એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ

Tuesday 09th June 2026 10:40 EDT
 
 

ભારતીય-અમેરિકન દંપતીએ યુએસમાં હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 5.5 મિલિયન ડોલરનું દાન આપ્યું

હ્યુસ્ટનઃ એક અગ્રણી ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક દંપતીએ ગ્રેટર હ્યુસ્ટન વિસ્તાર અને તેના ઉપનગરોમાં તબીબી સેવાઓનો વ્યાપ વધારવા માટે 5.5 મિલિયન ડોલરનું માતબર દાન આપ્યું છે. બ્રિજ અગ્રવાલ અને તેમના પત્ની સુનિતા અગ્રવાલ દ્વારા આપવામાં આવેલું આ દાન સેન્ટ લૂક્સ હેલ્થ શુગર લેન્ડ હોસ્પિટલના ક્લિનિકલ પ્રોગ્રામ્સને સપોર્ટ કરશે. આ ઉપરાંત અન્ય શહેરોમાં પ્રાઇમરી કેર કોમ્યુનિટી ક્લિનિક સ્થાપવામાં પણ આ રકમ મદદરૂપ થશે. આ ઉમદા યોગદાનની પ્રશંસા રૂપે હોસ્પિટલના મુખ્ય પેશન્ટ ટાવર અને પેવેલિયનનું નામ બદલીને અગ્રવાલ દંપતીના સન્માનમાં રાખવામાં આવશે. મૂળ છત્તીસગઢના વતની બ્રિજ અગ્રવાલ 1979માં હ્યુસ્ટન શિફ્ટ થયા હતા અને તેમણે હ્યુસ્ટન યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. તેઓ વીકેસી ગ્રુપના સીઇઓ અને પ્રેસિડેન્ટ છે.

00000000000000000000000000000000000000000

લોસ એન્જલસ મેયરપદની પ્રાયમરીમાં નિત્યા રમન બીજા સ્થાને પહોંચ્યા

લોસ એન્જલસઃ કેરળમાં જન્મેલા નિત્યા રમન લોસ એન્જલસના મેયરપદની પ્રાઇમરી ચૂંટણીમાં રિયાલિટી ટીવી સ્ટાર સ્પેન્સર પ્રેટને પરાજિત કરીને બીજા સ્થાને પહોંચી ગયા છે. હવે નવેમ્બરમાં તેઓ વર્તમાન મેયર કેરેન બાસનો સામનો કરશે. ડેરેન બાસ પહેલા જ મુખ્ય પ્રાયમરીમાં 34.7 ટકા મત સાથે પહોંચી ગયા છે. નિત્યા રમને પણ મતગણતરી આગળ વધવાની સાથે પોતાની સ્થિતિ મજબૂત કરી 27.1 ટકા મત હાંસલ કરી લીધાં છે. નિત્યા રમન 2020થી લોસ એન્જલસના કાઉન્સિલ વુમન તરીકે સેવા આપી રહ્યાં છે.

00000000000000000000000000000000000000000

પાંચ લાખ ડોલરના ગોલ્ડ સ્કેમમાં કેલિફોર્નિયાના ગુરપિન્દરની ધરપકડ

ફ્રેન્ચ કેમ્પઃ અમેરિકાના કેલિફોર્નિયાના ફ્રેન્ચ કેમ્પના રહેવાસી 20 વર્ષીય ભારતીય ગુરપિન્દર સિંહની પાંચ લાખ ડોલરની ચોરીના મામલામાં ફ્લોરિડાના ગેઇન્સવિલમાંથી ધરપકડ કરાઇ છે. પોલીસનો આરોપ છે કે ફ્લોરિડાની એક સીનિયર સિટિઝન પાસેથી પાંચ લાખ ડોલરનું સોનુ પડાવવાના એક સ્કેમમાં ગુરપિન્દર સામેલ હતો. ગુરપિન્દર અમેરિકામાં ગેરકાયદેસર રહેતો હોવાનું સામે આવ્યું છે.

00000000000000000000000000000000000000000

શિકાગોમાં સબવે સ્ટેશન ખાતે 25 ફૂટની ઊંચાઇથી પટકાયેલી ભારતીય વિદ્યાર્થિનીની સ્થિતિ ગંભીર

શિકાગોઃ ઇલિનોઇસની એલ્મહર્સ્ટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ભારતીય વિદ્યાર્થિની સ્પંદના લાગિશેટ્ટી શિકાગોના એક સબવે સ્ટેશન પર અકસ્માતે લપસીને આશરે 25 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અકસ્માત બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે એડવોકેટ લ્યુથરન જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તે ઇન્ટેન્સિવ કેર યુનિટમાં અત્યંત નાજુક સ્થિતિમાં જીવન અને મરણ વચ્ચે લડાઈ લડી રહી છે. દુર્ભાગ્યે સ્પંદનાના મેડિકલ ખર્ચ પર કોઈ વીમા કવચ ઉપલબ્ધ નથી જેના કારણે તેની સારવારનો દૈનિક ખર્ચ આસમાને પહોંચી રહ્યો છે. આ કપરા સમયમાં તેનો પરિવાર ભારે આર્થિક બોજા હેઠળ દબાયો છે. ચેન્નાઈથી બી.ટેકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સ્પંદના પોતાના માસ્ટર્સના અભ્યાસ માટે અમેરિકા ગઈ હતી.

00000000000000000000000000000000000000000

ફલોરિડામાં હીટ એન્ડ રનના આરોપસર 70 વર્ષીય જય પટેલની ધરપકડ

ફ્લોરિડાઃ અમેરિકાના ફ્લોરિડા સ્ટેટમાં હીટ એન્ડ રન કેસમાં 70 વર્ષીય ગુજરાતી જય ચતુરભાઇ પટેલની ધરપકડ કરાઇ છે. જય પટેલની કારે એક બાઇકને ટક્કર મારતાં બાઇક સવારનું મોત થયું હતું અને એકને ગંભીર ઇજા પહોંચી હતી. બંનેને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરવાને બદલે જય પટેલ તેમની કાર લઇને નાસી ગયા હતા. પોલીસે રજિસ્ટ્રેશન પ્લેટના આધારે થોડા જ સમયમાં જય પટેલની ધરપકડ કરી હતી. આ અકસ્માત 6 જૂનની મધરાતે થયો હતો.

00000000000000000000000000000000000000000

એચ-વનબી વિઝા ફ્રોડમાં નીરજ શર્મા અમેરિકન નાગરિકતા ગુમાવશે

વોશિંગ્ટનઃ એચ-વનબી વિઝા ફ્રોડમાં 50 વર્ષીય ભારતીય અમેરિકન નીરજ શર્માને નાગરિકતા ગુમાવવી પડશે. નીરજ શર્મા ન્યૂ જર્સી સ્થિત મેગ્નાવિઝન એલએલસી નામની સ્ટાફિંગ કંપનીના માલિક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હતા. શર્મા એચ-વનબી વિઝા પર કર્મચારીઓની ભરતી કરતા હતા, પરંતુ વાસ્તવમાં તેમની પાસે આ કર્મચારીઓને આપવા માટે કોઈ નોકરી જ નહોતી. તેમણે કુલ 11 વિઝા અરજીઓ ફાઈલ કરી હતી. દરેક અરજીમાં ખોટી રજૂઆત કરવામાં આવી હતી કે વિઝા મેળવનાર વ્યક્તિને એક પ્રતિષ્ઠિત વૈશ્વિક નાણાકીય સંસ્થામાં નોકરી આપવામાં આવશે. આ અરજીઓ સાથે સંસ્થાના અધિકારીઓની નકલી સહીઓ ધરાવતા સત્તાવાર કોર્પોરેટ લેટરહેડ પણ જોડવામાં આવ્યા હતા.

00000000000000000000000000000000000000000

ઇરાનના કુવૈત એરપોર્ટ પરના હુમલામાં ભારતીય નાગરિકનું મોત

કુવૈત સિટીઃ ગયા બુધવારે વહેલી સવારે કુવૈત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં મંઝૂર એહમદ નામના એક ભારતીય નાગરિકનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે આકરી પ્રતિક્રિયા આપતા ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, અમે કુવૈત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા હુમલાની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. હુમલામાં એક ભારતીય નાગરિકે જીવ ગુમાવ્યો છે અને અન્ય કેટલાક ભારતીયો ઘાયલ થયા છે.

00000000000000000000000000000000000000000

શારજાહમાં સોશિયલ મીડિયા પર તકરાર બાદ કેરળના યુવકની કરપીણ હત્યા

શારજાહઃ સોશિયલ મીડિયા પર થયેલી તકરાર ઉગ્ર બનતા સંયુક્ત આરબ અમીરાતના શારજાહમાં ઇસ્માઇલ પોન્નન ઇબ્રાહિમ કુટ્ટીની કરપીણ હત્યા કરાઇ હતી. મૂળ કેરળનો વતની અને શારજાહમાં બેકરીમાં કામ કરતા 40 વર્ષીય કુટ્ટી સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય હતો. ટિકટોક પર એક લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન તેમની અન્ય યુઝર્સ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ સોશિયલ પ્લેટફોર્મ પૂરતો સીમિત ન રહેતા સામસામેના હિંસક ઘર્ષણમાં પરિણમ્યો હતો જેમાં શંકાસ્પદ લોકોના એક જૂથે કુટ્ટી પર હુમલો કરી છરીના ઘા ઝીંકી તેમની હત્યા કરી દીધી હતી. શારજાહ પોલીસે જણાવ્યું છે કે આ ગુનાના સંબંધમાં કેટલાક શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

00000000000000000000000000000000000000000

દુબઇમાં મિની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં 7 ભારતીયના મોત

દુબઇઃ દુબઇમાં રસ્તાની વચ્ચે અટકેલા ટ્રક સાથે એક મિની બસ અથડાતા 7 ભારતીય કામદારના મોત થયાં હતાં અને અન્ય 9ને ઇજા પહોંચી હતી. આ ટ્રક ટેકનિકલ ખામીને કારણે અમીરાત રોડ પર અચાનક બંધ થઇ ગયો હતો. મિની બસનો ડ્રાઇવર ટ્રકથી સલામત અંતર જાળવવામાં નિષ્ફળ જતાં ટક્કર સર્જાઇ હતી. 9 ઘાયલ પૈકીના પાંચને ગંભીર ઇજા થઇ છે. ભારતીય મિશનના અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ઘાયલોને તમામ સહાયની ખાતરી આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter