એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ

Tuesday 02nd June 2026 12:19 EDT
 
 

અમેરિકાના જ્યોર્જિયામાં લગ્નના ગણતરીના કલાકોમાં આશાસ્પદ ભારતીય પાયલટનું ક્રેશમાં નિધન

જ્યોર્જિયાઃ અમેરિકાના જ્યોર્જિયામાં લગ્નગ્રંથિથી જોડાયાના ગણતરીના કલાકોમાં જ એક ભારતીય મૂળના પાયલટનું હેલિકોપ્ટર ક્રેશમાં કમકમાટીભર્યું મોત થતાં લગ્નની ખુશીઓ પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી. આ અકસ્માતમાં હેલિકોપ્ટરના પાયલટે પણ જીવ ગુમાવ્યો હતો જ્યારે નવવધૂનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યોર્જિયાના ડોસનવિલે ખાતે લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ ડેવ ફીજી અને તેમની પત્ની જેસ્ની રોબિન્સન હેલિકોપ્ટરમાં સવાર થયા હતા. નવદંપતીના વિદાય સમારોહના ભાગરૂપે આ ખાસ ફ્લાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ હેલિકોપ્ટર ટેકઓફના થોડા જ સમય બાદ લગ્ન સ્થળ નજીકના એક ગાઢ જંગલ વિસ્તારમાં તૂટી પડ્યું હતું. ડેવ ફીજી નાનપણથી જ પાયલટ બનવાનું સપનું જોતો હતો અને બાદમાં ડેલ્ટા એરલાઈન્સમાં ફર્સ્ટ ઓફિસર તરીકે જોડાઈને તેણે પોતાનું આ સપનું પૂરું પણ કર્યું હતું. હેલિકોપ્ટર ઉપડતા પહેલાં ડેવે ખરાબ હવામાન અને ધુમ્મસના કારણે ઓછી વિઝિબિલિટી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

0000000000000000000000000000000000000000000000000000000000

શિક્ષણ શાસ્ત્રી પિયા દાંડિયાએ ફ્લોરિડાથી કોંગ્રેસની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી

વોશિંગ્ટનઃ ભારતીય-અમેરિકન શિક્ષણશાસ્ત્રી પિયા દાંડિયાએ ફ્લોરિડાના 22મા ડિસ્ટ્રિક્ટમાંથી યુએસ કોંગ્રેસની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ભૂતપૂર્વ હાઈસ્કૂલ પ્રિન્સિપાલ અને ટેક્નોલોજી મેનેજર રહી ચૂકેલા પિયા દાંડિયા મોંઘવારીમાં ઘટાડો કરવો, જાહેર શિક્ષણ વ્યવસ્થાને મજબૂત કરવી અને મધ્યમ વર્ગીય પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાના મુદ્દાઓ સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જો પિયા દાંડિયા આ ચૂંટણી જીતશે તો તેઓ યુએસ કોંગ્રેસમાં ફ્લોરિડાનું પ્રતિનિધિત્વ કરનારા સૌપ્રથમ દક્ષિણ એશિયાઈ અમેરિકન બનશે. પામ બીચ કાઉન્ટીમાં જન્મેલા અને ઉછરેલા પિયા દાંડિયાના માતા-પિતા ભારતથી અમેરિકા સ્થળાંતરિત થયા હતા. પોતાના સ્નાતક અભ્યાસકાળ દરમિયાન પિયા દાંડિયાએ નવી દિલ્હીના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં બાળકોને અંગ્રેજી ભણાવવાનું સ્વૈચ્છિક કાર્ય કર્યું હતું.

0000000000000000000000000000000000000000000000000000000000

માનવ શાહે મેડિકલ અભ્યાસ છોડી યુએસ ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટમાં ઝંપલાવ્યું

કેલિફોર્નિયાઃ ગુજરાતી પરિવારના 34 વર્ષીય માનવ શાહ આગામી દિવસોમાં વિશ્વની પ્રતિષ્ઠિત ગોલ્ફ ટુર્નામેન્ટ યુએસ ઓપનમાં સામેલ થઇ અનોખો ઇતિહાસ રચવા જઇ રહ્યા છે. માનવ શાહની આ પ્રથમ ટુર્નામેન્ટ છે. મોટાભાગના ડોક્ટર ધરાવતા ગુજરાતી પરિવારમાં જન્મેલા માનવ શાહ પણ ડોક્ટર બને તેમ પરિવાર ઇચ્છતો હતો પરંતુ માનવ શાહનું મન ગોલ્ફમાં લાગી ગયું હતું અને પ્રથમ વખત ગોલ્ફ સ્ટિક પકડ્યા બાદ તેણે પાછું વળીને જોયું નથી. માનવ શાહે પરિવારની ઇચ્છાને માન આપી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં પ્રી-મેડ પ્રોગ્રામમાં એડમિશન પણ લીધું હતું. જોકે, ટૂંક સમયમાં જ તેને સમજાઈ ગયું કે તેનું ભાવિ મેડકલ લેબોરેટરીમાં નહીં, પરંતુ લીલાછમ ગોલ્ફ કોર્સ પર છે. પોતાના પેશનને ઓળખીને તેમણે મેડિકલનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને સંપૂર્ણ સમય ગોલ્ફને આપવાનો એક અત્યંત મુશ્કેલ નિર્ણય લીધો હતો.

0000000000000000000000000000000000000000000000000000000000

ઇલિનોઇસમાં પોલીસ સામે બંદૂક તાકનાર ધ્રુવ પટેલની ધરપકડ

શિકાગોઃ અમેરિકાના ઈલિનોઇસ સ્ટેટમાં આવેલા હોફમેન એસ્ટેટ્સ વિસ્તારમાં ટ્રાફિક તપાસ દરમિયાન પોલીસ અધિકારીઓ પર બંદૂક તાણવાના આરોપમાં એક 25 વર્ષીય ગુજરાતી યુવક સામે ઘણા ગંભીર ગુના નોંધવામાં આવ્યા છે. હોફમેન એસ્ટેટ્સ પોલીસ વિભાગના જણાવ્યા મુજબ, 25 વર્ષીય ધ્રુવ પટેલ સામે ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા, પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કરવાના બે કાઉન્ટ અને ધરપકડનો હિંસક વિરોધ કરવાના ચાર કાઉન્ટ હેઠળ ગંભીર કલમો મંજૂર કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર હાઇવે પર પેટ્રોલિંગ કરી રહેલા એક પોલીસ અધિકારીએ કાયદેસરના રજીસ્ટ્રેશન વિનાની બાઈક લઈને જઈ રહેલા ધ્રુવને અટકાવ્યો હતો. ધ્રુવ પટેલ સસ્પેન્ડેડ લાઈસન્સ સાથે ગાડી ચલાવી રહ્યો હતો. પોલીસ અધિકારીઓએ ધ્રુવ પટેલને કસ્ટડીમાં લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે અચાનક ઉશ્કેરાઈ ગયો હતો. તેણે પોતાના સ્વેટરમાં છુપાવી રાખેલી હેન્ડગન બહાર કાઢી અને પોલીસ ઓફિસરો તરફ તાકવાનો પ્રયત્ન કર્યો હતો.

0000000000000000000000000000000000000000000000000000000000

નેબ્રાસ્કામાં દેહ વ્યાપાર રેકેટમાં ઝડપાયેલા કવન પટેલને 10 વર્ષની કેદ

નેબ્રાસ્કાઃ અમેરિકાના નેબ્રાસ્કાના ઓમાહા સ્થિત એક મોટેલમાં ચાલતા દેહ વ્યાપાર રેકેટમાં ઝડપાયેલા ગુજરાતી યુવક કવન પટેલને 10 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. અમેરિકામાં ગેરકાયદેસર રહેતો કવન કામ કરતો હતો તે અમેરિકન ઇન નામની મોટેલમાં સગીરાઓ પાસે દેહ વ્યાપાર કરાવવાનું એક રેકેટ પકડાયું હતું જેમાં કવનની સાથે બીજા ત્રણ ગુજરાતીઓ સહિત કુલ છ લોકોને આરોપી બનાવાયા હતા. મોટેલનો માલિક પણ એક ગુજરાતી હતો અને તે પણ હાલ જેલમાં જ છે. કવન પટેલ જાન્યુઆરી 2025થી જેલમાં હતો તેથી તેને હવે સાડા 8 વર્ષ જેલમાં જ કાઢવા પડશે. કવન પટેલની સાથે આ કેસના અન્ય બે ગુજરાતી આરોપીઓ સુમિત ચૌધરી અને વિશાલ ગોસ્વામી હજુય જેલમાં બંધ છે અને તેમણે ગુનો કબૂલ્યો નથી. આ ત્રણે અમેરિકામાં કોઇ સ્ટેટસ વિના જ રહેતા હતા.

0000000000000000000000000000000000000000000000000000000000

એફબીઆઈ એજન્ટનો સ્વાંગ રચી 40,000 ડોલરની છેતરપિંડી કરનાર પાર્થ પટેલની ધરપકડ

શિકાગોઃ ઇલિનોઇસના પાવ પાવના એક સ્થાનિક રહેવાસી સાથે 40,000 ડોલરની છેતરપિંડી કરવાના આરોપસર શિકાગોના 22 વર્ષીય પાર્થ પટેલની પોલીસ સ્ટિંગ ઓપરેશન દરમિયાન ધરપકડ કરવામાં આવી છે. લી કાઉન્ટી શેરિફ ઓફિસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ બાદ પાર્થ સી. પટેલ નામના આ યુવક સામે છેતરપિંડી દ્વારા ચોરી કરવાના અને ચોરીનો પ્રયાસ કરવાના ગુના હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પાર્થ પટેલ સામે 10,000થી 100,000 ડોલર વચ્ચેની છેતરપિંડી બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સમાન રકમની છેતરપિંડીના પ્રયાસ માટે ક્લાસ 3 હેઠળ પણ ગુનો નોંધાયો છે. હાલમાં પટેલને ઇલિનોઇસના પ્રીટ્રાયલ રિલીઝ કાયદા હેઠળ આગામી કોર્ટ કાર્યવાહી સુધી તેને શરતી મુક્ત કરવામાં આવ્યો છે.

0000000000000000000000000000000000000000000000000000000000

ટેક્સાસમાં ત્રણ મિત્રોનો જીવ બચાવનાર અનુરૂપ રેડ્ડીનું ડૂબી જવાથી મોત

ટેક્સાસઃ અમેરિકાના ટેક્સાસ અને લુઇઝિયાના સ્ટેટની સરહદ પર સ્થિત ટોલિડો બેન્ડ રિઝર્વોયર ખાતે જોરદાર પ્રવાહમાં ડૂબી રહેલા મિત્રોને બચાવવાનો પ્રયાસ કરનાર ભારતીય વિદ્યાર્થી અનુરૂપ રેડ્ડીનું ડૂબી જવાથી મોત થયું હતું. તાજેતરમાં જ યુનિર્વર્સિટી ઓફ નોર્થ ટેક્સાસમાંથી ગ્રેજ્યુએશન કરનાર રેડ્ડીએ જીવની પરવા કર્યા વિના ત્રણે મિત્રોને તો બચાવી લીધા હતા પરંતુ કમનસીબે તે જ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. મૂળ તેલંગણાનો અનુરૂપ રેડ્ડી ડેન્ટનનો રહેવાસી હતો અને એક સારો તરવૈયો હતો. ત્રણેય મિત્રોને સુરક્ષિત કિનારે પહોંચાડ્યા બાદ જ્યારે અનુરૂપ પોતે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેનો પગ પાણીની અંદર રહેલા ફિશિંગ વાયરમાં ફસાઈ ગયો હતો અને ડેમના શક્તિશાળી પ્રવાહે તેને નીચે તરફ ખેંચી લીધો. મિત્રોની નજર સામે જ તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

0000000000000000000000000000000000000000000000000000000000

13 વર્ષીય સિદ્ધાર્થ પટેલને કેનેડા વાઇડ સાયન્સ ફેરમાં પ્લેટિનમ પ્રાઇઝ એવોર્ડ

આલ્બર્ટાઃ કેનેડાના આલ્બર્ટાના એડમોન્ટન શહેરમાં યોજાયેલા પ્રતિષ્ઠિત કેનેડા વાઈડ સાયન્સ ફેરમાં ઓન્ટારિયોના લંડનની ક્લેરા બ્રેન્ટન પબ્લિક સ્કૂલના ધોરણ 7ના વિદ્યાર્થી સિદ્ધાર્થ પટેલે જુનિયર કેટેગરીમાં સર્વોચ્ચ પ્લેટિનમ પ્રાઈઝ ઈન ડિસ્કવરી એવોર્ડ જીતીને અદભુત સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેના પ્રોજેક્ટનું શીર્ષક પ્લેનેટરી ડિફેન્સ માટે સિટિઝન સાયન્સને મજબૂત કરવા એસ્ટરોઇડ ડિટેક્શન માપદંડોનું ઓટોમેશન હતું.

ઐતિહાસિક જીત પર ખુશી વ્યક્ત કરતા સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, હું આ પ્રોજેક્ટ પર ખૂબ લાંબા સમયથી દરરોજ સખત મહેનત કરી રહ્યો હતો, અને આજે મારી એ મહેનત ખરા અર્થમાં સફળ થઈ છે. પ્લેટિનમ એવોર્ડ માટે સ્ટેજ પરથી મારું નામ જાહેર કરાયું ત્યારે મને બિલકુલ અપેક્ષા નહોતી અને હું એટલો આશ્ચર્યચકિત થઇ ગયો હતો કે મારી આંખોમાં આંસુ આવી ગયાં હતાં.

0000000000000000000000000000000000000000000000000000000000

અમેરિકા અને કેનેડાના 100થી વધુ સગીરને બ્લેકમેલ કરનાર ભારતીય કેનેડિયનને 33 વર્ષની કેદ

ટોરન્ટોઃ અમેરિકા અને કેનેડાના 100થી વધુ સગીરોને બ્લેકમેલ કરવાના ભયાનક સેક્સટોર્શન સ્કેમ મામલે અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપી રમણન પદ્મનાથનને 33 વર્ષની સખ્ત જેલની સજા ફટકારી છે. રમણન ઈન્સ્ટાગ્રામ અથવા ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતો અને ત્યારબાદ અશ્લીલ મેસેજ તથા વિડીયો કોલ પર અશ્લીલ હરકતોની માંગ કરતો હતો. આ મોડસ ઓપરેન્ડી દ્વારા તેણે અમેરિકા અને કેનેડામાં અસંખ્ય નિર્દોષ બાળકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. ટોરન્ટોના રહેવાસી રમણને ચીફ જજ જેમ્સ બોઝબર્ગની કોર્ટ સમક્ષ બાળકોને લલચાવવા અને તેમને ફસાવવા તથા અન્ય ગંભીર ગુનાઓ સંબંધિત કલમો હેઠળ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આ પીડિત બાળકો ટેક્સાસ, ન્યૂજર્સી, ઇડાહો, ઇન્ડિયાના, વોશિંગ્ટન, ઓહાયો, નોર્થ કેરોલિના અને રહોડ આઇલેન્ડ જેવા અમેરિકાના વિવિધ સ્ટેટના હતા.

0000000000000000000000000000000000000000000000000000000000

કેનેડામાં રીંછના હુમલામાં કેરળના માર્શલ આર્ટ ફાઇટરનું મોત

ટોરન્ટોઃ કેનેડાના ઉત્તરી સાસ્કાચેવાનમાં એક અંતરિયાળ યુરેનિયમ ખાણ ખાતે રીંછના હુમલામાં કેરળના 27 વર્ષીય મિક્સ્ડ માર્શલ આર્ટ્સ ફાઇટર ઋષિકેશ કોલોથનું મોત નીપજ્યું હતું. કોલોથ વાનકુવર સ્થિત યુરેનિયમએક્સ ડિસ્કવરી કોર્પોરેશન દ્વારા સંચાલિત ઝૂ બે પ્રોપર્ટીમાં કોન્ટ્રાક્ટ પર ટેકનિશિયન તરીકે કામ કરી રહ્યા હતા. કામ દરમિયાન એક કાળા રીંછે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાસ્થળે હાજર અન્ય એક વ્યક્તિએ  રીંછને ગોળી મારી દીધી હતી. મૂળ કેરળના કોલોથ છેલ્લા એક દાયકાથી માર્શલ આર્ટ ક્ષેત્રે સક્રિય હતા. તેમણે શરૂઆતમાં ભારતમાં તાલીમ લીધી હતી અને ત્રણ વર્ષ પહેલાં પ્રોફેશનલ ફાઇટીંગ કરિયર બનાવવા માટે તેઓ કેનેડા શિફ્ટ થયા હતા.

0000000000000000000000000000000000000000000000000000000000

કેનેડાના જંગલમાં નવજાત શિશુનો મૃતદેહ મળતા ભારતીય દંપતીની ધરપકડ

હેલિફેક્સઃ કેનેડાના નોવા સ્કોશિયા પ્રાંતના પાટનગર હેલિફેક્સમાં એક જંગલ વિસ્તારમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યા બાદ કેનેડા પોલીસે ભારતીય મૂળના એક દંપતીની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલો મે 22ના રોજ પ્રકાશમાં આવ્યો હતો. શુક્રવારે રાત્રે આશરે 9.40 કલાકે હોસ્પિટલના તબીબી સ્ટાફે હેલિફેક્સ પોલીસને એક મહિલા વિશે માહિતી આપી હતી. આ 23 વર્ષીય મહિલા અત્યંત નાજુક અને જીવલેણ પરિસ્થિતિમાં હોસ્પિટલ લાવવામાં આવી હતી. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, મહિલાની શારીરિક સ્થિતિ જોતા એવું લાગતું હતું કે તેણે તાજેતરમાં જ કોઈ બાળકને જન્મ આપ્યો છે, પરંતુ તે નવજાત શિશુ ક્યાંય મળી રહ્યું ન હતું. બાળક ગુમ હોવાની આશંકા વચ્ચે પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવીને મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આખરે પોલીસની મહેનત સફળ રહી અને હેલિફેક્સના એક જંગલ વિસ્તારમાંથી તે નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પકડાયેલા આરોપીઓની ઓળખ 23 વર્ષીય સુખપ્રીત સિંઘ અને તેની પત્ની રમનદીપ કૌર તરીકે થઈ છે.

0000000000000000000000000000000000000000000000000000000000

જ્યોર્જિયામાં મેડિકલમાં અભ્યાસ કરતા અમદાવાદના ધ્વનિત રાજદીપનું શંકાસ્પદ મોત

જ્યોર્જિયાઃ યુરોપના જ્યોર્જિયા દેશમાં છેલ્લા 16 દિવસથી સંદિગ્ધ પરિસ્થિતિમાં લાપતા બનેલા અમદાવાદના યુવક ધ્વનિત રાજદીપનો મૃતદેહ એક નદીમાંથી મળી આવ્યો છે. તે ગત 14 મેના રોજ ગુમ થયો હતો. અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતો 22 વર્ષીય ધ્વનિત રાજદીપ ડોક્ટર બનવાના સપના સાથે જ્યોર્જિયામાં અભ્યાસ કરી રહ્યો હતો. પરિવારે ગંભીર આક્ષેપ મૂકતા જણાવ્યું હતું કે, ધ્વનિતના અચાનક ગુમ થવા પાછળ સ્થાનિક મકાન માલિક સાથે થયેલો મોટો ઝગડો જવાબદાર હોઇ શકે છે. મકાન માલિક દ્વારા ધ્વનિતને અવારનવાર માનસિક ત્રાસ અપાતો હતો અને તેમની વચ્ચે બોલાચાલી પણ થતી હતી. સતત સતામણીના કારણે જ ધ્વનિત સાથે કોઇ અનિચ્છનીય કે શંકાસ્પદ ઘટના બની હોવાની શંકા છે.

0000000000000000000000000000000000000000000000000000000000

વોલ્ટ ડિઝનીના ભારતીય મેનેજરને રશિયામાં ડ્રગ કેસમાં અઢી વર્ષની કેદ

મોસ્કોઃ વિશ્વની જાણીતી મનોરંજન કંપની વોલ્ટ ડિઝનીમાં પ્રોગ્રામ ડિરેક્ટર તરીકે કામ કરતા ભારતીય મૂળના મેનેજર જુગલ દાતેરાવને ડ્રગ્સ રાખવા અને સ્મગલિંગ કરવાના આરોપસર રશિયાની કોર્ટે અઢી વર્ષની જેલની સજા ફટકારી છે. મોસ્કો એરપોર્ટ પર તેમના સામાનમાંથી નશીલી કેન્ડી મળી આવતા તેમની સામે આ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. રશિયન સરકારી મીડિયા એજન્સી તાસના રિપોર્ટ મુજબ 46 વર્ષીય જુગલ દાતેરાવની જાન્યુઆરી 2026માં મોસ્કોના શેરેમેત્યેવો ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ કતાર થઈને ફ્લાઈટ દ્વારા રશિયા પહોંચ્યા હતા. એરપોર્ટ પર સામાન્ય સામાન ચેકિંગ દરમિયાન કસ્ટમ અધિકારીઓને તેમના સામાનમાંથી કેનાબીસ યુક્ત ટીએચસી ઈન્ફ્યુઝ્ડ ગમી કેન્ડીઝ મળી આવી હતી. રશિયામાં આ પ્રકારના પદાર્થો રાખવા પર કડક પ્રતિબંધ છે.

0000000000000000000000000000000000000000000000000000000000


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter