કેલિફોર્નિયામાં ભારતીય કેબ ડ્રાઇવર પર નશામાં ધૂત પ્રવાસી પર બળાત્કારનો આરોપ
લોસ એન્જલસઃ કેલિફોર્નિયામાં ભારતીય મૂળના રાઇડશેયર ડ્રાઇવર સિમરનજિતસિંહ સેખોન પર એક બેહોશ પ્રવાસી પર બળાત્કાર ગુજારવાનો આરોપ મૂકાયો છે. સિમરનજિતે પીડિતાને થાઉઝન્ડ ઓક્સ ખાતેથી રાઇડ આપી હતી. તે દારૂના નશામાં ધૂત એવી પ્રવાસીને કેમેરિલો તરફ લઇ ગયો હતો અને તેના પર કથિત બળાત્કાર ગુજાર્યો હતો. તેને હાલ પાંચ લાખ ડોલરના જામીન પર મુક્ત કરાયો છે. પોલીસ સિમરનજિત દ્વારા અન્ય પ્રવાસીઓ સાથે આ પ્રકારના અપરાધ આચરાયા છે કે કેમ તેની તપાસ કરી રહી છે.
000000000000000000000000000
હેડિંગઃ ટેક્સાસમાં શરાબના નશામાં કાર ચલાવવા માટે અંકુર પટેલને અઢી વર્ષની જેલ
ટેક્સાસઃ અમેરિકાના ટેક્સાસમાં શરાબના નશામાં કાર ચલાવતા ઝડપાયેલા અંકુર પટેલને અઢી વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે. અંકુર પટેલ ત્રીજીવાર શરાબના નશામાં કાર ચલાવતા ઝડપાયો હતો. ટેક્સાસના કાયદા અનુસાર જો કોઇ શખ્સ ત્રીજીવાર શરાબના નશામાં કાર ચલાવતા ઝડપાય તો તેને બેથી 10 વર્ષની કેદ અને 10,000 ડોલર સુધીનો દંડ ફટકારવામાં આવે છે. અગાઉ અંકુર બે વાર ઝડપાયો હતો પરંતુ તેને પ્રોબેશન પર મૂકાયો હતો.
000000000000000000000000000
જ્યોર્જિયામાં શોપ લિફ્ટિંગના આરોપસર મોનાલી પટેલની ધરપકડ
જ્યોર્જિયાઃ જ્યોર્જિયાની કોબ કાઉન્ટીમાં મોનાલી પટેલ નામની ગુજરાતી મહિલાની સ્ટોરમાંથી ચોરી કરવાના આરોપસર ધરપકડ કરાઇ છે. મોનાલીને 12 ડિસેમ્બરના રોજ કોબ કાઉન્ટીની જેલમાં મોકલી આપવામાં આવી હતી. જ્યોર્જિયાના કાયદા અનુસાર શોપ લિફ્ટિંગ માટે જેલ અને દંડ બંને થઇ શકે છે.
000000000000000000000000000
ડલ્લાસમાં આગજની અને ધમકી આપવાના આરોપસર ભારતીય વિદ્યાર્થીની ધરપકડ
ડલ્લાસઃ ડલ્લાસમાં પરિવારને ધમકીઓ આપી આગજની કરવાના આરોપસર 22 વર્ષીય ભારતીય મૂળના વિદ્યાર્થી મનોજ સાઇ લીલાની ધરપકડ કરાઇ છે. મનોજ યુનિવર્સિટી ઓફ ટેક્સાસનો વિદ્યાર્થી છે. પોલીસે સોમવારે ફ્રિસ્કો ખાતેથી મનોજની ધરપકડ કરી હતી. મનોજની માનસિક સ્થિતિ સારી નથી અને તે ધમકીઓ આપી રહ્યો હોવાની પરિવારજનોની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ધરપકડના થોડા દિવસ પહેલાં મનોજે ઘરને આગ લગાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આરોપ છે.
000000000000000000000000000
કેલિફોર્નિયામાં માર્ગ અકસ્માતમાં બાળપણની બે સહેલીનાં મોત
બિશપ સિટીઃ અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના બિશપ સિટી ખાતે એક માર્ગ અકસ્માતમાં ભારતના તેલંગાણાના મહેબુબાબાદ જિલ્લાની બે બાળપણની સહેલીઓના મોત થયાં હતાં. બંને ઓહાયોમાં રહેતી હતી અને વેકેશન માણવા કેલિફોર્નિયા મિત્રો સાથે ગઇ હતી. 25 વર્ષીય મેઘના રાની પુલ્લખન્દમ અને 24 વર્ષીય ભાવના કડિયાલાએ તાજેતરમાં જ ડેયટન યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સની માસ્ટર ડિગ્રી હાંસલ કરી હતી અને નોકરીની તલાશમાં હતી. 28 ડિસેમ્બરે તેમની કાર અલાબામા હિલ રોડના એક ખતરનાક વળાંક પર સ્લીપ થઇને ખીણમાં પડી હતી. આ દુર્ઘટનામાં અન્ય બે વિદ્યાર્થીને ઇજા થઇ હતી.
000000000000000000000000000
કેનેડાના એડમોન્ટનમાં બે પંજાબી યુવકની ગોળી મારી હત્યા
એડમોન્ટનઃ કેનેડાના એડમોન્ટનમાં 14 ડિસેમ્બરના રોજ બે પંજાબી યુવાનની ગોળી મારી હત્યા કરાઇ હતી. આ બંને પંજાબના બુધલાડા ગામના વતની હતા. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. ગુરદીપસિંહ અને રણબીરસિંહ કેનેડામાં સારી કારકિર્દી માટે આવ્યા હતા. બંને એક મિત્રની બર્થડે પાર્ટીમાં ભાગ લઇ પરત આવી રહ્યાં હતાં ત્યારે કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ તેમના પર ગોળીબાર કર્યા હતા. પોલીસે તેમને બચાવવા પ્રયાસ કર્યા હતા પરંતુ ઇમર્જન્સી ટીમ પહોંચે તે પહેલાં બંનેના સ્થળ પર જ મોત થયાં હતાં.
000000000000000000000000000
સિંગાપોરમાં ચર્ચને આતંકવાદી હુમલાની ધમકી આપનાર ભારતીય મૂળના મોહનની ધરપકડ
સિંગાપોરઃ સિંગાપોરમાં એક ચર્ચને આતંકવાદી હુમલાની ધમકી આપવાના આરોપસર ભારતીય મૂળના કોકુલનન્થન મોહનની ધરપકડ કરાઇ હતી. મોહનની ધમકીને પગલે ચર્ચની તમામ પ્રેયર સર્વિસ રદ કરી દેવાઇ હતી. સિંગાપોરના અપર બકિત તિમાહ વિસ્તારમાં આવેલા સેન્ટ જોસેફ ચર્ચમાંથી એક શંકાસ્પદ વસ્તુ પણ મળી આવી હતી. મોહને 3 કાર્ડબોર્ડ રોલમાં પથ્થરો ભરી ચર્ચમાં મૂકી દીધાં હતાં. તે બોમ્બ જેવા લાગે તે માટે લાલ વાયર પણ જોડ્યા હતા.
000000000000000000000000000
રશિયા-યુક્રેન યુદ્ધમાં ગુજરાતનો વધુ એક યુવક ફસાયો
મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે ગુજરાતનો વધુ એક યુવક ફસાયો છે. મોરબીના રહેવાસી સાહિલ મોહમ્મદ હુસૈન નામના યુવકે યુક્રેન સરહદેથી એક વીડિયો શેર કરી પોતાની આપવીતી જણાવી છે. સાહિલનો આરોપ છે કે તેને રશિયામાં ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવી, બ્લેકમેલ કરીને બળજબરીપૂર્વક રશિયન સેનામાં ભરતી કરવામાં આવ્યો હતો. સાહિલ ઉચ્ચ અભ્યાસ માટે રશિયા ગયો હતો. ત્યાં તે પોતાનો ખર્ચ કાઢવા માટે એક કુરિયર કંપનીમાં પાર્ટ-ટાઈમ નોકરી કરતો હતો. એક દિવસ રશિયાની પોલીસે તેને પકડી લીધો અને તેના પર ડ્રગ્સ સ્મગલિંગનો ખોટો આરોપ લગાવ્યો. તેને ધમકી આપવામાં આવી કે જો તે રશિયન સેનામાં જોડાવાના કરાર પર સહી નહીં કરે, તો તેને લાંબી જેલની સજા થશે.


