શારજાહના વિબીશ પલ્લીયલીને 15 મિલિયન દિરહામની લોટરી લાગતા રાતોરાત માલામાલ
શારજાહઃ શારજાહમાં વસવાટ કરતા એનઆરઆઇને બિગ ટિકિટ અબુધાબી રાફલ ડ્રોમાં 15 મિલિયન દિરહામની ગ્રાન્ડ પ્રાઇઝ લાગતાં તે યુએઇમાં રાતોરાત મિલિયોનર બની ગયો છે. આ ગલ્ફની સૌથી લોકપ્રિય માસિક લોટરી છે. વિબીશ પલ્લીયલીએ 28 ફેબ્રુઆરીના રોજ આ લોટરીની ટિકિટ ખરીદી હતી અને તેને અબુધાબીમાં થયેલા ડ્રોમાં જેકપોટ વિનર જાહેર કરાયો હતો.
0000000000000000000000000000000000000
ટેક્સાસમાં ગુજરાતી યુવકની 1.20 લાખ ડોલર રોકડા અને સોના સાથે ધરપકડ
ટેક્સાસઃ અમેરિકામાં રહેતા 24 વર્ષના એક ગુજરાતીની 1.20 લાખ ડોલર કેશ અને ગોલ્ડ સાથે ધરપરકડ કરવામાં આવી છે, સ્મિથ કાઉન્ટીમાં બનેલી આ ઘટનામાં મંગળવારના રોજ અનુજ આશિષભાઈ મોદી નામના આ યુવકની કાર અટકાવી તેની તપાસ કરવામાં આવી હતી, કારમાંથી મોટી માત્રામાં કેશ અને ગોલ્ડ મળતાં પોલીસે તેની પૂછપરછ કરી હતી અને તેમાં આ યુવક પાર્સલ કાંડમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું. ટેક્સસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના જણાવ્યા અનુસાર આરોપી લોંગવ્યૂમાં રહેતી એક મહિલા વિક્ટિમ પાસેથી આ માલ કલેક્ટ કરીને આવી રહ્યો હતો. આરોપી અનુજ અર્લિંગ્ટનમાં રહે છે અને તે ઈન્ટરસ્ટેટ 20 પર ડ્રાઈવ કરી રહ્યો હતો ત્યારે ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીએ તેને પુલ ઓવર કર્યો હતો. અનુજ એક સેમી ટ્રકની પાછળ ખૂબ જ ઓછું અંતર રાખીને પોતાની ગાડી ચલાવી રહ્યો હોવાથી તેને અટકાવાયો હતો, પરંતુ પોલીસે તેની કારમાં ગોલ્ડ અને કેશ જોતાં જ મામલો ગડબડ હોવાની શંકા ગઈ હતી અને પછી તેની પૂછપરછ કરાઈ હતી.
0000000000000000000000000000000000000
પાર્સલ કાંડઃ ગુજરાતી મહિલા સહિત 6 ભારતીયોની ટેક્સાસમાં ધરપકડ
ટેક્સાસઃ તિલક જ્વેલર્સ પર થયેલી રેડ બાદ ટેક્સસમાં મિલિયન્સ ઓફ ડોલર્સના વધુ એક ગોલ્ડ સ્કેમનો ભાંડો ફુટ્યો છે જેમાં એક ગુજરાતી મહિલા સહિત વધુ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ફ્રેન્ડ્સવુડ પોલીસના જણાવ્યા અનુસાર અરેસ્ટ કરાયેલા છ આરોપીઓએ ટેક્સસમાં રહેતા સિનિયર સિટીઝન્સ પાસેથી 2.8 મિલિયન ડોલરનું ગોલ્ડ પડાવ્યું હોવાની આશંકા છે. અરેસ્ટ કરાયેલા લોકોમાં શુગર લેન્ડની સ્મિતા ઠાકોર નામની 43 વર્ષીય ગુજરાતી મહિલા ઉપરાંત મિઝુરીના સમીરઅલી ઘબરાણી ઉપરાંત મુદસ્સર ઈકબાલ લાખાણી, ઈકબાલ ઈબ્રાહિમ લાખાણી, સમીર અલી અને ઝોહેબ મુહમ્મદનો સમાવેશ થાય છે. આ કેસની તપાસ ડિસેમ્બર 2025માં શરૂ કરવામાં આવી હતી જેમાં ફ્રેન્ડ્સવુડમાં રહેતા 81 વર્ષના વિક્ટિમને તેમના બેન્ક અકાઉન્ટમાં રહેલી કેશ વિડ્રો કરી 7.66 લાખ ડોલરના ગોલ્ડ કોઈન્સ ખરીદવાની ફરજ પાડવામાં આવી હતી. તેવી જ રીતે સપ્ટેમ્બર 2025માં ફ્રેન્ડ્સવુડના 76 વર્ષીય વૃદ્ધને પણ આ જ રીતે ઠગી તેમની પાસેથી 1.34 લાખ ડોલરનું ગોલ્ડ પડાવાયું હતું.
0000000000000000000000000000000000000
જ્યોર્જિયામાં શરાબના નશામાં કાર ચલાવતા ઝડપાયેલા સુનિલ પટેલને દેશનિકાલ કરાશે
ચેથમ કાઉન્ટીઃ અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટની ચેથમ કાઉન્ટીમાં શરાબના નશામાં કાર ચલાવતા ઝડપાયેલા ગુજરાતના ગાંધીનગરના સુનિલ પટેલ નામના યુવકને ટૂંકસમયમાં ભારત ખાતે દેશનિકાલ કરાશે. નવેમ્બર 2025માં શરાબ પીને રોંગ સાઇડમાં કાર ચલાવવા માટે સુનિલની ધરપકડ કરાઇ ત્યારથી તે જેલમાં કેદ છે. સુનિલ 2022માં બે સંતાન અને પત્ની સાથે અમેરિકા આવ્યો હતો અને પરચૂરણ નોકરી કરતો હતો અને અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતો હતો.
0000000000000000000000000000000000000
પાર્સલ કાંડઃ અલાબામાના પ્રદીપ પટેલને દેશનિકાલ કરાય તેવી સંભાવના
ન્યૂયોર્કઃ માન્ય વિઝા પર અમેરિકા ગયા બાદ ઓવરસ્ટે થઈ ગયેલા અને હાલ જેલમાં બંધ પ્રદીપ પટેલ નામના એક ગુજરાતીને હવે સીધો દેશનિકાલ કરવામાં આવે તેવી શક્યતા છે. પાર્સલ કાંડમાં કથિત સામેલગીરી ધરાવતા 33 વર્ષના પ્રદીપ પર અલાબામામાં રહેતા એક કપલ પાસેથી બે લાખ ડોલરનું ગોલ્ડ પડાવવાનો આરોપ છે. ગયા વર્ષે તેની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી જ તે જેલમાં બંધ છે, તેની સામે ફેડરલ ચાર્જિસ લગાવાયા છે. જોકે તાજેતરમાં જ તેણે પોતાના પર લાગેલા આરોપોને સ્વીકારવાનો ઈનકાર કરી દેતા હવે મે 2025થી પ્રદીપ પટેલ સામે ટ્રાયલ શરૂ થવાની છે. ગુનો સાબિત થવા પર વધુમાં વધુ 20 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
0000000000000000000000000000000000000
વર્જિનિયામાં ફૂડ કુપન ફ્રોડ ભારતીય સ્ટોર માલિકે કબૂલી લીધું
લિન્ચબર્ગઃ અમેરિકાના વર્જિનિયા સ્ટેટના લિન્ચબર્ગમાં ગ્રોસરી સ્ટોર ચલાવતા 59 વર્ષીય ભારતીય મૂળના અમેરિકન રાજન બબ્બરે અમેરિકન સરકાર દ્વારા સંચાલિત ફૂડ સ્ટેમ્પ પ્રોગ્રામમાં ફ્રોડનો આરોપ કબૂલી લીધો છે. તેનો સ્ટોર 2016માં આ પ્રોગ્રામ અંતર્ગત નોંધણી ધરાવતો હતો તેથી તેના લાભાર્થીઓ આ સ્ટોરમાંથી ગ્રોસરીની ખરીદી કરી શક્તા હતા. તેના સ્ટોરમાંથી અચાનક પ્રોગ્રામ અંતર્ગત થતું વેચાણ વધી જતાં તેની સામે તપાસ શરૂ કરાઇ હતી. બબ્બરે કબૂલાત કરી હતી કે તે પ્રોગ્રામના લાભાર્થીઓને ફૂડ કુપનની સામે રોકડ આપતો હતો.
0000000000000000000000000000000000000
ટેનેસીમાં ગોરખધંધા માટે કુખ્યાત ગુજરાતીની મોટેલ પોલીસે બંધ કરાવી
ટેનેસીઃ અમેરિકાના ટેનેસીના મેમ્ફિસ સ્થિત એક ગુજરાતીની માલિકીની ગોરખધંધા માટે કુખ્યાત મોટેલને પોલીસે બંધ કરાવી દીધી છે. મોટેલ માલિક કલ્પેશ પટેલ પોલીસના નિર્ણયને પડકાર આપવાની તૈયારી કરી રહ્યા છે. આ મોટેલને કાયમ માટે બંધ કરી દેવી કે કેમ તેનો નિર્ણય કોર્ટ લેશે. હોમ વન એક્સટેન્ડેડ સ્ટે નામની આ મોટેલમાં દેહ વેપાર અને ડ્રગ્સના વેચાણ જેવી ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાનો પોલીસનો આરોપ છે.
0000000000000000000000000000000000000
મહેસાણાનું દંપતી કેનેડાના બનાવટી વિઝા સાથે ગ્વાટેમાલામાં ઝડપાઇ ગયું
ગ્વાટેમાલાઃ કેનેડાના બનાવટી વિઝા પર અમેરિકા પહોંચવાના એક મામલામાં ગુજરાતના મહેસાણાના એક દંપતીની ગ્વાટેમાલામાં ધરપકડ કરાઇ હતી. કલોલના એક એજન્ટે તેમને યુરોપના વિઝા અપાવ્યા હતા. યુરોપ પહોંચ્યા બાદ આ દંપતી કેનેડાના બનાવટી વિઝા પર વાયા ગ્વાટેમાલા થઇ કેનેડા પહોંચવાનું હતું અને તેમને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાના હતા. ગ્વાટેમાલામાં વિઝા બનાવટી હોવાની જાણ થતાં તેમની ધરપકડ કરાઇ હતી. આ દંપતીનું નામ જયેશ બારોટ અને નયના બારોટ હોવાનું જાણવા મળ્યું હતું. હવે તેમને ગ્વાટેમાલાથી દેશનિકાલ કરવાની તૈયારી ચાલી રહી છે.


