ગુરુગ્રામની રાગિણી દાસની ગૂગલમાં સ્ટાર્ટઅપ્સ હેડ તરીકે નિયુક્તિ
સિલિકોનવેલીઃ મૂળ ગુરુગ્રામની રાગિણી દાસને ગૂગલ ઇન્ડિયા ખાતે હેડ ઓફ સ્ટાર્ટઅપ્સ તરીકે નિયુક્ત કરાઇ છે. એક સમયે ગૂગલ દ્વારા રિજેક્ટ થનારી રાગિણીએ નવી જવાબદારીને ફૂલ સર્કલ મોમેન્ટ ગણાવી હતી. રાગિણીએ 2013માં ગૂગલમાં ઇન્ટર્વ્યુ આપ્યો હતો પરંતુ તેની પસંદગી કરાઇ નહોતી. રાગિણીએ જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ્સ હેડ તરીકે હું વિશ્વભરમાં મજબૂત સ્ટાર્ટઅપ્સને યોગ્ય લોકો, પ્રોડક્ટ અને બેસ્ટ પ્રેકટિસ સાથે સાંકળીને આગળ વધવા મદદ કરીશ. રાગિણીએ ચેન્નઇમાં અભ્યાસ કર્યા બાદ લેન્કેસ્ટર યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હાંસલ કરી હતી.
000000000000000000000000000000
કેલિફોર્નિયામાં અકસ્માત સર્જનાર ભારતીય ટ્રક ડ્રાઇવરને દેશનિકાલ કરાશે
કેલિફોર્નિયાઃ અમેરિકામાં એક વર્ષ પહેલાં ગંભીર અકસ્માત સર્જી પાંચ વર્ષની બાળકીને ગંભીર ઇજા પહોંચાડનાર પ્રતાપસિંહ નામના 28 વર્ષીય ભારતીયને દેશનિકાલ કરાશે. 2022માં પ્રતાપ મેક્સિકો સરહદ પાર કરીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યો હતો. અમેરિકામાં ગેરકાયદેસર હોવા છતાં તેણે કેલિફોર્નિયામાં ટ્રક ચલાવવાનું લાયસન્સ મેળવી લીધું હતું. તેના પર સ્પીડ લિમિટના ભંગ અને કન્સ્ટ્રક્શન વોર્નિંગની અવગણના કરવાના કારણે અકસ્માત સર્જવાના આરોપ હતા. આ અકસ્માતમાં કેટલાક લોકો ઘવાયા હતા.
000000000000000000000000000000
ભારતીય અમેરિકન પોલ કપુરની વિદેશ વિભાગમાં આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે નિયુક્તિ
વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય મૂળના પોલ કપુરની આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સ તરીકે નિયુક્તિ કરાઇ છે. અમેરિકી સેનેટ દ્વારા પોલ કપુરની નિયુક્તિને મંજૂરી આપી દેવાઇ છે. તેઓ ડોનાલ્ડ લૂનું સ્થાન લેશે. પોલ કપુર હવે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સહિતના દક્ષિણ અને મધ્ય એશિયાના દેશો સાથેના રાજદ્વારી સંબંધોનું નેતૃત્વ કરશે. પોલ કપુરનો જન્મ દિલ્હીમાં થયો હતો અને તેમના પિતા ભારતીય તથા માતા અમેરિકન છે. હાલ તેઓ યુએસ નેવલ પોસ્ટગ્રેજ્યુએટ સ્કૂલમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યાં છે.
000000000000000000000000000000
જેલમાં ખોટી રીતે ગોંધી રાખવા માટે મહેન્દ્ર પટેલે 25 મિલિયન ડોલરનો દાવો માંડ્યો
જ્યોર્જિયાઃ બાળકીના અપહરણના ખોટા આરોપસર 46 દિવસ જેલમાં ગોંધી રખાયેલા મહેન્દ્ર પટેલે સિટી ઓફ એક્સવર્થ પર 25 મિલિયન ડોલરનો દાવો માંડ્યો છે. એક મહિલાએ મહેન્દ્ર પટેલ પર તેની બાળકીનું અપહરણ કરવાનો આરોપ મૂક્યો હતો. મહેન્દ્ર પટેલનો આરોપ છે કે 46 દિવસ જેલમાં રહેવાના કારણે મારું વજન 17 પાઉન્ડ ઘટી ગયું હતું. જેલમાં થયેલા અનુભવોના કારણે હું હજુ પણ રાત્રે સૂઇ શક્તો નથી. જેલવાસ દરમિયાન અન્ય કેદીઓ દ્વારા અપાતી ધમકીઓના કારણે મારે સતત ડરમાં રહેવું પડતું હતું.
000000000000000000000000000000
પેન્સિલવેનિયાના વોલમાર્ટમાંથી 1700 ડોલર ચોરવાના આરોપમાં રુદ્ર પટેલની ધરપકડ
પેન્સિલવેનિયાઃ અમેરિકાના પેન્સિલવેનિયાના વોર્નિંગ્ટન શહેરમાં વોલમાર્ટમાં કામ કરતા ગુજરાતી યુવકની 1700 ડોલરની ચોરીના આરોપસર ધરપકડ કરાઇ છે. 18 વર્ષીય રુદ્ર પટેલ નામના યુવક સામેની ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તેણે ધરપકડના દિવસે જ રજિસ્ટર કેશમાંથી 750 ડોલરની ઉઠાંતરી કરી હતી. તે પહેલાં તેણે ટુકડે ટુકડે 960 ડોલર ચોર્યા હતા. આરોપ પૂરવાર થશે તો રુદ્રને પાંચ વર્ષ જેલની સજા થઇ શકે છે.
000000000000000000000000000000
ઓહાયોમાં વૃદ્ધા સાથે 1.2 મિલિયન ડોલરના ફ્રોડના આરોપસર ગુજરાતી યુવકની ધરપકડ
ઓહાયોઃ ઓહાયોની 78 વર્ષીય વૃદ્ધા પાસેથી 1.2 મિલિયન ડોલર પડાવવાના આરોપમાં સોનાથી ભરેલું પાર્સલ લેવા ગયેલા ગુજરાતી યુવક કેવલ વિમલભાઇ પટેલની એફબીઆઇ દ્વારા ધરપકડ કરાઇ છે. 6 ઓક્ટોબરના રોજ કેવલને વૃદ્ધાના ઘરેથી પાર્સલ લેતાં રંગે હાથ ઝડપી લેવાયો હતો. કેવલ જેમની સાથે સંકળાયેલો છે તે સ્કેમર્સ દ્વારા વૃદ્ધાને ફસાવવામાં આવ્યા હતા અને તેમનું રિટાયર્ડમેન્ટ સેવિંગ્સ પડાવી લેવાની સાથે ઘર વેચવાની પણ ફરજ પાડી હતી. તેઓ વૃદ્ધાને તે નાણામાંથી સોનુ ખરીદવાની ફરજ પાડતા હતા. કેવલ પટેલ નકલી અધિકારી બનીને તે પાર્સલ લેવા પહોંચ્યો હતો ત્યારે જ તેની ધરપકડ કરાઇ હતી.
-----------------------------------------------------------------------------------------------------------------


