ગેરમાર્ગે દોરતી સોશિયલ મીડિયા પોસ્ટ માટે યુએઇમાં 19 ભારતીયની ધરપકડ
દુબઇઃ અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના યુદ્ધ અંગેની એઆઇ દ્વારા ઉપજાવી કાઢેલી ગેરમાર્ગે દોરતી સોશિયલ મીડિયા પોસ્ટ માટે સત્તાવાળાઓએ 19 ભારતીયોની ધરપકડ કરી છે. તેમના પર ઇરાન દ્વારા છોડાતા ડ્રોન અને મિસાઇલના વીડિયો શૂટ કરવા, વીડિયો ઓનલાઇન સરક્યુલેટ કરવા, તેમાં પોતાની ટિપ્પણી અને સાઉન્ડ ઇફેક્ટ ઉમેરીને જનતામાં ભય ફેલાવવાના આરોપ મૂકાયા છે. તેમની સામે કાયદાની વિવિધ જોગવાઇઓ અંતર્ગત કેસ નોંધાયો છે.
00000000000000000000000000000
ફ્લોરિડામાં ભારતીય અમેરિકન બિલ્ડરે લોકોને 85 મિલિયન ડોલરનો ચૂનો લગાવ્યો
ફલોરિડાઃ અમેરિકાના ફ્લોરિડામાં રિશી કપૂર નામના ભારતીય અમેરિકન બિલ્ડરે લોકોને 85 મિલિયન ડોલરનો ચૂનો લગાવ્યો છે. માયામીના આ ઠગ પર મિલિયન્સ ઑફ ડોલર્સનું ફ્રોડ કરવાની સાથે ટેક્સ ચોરી કરવાનો તેમજ બેંકોમાં ખોટા રેકોર્ડ્સ રજૂ કરી લૉન લઈને તેનાથી લક્ઝરી યૉટ ખરીદવાના આરોપ છે. રિશી કપૂર લોકેશન વેન્ચર્સ નામની એક કંપનીનો CEO હતો, માયામી સ્થિત આ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની કોરલ ગાબલ્સ, કોકોનટ ગ્રુવ, માયામી બીચ અને ફોર્ટ લાઉડરડાલેમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ શરૂ કરવાની હતી. જેમાં રોકાણના નામે રિશીએ લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા પરંતુ તેના આ તમામ પ્રોજેક્ટ્સ માત્ર કાગળ પર જ રહી ગયા હતા અને ઈન્વેસ્ટર્સ પાસેથી જે પૈસા મળ્યા હતા તે તેણે જલસા કરવામાં ઉડાવી માર્યા હતા જેમાં $5.3 મિલિયનમાં ખરીદવામાં આવેલી 86 ફુટની એક યૉટ ઉપરાંત વૈભવી પ્રોપર્ટી, 18 કેરેટ ગોલ્ડની રોલેક્સ વૉચ અને અઢી કેરેટની પ્લેટિનિયમ રિંગ સહિતની ચીજવસ્તુઓનો પણ સમાવેશ થાય છે.
00000000000000000000000000000
સાઉથ કેરોલિનામાં ગુજરાતી સ્ટોર માલિકને કલોલના યુવકે 1.80 લાખ ડોલરનો ચૂનો લગાવ્યો
એન્ડરસન કાઉન્ટીઃ ત્રણ વર્ષ પહેલા ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા અને સાઉથ કેરોલિનાની એન્ડરસન કાઉન્ટીમાં આવેલા આયવા ટાઉનમાં એક ગુજરાતીના સ્ટોરમાં કામ કરતા કલોલના યુવકે 1.80 લાખ ડોલરની કથિત ચોરી કરી હોવાનો આરોપ સ્ટોરના માલિક રમેશ પટેલે મૂક્યો હતો. રમેશ પટેલે જણાવ્યું હતું કે મિતુલ પટેલ નામનો એક 25 વર્ષીય યુવક 2023માં અમેરિકા આવ્યા બાદ તેમને ત્યાં જોબ પર લાગ્યો હતો અને બે મહિના બાદ તેમણે આખોય સ્ટોર તેને ચલાવવા માટે આપી દીધો હતો. જોકે, માલિકે મૂકેલા ભરોસાનો ગેરફાયદો ઉઠાવી મિતુલે ધીરે-ધીરે હાથ સાફ કરવાનું શરૂ કર્યું હતું અને પછી તો તે એટલો બેફામ થઈ ગયો હતો કે તેણે બારોબાર માલ ખરીદીને સ્ટોરમાં જ વેચવાનું શરૂ કરી દીધું હતું. જાન્યુઆરી 2025માં રમેશ પટેલ એક મહિના માટે ભારત આવ્યા ત્યારે મિતુલે સ્ટોરમાંથી થાય તેટલો માલ ભેગો કરી લેવા માટે મનફાવે તેમ ચોરી કરી હતી.
00000000000000000000000000000
એડોબના સીઇઓપદેથી શાંતનુ નારાયણનું રાજીનામુ
વોશિંગ્ટનઃ એડોબના સીઇઓપદે લગભગ બે દાયકા સુધી ફરજ બજાવનાર શાંતનું નારાયણે રાજીનામુ આપી દીધું છે. જેના પગલે હવે એડોબમાં નવા લીડરની શોધ શરૂ કરી દેવાઇ છે. સાન જોસ સ્થિત એડોબે જણાવ્યું હતું કે, અનુગામીની નિયુક્તિ બાદ નારાયણ સીઇઓપદની જવાબદારી છોડશે. નવા સીઇઓની શોધ માટે એડોબના બોર્ડે એક સ્પેશિયલ કમિટીની રચના કરી છે. એડોબના અગ્રણી સ્વતંત્ર ડિરેક્ટર ફ્રેન્ક કાલ્ડરોનીએ જણાવ્યું હતું કે, બોર્ડ વતી હું શાંતનુની સીઇઓ તરીકેની કામગીરીને બિરદાવું છું. છેલ્લા 18 વર્ષમાં તેમણે એડોબને નવો આકાર આપી એઆઇના યુગમાં સફળતા મેળવવા સક્ષમ બનાવી છે.
00000000000000000000000000000
પાર્સલ કાંડઃ બે ગુજરાતીને 4 વર્ષની કેદ, ડિપોર્ટ કરવાની તૈયારી
મિઝુરીઃ અમેરિકામાં ગેરકાયદેસર રહેતા અને હાલ જેલની હવા ખાઈ રહેલા ચિંતન પારેખ અને મેહુલ દરજી નામના બે ગુજરાતીઓની હવે ડિપોર્ટેશનની ઘડીઓ ગણાઈ રહી છે. આ બંને ગુજરાતીઓની સાથે શિતલ સિંઘ નામના એક પંજાબીને તાજેતરમાં જ કોર્ટ દ્વારા પાર્સલ કાંડમાં સજા ફટકારવામાં આવી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના જણાવ્યા અનુસાર પોલીસના હાથે ઝડપાઈ ગયા બાદ 52 વર્ષના ચિંતન પારેખ અને 42 વર્ષના મેહુલ દરજીએ વાયર ફ્રોડનું કાવતરૂં રચવાનો ગુનો કબૂલ કર્યો હતો. તાજેતરમાં જ કોર્ટે તેમને ચાર વર્ષની જેલની સજા સંભળાવી છે જ્યારે તેમના જોડીદાર શિતલ સિંઘને ચાર વર્ષની જેલની સાથે-સાથે વિક્ટિમ્સ પાસેથી પડાવાયેલા કુલ 6.6 મિલિયન ડોલર પણ પરત ચૂકવવા માટે આદેશ કરાયો છે.કોર્ટમાં રજૂ કરાયેલા ડોક્યુમેન્ટ્સ અનુસાર ચિંતન, મેહુલ અને શિતલ ચોરીના માલનો વહીવટ કરવાનું કામ કરતા હતા, પાર્સલ કાંડનો શિકાર બનેલા જે વિક્ટિમ્સ પાસેથી ગોલ્ડ કલેક્ટ કરવામાં આવ્યું હોય તેને એકત્ર કરીને પાર્સલ લેવા ગયેલા લોકોને કેશમાં પેમેન્ટ કરવાનું કામકાજ આ ત્રણેય દ્વારા થતું હતું. મે 2024માં આ ગેંગ દ્વારા લ્યૂઈઝિયાનાના સેન્ટ લ્યૂઈસમાં રહેતા 82 વર્ષના એક વૃદ્ધાને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.
00000000000000000000000000000
ફ્રેમોન્ટમાં ભારતીય અમેરિકન પરિવારના જ્વેલરી સ્ટોરમાં 1.7 મિલિયન ડોલરની લૂટ
ફ્રેમોન્ટઃ અમેરિકાના ફ્રેમોન્ટમાં ભારતીય અમેરિકન પરિવારની માલિકીના સ્ટોર કુમાર જ્વેલર્સમાં ગેંગ દ્વારા 1.7 મિલિયન ડોલરના ઘરેણાની લૂટ ચલાવવામાં આવી હતી. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા જારી કરાયેલા વીડિયોમાં માસ્ક પહેરેલા લૂટારાઓને જ્વેલરી લૂટતા જોઇ શકાય છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલા આ વીડિયોમાં લૂટારાઓ અચાનક ત્રાટક્યા હતા. સ્ટોરના કાચ તોડીને અંદર ધસી આવ્યા હતા અને લૂટ ચલાવી હતી.
00000000000000000000000000000
કેનેડાના ફોર્ટ સેન્ટ જ્હોન શહેરમાં ભારતીય વિદ્યાર્થીની હત્યા
ફોર્ટ સેન્ટ જ્હોનઃ કેનેડાના ફોર્ટ સેન્ટ જ્હોન શહેરમાં 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થી ગુરકિરતસિંહ મનોચાની 14 માર્ચના રોજ કેટલાક યુવાનો દ્વારા માર મારી અને કાર નીચે કચડીને હત્યા કરી નાખવામાં આવી હતી. મનોચા ભારતના મધ્યપ્રદેશના ઉજ્જૈનનો રહેવાસી હતો અને બિઝનેસ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા હાંસલ કરવા નોર્ધન લાઇટ્સ કોલેજમાં અભ્યાસ કરતો હતો. મનોચાને હુમલામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાના કારણે મનોચાનો ભારતમાં રહેતો પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો હતો.


