એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ

Tuesday 24th February 2026 12:11 EST
 
 

ડો. જય ભટ્ટાચાર્યની અમેરિકાના સીડીસીના કાર્યકારી વડા તરીકે નિયુક્તિ કરાશે

વોશિંગ્ટનઃ અમેરિકાના જાહેર આરોગ્ય વિભાગમાં સૌથી ટોચના હોદ્દા પૈકીના એક પર ભારતીય મૂળના ફિઝિશિયનની નિયુક્તિ કરવામાં આવી રહી છે. ડો. જય ભટ્ટાચાર્ય સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના કાર્યકારી વડા તરીકે નિયુક્ત થવા જઇ રહ્યા છે. હાલ ડો. ભટ્ટાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યુટ્સ ઓફ હેલ્થના ડિરેક્ટર છે. આ નિયુક્તિ બાદ તેઓ એનઆઇએચ અને સીડીસી એમ બંનેમાં ટોચના હોદ્દા સંભાળશે. આ બંને એજન્સી અમેરિકાના હેલ્થ અને રિસર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કેન્દ્રસ્થાને છે. જોકે હજુ અમેરિકન પ્રમુખ દ્વારા આ નિયુક્તિની સત્તાવાર જાહેરાત કરાઇ નથી.

00000000000000000000000000000000000

માઇક્રોસોફ્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને સીઇઓ પદે આશા શર્માની નિયુક્તિ

ન્યૂયોર્કઃ માઇક્રોસોફ્ટ ગેમિંગના રિટાયર થઇ રહેલા સીઇઓ ફિલ સ્પેન્સરનું સ્થાન ભારતીય મૂળના આશા શર્મા લેવા જઇ રહ્યાં છે. માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલાએ આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આશા શર્મા માઇક્રોસોફ્ટ ગેમિંગના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને સીઇઓ તરીકેનો કાર્યભાર સંભાળશે અને રિપોર્ટિંગ કરશે. માઇક્રોસોફ્ટ સાથેના છેલ્લા બે વર્ષમાં ઇન્સ્ટાકાર્ટના સીઓઓ અને મેટાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આશા શર્માએ અબજો લોકો સુધી પહોંચતી સર્વિસિઝના નિર્માણમાં મદદ કરી હતી.

00000000000000000000000000000000000

હત્યાના ખોટા આરોપસર 43 વર્ષ જેલમાં વીતાવનાર ભારતીયને હવે દેશનિકાલ કરવાની તૈયારી

ન્યૂજર્સીઃ હત્યાના ખોટા આરોપસર અમેરિકાની જેલમાં 43 વર્ષ વીતાવનાર સુબ્રમણ્યમ વેદમને કોર્ટે નિર્દોષ છોડ્યા હોવા છતાં જેલવાસ પૂરો થયો નથી. અમેરિકાની સરકાર હવે તેમને દેશનિકાલ કરવાની તૈયારી કરી રહી છે. સરકારની દલીલ છે કે વેદમ પાસે અમેરિકામાં રહેવા માટે કોઇ લીગલ સ્ટેટસ નથી. તેમનો ફાઈનલ રિમૂવલ ઓર્ડર પણ આમ તો છેક 1999માં જ ઈશ્યૂ થઈ ગયો હતો પરંતુ મર્ડર કેસમાં નિર્દોષ સાબિત થયા બાદ તેઓ જેલમાંથી બહાર આવ્યા તે વખતે જ ICE દ્વારા તેમને ઈમિગ્રેશનના કેસમાં અરેસ્ટ કરી લેવાયા હતા. બોર્ડ ઓફ ઈમિગ્રેશન અપીલ્સે ફેબ્રુઆરી 2026માં જ તેમની અપીલ પર સુનાવણી કરવાની તૈયારી બતાવી હતી પરંતુ ગત મંગળવારે તેમને જામીન પર છોડવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો હતો.

00000000000000000000000000000000000

ફ્લોરિડાઃ ક્રુઝ પર યુવતી સાથે અશ્લિલ હરકતો માટે ગુજરાતી વૃદ્ધની ધરપકડ

ફ્લોરિડાઃ રોયલ કેરેબિયન ક્રુઝ પર એક યુવતી સાથે અશ્લિલ હરકતો કરવાના આરોપસર ફ્લોરિડા પોલીસે રાજેન્દ્ર શેઠ નામના 73 વર્ષીય ગુજરાતીની ધરપકડ કરી છે. બ્રેવર્ડ કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર સોમવારે પોલીસને આ ઘટના વિશે જાણ થઈ હતી. પોલીસનું કહેવું છે કે એક્સપ્લોરર ઓફ ધી સીઝ નામનું ક્રુઝ ઈન્ટરનેશનલ વોટર્સ પર હતું ત્યારે રાજેન્દ્ર શેઠે આ કથિત કૃત્યને કર્યું હતું.
પોલીસે વિક્ટિમને શોધ્યા બાદ તેની સાથે વાત કરી હતી, વિક્ટિમે એવો દાવો કર્યો હતો કે ગયા અઠવાડિયે તે ક્રુઝના ફ્લો રાઈડર એરિયામાં હતી ત્યારે કોઈ અજાણ્યા વૃદ્ધે તેની પાસે આવી વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસનું કહેવું છે કે મૂળ મુંબઈના રાજેન્દ્ર શેઠે છોકરી સાથે વાતચીત દરમિયાન તેના થાપા પર હાથ ફેરવ્યો હતો અને આવું તેમણે અનેકવાર કર્યું હતું, તે વખતે વિક્ટિમે ટુ પીસ બાથિંગ સ્ટૂટ એટલે કે બિકિની પહેરી હતી. આ કેસની તપાસ દરમિયાન પોલીસે ક્રુઝ શિપના સર્વેલન્સ ફુટેજ પણ ચેક કર્યા હતા જેમાં રાજેન્દ્ર શેઠે આ હરકત કરી હોવાની પુષ્ટિ થયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

00000000000000000000000000000000000

ઓહાયોમાં રેકોર્ડમાં ચેડાંના આરોપસર ગુજરાતી મોટેલ માલિકની ધરપકડ

ઓહાયોઃ ઓહાયોના સ્પ્રિંગફિલ્ડમાં મોટેલ ચલાવતા દીપક પટેલ નામના એક ગુજરાતીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 64 વર્ષીય દીપક પટેલ મેસિલોન રોડ પર પર ઓફિસ મોટેલ નામની પ્રોપર્ટી ધરાવે છે અને તેમના પર પોલીસ તપાસમાં અવરોધ ઉભો કરવાનો તેમજ રેકોર્ડ્સ સાથે ચેડાં કરવાનો ચાર્જ લગાવવામાં આવ્યો છે. ફેબ્રુઆરી 17ના રોજ ધરપકડ કરાયા બાદ દીપક પટેલને સમિટ કાઉન્ટી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. સ્પ્રિંગફિલ્ડ ટાઉનશિપ પોલીસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી 03ના રોજ ઓફિસર્સ એક મહિલાને શોધી રહ્યા હતા, પોલીસને એવી બાતમી મળી હતી કે આ મહિલાને તેની મરજી વિરૂદ્ધ ક્યાંક ગોંધી રાખવામાં આવી છે. 911 પર અજાણ્યા શખસનો ફોન આવ્યા બાદ પોલીસની ટીમ રાતે સાડા દસ વાગ્યે પિકટન પાર્કવે ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં પહોંચી હતી પરંતુ ત્યાં આ મહિલાનો કોઈ પત્તો નહોતો લાગ્યો અને પછી તેના વિશે બાતમી આપનારો શખસ પણ ગુમ થઈ ગયો હતો.

00000000000000000000000000000000000

ઇન્ડિયાનામાં ગેરકાયદેસર રહેતા ભારતીય ટ્રક ડ્રાઇવરે અકસ્માત સર્જતાં વૃદ્ધનું મોત

ઇન્ડિયાનાઃ ઇન્ડિયાનામાં અકસ્માત સર્જી 64 વર્ષીય વૃદ્ધનું મોત નિપજાવનાર 25 વર્ષીય ભારતીય ટ્રક ડ્રાઇવર સુખદીપસિંહની આઇસ દ્વારા ધરપકડ કરાઇ છે. આઇસનો આરોપ છે કે સુખદીપસિંહ ઇન્ડિયાનામાં ગેરકાયદેસર રીતે રહેતો હતો. રેડ સિગ્નલ જમ્પ કરીને તેણે અકસ્માત સર્જ્યો હતો જેમાં 3 વાહનને પણ નુકસાન પહોંચ્યું હતું. 2018માં પણ તેને બોર્ડર પર પકડવામાં આવ્યો હતો પરંતુ તે સમયે તે સગીર હતો. પહેલાં તે ન્યૂયોર્કમાં રહેતો હતો. ત્યાંથી તે ઇન્ડિયાનાના ન્યૂ પેલેસ્ટાઇનમાં શિફ્ટ થયો હતો.

00000000000000000000000000000000000

સગીરા પર સેક્સ્યુઅલ એસોલ્ટ માટે ન્યૂજર્સીના તેજસ પટેલની ધરપકડ

ન્યૂજર્સીઃ ન્યૂજર્સીના 46 વર્ષીય તેજસ પટેલ પર 15 વર્ષની સગીરાની જાતીય સતામણી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. વુડબ્રિજના રહેવાસી તેજસ પટેલ પર સેકન્ડ ડિગ્રી સેક્સ્યુઅલ અસૉલ્ટ અને તેમજ બાળકને જોખમમાં મૂકવા બદલ થર્ડ ડિગ્રીનો ચાર્જ લગાવાયો છે. હડસન કાઉન્ટી પ્રોસેક્યુટર ઓફિસે તેજસ પટેલ પર લાગેલા ચાર્જિસની માહિતી આપતા જણાવ્યું હતું કે આ કથિત કૃત્ય 2024માં કરવામાં આવ્યું હતું અને ત્યારે વિક્ટિમની ઉંમર 15 વર્ષ હતી. તેજસ વિક્ટિમને સ્નેપચેટ પર મળ્યો હતો તેજસ પટેલને ગુરુવારના રોજ ન્યૂજર્સીના સકૉકસમાંથી અરેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેને હડસન કાઉન્ટીની જેલમાં રાખવામાં આવ્યો છે.

00000000000000000000000000000000000

એરિઝોનાની મોટેલની માલિક વર્ષા પટેલને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે પાંચ વર્ષ પ્રોબેશનની સજા

એરિઝોનાઃ અમેરિકાના એરિઝોનામાં રોયલ ઇન નામની મોટેલની 57 વર્ષીય ગુજરાતી સંચાલિકા વર્ષા પટેલને ફેડરલ કોર્ટ દ્વારા પાંચ વર્ષના પ્રોબેશનની સજા ફટકારવામાં આવી છે. કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં રહેતી વર્ષા પટેલની મોટેલમાં વેશ્યાવૃત્તિ અને ડ્રગના વેચાણની પ્રવૃત્તિ ધડલ્લે ચાલી રહી હતી. વર્ષા પટેલ પર આરોપ હતો કે તેણે માત્ર કમાણી કરવા માટે જાણીજોઈને પોતાના બિઝનેસમાં આ પ્રકારની પ્રવૃત્તિ ચાલવા દીધી હતી. સપ્ટેમ્બર 2024માં આ મોટેલ પર FBI અને લોકલ પોલીસ સહિતની એજન્સીએ રેડ કરી હતી જેમાં પ્રોપર્ટીના પ્રિમાઈસિસમાં ચોવીસે કલાક ઈલીગલ પ્રવૃત્તિઓ ચાલતી હોવાના પુરાવા મળ્યા બાદ આ મોટેલને જ બંધ કરાવી દેવામાં આવી હતી.વષા પટેલ માલિક હતી પરંતુ મોટેલનું રોજિંદુ કામકાજ નીલમ પટેલ નામની 54 વર્ષીય મહિલા સંભાળતી હતી. તેના પર પણ ગંભીર આરોપ મૂકાયા હતા.

00000000000000000000000000000000000

એચ-વનબી વિઝા ન થતાં સ્ટ્રેસમાં હોનહાર ભારતીય યુવકનું હાર્ટ એટેકથી મોત

ન્યૂયોર્કઃ 2018માં અમેરિકા ભણવા ગયેલા અને ડબલ માસ્ટર્સ ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ પણ H-1B સિક્યોર ના કરી શકેલા શશિકાંત રેડ્ડી ત્રીસ વર્ષની ઉંમરે એટલો બધો સ્ટ્રેસમાં આવી ગયો કે કેરિયર અને ફેમિલી શરૂ કરવાની ઉંમરમાં તાજેતરમાં જ તેનું હાર્ટ અટેકને કારણે મોત થઈ ગયું. શશિકાંતના પરિવારજનોને મદદ કરવા માટે જે ક્રાઉડફન્ડિંગ શરૂ કરવામાં આવ્યું છે તેમાં જણાવ્યા અનુસાર તેણે H-1B માટે અથાગ પ્રયાસ કર્યા હતા પરંતુ તે ક્યારેય આ વિઝા નહોતો મેળવી શક્યો. વારંવારના પ્રયાસ અને વિઝાની અનિશ્ચિતતાને કારણે છેલ્લા કેટલાક મહિનાથી તે ખૂબ જ સ્ટ્રેસમાં હતો તેવું પણ તેમાં જણાવાયું છે. શશિકાંતે અમેરિકામાં ખૂબ જ મહેનત કરી હતી, તે પોતાના ખર્ચા કાઢવા માટે ઓર્ડિનરી જોબ્સ કરતો હતો પરંતુ લાઈફમાં સેટલ ના થવાનો સ્ટ્રેસ તેને અંદરથી ખતમ કરી રહ્યો હતો. ફેબ્રુઆરી 16ના રોજ તેને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને હોસ્પિટલમાં તેણે ટ્રીટમેન્ટ દરમિયાન જ દમ તોડી દીધો હતો.

00000000000000000000000000000000000

અમેરિકાથી કેનેડામાં 300 કિલો ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયાસ કરતા ભારતીય કેનેડિયન ટ્રક ડ્રાઇવર ઝડપાયો

ટોરન્ટોઃ અમેરિકામાંથી કેનેડામાં 300 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન નામનું માદક દ્રવ્ય દાણચોરી દ્વારા ઘૂસાડવાનો પ્રયાસ કરતા એક ભારતીય કેનેડિયન ટ્રક ડ્રાઇવરની કેનેડા બોર્ડર સર્વિસ એજન્સીએ ધરપકડ કરી છે. ઓન્ટારિયોના વૂડસ્ટોકનો રહેવાસી 29 વર્ષીય કુલબીર સિંહ 4 ફેબ્રુઆરીના રોજ અમેરિકાથી કેનેડામાં પ્રવેશવા માટેના બ્લૂ વોટર બ્રિજ પોર્ટ પહોંચ્યો હતો. એજન્સીએ તેના ટ્રકની ચકાસણી કરતાં તેમાંથી 266.4 કિલોગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter