ટેનેસ્સીમાં 4.8 મિલિયન ડોલરના હેલ્થકેર કૌભાંડ માટે ભારતીય ડોક્ટર દોષી
મેમ્ફિસઃ અમેરિકાના ટેનેસ્સીના મેમ્ફિસમાં પ્રેકટિસ કરતા ભારતીય ગાયનેક ડો. સંજીવ કુમારને અદાલતે હેલ્થકેર ફ્રોડ સહિત 40 આરોપમાં દોષી ઠેરવ્યા છે. ભારતીય મૂળના ઓન્કોલોજિસ્ટ અને ગાયનેક સંજીવ કુમારને મેડિકલ ડિવાઇસમાં છેડછાડ કરવાના 18, મિસબ્રાન્ડિંગ કરવાના 16 અને હેલ્થકેર ફ્રોડના 6 આરોપમાં દોષી ઠેરવાયા છે. તેમણે દર્દીને જરૂર ન હોય તેમ છતાં વિવિધ પ્રોસિજર્સ કરીને બિલ બનાવ્યા હતા. મેડિકલ ડિવાઇસિસને યોગ્ય રીતે સેનિટાઇઝ કર્યા વિના જ પ્રોસિજર્સ કરી હતી. ડોક્ટરે સપ્ટેમ્બર 2019થી એપ્રિલ 2024ના ગાળામાં આ પ્રોસિજર્સ કરીને ટોટલ 41 મિલિયન ડોલરનાં બિલ બનાવ્યા હતા અને તેમાંથી તેમને મેડિકેર અને મેડિકેડ મારફતે 4.8 મિલિયન ડોલરની કમાણી થઈ હતી.
000000000000
ન્યૂજર્સીમાં પોતાના જ બે બાળકની હત્યા માટે ભારતીય મહિલાની ધરપકડ
ન્યૂજર્સીઃ અમેરિકાના ભારતીયોની મોટી વસતી ધરાવતા ન્યૂજર્સી સ્ટેટના હિલ્સબરો શેલ કોર્ટ વિસ્તારમાં બે બાળકોની હત્યા માટે ભારતીય મહિલા પ્રિયદર્શિની નટરાજનની ધરપકડ કરાઇ છે. પ્રિયદર્શિનીના મોટા દીકરાની ઉંમર 7 વર્ષ જ્યારે નાના દીકરાની ઉંમર પાંચ વર્ષ હતી. તેના પર ફર્સ્ટ ડિગ્રી મર્ડર અને ગેરકાયદે શસ્ત્ર રાખવાના આરોપ મૂકાયા છે. 13 જાન્યુઆરીની સાંજે પ્રિયદર્શિનીનો પતિ જોબ પરથી ઘેર આવ્યો ત્યારે બંને બાળકો બેહોશ પડ્યા હોવાની પોલીસને જાણ કરી હતી. પોલીસ પહોંચી ત્યારે બંને બાળકો મૃત અવસ્થામાં હતા.
000000000000
વર્જિનિયામાં ડ્રગ અને સેક્સ ટ્રાફિકિંગના આરોપસર ભારતીય દંપતીની ધરપકડ
વર્જિનિયાઃ અમેરિકાના વર્જિનિયામાં ડ્રગ અને સેક્સ ટ્રાફિકિંગના આરોપસર ભારતીય મૂળના દંપતી સહિત પાંચ વ્યક્તિની ધરપકડ કરાઇ હતી. 55 વર્ષીય તરૂણ શર્મા અને 52 વર્ષીય કોશા શર્મા તેમની રેડ કાર્પેટ ઇન મોટેલમાં અપરાધિક પ્રવૃત્તિ કરતા હતા. ફેડરલ અને લોકલ એજન્ટના દરોડા દરમિયાન સામે આવ્યું હતું કે આ દંપતી તેમની મોટેલના ત્રીજા માળનો ઉપયોગ ડ્રગના વેચાણ અને વેશ્યાવૃત્તિ માટે કરતું હતું. બંને મોટેલને લીઝ પર લઇને ચલાવી રહ્યાં હતાં. તેઓ આ અપરાધિક પ્રવૃત્તિમાંથી થતી આવકમાંથી હિસ્સો મેળવતા હતા.
000000000000
વર્જિનિયામાં પિનાકિન પટેલના હત્યારાને 33 વર્ષની કેદ
વર્જિનિયાઃ અમેરિકાના વર્જિનિયામાં એપ્રિલ 2025માં ગેસ સ્ટેશન ચલાવતા પિનાકિન પટેલની ગોળી મારી હત્યા કરનાર 21 વર્ષીય હત્યારા જેલિન લોવનને 33 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. હત્યારો સ્ટોરમાંથી સિગરેટ ચોરીને નાસી રહ્યો હતો ત્યારે તેને પકડવાનો પ્રયાસ કરનાર પિનાકિન પટેલ પર તેણે આડેધડ ગોળીબાર કરી દીધો હતો. પિનાકિન પટેલ મૂળ ગુજરાતના વડોદરાના વતની હતા.
000000000000
નોર્થ કેરોલિનામાં દંપતીનું મોત, ભારતીય સમુદાયે સંતાનો માટે 6.20 લાખ ડોલરની મદદ એકઠી કરી
મેરીલેન્ડઃ અમેરિકાના મેરીલેન્ડમાં 4 જાન્યુઆરીના રોજ સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા ભારતીય દંપતીના સંતાનોનું ભવિષ્ય સુરક્ષિત કરવા અમેરિકામાં રહેતા ભારતીય સમુદાય દ્વારા 6.20 લાખ કરતાં વધુ ડોલરનું ભંડોળ એકઠું કરાયું છે. બે દિવસમાં જ ક્રાઉડ ફન્ડિંગ દ્વારા ભારતીય સખાવતીઓએ ઉદારતાથી હાથ લંબાવ્યો હતો. નોર્થ કેરોલિનામાં આશા ખન્ના અને ક્રિશ્ના કિશોર બાળકો સાથે કારમાં જતા હતા ત્યારે શરાબના નશામાં એક વ્યક્તિએ તેમની સાથે અકસ્માત સર્જ્યો હતો. હાલ તેમના બંને બાળકો આઇસીયુમાં સારવાર હેઠળ છે.
000000000000
ફ્લોરિડામાં મહિલાની જાતીય સતામણી માટે ગુજરાતીની ધરપકડ
પામ બીચ કાઉન્ટીઃ ફ્લોરિડામાં મિલન પટેલ નામના એક ગુજરાતીની જાતીય સતામણીના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે, પામ બીચ કાઉન્ટી શેરિફ ઓફિસ અનુસાર મિલન પર જેની સતામણી કરવાનો આરોપ છે તે વિક્ટિમ એક એડલ્ટ છે અને મિલનને ચાલુ સપ્તાહમાં જ અરેસ્ટ કરવામાં આવ્યો હતો. તેની ધરપકડનો રેકોર્ડ જાન્યુઆરી 14ના રોજ સવારે 10 વાગ્યે જાહેર કરવામાં આવ્યો હતો, તેમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે આ કથિત સતામણીમાં કોઈ ફિઝિકલ ફોર્સ મતલબ કે જોરજબરજસ્તી અથવા હિંસા નહોતી થઈ. અરેસ્ટ રેકોર્ડમાં મિલનને વ્હાઈટ મેલ તરીકે દર્શાવાયો છે, પરંતુ પોલીસે તેની ઉંમર નથી જણાવી. આરોપીએ કથિત જાતીય સતામણી કયા સંજોગોમાં કરી હતી અને વિક્ટિમ તેને જાણતી હતી કે કેમ તેનો કોઈ ઉલ્લેખ ના કરવાની સાથે આ કથિત ઘટના ક્યાં બની હતી તે પણ નથી જણાવાયું. શેરિફ ઓફિસે હાલ એવી પણ સ્પષ્ટતા નથી કરી કે આગામી દિવસોમાં મિલન પર કોઈ વધારાના ચાર્જિસ લગાવાશે કે પછી હાલ તેની સામેની તપાસ ચાલુ છે કે નહીં.
000000000000
કેનેડામાં ગેસ સ્ટેશન પર લૂટના આરોપસર પાંચ ગુજરાતીની ધરપકડ
ટોરોન્ટોઃ કેનેડાના ઇલ્ડર્ટન ટાઉનમાં એક ગેસ સ્ટેશનમાં લૂટ ચલાવવાના આરોપસર પાંચ ગુજરાતીઓ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર દેવાંગ પટેલ, યોગેશ પટેલ, ભાવીન પટેલ, મિતુલ પટેલ અને રિકી પટેલ નામના પાંચ લોકોની આ કેસમાં ધરપકડ કરાઈ છે. આરોપીઓની ઉંમર 45 વર્ષથી લઈને 29 વર્ષની છે અને તમામ ટોરોન્ટોના રહેવાસી છે. તેમના પર રોબરી અને જાણીજોઈને પાંચ હજાર ડોલરથી ઓછું નુક્સાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પાંચેય કથિત લૂંટારા ક્રાઈમ સીન પરથી જ પકડાઈ ગયા હતા અને મુદ્દામાલ પણ તેમની કારમાંથી મળી આવ્યો હતો. ધરપકડ બાદ તેમને કોર્ટમાં હાજર રહેવાની શરતે જેલમાંથી છોડી મૂકાયા હતા, તેમને ફેબ્રુઆરી 26ના રોજ કોર્ટમાં હાજર રહેવાનું છે.
000000000000
સિંગાપોરની સંસદમાં જુઠ્ઠાણા માટે વિપક્ષના નેતા પ્રીતમસિંહની હકાલપટ્ટી
સિંગાપોર : સિંગાપોરમાં પંજાબી મૂળના વિપક્ષી નેતા પ્રીતમસિંહને વડાપ્રધાન લોરેન્સ વોંગે વિપક્ષી નેતા પદેથી દૂર કર્યા છે. પ્રીતમસિંહ ઉપર એવો આક્ષેપ છે કે, તેમણે ૧૪મી જાન્યુઆરીએ સંસદીય સમિતી સમક્ષ આપેલી જુબાનીમાં ખોટું બોલ્યા હતા.વડાપ્રધાન વોંગે જણાવ્યું હતું કે, સિંહનું કૃત્ય સંસદની ગરિમા અને પ્રતિષ્ઠા પર કલંકસમાન હોઇ તેમને આ પદ પર રહેવાનો કોઇ અધિકાર નથી. સિંહની હકાલપટ્ટી માટે સંસદમાં મતદાન યોજાયું હતું. પ્રીતમસિંહનો જન્મ અને અભ્યાસ સિંગાપુરમાં જ થયા પછી કીંગ્સ કોલેજ, લંડનમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવ્યા પછી વકીલ થયા, રાજનીતિમાં જોડાયા. ૨૦૧૮માં વર્કર્સ પાર્ટીના મહામંત્રી બન્યા ૨૦૨૦માં તેઓ સંસદમાં 'નેતા વિપક્ષ' બન્યા હતા.
000000000000
થાઇલેન્ડના મ્યુઝિક કાર્નિવલમાં ભારતીયનું રહસ્યમય સંજોગોમાં મોત
ફુકેતઃ થાઇલેન્ડના ફુકેતમાં ઇલેક્ટ્રિક ડેઇઝી કાર્નિવલમાં 28 વર્ષીય ભારતીય જયસક્ષમનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. પોલીસે ઉંડાણપુર્વકની ફોરેન્સિક ચકાસણી સાથે મોતનું રહસ્ય ઉકેલવા તપાસ શરૂ કરી છે. જયસક્ષમ આ ઇવેન્ટમાં ભાગ લઇને આવ્યો ત્યારબાદ ચિંતાજનક વર્તન કરી રહ્યો હતો તેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકના શરીર પર કોઇ પ્રકારની ઇજા કે ઘા જોવા મળ્યા નહોતા. આ મ્યુઝિક કાર્નિવલમાં ભાગ લેવા દેશ-વિદેશમાંથી હજારો લોકો પહોંચે છે.
000000000000
ઇટાલીમાં ભારતીય યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત
ઇટાલીઃ સારા ભવિષ્યની તલાશમાં ચાર મહિના પહેલાં ઇટાલી ગયેલો પંજાબનો 24 વર્ષીય ટ્વિન્કલ રંધાવારહસ્યમય સંજોગોમાં મૃત અવસ્થામાં મળી આવતાં ભારત સ્થિત તેના પરિવારે સરકાર પાસે મદદ અને તપાસની માગ કરી છે. ટ્વિન્કલને ઇટાલી મોકલવા માટે તેના ગરીબ માતાપિતાએ લોન લીધી હતી. આ પહેલાં તે એક વર્ષ માટે દુબઇમાં રહ્યો હતો.
000000000000


