એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ

Tuesday 19th May 2026 12:45 EDT
 
 

ટેક્સાસના રસ્ક શહેરમાં પહેલીવાર ભારતીય અમેરિકન યશ અસારસા ચૂંટાયા

રસ્ક સિટીઃ અમેરિકાના ટેક્સાસમાં રસ્ક શહેરના રાજકારણમાં એક નવો ઈતિહાસ રચાયો છે. ભારતીય મૂળના યશ અસારસા રસ્ક સિટી કાઉન્સિલમાં ચૂંટાઈ આવ્યા છે, અને આ સાથે જ તે આ શહેરમાં કોઈ પણ જાહેર પદ પર ચૂંટાનારા પ્રથમ ઈન્ડિયન-અમેરિકન છે. આશરે બે દાયકા અગાઉ યશ અસારસા ભારત છોડીને એક ઉજ્જવળ ભવિષ્યની શોધમાં અમેરિકા પહોંચ્યા હતા. તે સમયને યાદ કરતા ભાવુક થયેલા યશે જણાવ્યું હતું કે, જ્યારે તેમણે આ સપનાના દેશમાં પગ મૂક્યો, ત્યારે તેમની પાસે ખિસ્સામાં ફક્ત 950 ડોલર હતા. તેમની પાસે તેનાથી વધુ કંઈ જ નહોતું, માત્ર સખત મહેનત કરવાનો જુસ્સો હતો.
શરૂઆતમાં ટેક્સાસની સંસ્કૃતિ અને કાઉબોય જીવનશૈલીથી આકર્ષાઈને તેઓ અહીં આવ્યા હતા, પરંતુ રસ્ક શહેરના લોકોના પ્રેમ અને આત્મીયતાએ તેમને અહીં કાયમ માટે રોકાઈ જવા મજબૂર કર્યા. છેલ્લા 15 વર્ષથી તેઓ અહીં પોતાનું 'ટ્રકર્સ' નામનું ગેસ સ્ટેશન ચલાવી રહ્યા છે, જેના કારણે તેઓ સ્થાનિક સમુદાયમાં એક જાણીતો અને વિશ્વાસપાત્ર ચહેરો બની ગયા છે.

000000000000000000000000000000000000000

ન્યૂયોર્ક સ્ટેટ ગવર્નર દ્વારા ભારતીય શેફ વિકાસ ખન્નાનું સન્માન, સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય

ન્યૂયોર્ક: પ્રખ્યાત ભારતીય શેફ વિકાસ ખન્નાએ વધુ એક વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરી છે. ન્યૂયોર્ક સ્ટેટ દ્વારા ‘એશિયન અમેરિકન એન્ડ પેસિફિક આઈલેન્ડર’ (AAPI) હેરિટેજ મંથ નિમિત્તે તેમના ઉત્કૃષ્ટ કલાત્મક અને રાંધણકળાના યોગદાન બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. આ સન્માન મેળવનાર તેઓ ન્યૂયોર્ક સ્ટેટના ઇતિહાસમાં પ્રથમ ભારતીય બન્યા છે. ગયા અઠવાડિયે ન્યૂયોર્ક સ્ટેટના ગવર્નર કેથી હોચુલે રાજધાની અલ્બાની ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વિકાસ ખન્નાને "સ્પેશિયલ સાઇટેશન" એનાયત કર્યું હતું.  વિકાસ ખન્નાએ જણાવ્યું હતું કે, આ સન્માન મારા માટે અત્યંત ભાવનાત્મક અને નમ્રતાની ક્ષણ છે. આ ગૌરવની વાત એટલે પણ વિશેષ છે કારણ કે ન્યૂયોર્ક સ્ટેટના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ભારતીયને આ રીતે સન્માનિત કરવામાં આવ્યા છે. ગવર્નર હોચુલે અમૃતસરથી ન્યૂયોર્ક સુધીની ખન્નાની સફરને બિરદાવતા તેમને વૈશ્વિક કલાત્મક પ્રતિભા તરીકે ઓળખાવ્યા હતા.

000000000000000000000000000000000000000

ન્યૂજર્સીમાં 212 મિલિયન ડોલરના ફ્રોડ કેસમાં પરમજિત પર્મરને પાંચ વર્ષની કેદ

ન્યૂજર્સી: અમેરિકાના ન્યૂજર્સીમાં 212 મિલિયન ડોલરના ફ્રોડના કેસમાં ભારતીય મૂળના ઉદ્યોગપતિ અને કોન્સ્ટેલેશન હેલ્થકેર ટેકનોલોજીસ હેલ્થકેર કંપનીના પૂર્વ CEO પરમજીત પર્મરને ફેડરલ કોર્ટે પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. આ ફ્રોડ કેસમાં પરમજીતને 125 મિલિયન ડોલર પીડિતોને પરત ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. પંચાવન વર્ષીય પરમજીત પર્મર ઉર્ફે પોલ પર્મરે મે 2015થી સપ્ટેમ્બર 2017 દરમિયાન તેના સાથીદારો રવિ ચિવુકુલા અને સેમ ઝહરિસ સાથે મળીને આ ફ્રોડનું કાવતરું ઘડ્યું હતું. આ ટોળકીએ લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ તેમની કંપનીને પ્રાઈવેટ બનાવવાના બહાને રોકાણકારો પાસેથી કરોડો ડોલરનું ભંડોળ મેળવ્યું હતું. ઈન્વેસ્ટર્સને આકર્ષવા માટે પરમજીતે કોન્સ્ટેલેશન હેલ્થકેર ટેકનોલોજીસ હેલ્થકેર કંપનીની આવક અને વેલ્યુમાં કૃત્રિમ રીતે મોટો વધારો કરીને બતાવ્યો હતો. હકીકતમાં જે કંપનીની કિંમત બહુ ઓછી હતી, તેને ઈન્વેસ્ટર્સ સામે 300 મિલિયન ડોલરથી વધુ વેલ્યુની બતાવીને તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.

000000000000000000000000000000000000000

પંજાબી ડેવિલ્સ બાઈકર ગેંગના સ્થાપક જશનપ્રીત સિંહને 5 વર્ષની જેલ

કેલિફોર્નિયા: અમેરિકાના કેલિફોર્નિયામાં પંજાબી ડેવિલ્સ મોટરસાઇકલ ક્લબના સ્થાપક જશનપ્રીત સિંહને ગેરકાયદે હથિયારોના સોદા અને મશીનગન રાખવાના ગુનામાં પાંચ વર્ષ અને ચાર મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. સત્તાવાળાઓએ તેની પાસેથી મશીનગન, વિસ્ફોટક ઉપકરણો અને સાયલેન્સર સહિતનો ઘાતક જથ્થો જપ્ત કર્યો છે. જશનપ્રીત સિંહ ગેરકાયદે હથિયારોના વેપારમાં સંડોવાયેલો હતો. જશનપ્રીતે સ્ટોકટન સ્થિત પંજાબી ડેવિલ્સ નામની એક આઉટલો બાઈકર ગેંગ બનાવી હતી જે પંજાબી અને શીખ ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ કરતી હતી. જૂન 2025 માં એક અન્ડરકવર ઓપરેશન દરમિયાન જશનપ્રીત હથિયારો વેચવાનો પ્રયાસ કરતા ઝડપાયો હતો.

000000000000000000000000000000000000000

બર્થ ટૂરિઝમના વિવાદમાં ફસાયા કેલિફોર્નિયાના ભારતીય મૂળના ગાયનેકોલોજિસ્ટ

વોશિંગ્ટન: ભારતના સિકંદરાબાદની ગાંધી મેડિકલ કોલેજમાંથી સ્નાતક થયેલા અને કેલિફોર્નિયામાં સ્થિત ભારતીય મૂળના ગાયનેકોલોજિસ્ટ ઈમિગ્રેશન અને બર્થરાઈટ સિટિઝનશિપના વિવાદમાં સપડાયા છે. સાન હોઝેમાં પ્રેક્ટિસ ચલાવતા ડો. અથિયા જાવિદ એવા ચાર પ્રસૂતિ ગૃહો અને વ્યવસાયોમાં સામેલ છે જેમને અમેરિકી સંસદની શક્તિશાળી 'હાઉસ કમિટી ઓન ઓવરસાઈટ એન્ડ ગવર્નમેન્ટ રિફોર્મ' દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. ડો. જાવિદના ક્લિનિક પર આરોપ છે કે તેઓ આંતરરાષ્ટ્રીય દર્દીઓ માટે વિશેષ માર્કેટિંગ કરે છે અને તબીબી સારવાર ઉપરાંત રહેઠાણ, કાયદાકીય સલાહ અને વિઝા પ્રક્રિયામાં મદદ જેવી સુવિધાઓ પૂરી પાડે છે.

000000000000000000000000000000000000000

શિકાગો હાઇવે પર મિનીવાન ખીણમાં ખાબકતાં નવ્યા ગાડુસુનું કમકમાટીભર્યું મોત

શિકાગો: અમેરિકાના શિકાગો નજીક ઇન્ટરસ્ટેટ 65 પર સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતક વિદ્યાર્થિનીની ઓળખ નવ્યા ગાડુસુ તરીકે થઈ છે. લેક કાઉન્ટી કોરોનર ઓફિસ દ્વારા રવિવારે મધ્યરાત્રિએ 12:16 વાગ્યે તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે એક મિનીવાન અત્યંત ધીમી ગતિએ આગળ વધી રહી હતી. પાછળથી આવી રહેલી એક કારના ચાલકને મિનીવાનની ધીમી ગતિનો અંદાજ ન આવતા, તેણે વાહનને બચાવવા માટે ડાબી બાજુએ વળાંક લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન કાર મિનીવાનની ડાબી બાજુએ જોરદાર ભટકાઈ હતી, જેના કારણે નિયંત્રણ ગુમાવી ચૂકેલી મિનીવાન રોડ પરથી ઉતરીને સીધી બાજુની ખીણમાં ખાબકી હતી.

000000000000000000000000000000000000000

દારૂના વધુ પડતા સેવનના આક્ષેપો પર કાશ પટેલની અમેરિકન સેનેટમાં ઉગ્ર પૂછપરછ

વોશિંગ્ટન: અમેરિકી સેનેટની સુનાવણીમાં એફબીઆઈ ડિરેક્ટર કાશ પટેલ પર એક ડેમોક્રેટિક સેનેટર દ્વારા તેમના દારૂ પીવાના શોખ અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન મેરીલેન્ડના સેનેટર ક્રિસ વેન હોલેન અને કાશ પટેલ વચ્ચે ઉગ્ર શાબ્દિક ટકરાવ થયો હતો. સેનેટર વેન હોલેને પટેલના દારૂ પીવાના શોખ અને તેમના કથિત અયોગ્ય વર્તનને ટાંકીને પ્રહારો કર્યા હતા. કાશ પટેલે આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને સેનેટર પર દંભનો આરોપ લગાવ્યો હતો.

000000000000000000000000000000000000000

ન્યૂયોર્કમાં બે ગુજરાતી જ્વેલર્સ પર એફબીઆઇના દરોડા

ન્યૂયોર્કઃ અમેરિકામાં કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા બે ગુજરાતીઓના બિઝનેસ પર એફબીઆઇ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ન્યૂયોર્ક સિટીના ડાયમંડ ડિસ્ટ્રિક્ટની 47મી સ્ટ્રીટમાં આવેલા બે જ્વેલરી સ્ટોર્સ પર દરોડા અંગે કહેવાઈ રહ્યું છે કે આ બંને સ્ટોરવાળા પાર્સલ કાંડમાં પડાવાયેલા ગોલ્ડના હવાલામાં સંડોવાયેલા હોવાની શંકા છે. આ બંને ગુજરાતીઓ સુરતના હોવાનું કહેવાઈ રહ્યું છે. બંનેના તાર હોંગકોંગની કંપની સાથે જોડાયેલા છે અને તેમાં ઈન્ડિયાથી ઓપરેટ કરતા એક વચેટિયાની મહત્વની ભૂમિકા હતી. જોકે, આ વચેટિયો પણ હાલ દુબઈ ભાગી ગયો હોવાની ચર્ચા છે.

000000000000000000000000000000000000000

ફ્લોરિડામાં વધુ એક ભારતીયની ગોલ્ડ સ્કેમમાં ધરપકડ

ફ્લોરિડાઃ અમેરિકામાં 24 વર્ષના એક ભારતીયની ગોલ્ડ સ્કેમમાં ધરપકડ કરવામાં આવી છે. સુમિત બહાદુર પાંડે નામનો આ યુવક હાલ ફ્લોરિડાની જેલમાં બંધ છે અને તેના ડિપોર્ટેશનનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. તેના પર ફર્સ્ટ ડિગ્રી ગ્રાંડ થેફ્ટ, ઓર્ગેનાઈઝ્ડ સ્કીમ ટુ ડીફ્રોડ, અનલૉફુલ યુઝ ઓફ અ ટુ વે કોમ્યુનિકેશન ડિવાઈસ તેમજ નકલી ઓફિસર તરીકે ઓળખ આપીને ઠગાઈ કરવાનો આરોપ છે. આ ચાર્જિસ ઘણા ગંભીર છે તેમાં ગુનો સાબિત થવા પર આ દેસીને વર્ષો સુધી જેલમાં રહેવું પડી શકે છે. સુમિત પાંડે ટેક્સાસમાં રહે છે અને સૌ પહેલા તેની ધરપકડ આર્કાન્સાસમાં થઈ હતી, તેણે ફ્લોરિડામાં રહેતાં એક વૃદ્ધા પાસેથી 1.9 મિલિયન ડોલરના ગોલ્ડ કોઈન પડાવ્યા હોવાનો પોલીસનો દાવો છે. તેના એરેસ્ટ વોરન્ટમાં અપાયેલી માહિતી અનુસાર આ સ્કેમ ઓગસ્ટ 2025થી જાન્યુઆરી 2026 સુધી આચરવામાં આવ્યું હતું.

000000000000000000000000000000000000000

કેનેડામાં માર્ગ અકસ્માતમાં ઓલિમ્પિયનનો જીવ લેનાર સુખવિંદરને અઢી વર્ષની કેદ

ટોરન્ટોઃ કેનેડામાં એક ઓલિમ્પિયન ખેલાડીનો જીવ લેનાર ગમખ્વાર અકસ્માતના કેસમાં ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવર 31 વર્ષીય સુખવિંદર સિદ્ધુને કોર્ટે અઢી વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સાથે જ તેના ડ્રાઈવિંગ કરવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 22 ઓગસ્ટ, 2023ના રોજ ઓન્ટારિયોની મેલાન્કથોન ટાઉનશીપમાં સિદ્ધુની બેદરકારીને કારણે સર્જાયેલા અકસ્માતમાં કેનેડાની ખ્યાતનામ ફિગર સ્કેટર એલેક્ઝાન્ડ્રા પોલનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સિદ્ધુ સતત 16 કલાકથી ટ્રક ચલાવી રહ્યો હતો. કન્સ્ટ્રક્શન ઝોન હોવા છતાં તેણે પૂરપાટ ઝડપે ટ્રક હંકારીને ત્યાં ઉભેલા અનેક વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એલેક્ઝાન્ડ્રા પોલની કારમાં તેમની સાથે રહેલો 10 મહિનાનો પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યારે અન્ય ત્રણ લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.

000000000000000000000000000000000000000

ભારતીય યુવાન 100 ડોલરમાં કેનેડાથી અમેરિકાની સરહદ પાર કરાવતો હતો

ન્યૂયોર્ક: યુએસ-કેનેડા સરહદ પર ગેરકાયદેસર રીતે ભારતીયોને સરહદ પાર કરાવવાના કાવતરામાં સામેલ 22 વર્ષીય ભારતીય યુવક શિવમે અદાલતમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. વર્ષ 2025માં તેના પર આરોપ ઘડવામાં આવ્યા હતા, અને હવે ગુનાની કબૂલાત બાદ તેને આગામી 4 સપ્ટેમ્બરના રોજ સજા ફટકારવામાં આવશે. અમેરિકી કાયદા અનુસાર, શિવમને ઓછામાં ઓછી પાંચ વર્ષ અને વધુમાં વધુ 15 વર્ષની જેલની સજા થઈ શકે છે. શિવમ ડ્રાઇવરો સાથે સંપર્કમાં રહીને કેનેડા સરહદ પરના નિર્ધારિત સ્થળોએથી ભારતીયોને પિક-અપ કરાવતો હતો. સરહદ પાર કરાવ્યા બાદ આ લોકોને ઉત્તરી ન્યૂયોર્કની હોટલોમાં રાખવામાં આવતા હતા. શિવમ તેના સાથીદારો અને ડ્રાઇવરોને તસ્કરી કરાયેલા પ્રત્યેક વ્યક્તિ દીઠ 100 ડોલર ચૂકવતો હતો.

000000000000000000000000000000000000000

જાપાનમાં 30 વર્ષથી વસવાટ કરતા રેસ્ટોરન્ટ માલિક મનિષ કુમારને દેશ છોડવા આદેશ

ટોક્યોઃ જાપાનમાં છેલ્લા 30 વર્ષથી વસવાટ કરી રહેલા ભારતીય રેસ્ટોરન્ટ માલિક મનિષ કુમારને દેશનિકાલના આદેશ અપાતા તેઓ ભાંગી પડ્યા છે. જાપાનના સત્તાવાળાઓએ તેમના બિઝનેસ મેનેજર વિઝાને રિન્યૂ કરવાનો ઇનકાર કરી દીધો છે. મનિષ કુમાર છેલ્લા 18 વર્ષથી જાપાનના સાઇતામા પ્રિફેક્ચરમાં રેસ્ટોરન્ટ ચલાવી રહ્યાં છે. ટોક્યોમાં એક વિરોધ પ્રદર્શનમાં કુમારે જણાવ્યું હતું કે, સત્તાવાળાઓના નિર્ણયથી મારા પરિવારનું ભાવિ જોખમમાં મૂકાઇ ગયું છે. બે સપ્તાહ પહેલાં સત્તાવાળાઓએ મને મારા વતનના દેશ પરત ફરવાનો આદેશ જારી કર્યો છે. મારા બાળકોનો જન્મ અને ઉછેર જાપાનમાં થયો છે. તેઓ ફક્ત જાપાનિઝ ભાષા સમજી શકે છે. હવે મારે શું કરવું....

000000000000000000000000000000000000000

ઓસ્ટ્રેલિયામાં લાયકાત વિના કામ કરતા સુમિત રસ્તોગીને 13 વર્ષ અને 10 મહિનાની કેદ

એડિલેડઃ ઓસ્ટ્રેલિયાના એડિલેડ સિટીમાં ગેરકાયદેસર અને લાયકાત વિના મસાજ થેરાપિસ્ટ તરીકે કામ કરતા ભારતીય મૂળના 39 વર્ષીય સુમિત સતીશ રસ્તોગીને કોર્ટે 13 વર્ષ અને 10 મહિનાની જેલની સજા ફટકારી છે. સુમિત પર 61 મહિલા કસ્ટમરની છેડતી કરવા અને તેમના વાંધાજનક વીડિયો ઉતારવાનો ગંભીર આરોપ સાબિત થયો છે. તેણે કોર્ટમાં પોતાના પર લાગેલા તમામ 97 ગુનાઓની કબૂલાત કરી લીધી છે. સુમિત રસ્તોગીએ આ તમામ ગુનાઓ ઓક્ટોબર 2021થી જુલાઈ 2022 વચ્ચેના માત્ર 9 મહિનાના ટૂંકા ગાળામાં આચર્યા હતા. જુલાઈ 2022માં પોલીસે તેની ધરપકડ કરી હતી. તે એડિલેડના એક મસાજ પાર્લરમાં કામ કરતો હતો, જોકે તેની પાસે આ કામ માટેની કોઈ વ્યાવસાયિક લાયકાત નહોતી. મસાજ કરાવવા આવતી મહિલાઓ તેના પર વિશ્વાસ રાખતી હતી, પરંતુ સુમિત તે વિશ્વાસનો દુરુપયોગ કરતો હતો.

000000000000000000000000000000000000000

શિકાગોના ચીકુ પટેલ પર 10 મિલિયન ડોલરની ઉચાપતનો આરોપ, ચીકુ પટેલનો વળતો દાવો

શિકાગોઃ શિકાગોના સાઉથ સાઈડમાં મલ્ટીફેમિલી પોર્ટફોલિયો (રિયલ એસ્ટેટ બિઝનેસ) અંગેની કાયદાકીય લડાઈ હવે વધારે ઉગ્ર બની છે. કંપનીમાંથી બહાર કાઢી મૂકાયેલા પ્રોપર્ટી મેનેજર ચીકુ પટેલે હવે તેમના ભૂતપૂર્વ રોકાણકારો સામે મોરચો ખોલ્યો છે. શિકાગો સ્થિત CKO રિયલ એસ્ટેટ બંધ થઈ તે પહેલા તેના વડા રહેલા ચીકુ પટેલ પર ગત વર્ષે ફ્લોરિડાના ઈન્વેસ્ટર શાઈ વોલ્કોવિકીએ કેસ કર્યો હતો. વોલ્કોવિકીએ આક્ષેપ કર્યો હતો કે, ચીકુ પટેલે પોન્ઝી સ્કીમ જેવું કૌભાંડ કરીને 10 મિલિયન ડોલરથી વધુની ઉચાપાત કરી છે, અને ઈલિનોયમાં અનેક પ્રોપર્ટીને ખંડેર હાલતમાં છોડી દીધી છે. બીજી તરફ ચીકુ પટેલે ગયા મહિને કૂક કાઉન્ટી કોર્ટમાં વળતો દાવો કર્યો હતો અને આ દાવામાં તેમણે પોતાના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter