પાર્સલ કાંડઃ ફ્લોરિડામાં ગેરકાયદેસર રહેતા અથર્વ સથાવણેને 18 વર્ષની કેદ
ટેમ્પાઃ અમેરિકાના ફ્લોરિડા સ્ટેટના ટેમ્પા ખાતે રહેતા 23 વર્ષીય ભારતીય અથર્વ સથાવણેને વાયર ફ્રોડ અને મની લોન્ડરિંગ માટે 18 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. અથર્વ સથાવણે અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતો હતો. અદાલતે અથર્વના વાયર ફ્રોડનો ભોગ બનેલા પીડિતને 43,56,691 ડોલર પરત કરવા માટે પણ આદેશ આપ્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે જેલની સજા પૂરી થયે અથર્વને અમેરિકામાંથી દેશનિકાલ કરી દેવામાં આવે. તે સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા આવ્યો હતો અને વિઝાની મુદત પૂરી થવા છતાં અમેરિકા છોડ્યો નહોતો. ધરપકડ સમયે તેની પાસે કોઇ લીગલ સ્ટેટસ નહોતું.
0000000000000000000000000
અમેરિકાના ડલાસમાં ગુજરાતીની માલિકીના તિલક જ્વેલર્સ પર પોલીસનો દરોડો
ડલાસઃ અમેરિકાના ડલાસના અરવિંગમાં ગુજરાતી અજય સોનીની માલિકીના તિલક જ્વેલર્સ પર દરોડો પાડી બે ગુજરાતી તિથિ પટેલ અને નીરવ સોનીની ધરપકડ કરી હતી. આ સ્ટોરમાં ચોરીનું સોનુ વેચાતું હોવાની શંકાના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. અમેરિકામાં પાર્સલ કાંડમાં સીનિયર સિટિઝન્સને ફસાવીને તેમની પાસેથી સોનુ પડાવવામાં આવે છે. આ સોનુ ખરીદીને વેચવાના મામલામાં આ જ્વેલરી સ્ટોર પર રેડ પાડવામાં આવી હતી. ડલાસમાં તિલક જ્વેલર્સ જાણીતું નામ છે અને લાખો ડોલરનું ટર્નઓવર ધરાવે છે. આ શો રૂમમાં વેચાતા દાગીના ચોરીના સોનામાંથી બનાવવામાં આવે છે તેવો આરોપ મૂકાયો છે. તિથિ પટેલ અને નીરવ સોનીને 4-4 મિલિયન પાઉન્ડના બોન્ડ પર મૂકવામાં આવ્યા છે.
0000000000000000000000000
જ્યોર્જિયામાં પત્ની સહિત 4ની હત્યા કરનાર ઐયાશ વિજયનું ગુજરાતી યુવતી સાથે લફરૂં હતું
એટલાન્ટાઃ અમેરિકાના જ્યોર્જિયામાં પત્ની અને સાળા સહિત 4 વ્યક્તિની ગોળી મારી હત્યા કરનાર મૂળ પંજાબનો વિજય કુમાર ઐયાશ હતો અને એક ગુજરાતી યુવતી સાથે 3 વર્ષ સુધી લગ્નેતર સંબંધ ધરાવતો હતો. આ ડિવોર્સી યુવતી વિઝિટર વિઝા પર અમેરિકા પહોંચી હતી અને ઓવર સ્ટે થઇ વિજયના હાથ નીચે જ કામ કરતી હતી. મિલિયોનર વિજય ઐયાશીમાં જીવન બરબાદ કરી ચૂક્યો છે. વિજયની પત્નીને આ અફેરની જાણ થતાં તેમની વચ્ચે અવારનવાર ઝગડા થતા હતા.
0000000000000000000000000
કેન્ટકીમાં મહિલા કર્મચારીની જાતીય સતામણી માટે ગુજરાતી બિઝનેસ માલિક જેલભેગો
કેન્ટકીઃ અમેરિકાના કેન્ટકીમાં મહિલા કર્મચારીને પગાર નહીં ચૂકવવાના મામલે વિકાસ પટેલ નામના ગુજરાતી બિઝનેસ માલિકને જેલભેગો કરી દેવાયો છે. મહિલાએ વિકાસ પર જાતીય સતામણીના પણ આરોપ મૂક્યા હતા. વિકાસે પીડિત મહિલાને રહેવા માટે એક એપાર્ટમેન્ટ ભાડે અપાવ્યો હતો પરંતુ ત્યારબાદ તેને પગાર ચૂકવવાનો બંધ કરી દીધો હતો. તે ઉપરાંત તે અવારનવાર મહિલાની સાથે અભદ્ર વર્તન કરી રહ્યો હતો. વિકાસ સામે અન્ય એક મહિલાએ પણ આજ પ્રકારની ફરિયાદ નોંધાવી હતી.
0000000000000000000000000
અમેરિકામાં ફાંદેબાજીના રવાડે ચડેલા બે ગુજરાતી યુવકને ડિપોર્ટ કરાશે
ન્યૂયોર્કઃ અમેરિકામાં હરામની કમાણીથી શોબાજી કરવાના રવાડે ચઢી ગયેલા બે ગુજરાતી છોકરાને હવે ડિપોર્ટ કરાય તેવી શક્યતા છે. તેજસ પટેલ અને નવ્ય ભટ્ટ પર મની લોન્ડરિંગને લગતા ત્રણ ચાર્જિસ લગાવવામાં આવ્યા છે, તેમના પર મિશિગન, પેન્સિલવેનિયા અને ઓહાયોમાંથી ડઝનબંધ લોકો સાથે ફ્રોડ કરી લાખો ડોલર્સ પડાવવાનો આરોપ છે. તેજસ ભૂપેન્દ્ર પટેલ અને નવ્ય ઉમેશ ભટ્ટ એક મોટા સ્કેમમાં સામેલ હોવાનું FBIએ જણાવ્યું છે જેમાં પેપાલ સ્કીમ્સ, માઈક્રોસોફ્ટ કમ્પ્યુટર ફિક્સ અને બિટકોઈન સ્કીમમાં લોકો પાસેથી પૈસા તેમજ ગોલ્ડ પડાવવામાં આવતા હતા. આ બંને જાન્યુઆરી 30ના રોજ કોર્ટ સમક્ષ હાજર થયા હતા, તેજસને ફેબ્રુઆરી 06ના રોજ ફરી કોર્ટમાં હાજર થવાનું છે જ્યારે નવ્ય ભટ્ટને કદાચ ડિપોર્ટ કરી દેવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.
0000000000000000000000000
કેનેડાના સરીમાં ગોળીબાર કરનાર પાંચ ભારતીયની ધરપકડ
સરીઃ કેનેડાના બ્રિટિશ કોલમ્બિયા પ્રોવિન્સના સરીમાં ખંડણી માટે ગોળીબાર કરનાર 20 વર્ષીય હરદીપસિંહ અને 21 વર્ષીય હંસપ્રીતસિંહની ધરપકડ કરાઇ હતી. સરીના મેયરે આ બંનેને દેશનિકાલ કરવા ફેડરલ ગવર્મેન્ટને અપીલ કરી છે. પોલીસે ધરપકડ કરી ત્યારે બંનેની કારમાંથી લોડેડ હેન્ડગન મળી આવી હતી. ગોળીબાર થયાની જાણ થયા બાદ પોલીસે શંકાના આધારે બંનેની કારને અટકાવી હતી અને તપાસ કરતાં હેન્ડગન મળી હતી. વધુ તપાસમાં પોલીસ દ્વારા એક સગીર સહિત વધુ 3 ભારતીયની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ઝડપી લીધેલા હરજોતસિંહ, તનવીરસિંહ અને દયાજિત બિલિંગ પર ખંડણી માટે ગોળીબાર કરવાના આરોપ મૂક્યા હતા. આ ત્રણે વિદેશી નાગરિક હોવાથી તપાસમાં કેનેડા બોર્ડર સર્વિસ એજન્સી પણ સામેલ થઇ છે.
0000000000000000000000000
ટોરોન્ટોમાં યુવતીઓનું નોકરીના બહાને જાતીય શોષણ કરતા ભારતીય કેનેડિયનની ધરપકડ
ટોરોન્ટોઃ કેનેડાના ગ્રેટર ટોરોન્ટો એરિયામાં રહેતા ભારતીય કેનેડિયન પર કેનેડામાં આવતી યુવતીઓનું નોકરી અપાવવાના બહાને જાતીય શોષણ કરવાનો આરોપ મૂકાયો છે. હોલ્ટન રિજિયોનલ પોલીસ સર્વિસે બ્રેમ્પટનમાં રહેતા તેજિન્દર ધાલિવાલની ધરપકડ કરી છે. ધાલિવાલ ઓનલાઇન નોકરીની જાહેરાત મૂકી નોકરી મેળવવા ઇચ્છતી મહિલાઓનું શોષણ કરતો હતો. પોલીસનું માનવું છે કે ધાલિવાલ કેનેડામાં નવી આવતી યુવતીઓને જ ટાર્ગેટ કરતો હતો. નોકરીના ઇન્ટર્વ્યુના બહાને તે એક યુવતીને સૂમસામ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં લઇ ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
0000000000000000000000000
ઓસ્ટ્રેલિયામાં નકલી સોલિસિટર બનનાર ભારતીય વિદ્યાર્થીને બે વર્ષની કેદ
સિડનીઃ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ઉબેર ડ્રાઇવર તરીકે કામ કરતા 28 વર્ષીય ભારતીયને પોતાને સોલિસિટર તરીકે રજૂ કરવા માટે બે વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. તેના પર એક પ્રોપર્ટી બાયર સાથે 2,09,000 ઓસ્ટ્રેલિયન ડોલરનું ફ્રોડ કરવાનો પણ આરોપ મૂકાયો હતો. ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝા પર ગયેલો પ્રદીપ પ્રદીપ ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં અભ્યાસ કરતો હતો. લીવરપૂલ લોકલ કોર્ટમાં છેતરપિંડી દ્વારા પ્રોપર્ટી મેળવવાના આરોપસર પ્રદીપને દોષી ઠેરવાયો હતો. તેની સજા પૂરી થયે તેને ઓસ્ટ્રેલિયામાંથી દેશનિકાલ કરાશે.
0000000000000000000000000


