એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ

Tuesday 17th February 2026 11:04 EST
 
 

કેલિફોર્નિયામાં નવ ફેબ્રુઆરીથી ગુમ ભારતીય વિદ્યાર્થી સાકેતનો મૃતદેહ મળ્યો

કેલિફોર્નિયાઃ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા વધુ એક ભારતીય વિદ્યાર્થીના મોતના સમાચારથી શોકની લહેર પ્રસરી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુમ થયેલા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયાનો મૃતદેહ મળી આવ્યો છે. સાન ફ્રાન્સિસ્કોમાં સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે આ દુઃખદ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે. મૃતક સાકેત મૂળ કર્ણાટકનો વતની હતો અને અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલેમાં પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કરી રહ્યો હતો. સાકેત શ્રીનિવાસૈયા ગત 9 ફેબ્રુઆરીથી ગુમ થયો હતો. તપાસ દરમિયાન કેલિફોર્નિયાના પાર્ક હિલ્સ વિસ્તારમાં એક ઘરના દરવાજેથી સાકેતની બેગ મળી આવી હતી. આ બેગમાંથી તેનો પાસપોર્ટ અને લેપટોપ મળી આવ્યા હતા હાલમાં તેના મૃતદેહને ભારત લાવવાની પ્રક્રિયા અને મોતનું સચોટ કારણ જાણવા માટે તપાસ તેજ કરાઈ રહી છે. સાકેત અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થી હતો. તેણે ભારતની ટોચની સંસ્થા આઈઆઈટી મદ્રાસ (ચેન્નાઈ)થી કેમિકલ એન્જિનિયરિંગમાં બી.ટેકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તે માસ્ટર ઓફ સાયન્સ (એમએસ)પ્રોગ્રામ માટે અમેરિકા ગયો હતો.

0000000000000000000000

ન્યૂજર્સીમાં 19 કિલો અફીણના ડોડા સાથે બે ભારતીય નાગરિકની ધરપકડ

ન્યૂજર્સીઃ અમેરિકાના ન્યૂજર્સીમાં બે ભારતીય નાગરિક પાસેથી 19 કિલોગ્રામ મોર્ફિન ધરાવતા અફીણના ડોડા મળી આવતા ધરપકડ કરાઇ હતી. 29 વર્ષીય કરણજિત સિંહ અને 25 વર્ષીય જગરૂપ સિંહે બર્જન કાઉન્ટી સ્થિત તેમના મકાનમાં આ માદક દ્રવ્ય સંતાડ્યું હતું. તેમણે નેધરલેન્ડથી દાણચોરી દ્વારા માદક દ્રવ્ય અમેરિકામાં પહોંચાડ્યું હતું. બંનેને દેશનિકાલ કરવાની પ્રક્રિયાનો આઇસીએ દ્વારા પ્રારંભ કરી દેવાયો છે કારણ કે તેઓ અમેરિકન નાગરિક પણ નથી.

0000000000000000000000

ન્યૂજર્સીમાં સગીરા પર સેક્સ્યુઅલ એસોલ્ટના આરોપસર ભારતીય મૂળના યુવકની ધરપકડ

ન્યૂજર્સીઃ સગીરા પર સેક્સ્યુઅલ એસોલ્ટ, શોપ લિફ્ટિંગ અને પબ્લિક ડિસઓર્ડર સહિતના આરોપસર યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે ભારતીય મૂળના વોડેલા યશસ્વી કોટ્ટાપલ્લીની અટકાયત કરી છે. તેના પર 13 વર્ષથી નાના બાળક પર સેક્સ્યુઅલ એસોલ્ટનો આરોપ મૂકાયો છે. આઇસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વોડેલા અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતો અપરાધી છે. તેને દેશનિકાલ ન કરાય ત્યાં સુધી કસ્ટડીમાં રખાશે.

0000000000000000000000

નોર્થ કેરોલિનાની ગુજરાતીની મોટેલ પર મહિલાનો દેહ વ્યાપાર કરાવવાનો આરોપ

શાર્લોટ સિટીઃ અમેરિકાના નોર્થ કેરોલિનાના શાર્લોટ સિટી સ્થિત ગુજરાતીની માલિકીની મોટેલ પર એક યુવતીએ દેહવ્યાપાર કરાવવાના ગંભીર આરોપ સાથે કાનૂની ખટલો માંડ્યો છે. તેનો આરોપ છે કે હું સગીર હતી ત્યારે મોટેલમાં મારી પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવતો હતો. ક્વોલિટી ઇન નામની આ મોટેલના માલિક ચંદ્રેશ પટેલ નામના ગુજરાતી છે. ફરિયાદી યુવતી 2014માં 14 વર્ષ હતી ત્યારે તેને શાર્લટ શહેરની અલગ-અલગ હોટેલ્સમાં રાખીને તેને લોકો સાથે સૂવા માટે મજબૂર કરવામાં આવી હતી. લૉસ્યૂટમાં જણાવાયેલી વિગતો અનુસાર ચંદ્રેશ પટેલની જે મોટેલ સામે ફરિયાદીએ આક્ષેપ કર્યા છે તે ક્વીન સિટી ડ્રાઈવ પર આવેલી છે.

0000000000000000000000

અમેરિકાના મિસુરીમાં ચાર ગુજરાતી બિઝનેસ માલિક પર ગેરકાયદે જુગાર રમાડવાનો આરોપ

મિસુરીઃ અમેરિકાના મિસુરી સ્ટેટમાં ગેરકાયદેસર ગેમિંગ મશીન ચલાવતા ચાર ગુજરાતી બિઝનેસ માલિક સામે જુગારને પ્રોત્સાહન આપવાનો ફેલોની ચાર્જ લગાવાયો છે. ડંકલિન કાઉન્ટી પ્રોસેક્યુટર એટર્ની નિકોલસ જૈન દ્વારા જે ચાર ગુજરાતીઓને આરોપી બનાવાયા છે તેમાં જનક કિકાણી, પ્રણવ કોશિયા, પ્રેરક પટેલ અને સંદીપ પટેલનો સમાવેશ થાય છે. મિસુરી એટર્ની જનરલ ઓફિસના જણાવ્યા અનુસાર કાઉન્ટીના કેનેટ અને મોલ્ડનમાં આવેલા કુલ પાંચ બિઝનેસ પર પણ કેસ ફાઈલ કર્યો છે, આ તમામ સ્ટોર્સમાં વિડીયો લોટરી ટર્મિનલ્સ ઉપરાંત ફિશિંગ ટેબલ ગેમ્સ ચાલતી હતી. જે સ્ટોર્સમાંથી ગેમિંગ મશીન્સ પકડાયા છે તેમના પર ફાઈલ કરાયેલા લૉસ્યૂટ્સમાં સિવિલ પેનલ્ટી અને ગેમ્બલિંગને કાયમ માટે બંધ કરી દેવાની માગ કરાઈ છે.

0000000000000000000000

કેનેડામાં અકસ્માતમાં વિન્ટર ઓલિમ્પિક ખેલાડીના મોત માટે ભારતીય કેનેડિયન ટ્રક ડ્રાઇવર દોષી

ઓન્ટારિયોઃ ઓગસ્ટ 2023 કેનેડાના વિન્ટર ઓલિમ્પિક ખેલાડીના એક અકસ્માતમાં મોત માટે ભારતીય કેનેડિયન ટ્રક ડ્રાઇવરને દોષી ઠેરવાયો છે. 31 વર્ષીય સુખવિન્દર સિદ્ધુએ ઓન્ટારિયોના મેલાન્કથોન ટાઉનમાં થયેલા અકસ્માતની જવાબદારી સ્વીકારી હતી જેમાં વિન્ટર ઓલિમ્પિક ખેલાડી એલેક્ઝાન્ડ્રા પોલનું મોત થયું હતું. આ અકસ્માતમાં ઘણા લોકોને ઇજા પણ પહોંચી હતી. સિદ્ધુનો ટ્રક એક કન્સ્ટ્રક્શન ઝોનમાં ઘૂસી ગયો હતો અને પાર્ક કરેલા સંખ્યાબંધ વાહનો સાથે ટકરાયો હતો જેમાં પોલની કાર પણ હતી. એલેક્ઝાન્ડ્રા પોલે 2014ની સોશી ઓલિમ્પિકમાં કેનેડા વતી આઇસ ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. કારમાં તેની સાથે તેનો પુત્ર પણ હતો જેને ઇજા પહોંચી હતી. સિદ્ધુને સજાની સુનાવણી મે મહિનામાં કરાશે.

0000000000000000000000

ફિલિપાઇન્સના મનિલામાં બરનાલાના મનપ્રીત સિંહની ગોળી મારી હત્યા

મનિલાઃ ફિલિપાઇન્સની રાજધાની મનિલામાં મૂળ પંજાબના બરનાલા શહેરના 33 વર્ષીય મનપ્રીત સિંહની મોટરસાઇકલ પર આવેલા 3 હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી હતી. મનપ્રીતના 3 વર્ષ અગાઉ લગ્ન થયાં હતાં અને તેની પત્ની આ મહિને જ મનિલા જવાની હતી. મનપ્રીત જોબ પર જઇ રહ્યો હતો ત્યારે હુમલાખોરોએ તેને 6 ગોળી ધરબી દીધી હતી. મનિલા પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોર પૈકીના બે પંજાબી હતા. અમે એક શંકાસ્પદની ધરપકડ કરી છે. હત્યા પાછળનું કારણ શું હતું તે અંગે અમે તપાસ કરી રહ્યાં છીએ.

0000000000000000000000

સિંગાપોરમાં મહિલાની છેડતી માટે ભારતીય મૂળના ને પાંચ માસની કેદ

સિંગાપોરઃ સિંગાપોરમાં એક મહિલાની છેડતી કરનાર ભારતીય મૂળના એક વ્યક્તિને પાંચ માસની કેદ ફટકારવામાં આવી છે. 42 વર્ષીય ઓમ કુમાર રાયે તેના પર મૂકાયેલા આરોપ અદાલતમાં કબૂલી લીધા હતા. અદાલતે પીડિત મહિલાનું નામઅને ઘટનાના સ્થળનો ઉલ્લેખ કોર્ટના દસ્તાવેજમાંથી નાબૂદ કરવા આદેશ આપ્યો હતો. 17 જૂન 2025ના રોજ 22 વર્ષીય મહિલા પાસે પહોંચીને તેની સાથે વાતચીત કરવા લાગ્યો હતો. તેણે મહિલાને કહ્યું હતું કે, તે મહિલાના પિતા સાથે કામ કરે છે. ત્યારબાદ તે મહિલાને થઓડે દૂર એકાંતમાં લઇ ગયો હતો અને શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter