સ્ટેશન કમ સ્ટોર ચલાવતા મૂળ બોરસદના વતની ગુજરાતી મહિલા કિરણ પટેલની લૂટારાએ ગોળી મારી હત્યા કરી હતી. 49 વર્ષીય કિરણ પટેલ ડીડીસ ફૂડ માર્ટ નામનો સ્ટોર ચલાવતા હતા અને ઘટના સમયે સ્ટોરમાં એકલા હતા. 16 સપ્ટેમ્બરની રાત્રે કિરણ પટેલ સ્ટોર બંધ કરતા પહેલા કેશ ગણી રહ્યા હતા ત્યારે એક લૂટારો સ્ટોરમાં ઘૂસી આવ્યો હતો અને ગન બતાવી નાણાની માગ કરી હતી. કિરણ પટેલ તેને કેશ આપે તે પહેલા જ તેણે ગોળી ચલાવી હતી.
ફાયરિંગ થતાં કિરણ પટેલ લૂંટારા તરફ પ્લાસ્ટિકની બોટલ જેવી કોઈ વસ્તુ ફેંકીને ત્યાંથી ભાગ્યા હતા અને લૂંટારો પણ તેમની પાછળ દોડ્યો હતો. સ્ટોરની અંદર જ લૂંટારાએ ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. જીવ બચાવવા પાર્કિંગ લોટ તરફ દોડેલા કિરણ પટેલ પર લૂંટારાએ ફાયરિંગ કરવાનું ચાલુ જ રાખ્યું હતું અને આ દરમિયાન તેને ગોળી વાગતા માંડ વીસેક ફુટ દૂર જઈને તેઓ ફસડાઈ પડ્યા હતા.
કેલિફોર્નિયામાં પોલીસે ભારતીય મોહમ્મદ નિઝામુદ્દિનને ઠાર માર્યો
સાન્તાક્લેરાઃ કેલિફોર્નિયાના સાન્તાક્લેરા ખાતે પોલીસે એક ભારતીય મોહમ્મદ નિઝામુદ્દિનને ઠાર માર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, નિઝામુદ્દિન હાથમાં છરા સાથે હુમલાનો પ્રયાસ કરી રહ્યો હોવાથી અમે તેને ઠાર માર્યો હતો. નિઝામુદ્દિનના પરિવારજનોએ આરોપ મૂક્યો છે કે પોલીસે ઉતાવળે નિર્ણય લઇ ગોળી ચલાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર નિઝામુદ્દિને તેના રૂમમેટ પર છરાથી હુમલો કરતાં તેના પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસની ચેતવણી છતાં નિઝામુદ્દિને હાથમાં છરા સાથે વધુ હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે પોલીસને ગોળીબાર કરવાન ફરજ પડી હતી. પોલીસે ઘટનાસ્થળેથી બે છરા જપ્ત કર્યા હતા.
9.1 મિલિયન ડોલરના કૌભાંડમાં ન્યૂજર્સીના ધ્રુવ પટેલની ધરપકડ
ન્યૂજર્સીઃ ન્યૂજર્સીના ફ્રેન્કલિન પાર્કમાં રહેતા ધ્રુવ પટેલની 9.10 મિલિયન ડોલરનું કૌભાંડ આચરવાના આરોપમાં ધરપકડ કરાઈ છે, પાર્સલ કાંડમાં સંડોવણી ધરાવતા ધ્રુવ પટેલ પર વાયર ફ્રોડ, મની લોન્ડરિંગ તેમજ ચોરીની રકમની હેરાફેરી કરવા સહિતના ફેડરલ ચાર્જિસ લગાવવામાં આવ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યૂયોર્કની એટર્ની ઓફિસના જણાવ્યા અનુસાર ધ્રુવ પટેલ પર જે ચાર્જિસ લગાવવામાં આવ્યા છે તેમાં તેને 20 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. ધ્રુવ પટેલ સામે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી પાર્સલ કાંડનો ભોગ બનેલી ન્યૂયોર્કની એક વૃદ્ધા પાસેથી 5.67 લાખ ડોલરના ગોલ્ડ બાર્સથી ભરેલું પાર્સલ કલેક્ટ કરવા ગયો ત્યારે તેની ધરપકડ થઈ હતી. તેના થોડા દિવસો પહેલા જ ધ્રુવ પટેલની નોર્ધન ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યૂયોર્કમાંથી અન્ય એક વિક્ટિમ પાસેથી 48,000 ડોલરનું પાર્સલ લેવાના આરોપમાં ધરપકડ થઈ હતી.
જૂના કેસના કારણે ગ્રીનકાર્ડ હોલ્ડર પરમજિતની શિકાગોમાં અટકાયત
શિકાગોઃ 30 વર્ષ પહેલાં અમેરિકા ગયેલા ગ્રીન કાર્ડ હોલ્ડર પરમજિત સિંહની 30 જુલાઇના રોજ ભારતથી પરત ફરતી વખતે શિકાગો ખાતે અટકાયત કરાઇ હતી. પરમજિત ઇન્ડિયાનાના ફોર્ટ વેયનમાં બિઝનેસ ધરાવે છે પરંતુ તેઓ હૃદયરોગ અને બ્રેઇન ટ્યુમરથી પણ પીડાય છે. પરમજિતના વકીલે જણાવ્યું હતું કે, હોમલેન્ડ સિક્યુરિટીના જણાવ્યા અનુસાર પરમજિતની એક જૂના કેસના સંદર્ભમાં અટકાયત કરાઇ છે. વકીલે જણાવ્યું હતું કે, આ કેસનો નિકાલ થઇ ગયો હતો અને આ કેસના કારણે પરમજિતની અટકાયત થવી જોઇતી નહોતી.
કેનેડામાં ખાલિસ્તાની નેતા ઇન્દરજિત ગોસાલની ધરપકડ
વાનકુંવરઃ હરદીપસિંહ નિજ્જરની હત્યા બાદ ખાલિસ્તાની જનમત અભિયાનનું નેતૃત્વ પોતાના હાથમાં લેનારા ઇન્દરજિત સિંહ ગોસાલની કેનેડા પોલીસ દ્વારા ધરપકડ કરાઇ છે. ગોસાલ ભારત સરકાર દ્વારા આતંકવાદી ઘોષિત કરાયેલા સંગઠન શીખ્સ ફોર જસ્ટિસનો સંયોજક છે અને આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે પણ સંકળાયેલો છે. ગયા સપ્તાહમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને તેમના કેનેડિયન સમકક્ષ નાથાલાઇ ડ્રૌઇન વચ્ચેની મુલાકાત બાદ આ પગલું લેવાયું છે. ગોસાલ પર કેનેડામાં ભારતીય કોન્સ્યુલેટ્સ ખાતે હિંસાની યોજનાઓ બનાવવાનો આરોપ છે.
શિકાગોનો પોલીસ અધિકારી ભારતીય પત્નીના પાસપોર્ટ અને ગ્રીનકાર્ડ સાથે ફરાર
હૈદરાબાદઃ અમેરિકાના શિકાગો શહેરમાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા મોહમ્મદ ઝૈનુદ્દિન ખાન પર તેની પત્ની હાના એહમદ ખાને તેને ભારતમાં તરછોડી દેવાનો આરોપ મૂક્યો છે. હૈદરાબાદ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં હાનાએ આરોપ મૂક્યો છે કે ઝૈનુદ્દિન તેણીનો પાસપોર્ટ, ગ્રીનકાર્ડ અને ઘરેણા લઇને ફરાર થઇ ગયો હતો. હાનાએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2024માં હું અમેરિકા ગઇ ત્યારબાદ પણ મારા પર ઘરેલુ હિંસા આચરવામાં આવતી હતી.
સિંગાપોરમાં મહિલા પર બળાત્કારના દોષી અંકિત શર્માને 4 વર્ષની કેદ
સિંગાપોરઃ સિંગાપોરમાં એક શોપિંગ મોલ ખાતેના નર્સિંગ રૂમમાં મહિલા પર બળાત્કાર ગુજારનાર 46 વર્ષીય ભારતીય નાગરિક અને પરમેનેન્ટ રેસિડેન્ટ અંકિત શર્માને 4 વર્ષની જેલની સજા કરાઇ છે. અદાલતે અંકિતને 6 કોરડા મારવાનો પણ આદેશ આપ્યો હતો. 1 માર્ચ 2023ના રોજ ચાંગી સિટી પોઇન્ટ મોલના નર્સિંગ રૂમમાં અંકિત શર્મા 31 વર્ષીય મહિલાને ઘસડી ગયો હતો અને ત્યાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.


