ભારતીય અમેરિકન જયા બાસુ પ્રતિષ્ઠિત સાહિત્યિક પુરસ્કાર 'સોફી કેર પ્રાઇઝ'થી સન્માનિત
મેરીલેન્ડઃ અમેરિકાના મેરીલેન્ડ સ્થિત પ્રખ્યાત લિબરલ આર્ટ્સ કોલેજ 'વૉશિંગ્ટન કોલેજ'ની ભારતીય-અમેરિકન વિદ્યાર્થિની જયા એસ. બાસુએ અમેરિકાની સૌથી પ્રતિષ્ઠિત સાહિત્યિક પુરસ્કાર 'સોફી કેર પ્રાઇઝ' જીતીને ઈતિહાસ રચ્યો છે. આ એવોર્ડ અમેરિકામાં કોઈપણ કોલેજના વિદ્યાર્થીને અપાતો સૌથી મોટો સાહિત્યિક એવોર્ડ માનવામાં આવે છે. આ વર્ષે આ એવોર્ડ તેના 59મા વર્ષમાં પ્રવેશી ચૂક્યો છે. આ વખતે આ એવોર્ડની કુલ ઈનામી રકમ 86,702 ડોલર રાખવામાં આવી હતી. આ રકમ સાહિત્ય જગતના અન્ય પ્રતિષ્ઠિત પુરસ્કારો જેવા કે પુલિત્ઝર પ્રાઇઝ અને નેશનલ બુક એવોર્ડની સંયુક્ત રકમ કરતાં પણ વધારે છે. જયા બાસુ આ એવોર્ડ મેળવવા માટે પસંદ કરાયેલા અંતિમ 6 ફાઇનલિસ્ટોમાંથી એક હતી.
0000000000000000000000000000000000000000
ભારતીય મૂળના બે વૈજ્ઞાનિક સાઉથ આફ્રિકાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત
જ્હોનિસબર્ગઃ જાહેર આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન માટે સાઉથ આફ્રિકાના બે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અને ભારતીય મૂળના વૈજ્ઞાનિકોને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રમુખ સિરિલ રામાફોસાએ પ્રિટોરિયા ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં પ્રોફેસર સલીમ અબ્દુલ કરીમ અને પ્રોફેસર કીર્તન ધેડાને પ્રતિષ્ઠિત ઓર્ડર ઓફ માપુન્ગુબવે એનાયત કર્યો હતો. પ્રોફેસર કરીમને ઓર્ડર ઓફ માપુન્ગુબવે ઇન ગોલ્ડ એનાયત કરવામાં આવ્યો છે. મેડિકલ સાયન્સ અને પબ્લિક હેલ્થ ક્ષેત્રે, ખાસ કરીને એચઆઈવી/એઇડ્સ અને ટ્યુબરક્યુલોસિસ (ટીબી) ના રોગચાળા પરના તેમના સંશોધન અને રાષ્ટ્રીય આરોગ્ય નીતિના ઘડતરમાં તેમના અસાધારણ નેતૃત્વ માટે આ પ્રશસ્તિપત્ર એનાયત કરાયું છે. પ્રોફેસર કીર્તન ધેડાને ઓર્ડર ઓફ માપુન્ગુબવે ઇન સિલ્વરથી સન્માનિત કરવામાં આવ્યા છે. ફેફસાના રોગો ક્ષેત્રે તેમના અગ્રણી વૈજ્ઞાનિક સંશોધનોએ ટ્યુબરક્યુલોસિસ અને દવાઓ સામે પ્રતિકારક શક્તિ ધરાવતા શ્વસન માર્ગના ચેપના ક્લિનિકલ અને જાહેર આરોગ્ય સંચાલનમાં ક્રાંતિ આણી છે.
0000000000000000000000000000000000000000
જેપી મોર્ગન સેક્સ હેરેસમેન્ટ કેસમાં હાજદિનીએ ચિરાયુ રાણા વિરુદ્ધ બદનક્ષીનો દાવો દાખલ કર્યો
ન્યૂયોર્કઃ જેપી મોર્ગન ચેઝમાં ચાલી રહેલી કાનૂની લડાઈમાં હવે બેંકના એક્ઝિક્યુટિવ લોર્ના હાજદિનીએ ભૂતપૂર્વ બેંકર ચિરાયુ રાણા વિરુદ્ધ ન્યૂયોર્ક સ્ટેટ સુપ્રીમ કોર્ટમાં બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે. રાણાએ હાજદિની પર વાયગ્રા આપીને નશો કરાવવા, સંમતિ વિના શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરવા અને જેપી મોર્ગન ચેઝમાં કામકાજ દરમિયાન તેની સાથે વંશીય ભેદભાવ અને દુર્વ્યવહાર કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. હવે હાજદિનીએ વળતા દાવામાં જણાવ્યું છે કે આ આક્ષેપો સંપૂર્ણપણે ખોટા, દુષિત અને ઉપજાવી કાઢેલા છે. પ્રતિવાદી અને અન્ય લોકોના ભોગે આર્થિક લાભ ખાટવાના અયોગ્ય ઇરાદાથી આ આખી વાર્તા ઘડી કાઢવામાં આવી છે.
0000000000000000000000000000000000000000
ન્યૂ જર્સીમાં અકસ્માત સર્જનારા ભારતીય યુવકની ધરપકડ
ન્યૂ જર્સીઃ અમેરિકાના ન્યૂ જર્સીમાં ભયાનક અકસ્માત સર્જનારા ભારતીય યુવકની ધરપકડ કરાઇ છે. બર્ગન કાઉન્ટીના રીજફિલ્ડ પાર્ક વિલેજમાં રૂટ 80 હાઇવે પર મોડી રાત્રે બે લક્ઝરી એસયુવી વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે એક કાર પ્રોટેક્શન દિવાલ તોડીને સીધી નદીમાં ખાબકી હતી. ન્યૂ જર્સી પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ ઘટના રાત્રે 9.49 કલાકે હેકેનસેક રિવર બ્રિજ પર માઇલ સ્ટોન 66.9 નજીક બની હતી. પૂરઝડપે જઇ રહેલી બીએમડબલ્યુ અને લેન્ડ રોવર કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં બીએમડબલ્યુના ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું જેના કારણે કાર હાઇવેની જમણી બાજુએ આવેલી કોંક્રિટની મજબૂત બેરિયર સાથે અથડાઇને સીધી હેકેનસેક નદીમાં ખાબકી હતી.
0000000000000000000000000000000000000000
ઇલિનોઇસમાંથી ગ્રીન કાર્ડ ડોલ્ડર ગુજરાતી યુવતીની પાર્સલ કાંડમાં ધરપકડ
શિકાગોઃ અમેરિકાના ઇલિનોઇસ સ્ટેટમાં રહેતી એક ગ્રીન કાર્ડ હોલ્ડર ગુજરાતી યુવતીની એફબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દ્રષ્ટિ કમલેશ પંડ્યા નામની આ યુવતી ઈલીનોઇસના હોફમેન એસ્ટેટની રહેવાસી છે. પાર્સલ કાંડમાં કથિત સંડોવણી ધરાવતી દ્રષ્ટિ પર ઈન્ડિયાના, ઈલીનોઇસ અને વિસ્કોન્સિનમાંથી 15 જેટલા વિક્ટિમ્સ પાસેથી કેશ અથવા ગોલ્ડથી ભરેલા પાર્સલ્સ કલેક્ટ કરવાનો આરોપ છે. હાલ ઇન્ડિયાનાની જ્હોન્સન કાઉન્ટી જેલમાં કેદ દ્રષ્ટિ પર પાંચ લાખ ડોલરનો કેશ બોન્ડ મૂકવામાં આવ્યોછે. દ્રષ્ટિ 2020માં ભારતથી અમેરિકા આવી હતી અને હાલ તે એક્ટિવ ગ્રીન કાર્ડ હોલ્ડર છે.
0000000000000000000000000000000000000000
વૃદ્ધો સાથે ફ્રોડ આચરનાર ભારતીય મૂળના સૈયદ મક્કીને સાડા 15 વર્ષની કેદ
શિકાગોઃ અમેરિકાની ફેડરલ કોર્ટે વૃદ્ધો સાથે ફ્રોડ કરવાના આરોપમાં ઈલિનોઇસમાં રહેતા ભારતીય મૂળના 38 વર્ષીય સૈયદ એમમક્કીને પેરોલ વિના 15 વર્ષ અને 6 મહિના જેલની સજા ફટકારી છે. કોર્ટે મક્કીને પિડિતોને 47,54,000 ડોલરનું વળતર ચૂકવવા અને જપ્ત કરાયેલું સોનુ સરકારને સોંપવા આદેશ આપ્યો છે. મક્કીની આંતરરાષ્ટ્રીય ઠગ ટોળકીએ 2023-2024માં અમેરિકાના અનેક સીનિયર સિટિઝન્સને નિશાન બનાવ્યા હતા. આ ટોળકી પહેલા તો પીડિતના કોમ્પ્યુટરમાં માલવેર વાઇરસ ઇન્સ્ટોલ કરતી જેના કારણે સ્ક્રીન પર એક નકલી હેલ્પલાઇન નંબર દેખાતો હતો. ભયભીત બનીને વૃદ્ધો તે નંબર પર ફોન કરતા ત્યારે આ ટોળકી પોતાની ઓળખ નકલી માઇક્રોસોફ્ટ કર્મચારી, બેન્ક અધિકારી, સરકારી એજન્ટ અથવા પોલીસ તરીકે આપતી અને વૃદ્ધોને ડરાવતા કે તેમની આઇડેન્ટિટી ચોરાઇ છે અને બેન્ક ખાતામાં તેમના નાણા સલામત નથી. આ ટોળકી 61થી 80 વર્ષની વયના વૃદ્ધોને ટાર્ગેટ કરતી હતી.
0000000000000000000000000000000000000000
ન્યૂ મેક્સિકોમાં ભારતીય પરિવારને અકસ્માત, પુત્રનું મોત, 3ને ઇજા
ન્યૂ મેક્સિકોઃ ન્યૂ મેક્સિકોના વ્હાઈટ સેન્ડ્સ નેશનલ પાર્ક નજીક સર્જાયેલા એક ભયાનક રોડ અકસ્માતમાં એનઆરઆઇ પૂર્ણા ગોપી અવાલાનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે તેના પરિવારના અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પૂર્ણા તેના ભાઈ મુરલી અને ભારતથી આવેલા તેમના માતા-પિતા ન્યૂ મેક્સિકોના પ્રખ્યાત વ્હાઈટ સેન્ડ્સ નેશનલ પાર્ક તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ટ્રાવેલિંગ દરમિયાન ડ્રાઈવર બદલવા માટે બંને ભાઈઓએ પોતાની કારને રોડની બાજુમાં આવેલી ઈમરજન્સી લેનમાં પાર્ક કરી હતી અને પાર્કિંગ લાઈટ્સ પણ ચાલુ રાખી હતી. બંને ભાઈઓ ગાડીની સીટ બદલી રહ્યા હતા તે જ સમયે પૂરપાટ ઝડપે આવી રહેલા એક પિકઅપ ટ્રકે તેમની પાર્ક કરેલી કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે પિકઅપ ટ્રક પૂર્ણાની ઉપર ફરી વળ્યો હતો જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે કારમાં બેઠેલા તેના માતા-પિતા અને મુરલીને ગંભીર ઈજાઓ થઈ હતી.
0000000000000000000000000000000000000000
કેનેડામાં ખંડણી અને હિંસામાં સંડોવાયેલા ભારતીય મૂળના 17 યુવકોની ધરપકડ
ટોરન્ટોઃ કેનેડામાં વ્યાપક ખંડણી અને હિંસાના મામલે કાયદા એજન્સીઓએ શરૂ કરેલી કાર્યવાહી અંતર્ગત કેનેડિયન પોલીસ અને અમેરિકાની ગુપ્તચર સંસ્થા એફબીઆઈના સંયુક્ત ઓપરેશનમાં ભારતીય મૂળના 17 યુવકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા મોટાભાગના આરોપીઓ ફોર બ્રધર્સ નામની આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ગેંગ સાથે સંકળાયેલા છે. આ ટોળકી સ્થાનીય વેપારીઓને ડરાવી-ધમકાવીને તેમની પાસેથી ખંડણી વસૂલવાનું સંગઠિત નેટવર્ક ચલાવતી હતી. ધરપકડ કરાયેલા 17 યુવકો પર સામૂહિક રીતે 106 જેટલા ગંભીર ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યા છે.
0000000000000000000000000000000000000000
કેનેડામાં ભૂલથી ગોળીનું નિશાન બનાવાયેલા ભારતીય દંપતીના પરિવારે વળતરની માગ કરી
ટોરન્ટો: કેનેડામાં વર્ષ 2023માં ગોળીબારનો ભોગ બનેલા એક વયોવૃદ્ધ ભારતીય દંપતીના પરિવારે સ્થાનિક પોલીસ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરિવારનો આરોપ છે કે ગેંગસ્ટર તરફથી મળી રહેલા સંભવિત જોખમ અંગેની માહિતી હોવા છતાં પોલીસે તેમને સમયસર ચેતવણી આપી ન હતી. 20 નવેમ્બર 2023ના રોજ કેલેડન શહેરમાં પોતાના બાળકોને મળવા આવેલા 57 વર્ષીય જગતાર સિદ્ધુ અને હરભજન સિદ્ધુની અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસ તપાસમાં પાછળથી ખુલાસો થયો હતો કે આ ગુનો મિસ્ટકેન આઇડેન્ટિટીના કારણે આચરવામાં આવ્યો હતો, અને દંપતી ગુનેગારોનું અસલી નિશાન નહોતું. આ હુમલામાં દંપતીની પુત્રી જસપ્રીત કૌર સિદ્ધુને પણ અનેક ગોળીઓ વાગી હતી, પરંતુ તે ચમત્કારિક રીતે બચી ગઈ હતી. હવે જસપ્રીત કૌર અને તેના ભાઈ ગુરદિત સિંહ સિદ્ધુએ પીલ રિજિયોનલ પોલીસ સામે આશરે 80 મિલિયન કેનેડિયન ડોલરના વળતરનો દાવો માંડ્યો છે.
0000000000000000000000000000000000000000
ક્રિકેટ કેનેડાના વડા અરવિંદર ખોસાના ઘર પર ખંડણીના ઇરાદે ગોળીબાર
ટોરન્ટોઃ વિવાદોમાં ઘેરાયેલા કેનેડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અરવિંદર ખોસાના ઘર પર ખંડણી વસૂલવાના ઈરાદે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સરે પોલીસ સર્વિસના જણાવ્યા અનુસાર આ ઘટના ગયા બુધવારે વહેલી સવારે 4:40 વાગ્યે બની હતી. આ ઘર બ્રિટિશ કોલંબિયાના સરે વિસ્તારમાં આવેલા ન્યૂટન ટાઉનશીપમાં આવેલું છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે નોંધ્યું હતું કે ઘરને નુકસાન થયું છે અને ત્યાં ગોળીબારના પુરાવા મળ્યા છે. ફાયરિંગની આ ઘટના સમયે ઘરમાં લોકો હાજર હતા, પરંતુ સદનસીબે કોઈને ઈજા થઈ નથી. ખોસાએ તાજેતરમાં જ ક્રિકેટ કેનેડાનો કાર્યભાર સંભાળ્યો છે અને આ સંસ્થા છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. નાણાકીય ગેરરીતિઓના આરોપો વચ્ચે ક્રિકેટ કેનેડામાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભારે અરાજકતાનો માહોલ છે.
0000000000000000000000000000000000000000
કેનેડામાં મહિલાઓના ગુપ્ત વીડિયો રેકોર્ડ કરનાર ભારતીય યુવકની ધરપકડ
ઓકવિલઃ કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં ઓકવિલના એક જાણીતા શોપિંગ મોલના કપડા બદલવાના રૂમમાં છૂપા કેમેરા ગોઠવીને મહિલાઓના ગુપ્ત વિડીયો રેકોર્ડ કરવાના આરોપસર 26 વર્ષના એક ભારતીય મૂળના યુવક દિશાંત શ્રીદેવાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ સમગ્ર ઘટના ઓકિવલમાં વિન્સ્ટન ચર્ચિલ બુલવાર્ડ પર આવેલા જાણીતા વિનર્સ સ્ટોરમાં બની હતી. આ મામલે પ્રથમ સત્તાવાર ફરિયાદ એપ્રિલ 2026માં નોંધાઈ હતી. સ્ટોરના ફિટિંગ રૂમમાં કપડા બદલી રહેલી એક મહિલાની નજર અચાનક જ એક મોબાઈલ ફોન પર પડી હતી. મહિલાએ જોયું કે એક અજાણ્યો શખ્સ ફિટિંગ રૂમની નીચે અથવા ઉપરની ખાલી જગ્યામાંથી છૂપી રીતે પોતાના મોબાઈલ કેમેરા વડે વિડીયો શૂટ કરી રહ્યો છે.
0000000000000000000000000000000000000000
ન્યૂઝીલેન્ડમાં માર્ગ અકસ્માતમાં ઉબેર ડ્રાઇવર રમનદીપ ધિલ્લોનનું મોત
પાપામોઆઃ ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયેલા ભારતીય મૂળના ઉબેર ડ્રાઈવર 36 વર્ષીય રમનદીપ ધિલ્લોનનું એક માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. રમનદીપ પોતાની પાછળ પત્ની વીરપાલ કૌર અને માત્ર 18 મહિનાની માસૂમ પુત્રી કુદરતને વિલાપ કરતા છોડી ગયા છે. આ ગમખ્વાર અકસ્માત મે 13, 2026ની સાંજે આશરે 7.15 વાગ્યે પાપામોઆ નજીક બેલ રોડ અને પોપ્લર લેન વચ્ચે સર્જાયો હતો. બે વાહનો વચ્ચે થયેલી આ જોરદાર ટક્કરમાં રમનદીપ ધિલ્લોનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સામેના વાહનમાં સવાર અન્ય 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૂળ પંજાબના વતની રમનદીપ ધિલ્લોન વર્ષ 2015માં સ્ટુડન્ટ વિઝા પર ન્યૂઝીલેન્ડ આવ્યા હતા. વર્ષોના સંઘર્ષ બાદ તેઓ ત્યાં સ્થાયી થયા અને 2024માં ભારતમાં આવીને વીરપાલ કૌર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ દંપતી પાપામોઆમાં રહેતું હતું અને શરૂઆતમાં બંને સ્થાનિક કીવીફ્રુટના બગીચાઓમાં મજૂરી કામ કરતા હતા.
0000000000000000000000000000000000000000


