અર્જુન મોદીએ યુએસ સોશિયલ સિક્યુરિટીના ડેપ્યુટી કમિશ્નર પદનો કાર્યભાર સંભાળ્યો
વોશિંગ્ટન ડીસીઃ અર્જુન મોદીએ 5 જાન્યુઆરીના રોજ યુએસ સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી કમિશ્નરપદના શપથ ગ્રહણ કર્યાં હતાં. અર્જુન મોદી કરોડો અમેરિકનોને બેનિફિટ્સ આપતી એજન્સીના ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે ફરજ બજાવશે. 18 ડિસેમ્બર 2025ના રોજ યુએસ સેનેટે મોદીની નિયુક્તિને મંજૂરી આપી હતી. તેઓ આ હોદ્દા પર 19 જાન્યુઆરી 2031 સુધી રહેશે. નિયુક્તિ માટે પ્રમુખ ટ્રમ્પનો આભાર માનતા મોદીએ જણાવ્યું હતું કે, એસએસએમાં સેવાની તક આપવા માટે પ્રેસિડેન્ટ ટ્રમ્પનો આભાર. અમે દરેક અમેરિકન માટે સોશિયલ સિક્યુરિટીને મહાન બનાવીશું.
0000000
ન્યૂજર્સીની યુએસ કોંગ્રેસ બેઠકની ઉમેદવારીની રેસમાં ડો. ટીના શાહે ઝંપલાવ્યું
ન્યૂજર્સીઃ ભારતીય મૂળના અમેરિકન ફિઝિશિયન ડો. ટીના શાહે ન્યૂજર્સીના 7મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં ડેમોક્રેટિક ઉમેદવારીની રેસમાં ઝંપલાવ્યું છે. આ ડિસ્ટ્રિક્ટમાં ટિકિટ મેળવવાની રેસમાં તેઓ એકલા જ ભારતીય મૂળના છે. ટીના શાહે જણાવ્યું હતું કે, મારા અભિયાનને મળી રહેલા સમર્થનથી મને ગૌરવ છે. ન્યૂજર્સીની જનતા એવા નેતાને ઇચ્છે છે જેઓ નફા કરતાં પણ દર્દીઓને વધુ મહત્વ આપે છે. અમે કોઇ વિશેષ હિતો માટે નહીં પરંતુ પરિવારો માટે કામ કરવા માગીએ છીએ. જો ટીના શાહ ચૂંટાઇ આવશે તો તેઓ યુએસ કોંગ્રેસમાં ન્યૂજર્સીનું પ્રતિનિધિત્વ કરનારા પ્રથમ ભારતીય અમેરિકન બની રહેશે.
0000000
ગેંગસ્ટર અમન ભૈંસવાલને અમેરિકાથી ડિપોર્ટ કરી ભારત મોકલાયો
વોશિંગ્ટનઃ હરિયાણા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ આંતરરાષ્ટ્રીય સ્તર પર મોટી કાર્યવાહી કરતા સોનીપતના કુખ્યાત ગેંગસ્ટર અમન ભૈંસવાલને ભારત લાવવામાં સફળતા હાંસલ કરી છે. હિમાંશુ ભાઉ ગેંગના આ શાર્પશૂટરને ઇન્ટરપોલ અને ગૃહ મંત્રાલયના સહયોગથી અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યો છે. દિલ્હી એરપોર્ટ પર ઉતરતા જ STFની ટીમે તેની ધરપકડ કરી લીધી હતી. મૂળ સોનીપતના ભૈંસવાલ કલાન ગામના રહેવાસી અમન ભૈંસવાલ પર હત્યા અને ખંડણી સહિત 10થી વધુ ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અમને દિલ્હીના મયુર વિહાર વિસ્તારમાં 'અમન કુમાર'ના નામથી પાસપોર્ટ બનાવડાવ્યો હતો અને 2025માં ચકમો આપીને અમેરિકા ફરાર થઈ ગયો હતો. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ ગોહાના સદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને ઇન્ટરપોલ સાથે તેની માહિતી શેર કરી હતી.
0000000
શિકાગોમાં યુ વિઝા માટે ગુજરાતીએ ફેક રોબરી કરાવી
શિકાગોઃ શિકાગો નજીકના એક ટાઉનમાં યુ વિઝા માટે ફેક રોબરી કરાવનારા એક ગુજરાતીનો દાવ ઊંધો પડ્યો છે. આમ તો જે રોબરી સ્ટેજ કરવામાં આવી હતી તેમાં કોઈ ગફલત નહોતી થઈ પરંતુ પોલીસના એક સવાલના કારણે આખોય સીન બદલાઈ ગયો હતો અને ફેક રોબરીના વિક્ટિમને યુ વિઝા માટે એપ્લાય કરવાનું પડતું મૂકવું પડ્યું હતું. માહિતી અનુસાર એક સ્ટોરમાં કામ કરતા આ ગુજરાતીએ અસાયલમનો જે કેસ કર્યો હતો તેની હિયરિંગ જુલાઈની આસપાસ 2026થી શરૂ થવાની છે અને અસાયલમ મળવાના કોઈ ચાન્સ ના હોવાથી તેણે 2025માં એક ગેસ સ્ટેશન પર ફેક રોબરીની ગોઠવણ કરાવી હતી, હાલ આ કામ માટે ચાલીસેક હજાર ડોલર જેટલો ભાવ ચાલી રહ્યો છે અને શિકાગોના જ કેટલાક ગુજરાતીઓ હજુય આ ધંધો ચલાવે છે અને આવી મોટાભાગની રોબરી ગેસ સ્ટેશન્સ પર જ અને તે પણ એક જ પેટર્નથી થતી હોય છે.
0000000
આઇસીઇ એજન્ટ્સને રૂમ નહીં આપનારા ચાર ભારતીય અમેરિકન હોટેલ માલિક મુશ્કેલીમાં
મિનિયાપોલીસઃ આઇસીઇના એજન્ટ્સને પોતાની હોટેલમાં રૂમ ના આપનારા ચાર ભારતીય અમેરિકન મોટી મુસીબતમાં આવી ગયા છે. આ ચારેય પંજાબીઓ આમ તો અમેરિકન નાગરિક છે પરંતુ હવે તેમની નાગરિકતા પાછી ખેંચી લઈને તેમને ડિપોર્ટ કરવાની માગ થઈ રહી છે. હેમ્પટન ઈન નામની આ હોટેલને પરમજીત, અમનપ્રિત, કરનદીપ અને મોહિન્દરજીત કૌર નામનાં ચાર ઈન્ડિયન અમેરિકન્સે ગયા વર્ષે 15 મિલિયન ડોલરમાં ખરીદી હતી. હાલ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને મિનિયાપોલીસમાં બે હજાર જેટલા ફેડરલ એજન્ટ્સ મોકલી ઈલીગલ ઈમિગ્રન્ટ્સને પકડવા એકેએક ઘર ફેંદવાની જાહેરાત કરી છે ત્યારે આ ઓપરેશન શરૂ થાય તે પહેલા DHS દ્વારા એક લોકલ હોટેલમાં એજન્ટ્સ માટે કેટલાક રૂમ બુક કરવામાં આવ્યા હતા.જોકે, ઈન્ડિયન્સની માલિકીની આ હોટેલે ફેડરલ એજન્ટ્સનું બુકિંગ લેવાનો ઈનકાર કરી દેતા આ બાબતે જબરજસ્ત હોબાળો મચ્યો હતો. આ મુદ્દાને પોતાના પોડકાસ્ટમાં ચગાવતા કહ્યું છે કે આ ચારેય ઈન્ડિયન્સને ઘરભેગાં કરી દેવા જોઈએ.
0000000
નોર્થ કેરોલિનામાં સ્કૂલ પ્રિન્સિપાલ ક્રિના પટેલ શરાબના નશામાં કાર ચલાવતા ઝડપાઇ
નોર્થ કેરોલિનાઃ નોર્થ કેરોલિનામાં કબારસ કાઉન્ટીની મિડલ સ્કૂલના પ્રિન્સિપાલ ક્રિના પટેલ શરાબના નશામાં કાર ચલાવતા ઝડપાઇ જતાં પોલીસ દ્વારા તેમની ધરપકડ કરાઇ હતી. ક્રિના પટેલને કોર્ટ દ્વારા 2500 ડોલરના બોન્ડ પર મુક્ત કરાયાં હતાં પરંતુ સ્કૂલ દ્વારા તેમને રજા પર ઉતારી દેવાયાં છે. પોલીસના જણાવ્યા અનુસાર ક્રિના પટેલનું ડ્રાઇવિંગ શંકાસ્પદ લાગતાં પીછો કરીને અટકાવાયાં હતાં. શરાબના નશામાં હોવાનું જણાતા તેમની ધરપકડ કરાઇ હતી.
0000000
વર્જિનિયામાં ગેરકાયદેસર ગુજરાતીને નોકરી રાખવા માટે રાજેશ પટેલને સજા
વર્જિનિયાઃ વેસ્ટ વર્જિનિયામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટને નોકરી પર રાખવા માટે રાજેશ પટેલને 3 વર્ષ ફેડરલ પ્રોબેશન અને 10,000 ડોલર દંડની સજા કરાઇ છે. રાજેશ પટેલે તેમના સ્ટોરમાં આકાશ મકવાણા નામના ગેરકાયદેસર ગુજરાતી ઇમિગ્રન્ટને નોકરી પર રાખ્યો હતો. રાજેશે આકાશને ગ્રીન કાર્ડ માટે બનાવટી લગ્ન કરવામાં પણ મદદ કરી હતી. રાજેશ પટેલ ગ્રીનબ્રાયર કાઉન્ટીમાં સ્ટોર ચલાવે છે.
0000000
કેનેડાના ઇતિહાસની સૌથી મોટી સોનાની ચોરીના કેસમાં એક ભારતીયની ધરપકડ
ટોરોન્ટોઃ કેનેડાની પીલ રિજિયોનલ પોલીસે 20 મિલિયન ગોલ્ડ બારની ચોરીના કેસમાં ટોરોન્ટોના પિઅરસન ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી 43 વર્ષીય અર્સલાન ચૌધરીની ધરપકડ કરી હતી. કેનેડાના ઇતિહાસની આ સોનાની સૌથી મોટી ચોરી મનાય છે. ચૌધરી દુબઇથી કેનેડા પરત ફર્યો ત્યારે એરપોર્ટ પરથી જ તેની ધરપકડ કરાઇ હતી. પોલીસને આ મામલામાં અન્ય એક ભારતીય 33 વર્ષીય બ્રેમ્પટનના રહેવાસી સિમરન પ્રીત પાનેસરની પણ તલાશ છે જે ભારતમાં સંતાયો હોવાનું અનુમાન છે. પોલીસ અધિકારી નિશાન દુરૈઅપ્પાહે જણાવ્યું હતું કે, આરોપી ગમે ત્યાં સંતાયેલો હશે પરંતુ અમે તેને શોધી કાઢીશું.
0000000
કેનેડાના બ્રેમ્પટનમાં વાહન ચોરીમાં સંડોવાયેલા ભારતીય મૂળના 3ની ધરપકડ
ટોરન્ટોઃ કેનેડાના બ્રેમ્પટનમાં પોલીસે વાહન ચોરી કરતી ગેંગના ભારતીય મૂળના 3 કેનેડિયનની ધરપકડ કરી છે. કોમર્શિયલ ઓટો ક્રાઇમ બ્યુરોના અધિકારીઓએ તેમની પાસેથી ચોરી કરેલા 3 વાહન પણ જપ્ત કર્યાં હતાં. પોલીસે અમૃતપાલ ખટ્ટર, ગુરતાસ ભુલ્લર અને મનદીપ કૌર પર આરોપ ઘડતાં જણાવ્યું હતું કે, વાહનો અને ટ્રેક્ટર ટ્રેલરની ચોરીમાં સંડોવાયેલી ગેંગ સામે અમે ડિસેમ્બર 2025માં તપાસ શરૂ કરી હતી.
0000000
મિલિયનો ડોલરના ફ્રોડમાં સિંગાપોરમાં ભારતીય મહિલાને 10 વર્ષની કેદ
સિંગાપોરઃ વાયરકાર્ડ એજી સાથે સંકળાયેલ સિંગાપોર સ્થિત કંપની દ્વારા આચરાયેલા મિલિયનો ડોલરના ફ્રોડમાં બનાવટી દસ્તાવેજો તૈયાર કરવામાં સંડોવણી માટે ભારતીય મૂળની મહિલાને 10 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. સ્ટેટ કોર્ટ્સ દ્વારા 59 વર્ષીય આર. શંમુગરત્નમ અને જેમ્સ હેનરી ઓસુલિવાનને સજાની સુનાવણી કરાઇ હતી. સપ્ટેમ્બર 2025માં બંનેને દોષી ઠેરવાયાં હતાં. શંમુગરત્નમ સિંગાપોરની એકાઉન્ટિંગ કંપની સિટાડેલ કોર્પોરેટ સર્વિસના ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.
0000000
કતારમાં પૂર્વ ભારતીય નેવી ઓફિસર પુરનેન્દુ તિવારીની પુનઃ ધરપકડ
કતારઃ કતારમાં કોર્ટના આદેશ બાદ પૂર્વ ભારતીય નેવી ઓફિસર કમાન્ડર પુરનેન્દુ તિવારીની ફરી ધરપકડ કરાઇ છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી કતારમાં ચાલી રહેલા એક કેસના મામલામાં તિવારીની ગયા મહિને ફરી ધરપકડ કરાઇ હતી. તિવારીની સાથે અન્યોની પણ ધરપકડ કરાઇ છે પરંતુ તેઓ ભારતીય નથી. ભારતીય એમ્બેસી તિવારી અને તેમના પરિવાર સાથે સંપર્કમાં છે. મામલો કોર્ટમાં હોવાથી તેના પર વધુ ટિપ્પણી કરી શકાય નહીં. આ પહેલાં ઓગસ્ટ 2022માં તિવારી અને અન્ય 6 પૂર્વ ભારતીય નેવી ઓફિસરોની ધરપકડ કરાઇ હતી પરંતુ તેમના પર કયા આરોપ છે તેની કતારી સત્તાવાળા દ્વારા કોઇ જાહેરાત કરાઇ નહોતી.


