એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ

Tuesday 06th January 2026 09:46 EST
 
 

મેરીલેન્ડમાં ભારતીય મહિલાની હત્યા કરી પૂર્વ બોયફ્રેન્ડ ભારત નાસી છૂટ્યો

મેરીલેન્ડઃ અમેરિકાના મેરીલેન્ડમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાથી લાપતા બનેલી ભારતીય મહિલા તેના પૂર્વ બોય ફ્રેન્ડના એપાર્ટમેન્ટમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, હાવર્ડ કાઉન્ટી પોલીસને લાપતા બનેલી મહિલા બીજી જાન્યુઆરીના રોજ મૉત મળી આવી હતી. તેના શરીર પર તિક્ષ્ણ હથિયારના ઘણા ઘા હતા. પોલીસે મહિલાના પૂર્વ બોયફ્રેન્ડ અર્જુન શર્મા સામે વોરંટ જારી કર્યું છે. મૃતક 27 વર્ષીય નિકિતા ગોદીશાલા કોલમ્બિયામાં વ્હેદા હેલ્થ ખાતે ડેટા એનાલિસ્ટ તરીકે કામ કરતી હતી. પોલીસનું માનવું છે કે નિકિતાની હત્યા કર્યા બાદ અર્જુન શર્મા તે જ દિવસે ભારત જવા રવાના થઇ ગયો હતો.

00000000000000000

વોશિંગ્ટનમાં ગમખ્વાર કાર અકસ્માતમાં ભારતીય દંપતીનું મોત, બં સંતાનને ગંભીર ઇજા

વોશિંગ્ટનઃ અમેરિકાના વોશિંગ્ટનમાં થયેલા માર્ક અકસ્માતમાં આંધ્રપ્રદેશના દંપતીના કરૂણ મોત થયાં હતાં જ્યારે તેમના બે સંતાનોને ગંભીર ઇજા પહોંચી હતી. 45 વર્ષીય કોટિકલપુડી ક્રિશ્ના કિશોર અને તેમની પત્ની 40 વર્ષીય આશા મૂળ આંધ્રપ્રદેશના વેસ્ટ ગોદાવરી જિલ્લાના રહેવાસી હતા. ગંભીર ઇજા પામેલી દીકરી અને દીકરાની હાલ સારવાર ચાલી રહી છે. ક્રિશ્ના કિશોર છેલ્લા એક દાયકાથી અમેરિકામાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા હતા. તેઓ 10 દિવસ પહેલાં જ ભારતની મુલાકાત લઇને પરત અમેરિકા આવ્યા હતા.

00000000000000000

અમેરિકાના ઇન્ડિયાનામાં બે ભારતીય ટ્રક ડ્રાઇવરની ડ્રગ સ્મગલિંગના આરોપસર ધરપકડ

ઇન્ડિયાનાઃ અમેરિકાના ઇન્ડિયાનામાં બે ભારતીય ટ્રક ડ્રાઇવરની 7 મિલિયન ડોલરના ડ્રગ્સ સાથે ધરપકડ કરાઇ હતી. ઇન્ડિયાના સ્ટેટ પોલીસે રૂટિન ઇન્સ્પેક્શન દરમિયાન ગુરપ્રીતસિંહ અને જસવીરસિંહ નામના બે ભારતીય ટ્રક ડ્રાઇવરને ડ્રગ્સ સાથે ઝડપી લીધાં હતાં. બંને કેલિફોર્નિયાના રહેવાસી છે. તેમની ટ્રકોમાંથી 307 પાઉન્ડ કોકેન જપ્ત કરાયું હતું.

00000000000000000

કેનેડાના કેલગેરીમાં મહિલાએ શીખ ડ્રાઇવરની કેબમાં જ બાળકને જન્મ આપ્યો

કેલગેરીઃ કેનેડાના કેલગેરીમાં મોડી રાત્રે એક સગર્ભાને હોસ્પિટલ લઇ જતા સમયે તેણે ટેક્સીમાં જ બાળકને જન્મ આપ્યો હતો. આ દરમિયાન કરેલી સહાય માટે શીખ કેબ ડ્રાઇવરની ભારે પ્રશંસા થઇ રહી છે. પહેલાં તો હરદીપસિંહ તૂરને એમ લાગ્યું કે આ રૂટિન અર્જન્ટ ટ્રીપ હશે પરંતુ પ્રવાસી પાસે પહોંચ્યા બાદ ખબર પડી હતી કે તેને ભયંકર લેબર પેઇન હતું. તે ઉપરાંત બહાર તાપમાન માઇનસ 23 ડિગ્રી સુધી ગગડી ગયું હતું. હરદીપ પેશન્ટને લઇને પીટર લોગહીડ સેન્ટર ખાતે પહોંચે તે પહેલાં જ મહિલાએ કેબમાં જ બાળકને જન્મ આપ્યો હતો.

00000000000000000

જર્મનીમાં એપાર્ટમેન્ટમાં લાગેલી આગથી બચવા કૂદી પડેલા ભારતીય વિદ્યાર્થીનું મોત

બર્લિનઃ જર્મનીના બર્લિન નજીક એક એપાર્ટમેન્ટમાં 31 ડિસેમ્બરના રોજ આગ લાગતાં જીવ બચાવવા કૂદી પડેલા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. ભારતના તેલંગણા રાજ્યનો થોકાલા ઋત્વિક રેડ્ડી બર્લિન નજીકના બ્રાન્ડેનબર્ગમાં ઇજનેરીનો અભ્યાસ કરતો હતો. એપાર્ટમેન્ટમાં આગ ફાટી નીકળતાં બચવાનો કોઇ માર્ગ નહોતો તેથી ઋત્વિક ઇમારતમાંથી કૂદી પડ્યો હતો. જેના કારણે તેના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આગ ફાટી નીકળવાનું કારણ હાલ જાણવા મળ્યું નથી.

00000000000000000

અબુધાબીમાં ભારતીય પરિવારને અકસ્માત, 3 સંતાન અને કેરટેકરના મોત, માતા-પિતા ઘાયલ

અબુધાબીઃ યુએઇમાં વસતા 4 ભારતીયના રવિવારે વહેલી સવારે અબુધાબીમાં થયેલા માર્ગ અકસ્માતમાં મોત થયાં હતાં. ચાર મૃતકોમાં 3 ભાઇ અને તેમની કેર ટેકરનો સમાવેશ થાય છે. મૂળ કેરળનો આ પરિવાર લિવા ફેસ્ટિવલની ઉજવણી કરીને દુબઇ સ્થિત તેમના નિવાસસ્થાને પરત ફરી રહ્યો હતો. અકસ્માતમાં માતાપિતા અને અન્ય બે સંતાનને ગંભીર ઇજા પહોંચી હતી. પરિવારને મદદ કરી રહેલા સામાજિક કાર્યકરના જણાવ્યા અનુસાર અબ્દુલ લતીફ અને રુકસાનાના 3 સંતાન અશાઝ, આમ્માર અને ઐય્યાશ તથા તેમની કેર ટેકર બુશરાના મોત થયાં હતાં. જ્યારે એઝ્ઝા અને આઝમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયાં હતાં.

00000000000000000

ઓમાનમાં ટ્રેકિંગ કરતી વખતે ભારતીય મહિલાનું મોત

મસ્કતઃ ઓમાનના જિબિલ શામ્સ રિજિયનમાં ટ્રેકિંગ કરતી વખતે સર્જાયેલી દુર્ઘટનામાં મસ્કતમાં વસવાટ કરતી 50 વર્ષીય શારદા ઐયરનું નિધન થયું હતું. શારદા મૂળ કેરળના થઝાવાની વતની હતી. શારદા જાણીતા કૃષિ વિજ્ઞાની આર ડી ઐયર અને રોહિણી ઐયરની દીકરી અને મલયાલમ પ્લે બેક સિંગર ચિત્રા ઐયરની બહેન હતી. ઓમાન એરની પૂર્વ મેનેજર શારદા વાદી ઘુલમાં ટ્રેકિંગ અભિયાનમાં સામેલ થઇ હતી.

00000000000000000

દુબઇમાં ભારતીયને રૂપિયા 24 લાખની લોટરી લાગી

દુબઇઃ દુબઇમાં વસવાટ કરતા 57 વર્ષીય ભારતીયને રૂપિયા 24 લાખની લોટરી લાગી છે.  છેલ્લા 25 વર્ષથી યુએઇમાં રહેતો મૂળ કેરળનો બશીર કૈપુરથ છેલ્લા બે વર્ષથી લોટરીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યો હતો. તે દર મહિને લોટરીની ટિકિટ ખરીદતો હતો. તેને આશા હતી કે એક દિવસ તેનું ભાગ્ય તેને સાથ આપશે. તે આ નાણા ભારતમાં રહેતા તેના પરિવારને મોકલી આપશે જેથી તેમને મદદ થઇ શકે.

00000000000000000

સિંગાપોરની સંસદમાં ભારતીય મૂળના બેને નોમિનેટ કરાયાં

સિંગાપોરઃ સિંગાપોરમાં ભારતીય મૂળના બે વ્યક્તિને સમાજમાં યોગદાન માટે સંસદમાં નિયુક્ત કરાશે. સિંગાપોરના પ્રેસિડેન્ટ થર્મન શન્મુગરત્નમ દ્વારા સંસદમાં 9 નોમિનેટેડ સભ્યોના નામની જાહેરાત કરાઇ હતી જેમાં નેશનલ યુનિવર્સિટી પોલિક્લિનિક્સ ખાતે ફેમિલી ફિઝિશિયન તરીકે ફરજ બજાવતા ડો. હરેશ સિન્ગારાજુ અને યુનિયન ઓફ પબ્લિક એમ્પ્લોઇઝના જનરલ સેક્રેટરી સંજીવ કુમાર તિવારીનો સમાવેશ કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter