એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ

Tuesday 31st March 2026 10:37 EDT
 
 

અમેરિકાના સેકન્ડ લેડી ઉષા વાન્સનું બાળકોને વાંચન માટે પ્રોત્સાહિત કરવાનું અભિયાન

વોશિંગ્ટનઃ અમેરિકાના સેકન્ડ લેડી ભારતીય મૂળના ઉષા વાન્સે પોતાના પોડકાસ્ટ સ્ટોરી ટાઇમ વિથ સેકન્ડ લેડીનો પ્રારંભ કર્યો છે. બાળકોમાં સાક્ષરતાનો દર વધારવા અને તેમને વાંચન માટે પ્રોત્સાહિત કરવાના પોતાના અભિયાન અંતર્ગત તેમણે આ પોડકાસ્ટનો પ્રારંભ કર્યો છે. પોડકાસ્ટમાં ઉષા વાન્સ બાળકોને પુસ્તક વાંચવા આમંત્રિત કરશે અને તેમની સાથે વાતચીત પણ કરશે. કઇ બાબતે આ માટે પ્રેરણા આપી તેવા સવાલના જવાબમાં વાન્સે જણાવ્યું હતું કે, મારા પણ નાના બાળક છે અને તેમને વાંચન શીખવું છું.

000000000000000000000000000000

ટેક્સાસમાં ભારતીય મૂળના જજ કે પી જ્યોર્જ મની લોન્ડરિંગ કેસમાં દોષી

ટેક્સાસઃ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ભારતીય મૂળના જાણીતા જજ કેપી જ્યોર્જને મની લોન્ડરિંગના ગંભીર કેસમાં કોર્ટે દોષિત જાહેર કર્યા છે. ફોર્ટ બેન્ડ કાઉન્ટીની અદાલતમાં એક સપ્તાહ સુધી ચાલેલી લાંબી સુનાવણી બાદ જ્યુરીએ તેમને ચૂંટણી ફંડના દુરુપયોગ સાથે જોડાયેલા બે કેસમાં ગુનેગાર માન્યા છે. આરોપ છે કે તેમણે ચૂંટણી પ્રચાર માટે ભેગા થયેલા નાણાંનો અંગત મોજશોખ અને કારના હપ્તા ભરવા માટે ઉપયોગ કર્યો હતો. આ કેસમાં હવે 16 જૂનથી સજાની પ્રક્રિયા શરૂ થશે, જેમાં તેમને 2થી 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. હાલમાં તેઓ 20,000 ડૉલરના બોન્ડ પર મુક્ત થયા છે, પરંતુ શરત મુજબ તેમને પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડ્યો છે. સરકારી વકીલોએ કોર્ટમાં દાવો કર્યો હતો કે કેપી જ્યોર્જે જાણીજોઈને પોતાના ચૂંટણી ફંડની વિગતોમાં ગેરરીતિ કરી હતી અને ડેલેવેર તેમજ મેસેચ્યુસેટ્સ જેવા રાજ્યોના બેન્ક ખાતાઓ દ્વારા નાણાંની હેરાફેરી કરીને તેનો ઉપયોગ પોતાના અંગત ખર્ચમાં કર્યો હતો.

000000000000000000000000000000

કનેક્ટિકટમાં નશામાં અકસ્માત સર્જી મહિલાનું મોત નિપજાવનાર બિરેન પટેલને 10 વર્ષ કેદની સંભાવના

કનેક્ટિકટઃ અમેરિકાનાં કનેક્ટિકટ સ્ટેટમાં દારૂ પીને અકસ્માત કરનારા બિરેન પટેલ નામના ગુજરાતીને હવે દસ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. 42 વર્ષના બિરેને 28 સપ્ટેમ્બર 2025ના રોજ પોતાની ટેસ્લાથી અન્ય એક ટેસ્લાને ટક્કર મારતા એક મહિલાનું મોત થયું હતું. બિરેન પોતે ગ્રિસવલ્ડનો છે જ્યારે તેની ટક્કરથી મોતને ભેટેલી મહિલા મેસાચ્યુસેટ્સની હતી. અકસ્માત વખતે વખતે આરોપીના બ્લડમાં આલ્કોહોલની માત્રા કાયદાકીય મર્યાદા કરતા ચાર ગણી વધારે હતી અને તેને ઉભા રહેવાની સાથે ચાલવાના પણ હોશ નહોતા. અકસ્માત બાદ બિરેનને બીજા દિવસે અઢી લાખ ડોલરના બોન્ડ પર છોડી દેવાયો હતો પરંતુ તાજેતરમાં જ તેના પર સેકન્ડ ડિગ્રી મનુષ્યવધ, દારૂ પીને કાર ચલાવવા ઉપરાંત બેફામ ડ્રાઈવિંગ અને અસોલ્ટ સહિત સહિતના આરોપ ઘડાયા છે. જો આ આરોપ કોર્ટમાં સાબિત થશે તો બિરેનને દસ વર્ષ જેટલો સમય જેલમાં વિતાવવો પડી શકે છે.

000000000000000000000000000000

વોશિંગ્ટન સ્ટેટમાંથી સગીરાઓનું શોષણ કરતા હવસખોર ભારતીયની ધરપકડ

વોશિંગ્ટનઃ અમેરિકાના વોશિંગ્ટન સ્ટેટમાં લીકર શોપની માલિકી ધરાવતા હવસખોર ભારતીયની પોલીસે ધરપકડ કરી છે. કુલવીર બ્રાર નામના આ પંજાબીને પોલીસે માર્ચ 13ના રોજ અરેસ્ટ કર્યો હતો, તેના પર સ્નેપચેટ દ્વારા સગીર છોકરીઓને ફસાવવાનો આરોપ છે. પોલીસનું કહેવું છે કે કુલવીર આ છોકરીઓને ડ્રગ્સ, આલ્કોહોલ તેમજ પોતાના અપાર્ટમેન્ટના રૂફટોપ પૂલમાં મોજમસ્તી કરવાની લાલચ આપીને તેમની સાથે અશ્લિલ હરકતો કરતો હતો. ભૂતકાળમાં પણ કુલવીરનું નામ આ જ પ્રકારની નીચ કરતૂતોને કારણે પોલીસના ચોપડે ચઢી ચૂક્યું છે, જોકે તેની હવસખોરીનો ભોગ બનેલી વધુ પીડિતા સામે આવ્યા બાદ કુલવીરની વિરૂદ્ધમાં નવા 39 ચાર્જિસ લગાવવામાં આવ્યા છે, આ તમામ છોકરીઓને કુલવીરે ડ્રગ્સ અને દારૂની લાલચ આપીને શારીરિક શોષણ કર્યું હતું.

000000000000000000000000000000

ફ્લોરિડામાં બાળક સાથે અણછાજતી હરકત કરનાર આશિષ પટેલને 30 દિવસની કેદ

ફ્લોરિડાઃ ફ્લોરિડામાં એક બાળક સાથે અણછાજતી હરકત કરવાના કથિત મામલામાં માર ખાનારા ગુજરાતીને કોર્ટે 30 દિવસની જેલની સજા ફટકારી છે. 48 વર્ષના આશિષ પટેલે જે બાળકને કથિત નોટ આપી હતી તેના પિતાએ તેને એક રેસ્ટોરાંની બહાર જાહેરમાં જ ફટકાર્યો હતો અને આ ઘટનાનો વિડીયો પણ ખાસ્સો વાયરલ થયો હતો. સેન્ટ જ્હોન્સ કાઉન્ટીમાં ફેબ્રુઆરીમાં આ બબાલ થઈ હતી જેમાં પોલીસને પણ બોલાવવામાં આવી હતી. આરોપી આશિષ પટેલ પોન્તે વેદ્રાનો રહેવાસી છે, પોતાના પર થયેલા હુમલામાં આશિષને ડાબી આઈબ્રો પર કટ પડી ગયો હતો. આશિષ પટેલ પર દારૂ પીને જાહેરમાં ધમાલ કરવાનો આરોપ હતો અને આ મામલે તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. ફ્લોરિડાના કાયદા અનુસાર આ એક મિસડિમિનર એટલે કે સામાન્ય ગુનો છે, આશિષે પોતાના પર લાગેલો આરોપ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો પરંતુ સાથે જ તેણે તેની સામે લીગલ ફાઈટ ના આપવાનું પણ જણાવ્યું હતું.

000000000000000000000000000000

ઓહાયોમાં તરસેમ સિંહ પર અકસ્માત સર્જી ગર્ભવતી સગીરાનું મોત નિપજાવવાનો આરોપ

ઓહાયોઃ ઓહાયોમાં ભારતીય તરસેમ સિંહ પર 100 માઇલ કરતાં વધુ ઝડપે વાહન ચલાવવા, અકસ્માત સર્જવા અને અકસ્માતમાં એક ગર્ભવતી સગીરાનું મોત નિપજાવવાના આરોપ મૂકાયા છે. સત્તાવાળાઓએ 1 મિલિયન ડોલરનું બોન્ડ નક્કી કર્યું છે અને અધિકારીઓ તરસેમસિંહને ટ્રાયલ પૂરી થયા બાદ દેશનિકાલ કરવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યાં છે. જોકે તરસેમે તેના પર મૂકાયેલા આરોપ કબૂલવાનો ઇનકાર કરી દીધો છે. તરસેમ સિંહ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતો હતો.

000000000000000000000000000000

ન્યૂયોર્ક અને ફ્લોરિડામાં પ્રતિબંધિત વસ્તુઓ વેચતા 4 ગુજરાતીની ધરપકડ

ન્યૂયોર્કઃ અમેરિકાના ન્યૂયોર્ક અને ફ્લોરિડામાં પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા 4 ગુજરાતીની ધરપકડ કરાઇ છે. પહેલી ઘટનામાં ન્યૂયોર્કમાં કન્વિનિયન્સ સ્ટોરમાં કામ કરતા કેતન પટેલ અને હિતેશ શાહની નશીલા પદાર્થ અને પેપર સ્પ્રેનું ગેરકાયદે વેચાણ કરવાના આરોપસર ધરપકડ કરાઇ હતી. પોલીસના દરોડામાં સ્ટોરમાંથી મોટા જથ્થામાં વેપ પ્રોડક્ટ્સ, ક્રેટમ અને પેપર સ્પ્રે મળી આવ્યા હતા. ફ્લોરિડાની ઘટનામાં મેડિસનમાં સગીરને તમાકુ અને આલ્કોહોલનું વેચાણ કરવાના આરોપસર પોલીસે જિગર પટેલ અને જયા પટેલની ધરપકડ કરી હતી. ફ્લોરિડામાં કાયદા પ્રમાણે સગીરોને તમાકુ ઉત્પાદનો કે આલ્કોહોલનું વેચાણ કરી શકાતું નથી.

000000000000000000000000000000

અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશતા ગુજરાતી યુવક અને યુવતી કેનેડા બોર્ડર પર ઝડપાયા

વોશિંગ્ટનઃ ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનું જોખમ લેવાનું ગુજરાતીઓ બંધ કરી રહ્યાં નથી અ તેના કારણે તેમને ભારે કિંમત ચૂકવવી પડે છે. તાજેતરમાં કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરનારા એક ગુજરાતી યુવક અને યુવતીને જેલભેગા કરાયા હતા. એકાદ મહિના પહેલા જ વીસેક વર્ષની એક યુવતી કેનેડા બોર્ડર પરથી અરેસ્ટ થઈ હતી અને તે હજુય જેલમાં જ છે, આ યુવતીનું અમેરિકામાં સગપણ નક્કી થયું હતું અને છોકરાવાળાએ જ તેને ગેરકાયદેસર રીતે યુએસે બોલાવી હતી. ગયા સપ્તાહમાં 24 વર્ષના એક ગુજરાતી યુવકની પણ કેનેડાની બોર્ડર પરથી ધરપકડ કરાઇ હતી. તેને પણ દેશનિકાલ કરવાની તૈયારી ચાલી રહી છે.

000000000000000000000000000000

કેનેડાના આલ્બર્ટામાં બિરિન્દર સિંહની હત્યા માટે 18 વર્ષના યુવકની ધરપકડ

આલ્બર્ટાઃ કેનેડાના આલ્બર્ટામાં 14 માર્ચના રોજ ભારતીય નાગરિક 22 વર્ષીય બિરિન્દર સિંહની હત્યાના આરોપસર પોલીસે 18 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. બિરિન્દર સિંહ તેના બે મિત્ર સાથે કેનેડિયન રોકીઝ જોવા માટે રિસોર્ટમાં જઇ રહ્યો હતો ત્યારે તેની હત્યા કરાઇ હતી. પોલીસે જણાવ્યું હતું કે, અમે આ કેસમાં લોયડમિન્સટરના રહેવાસી જિમી ગેસનર નામના યુવકની ધરપકડ કરી છે.પોલીસે સાસ્કાત્ચવાનના કેનો લેક ખાતેથી તેને ઝડપી લીધો હતો. બિરિન્દર ડ્રાઇવિંગ કરી રહ્યો હતો ત્યારે પિક અપ ટ્રકમાં આવેલા જિમીએ તેના પર ગોળીબાર કર્યો હતો.

000000000000000000000000000000

કેનેડાના ટોરન્ટોમાં ભારતીય સોફ્ટવેર એન્જિનિયરની હત્યા કરનાર 19 વર્ષીય રેપરની ધરપકડ

ટોરન્ટોઃ કેનેડાના ટોરન્ટોમાં એક શોપિંગ સેન્ટરના પાર્કિંગ પ્લોટમાં મૂળ બેંગાલુરૂના સોફ્ટવેર એન્જિનિયર ચંદન કુમાર રાજા નંદકુમારની ગોળી મારીને હત્યા કરવાના આરોપસર પોલીસે 19 વર્ષીય રેપર આઇઝિયાહ થોમસ બેજરની ધરપકડ કરી છે. 37 વર્ષીય ચંદન કુમાર બ્રેમ્પટનમાં વસવાટ કરતા હતા. તેઓ ભારતના બેંગાલુરૂ નજીકના નેલામંગલાના મૂળ રહેવાસી હતા. ટોરન્ટોના હાઇવે 27 અને રેક્સડેલ બુલિવર્ડના વૂડબાઇન શોપિંગ સેન્ટરના પાર્કિંગ પ્લોટમાં તેમની હત્યા કરાઇ હતી.

000000000000000000000000000000


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter