એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ

Tuesday 07th April 2026 11:29 EDT
 
 

વોશિંગ્ટન ડીસીની મેયરની ચૂંટણીમાં ભારતીય મૂળના રિની સંપતે ઝંપલાવ્યું

વોશિંગ્ટન ડીસીઃ તામિલનાડુમાં જન્મેલા રિની સંપત વોશિંગ્ટન ડીસીના મેયરપદની ચૂંટણીમાં ઝંપલાવનાર પ્રથમ સાઉથ એશિયન ઉમેદવાર બન્યાં છે. 31 વર્ષીય સંપત ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય છે અને ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. રિની કહે છે કે હું રાજકારણી નથી અને વોશિંગ્ટન ડીસીની પાયાની જરૂરીયાતો પૂરી કરવા માગુ છું. મેયર તરીકે મારી પ્રાથમિકતા શહેરના રહેવાસીઓને પાયાની જરૂરીયાતો સારી રીતે ઉપલબ્ધ કરાવવાની રહેશે. રિની 7 વર્ષના હતા ત્યારે અમેરિકા આવ્યા હતા અને એક દાયકા કરતાં વધુ સમયથી વોશિંગ્ટન ડીસીમાં વસવાટ કરી રહ્યાં છે.

00000000000000000000000000000000000000000000

મહાવીર સિંઘવી ટોરન્ટો ખાતે ભારતના નવા કોન્સુલ જનરલ નિમાયા

ટોરન્ટોઃ ભારતના વરિષ્ઠ રાજદ્વારી મહાવીર સિંઘવીએ ટોરન્ટો ખાતે ભારતના નવા કોન્સુલ જનરલ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. 1999ની આઇએફએસ બેચના સિંઘવી આ નિયુક્તિ પહેલા દિલ્હીમાં વિદેશ મંત્રાલય ખાતે અધિક સચિવ તરીકે ફરજ બજાવતા હતા. ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં સુધારો આવી રહ્યો છે તેવા સમયે તેમની નિયુક્તિ વધુ મહત્વની છે.

00000000000000000000000000000000000000000000

હેલ્થકેર ફ્રોડના આરોપી ડો. જિતેશ પટેલ 14 મિલિયન ડોલરમાં સમાધાન કરશે

એટલાન્ટાઃ અમેરિકાના એટલાન્ટામાં મેડિકલ ફ્રોડના આરોપી ડો. જિતેશ પટેલ 14 મિલિયન ડોલરમાં સેટલમેન્ટ માટે તૈયાર થયા છે. તેમણે પોતાની સામેની કાયદાકીય કાર્યવાહી પડતી મૂકવા સરકારને મોટી રકમ ચૂકવવાની ઓફર કરી છે. જિતેશ પટેલ એડવાન્સ્ડ યુરોલોજી સાથે સંકળાયેલા છે અને તેમના પર બનાવટી બિલ બનાવવાની સાથે જરૂર ના હોય તેવી મેડિકલ પ્રોસિજર્સ કરી ઈન્શ્યોરન્સ કંપનીઓ પાસેથી ચાર્જ વસૂલવાનો આરોપ હતો. તેમની સામે મેડિકેર અને મેડીકેડના બે ફેડરલ લૉ સ્યૂટ્સ દાખલ કરવામાં આવ્યા હતા. આ મેટરમાં જિતેશ પટેલના કથિત કૌભાંડને ઉજાગર કરનારા વ્હીસલબ્લોઅર્સને પણ 2.94 મિલિયન ડોલર મળશે. જિતેશ પટેલ સામે તેમના ભૂતપૂર્વ કર્મચારી અને પૂર્વ ફિઝિશિયને ફરિયાદ દાખલ કરાવ્યા બાદ ફેડરલ ગવર્મેન્ટે તેમની સામે તપાસ શરૂ કરી હતી. ફરિયાદ પક્ષનો એવો પણ દાવો હતો કે સામાન્ય પ્રોસેસને પણ મોંઘી મેડિકલ પ્રોસિજરમાં ખપાવી દઈને આ ફ્રોડ આચરવામાં આવતું હતું તેમજ જરૂર ના હોવા છતાંય હજારો પેશન્ટ્સને અલ્ટ્રાસાઉન્ડ કરાવવા માટે કહેવાયું હતું.

00000000000000000000000000000000000000000000

હત્યાના ખોટા કેસમાં 43 વર્ષ જેલમાં વીતાવનાર સુબ્રમણ્યમ વેદમને દેશનિકાલમાં રાહત મળી

વોશિંગ્ટનઃ કોઈ વાંક ગુના વિના જ અમેરિકાની જેલમાં 43 વર્ષ કાઢનારા એક ઈન્ડિયનને કોર્ટે આખરે મોટી રાહત આપી છે. સુબ્રમણ્યમ વેદમ નામના 64 વર્ષીય વૃદ્ધને એક મર્ડર કેસમાં આજીવન કેદની સજા આપવામાં આવી હતી પરંતુ 43 વર્ષના જેલવાસ બાદ ઓક્ટોબર 2025માં કોર્ટે તેમને નિર્દોષ ઠેરવીને છોડી મૂકવાનો આદેશ કર્યો હતો.જોકે, જેલમાંથી બહાર આવતા જ સુબુને ICE દ્વારા અરેસ્ટ કરી લેવાયા હતા અને તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. સુબુ નાનપણમાં જ ગ્રીન કાર્ડ પર અમેરિકા આવ્યા હતા પરંતુ સિટીઝનશિપ મળે તે પહેલા જ તેમની ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ હતી જેમાં તેમને કસૂરવાર ઠેરવવામાં આવ્યા હતા. ત્યારબાદ મર્ડર કેસમાં સજા થઈ જતાં તેઓ પોતાનો ઈમિગ્રેશનનો કેસ નહોતા લડી શક્યા અને 1999માં તેમના નામનો ફાઈનલ રિમૂવલ ઓર્ડર ઈશ્યૂ થઈ ગયો હોવાથી હાલની સરકારે તેમને ડિપોર્ટ કરી દેવા પ્રયાસ કર્યો હતો.

00000000000000000000000000000000000000000000

ઓમાનના શાન્તનુ શેટ્ટીગરને અબુધાબીની લોટરીમાં 20 મિલિયન દિરહામનો જેકપોટ લાગ્યો

અબુધાબીઃ ઓમાનમાં રહેતા ભારતીયને અબુધાબીમાં આયોજિત લોટરીના ડ્રોમાં 20 મિલિયન દિરહામની લોટરી લાગી હતી. મૂળ કર્ણાટકના શાન્તનુ શેટ્ટીગરે 20 જાન્યુઆરીના રોજ ટિકિટ ખરીદી હતી અને તેમને જેકપોટ લાગ્યો હતો. શાન્તનુએ જણાવ્યું હતું કે, જાહેરાત સાંભળીને હું તો અવાક જ થઇ ગયો હતો. જ્યારે મારા પર ફોન આવ્યો ત્યારે મને લાગ્યું કે કદાચને આ સ્પામ કોલ હશે. હું છેલ્લા પાંચ વર્ષથી મારું નસીબ અજમાવી રહ્યો હતો.

00000000000000000000000000000000000000000000

રશિયા – યુક્રેન યુદ્ધમાં જમ્મુના સચિન ખજૂરિયાનું મોત

મોસ્કોઃ રશિયા અને યુક્રેન યુદ્ધમાં ભારતના જમ્મુના 24 વર્ષીય સચિન ખજૂરિયાનું મોત થયું છે. ગયા વર્ષે સચિનને રશિયન સેના દ્વારા યુક્રેન યુદ્ધમાં લડવા માટે મોકલવામાં આવ્યો ત્યારે જ તેના પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. ગયા રવિવારે સચિનના મૃતદેહને તેના વતનના ગામ પહારીવાલા ખાતે લાવવામાં આવ્યો હતો. આ પહેલાં રશિયા અને યુક્રેન યુદ્ધમાં ગોવાના ગામના મંજિદરસિંહનું પણ નિધન થયું હતું.

00000000000000000000000000000000000000000000

ઇટાલીમાં મૃત્યુ પામેલા રાજકુમારનો મૃતદેહ 36 દિવસે ભારત પહોંચ્યો

રોમઃ સારા ભવિષ્યની શોધમાં ઇટાલી પહોંચેલા હોશિયારપુરના જુગિયાલ ગામના રાજકુમારને મોત ભરખી ગયું હતું. 36 દિવસ બાદ તેનો મૃતદેહ વતન પરત લવાયો હતો. રાજકુમાર દોઢ વર્ષ પહેલાં ગરીબીમાં પીસાતા પરિવારને મદદ થાય તે માટે ઇટાલી ગયો હતો. દુર્ભાગ્યે 17 ફેબ્રુઆરીના રોજ એક અકસ્માતમાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. 28 ફેબ્રુઆરીના રોજ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

00000000000000000000000000000000000000000000


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter