સિંગાપોરમાં ટ્રી લેડી તરીકે પ્રખ્યાત કિર્તિદા મેકાનીનું 66 વર્ષની વયે નિધન
સિંગાપોરઃ ભારતના મૂળ કર્ણાટકના અને સિંગાપોરમાં પર્યાવરણની જાળવણી, સમાજ સેવા અને સાંસ્કૃતિક વારસાની જાળવણીમાં મહત્વનું યોગદાન આપનાર કિર્તિદા મેકાનીનું હાર્ટ એટેકના કારણે 66 વર્ષની વયે નિધન થયું હતું. પર્યાવરણ ક્ષેત્રે મહત્વના યોગદાન માટે કિર્તિદાને સિંગાપોરના પ્રેસિડેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયાં હતાં. વર્ષ 2024ના સિંગાપોર વિમેન્સ હોલ ઓફ ફેમમાં પણ તેમને સ્થાન અપાયું હતું. મેકાનીએ સિંગાપોરમાં હરિયાળી વધારવા, કોમ્યુનિટી ગાર્ડન, શૈક્ષણિક સંસ્થાનો અને કલ્ચરલ લેન્ડમાર્ક્સ માટે પ્રભાવિત કરનારી કામગીરી કરી હતી. તેઓ સિંગાપોરમાં ટ્રી લેડી તરીકે પ્રખ્યાત હતા.
00000000000000000
ઓસ્ટ્રેલિયાના સ્ટેટ ઇલેક્શનમાં લિબરલ પાર્ટીએ બલદેવ સિંહને ઉમેદવાર બનાવ્યા
સિડનીઃ મૂળ ભારતના પંજાબના બલદેવ સિંહને ઓસ્ટ્રેલિયામાં લિબરલ પાર્ટી દ્વારા 2026માં યોજાનારા સ્ટેટ ઇલેક્શનમાં લિબરલ પાર્ટી દ્વારા સાઉથ ઓસ્ટ્રેલિયન સ્ટેટની જાયલ્સ સીટ પરથી ઉમેદવાર બનાવાયા છે. લુધિયાણામાંથી ધોરણ 12 પાસ કરી જિંદગીની સફર શરૂ કરનારા બલદેવ સિંહની જર્ની એક કોમન મેનની સક્સેસ સ્ટોરી ગણી શકાય. તેમણે જણાવ્યું હતું કે, હું 2008માં સ્ટડી વિઝા પર મારી પત્ની સાથે ઓસ્ટ્રેલિયા આવ્યો હતો. શરૂઆતમાં હું ટેક્સી ડ્રાઇવર તરીકે કામ કરતો હતો પછી મને એજ ટેક્સી કંપનીમાં મેનેજર બનાવવામાં આવ્યો હતો. આજે હું આ કંપનીની માલિકી ધરાવું છું. હાલ બલદેવ સિંહ સાઉથ ઓસ્ટ્રેલિયામાં પોર્ટ ઓગસ્ટા સિટી કાઉન્સિલના કાઉન્સિલર છે.
00000000000000000
વર્જિનિયામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટને નોકરી રાખનાર ગુજરાતી દંપતી જેલ ભેગું
વર્જિનિયાઃ અમેરિકામાં સ્ટોર ચલાવતા એક ગુજરાતી કપલને ઈલીગલ ઈમિગ્રન્ટને જોબ પર રાખવાનું ભારે પડ્યું છે, વેસ્ટ વર્જિનિયાના આ કેસમાં પોતાનો ગુનો કબૂલ કરનારા પતિ બાદ હવે પત્નીને પણ કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી છે. રાજેશ પટેલ અને તેમના પત્ની અવની પટેલે નવેમ્બર 2020થી સપ્ટેમ્બર 2024 સુધી આકાશ મકવાણા નામના એક ગુજરાતીને પોતાને ત્યાં જોબ પર રાખ્યો હતો, આકાશ J1 વિઝા પર અમેરિકા આવીને ઓવરસ્ટે થઈ ગયો હતો અને તેણે રાજેશ પટેલના સ્ટોર પર કેશમાં જોબ શરૂ કરી હતી. પોતાના ઈલીગલ એમ્પ્લોઈને રોકડામાં પગાર આપી રાજેશ પટેલે ટેક્સમાં ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી હતી. આ ગુનામાં તેમને કોર્ટે ત્રણ વર્ષના ફેડરલ પ્રોબેશન અને દસ હજાર ડોલરના દંડની સજા કરી હતી જ્યારે તેમના પત્નીને જાન્યુઆરી 13ના રોજ છ મહિનાના ફેડરલ પ્રોબેશનની સજા કરાઈ હતી. ઈલીગલ એલિયનને જોબ પર રાખવા બદલ કોઈ ગુજરાતી કપલ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હોય તેવો તાજેતરનો કદાચ આ પહેલો કેસ છે.
00000000000000000
બોસ્ટનમાં ઉર્વિશ પટેલે વૃદ્ધ સાથે પાંચ લાખ ડોલરની ઠગાઇ કરી
બોસ્ટનઃ અમેરિકાના બોસ્ટનમાં એક સીનિયર સિટિઝન સાથે પાંચ લાખ ડોલરની ઠગાઇ કરવાના મામલામાં ઉર્વિશ પટેલ નામના ગુજરાતીએ અપરાધ કબૂલી લીધો છે. 23 વર્ષીય ઉર્વિશ પટેલ પર 75 વર્ષીય વૃદ્ધ પાસેથી આ રકમ વાયર ફ્રોડ દ્વારા પડાવી લેવાનો આરોપ હતો. ઉર્વિશે પીડિત વૃદ્ધ સાથે સાયબર ફ્રોડ કરીને આ નાણા પડાવ્યા હતા.
00000000000000000
અમેરિકાથી રશિયામાં પ્રતિબંધિત વસ્તુઓ નિકાસ કરવા માટે ભારતીયને અઢી વર્ષની કેદ
ઓરેગોનઃ અમેરિકાના ઓરેગોનથી રશિયાને પ્રતિબંધિત એવિએશન કોમ્પોનન્ટ્સની નિકાસ કરવા માટે 58 વર્ષીય ભારતીય સંજય કૌશિકને અઢી વર્ષ કેદની સજા ફટકારાઇ છે. અદાલતે સજાની સુનાવણી કરતાં જણાવ્યું હતું કે સંજય કૌશિકના કૃત્યો જાણીજોઇને નફો કરવા માટેના હતાં. તે પ્રતિબંધિત રશિયન કંપનીઓને એવિએશન કોમ્પોનન્ટ્સ સપ્લાય કરતો હતો. તેણે પોતાના અંગત લાભ માટે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સાથે ચેડાં કર્યાં હતાં.
00000000000000000
54મા રાષ્ટ્રીય દિવસ નિમિત્તે યુએઇ 900 ભારતીય કેદીઓને મુક્ત કરશે
અબુધાબીઃ ભારત અને યુએઇ વચ્ચેના ગાઢ સંબંધને વધુ મજબૂત બનાવતા યુએઇએ 900 કરતાં વધુ ભારતીય કેદીઓને મુક્ત કરવાની જાહેરાત કરી છે. યુએઇના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝેદ અલ નાહ્યાને માનવતાના આધારે માફી આપતાં મુક્ત કરાનારા ભારતીય કેદીઓની યાદી અબુધાબી સ્થિત ભારતીય એમ્બેસીને સોંપવામાં આવી છે. યુએઇના 54મા રાષ્ટ્રીય દિવસ નિમિત્તે પ્રમુખ દ્વારા 3000 કેદીઓને માફી અપાઇ છે જેમાં ભારતીય કેદીઓની સંખ્યા નોંધપાત્ર છે.
00000000000000000
ફ્રાન્સે જપ્ત કરેલા ઓઇલ ટેન્કરનો કેપ્ટેન ભારતીય
પેરિસઃ ફ્રાન્સની નેવીએ ગયા સપ્તાહમાં ભૂમધ્ય સમુદ્રમાંથી એક ઓઇલ ટેન્કર જપ્ત કર્યું હતું. રશિયા પરના આર્થિક પ્રતિબંધોના ઉલ્લંઘનના આરોપસર આ જહાજને જપ્ત કરાયું હતું. આ જહાજનો કેપ્ટેન ભારતીય હોવાના અહેવાલ સામે આવ્યાં છે. કેપ્ટેનને જ્યુડિશિયલ સત્તાવાળાઓને સોંપાયો છે. જહાજના ક્રુ મેમ્બર્સ પણ ભારતીય છે અને તેમને હાલ જહાજ પર જ અટકાયતમાં રખાયાં છે. આ જહાજ રશિયાના શેડો ફ્લીટનો હિસ્સો હોવાનું મનાય છે.


