મેથ્યુ પેરીના નિધન માટે જવાબદાર કેટામાઇન ક્વીન જસવીન સંઘાને 15 વર્ષની કેદ
લોસ એન્જલસઃ લોસ એન્જલસની અદાલતે 'ફ્રેન્ડ્સ' ટીવી શોના સ્ટાર મેથ્યુ પેરીના મૃત્યુ માટે જવાબદાર ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની જેલની સજા ફટકારી છે. 'કેટામાઇન ક્વીન' તરીકે કુખ્યાત 42 વર્ષીય જસવીન સંઘાએ મેથ્યુને જીવલેણ ડ્રગ્સ સપ્લાય કર્યા હતા. જસવીન સંઘા બ્રિટનમાં 1983માં પંજાબી પરિવારમાં જન્મી હતી. અમેરિકા અને બ્રિટનની બેવડી નાગરિકતા ધરાવતી જસવીન હોલીવુડની હાઇ પ્રોફાઇલ સેલિબ્રિટીઓને ડ્રગ્સ પૂરા પાડતી હતી. તે પોતાને સેલિબ્રિટીઝ માટેની સ્પેશિયલ ડીલર તરીકે ઓળખાવતી હતી. જસવીનના ઘરે દરોડા દરમિયાન પોલીસને કેટામાઇનની 79 બોટલો, મેથામ્ફેટામાઇનની હજારો ગોળીઓ અને કોકેન મળી આવ્યા હતા. આ કેસમાં મેથ્યુ પેરીના અંગત સહાયક કેનેથ ઇવામાસા અને બે ડોકટરો (સાલ્વાડોર પ્લાસેન્સિયા અને માર્ક ચાવેઝ) સહિત કુલ 5 લોકો આરોપી હતા. ડો. પ્લાસેન્સિયાને 30 મહિનાની જેલ થઈ છે, જ્યારે ડો. ચાવેઝને હોમ ડિટેન્શનની સજા કરવામાં આવી છે.
000000000000000000000000
વેસ્ટ વર્જિનિયામાં શૈલેષ પટેલની હત્યા કરનાર સગીરને 25 વર્ષ કેદની સજા
પ્રિન્સટનઃ વેસ્ટ વર્જિનિયાના પ્રિન્સટનમાં રહેતા શૈલેષ પટેલ નામના એક ગુજરાતીની લેપટોપ લૂંટવાના ઈરાદે હત્યા કરી દેનારા એક લબરમૂછિયાને કોર્ટે 25 વર્ષની જેલની સજા સંભળાવી છે. શૈલેષ ઉર્ફે સેમ પટેલની જૂન 2024માં એક લેપટોપ લૂંટવાના કે ચોરી કરવાના ઈરાદે સંભવત તેમના ઘરમાં જ હત્યા કરી દેવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે દરમિયાન શૈલેષ પટેલને છાતીમાં ગોળી મારી દેવાતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા અને ગણતરીના સમયમાં તેમનું પ્રાણપંખેરૂં ઉડી ગયું હતું. શૈલેષ પટેલને ગોળી મારનારા એક શખસની ઉંમર ત્યારે 18 વર્ષથી ઓછી હતી અને તેને જ હાલમાં સજા સંભળાવાઈ છે. આ હત્યારો એડલ્ટ ના થાય ત્યાં સુધી તેને બ્યૂરો ઓફ જુવેનાઈલ સર્વિસિસની કસ્ટડીમાં રાખવામાં આવશે અને 18 વર્ષ પૂરા થતાં જ તેને વેસ્ટ વર્જિનિયા ડિવિઝન ઓફ કરેક્શન્સને સોંપી દેવાશે જ્યાં તેને સજાનો બાકીનો સમય કાઢવાનો રહેશે.
000000000000000000000000
ટ્રમ્પ વહીવટીતંત્રે ગુજરાતી મૂળના ઇમિગ્રેશન જજ રૂપલ પટેલને પાણીચુ પકડાવ્યું
ન્યૂયોર્કઃ અમેરિકામાં ઈમિગ્રેશન જજ તરીકે ફરજ બજાવતા ગુજરાતી મૂળના મહિલા જજને પ્રામાણિકતાથી પોતાનું કામ કરવાની સજા અપાઈ છે. છેલ્લા સવા વર્ષથી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન જે રીતે આડેધડ ઈમિગ્રેશન જજિસની હકાલપટ્ટી કરી રહ્યું છે તેના લેટેસ્ટ રાઉન્ડમાં ગુજરાતી જજ રૂપલ પટેલનો પણ નંબર આવી ગયો છે, તેમની સાથે નિના ફ્રોસ નામના અન્ય એક જજને પણ રુખસદ આપી દેવાઈ છે. રૂપલ પટેલ અને નિના ફ્રોસે પેલેસ્ટાઈનની તરફેણ કરનારા ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સના હાઈ-પ્રોફાઈલ ડિપોર્ટેશન કેસમાં સરકારની વિરૂદ્ધમાં ચુકાદો આપ્યો હતો જેની કિંમત તેમને પોતાની જોબ ગુમાવીને ચૂકવવી પડી છે.
000000000000000000000000
પોલીસની ગોળીના કારણે ન્યૂજર્સીના કિશન પટેલ અને પરિવારનું જીવન દુષ્કર બન્યું
ન્યૂજર્સીઃ બે વર્ષ ન્યૂયોર્ક પોલીસના એક પોલીસ અધિકારીની ગોળીથી વીંધાયેલો કિશન પટેલ હજુ આજે પણ ઇજામાંથી બહાર આવી શક્યો નથી. ગોળી વાગવાના કારણે બ્રેઇન હેમરેજ થવાથી કિશનના બચવાની કોઇ આશા નહોતી પરંતુ ડોક્ટરોએ તેને બચાવી લીધો હતો. દોઢ વર્ષ સુધી ટેક્સાસની રિહેબ ફેસિલિટીમાં રહ્યા બાદ હવે કિશનને ઘરમાં જ સારવાર અપાઇ રહી છે. 32 વર્ષનો કિશન લકવાગ્રસ્ત હોવાના કારણે કોઇ હલનચલન કરી શક્તો નથી. પરિવારે તેના માટે ઘરમાં જ આઇસીયુ જેવી સુવિધા ઊભી કરી છે અને તેની પાછળ એક મિલિયન ડોલર જેટલો ખર્ચ થઇ ચૂક્યો છે.
000000000000000000000000
ગોળીબારમાં મૃત્યુ પામેલી સવિતાની યાદમાં 1 મિલિયન ડોલરની સ્કોલરશિપ લોન્ચ કરાશે
ટેક્સાસઃ ટેક્સાસમાં ગયા મહિને થયેલા ગોળીબારમાં મોતને ભેટેલી ભારતીય મૂળની સ્ટૂડન્ટ સવિતા શંમુગસુંદરમને યાદોમાં જીવંત રાખવા માટે તેના માટાપિતાએ એક સરાહનીય કામ કર્યું છે. સવિતાની યાદમાં આ પરિવાર એક મિલિયન ડોલરની સ્કોલરશિપ લોન્ચ કરી રહ્યો છે જેનાથી ઓછી આવક ધરાવતા બ્રિલિયન્ટ સ્ટૂડન્ટ્સને હાયર એજ્યુકેશન માટે આર્થિક મદદ કરવામાં આવશે. સવિતાની ફેમિલીની સાથે-સાથે ટેક્સસ ઈન્ડિયન સ્ટૂડન્ટ્સ અસોસિએશને આ સ્કોલરશિપ શરૂ કરવા માટે પાંચ લાખ ડોલરનું ક્રાઉડફન્ડિંગ કેમ્પેઈન લોન્ચ કર્યું છે, તેમાં જેટલી પણ રકમ એકત્ર થશે તેટલી જ રકમ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ દ્વારા અપાશે. આ તમામ ફંડ એકત્ર થઈ ગયા બાદ તેના હેઠળ દર વર્ષે દસ સ્ટૂડન્ટ્સને આર્થિક મદદ આપવામાં આવશે. માર્ચ 01ના રોજ ઓસ્ટિનમાં એક બારમાં થયેલા શૂટિંગમાં સવિતાનું ગોળી વાગવાથી મોત થઈ ગયું હતું. એકની એક દીકરી હોવાથી તેની અણધારી વિદાય બાદ સવિતાના માતા-પિતા અસહ્ય કહી શકાય તેવા દુ:ખના ભાર નીચે દબાઈ ગયા છે.
000000000000000000000000
કેલિફોર્નિયામાં વોટરફોલ પર જન્મદિવસની ઉજવણી કરવા ગયેલા ભારતીય ઇજનેરનું મોત
કેલિફોર્નિયાઃ કેલિફોર્નિયાના એક વોટરફોલ (ઝરણા) પર મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરવા ગયેલા મૂળ આંધ્રપ્રદેશના એક ૨૬ વર્ષીય આશાસ્પદ સોફ્ટવેર એન્જિનિયર એસ એસ શ્રીહરિક્રિશ્નાનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. શ્રીહરિક્રિષ્નાએ માસ્ટર્સની ડિગ્રી પૂર્ણ કર્યા બાદ તાજેતરમાં જ સેન્ટ લુઈસની એક સોફ્ટવેર કંપનીમાં નોકરી શરૂ કરી હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ, નોકરી મળવાથી તે ખૂબ જ ખુશ હતો અને તેના ઉજ્જવળ ભવિષ્યની આશા હતી. જોકે, વિધિની વક્રતા જુઓ કે તેના ૨૬માં જન્મદિવસ પર જ કુદરતે તેને છીનવી લીધો.હાલમાં અમેરિકાથી તેના મૃતદેહને ભારત લાવવા માટે જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
000000000000000000000000
શિકાગોના ગુજરાતી પરિવારની ટ્રેજેડીઃ પત્નીને અસાયલમ, પતિને દેશનિકાલ
શિકાગોઃ યુએસમાં અસાયલમનો કેસ જીતી ગયા હોય તેવા ગુજરાતીઓની સંખ્યા આંગળીના વેઢે ગણાય તેટલી ઓછી છે, પરંતુ અમુક કમનસીબ લોકો એવા પણ હોય છે કે જેમને અસાયલમ મળ્યા બાદ પણ અમેરિકામાં શાંતિથી રહેવા નથી મળતું. શિકાગોમાં રહેતા એક ગુજરાતી પરિવાર સાથે પણ કંઈક આવું જ થયું છે જેમના બે બાળકો યુએસ સિટીઝન છે અને તેમની માતા 2024માં અસાયલમનો કેસ જીતી ગઈ હતી જ્યારે આ બાળકોના પિતા કોઈ સ્ટેટસ વિના અમેરિકામાં રહેતા હતા. આમ તો ઈમિગ્રેશન કોર્ટનું ફાઈનલ જજમેન્ટ આવી ગયા બાદ પત્નીને ગ્રીન કાર્ડ મળી ગયા બાદ પતિ પણ તેના બેસ પર પરમેનન્ટ સ્ટેટસ માટે એપ્લાય કરવાનો હતો, પરંતુ ટ્રમ્પના પ્રેસિડેન્ટ બન્યા બાદ તેને વર્ષો જૂના એક કેસના બહાને અરેસ્ટ કરી પાંચ મહિના સુધી જેલમાં રખાયા બાદ ડિપોર્ટ કરી દેવામાં આવ્યો હતો.
000000000000000000000000
નોર્થ કેરોલિનાના મૌલિન પટેલને 1 મિલિયન ડોલરની લોટરી લાગી
નોર્થ કેરોલિનાઃ અમેરિકાના નોર્થ કેરોલિનાના એટકિન્સન ટાઉનની પેન્ડર કાઉન્ટીમાં રહેતા ગુજરાતી મૌલિન પટેલને 1 મિલિયન ડોલરની લોટરી લાગી છે. મૌલિન પટેલે 10 ડોલરની સ્ક્રેચ-ઓફ ટિકિટ ખરીદી હતી જેમાં તેમને એક મિલિયન ડોલરનું ઈનામ લાગ્યું હતું. નોર્થ કેરોલિના એજ્યુકેશન લોટરીના જણાવ્યા અનુસાર મૌલિન પટેલે વેસ્ટ ચર્ચ સ્ટ્રીટમાં આવેલા એટકિન્સન મિનિટ માર્ટમાંથી આ ટિકિટ ખરીદી હતી. મૌલિન પટેલ ખુદ પાછા આ જ સ્ટોરમાં જોબ કરે છે તેવું પણ જાણવા મળ્યું છે. મૌલિન પટેલ એપ્રિલ 06ના રોજ લોટરી ટિકિટ લઈને હેડક્વાર્ટર પહોંચ્યા હતા જ્યાં તેમણે 20 વર્ષ સુધી દર વર્ષે 50 હજાર ડોલરના હપ્તામાં ઈનામની રકમ લેવાને બદલે લંપસમનો ઓપ્શન પસંદ કરતા તેમને છ લાખ મળવા પાત્ર થતા હતા. જોકે, તેના પર ટેક્સ ભર્યા બાદ મૌલિન પટેલ ખરેખર તો 4,32,063 ડોલર જ ઘરે લઈ જઈ શકશે.
000000000000000000000000
કેલિફોર્નિયામાં અકસ્માત બાદ એક વર્ષ કોમામાં રહેલી ભારતીય વિદ્યાર્થિનીનું નિધન
કેલિફોર્નિયાઃ અમેરિકામાં અભ્યાસ કરતી ભારતીય યુવતીનું એક વર્ષ કરતાં વધુ સમય કોમામાં રહ્યાં બાદ નિધન થયું હતું. ફેબ્રુઆરી 2025માં એક અકસ્માતમાં નિલમ શિંદેને ગંભીર ઇજા પહોંચી હતી અને તે કોમામાં સરી પડી હતી. મગજમાં ગંભીર ઇજાના કારણે નિલમ ક્યારેય કોમામાંથી બહાર આવી શકી નહોતી અને 28 માર્ચ 2026ના રોજ તેણે અમેરિકામાં જ અંતિમ શ્વાસ લીધા હતા. દુર્ભાગ્યની વાત એ છે કે ભારતમાં રહેતો પરિવાર દીકરીના અંતિમ દર્શન પણ કરી શક્યો નહોતો. ગયા મંગળવારના રોજ વેરમન મેમોરિયલ પાર્ક ખાતે તેના અંતિમ સંસ્કાર કરાયા હતા. 35 વર્ષની નિલમ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહી હતી. પૂણેમાં કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએટ થયા બાદ નિલમે નાસામાં એક વર્ષની ઈન્ટર્નશિપ કરી હતી અને ત્યારબાદ તેણે અમેરિકામાં માસ્ટર્સ ઓફ સાયન્સના ચાર વર્ષના કોર્સમાં એડમિશન લીધું હતું.
000000000000000000000000


