ભારતીય મૂળના હાર્ટ સર્જનની ભૂલ, 17 મિલિયન ડોલરના વળતરની માગ
ઓરેગોનઃ અમેરિકાના ઓરેગોન સ્ટેટમાં ભારતીય મૂળના હાર્ટ સર્જન ડો. અશોક મુરલીધરન પર 13 વર્ષીય બાળકીની સર્જરીમાં ગંભીર ભૂલોના આરોપ મૂકાયા છે. બાળકીના વાલીઓએ ઓરેગોન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટી અને ડો. મુરલીધરન પર મેડિકલ બેદરકારીનો આરોપ મૂકી 17 મિલિયન ડોલરના વળતરની માગ સાથે દાવો દાખલ કર્યો છે. આરોપ છે કે ગયા વર્ષે ઓપન હાર્ટ સર્જરી દરમિયાન બાળકીના હૃદયમાં વાલ્વ ઊંધો લગાવી દેવાયો હતો. અન્ય હોસ્પિટલમાં સેકન્ડ ઓપીનિયન દરમિયાન આ ભૂલ સામે આવી હતી અને બાળકીનો જીવ બચાવી લેવાયો હતો. ડો. મુરલીધરન બાળ હૃદય સર્જરીના જાણીતા નિષ્ણાત ગણાય છે. તેઓ હાલ ઓરેગોન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટી ખાતે બાળકો અને જન્મજાત હૃદયરોગ સર્જરી વિભાગના વડા તરીકે કાર્યરત છે.
0000000000000000000000000000000000000000000000000
જર્મનીમાં વોન્ટેડ સંદીપ સિંહની અમેરિકાના કેલિફોર્નિયામાં ધરપકડ
સાન ફ્રાન્સિસ્કોઃ યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની સાન ફ્રાન્સિસ્કો શાખાએ જર્મનીમાં હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ એક ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. 40 વર્ષીય સંદીપ સિંહ વર્ષ 2023માં મેક્સિકો સરહદ પાર કરીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં દાખલ થયો હતો. હાલમાં તેને આઇસની કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે અને ઇમિગ્રેશન કાયદા હેઠળ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત તેને પરત ભારત ડિપોર્ટ કરવામાં આવી શકે છે. જો કે, સત્તાવાળાઓ દ્વારા જર્મન વોરન્ટ અથવા આ ગુનાહિત કેસની અન્ય વિગતો હજી જાહેર કરવામાં આવી નથી.
0000000000000000000000000000000000000000000000000
100 મિલિયન ડોલરના ફ્રોડ કેસમાં કેલિફોર્નિયાના ફાઇનાન્સર મહિન્દર મખિજાનીની ધરપકડ
સાન ફ્રાન્સિસ્કોઃ કેલિફોર્નિયામાં 100 મિલિયન ડોલરનું બેંક કૌભાંડ આચરવાના આરોપમાં ભારતીય મૂળના ફાઇનાન્સર મહિન્દર મખિજાનીની ધરપકડ કરાઇ છે. તેની સામે બેંક ફ્રોડના આરોપો ઘડવામાં આવ્યા છે અને જો તે દોષિત સાબિત થશે તો તેને 30 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. મખિજાનીએ રિયલ એસ્ટેટના નકલી દસ્તાવેજો બનાવીને અને લોન માટે તારણમાં મુકેલી મિલકતોની કિંમતો વધારીને સ્થાનિક બેંક સાથે અંદાજે 100 મિલિયન ડોલરની છેતરપિંડી આચરી હતી. આ મામલો માત્ર આર્થિક છેતરપિંડી પૂરતો સીમિત નથી. મખિજાની ડ્રગ્સ અને સેક્સ વર્કર્સ સાથેની ખાનગી પાર્ટીઓનું આયોજન કરતો હતો, જેમાં બેંકના કેટલાક કર્મચારીઓ પણ હાજરી આપતા હતા. ત્યારબાદ તે આ પાર્ટીઓના ફૂટેજ અને વિગતોના આધારે સહભાગીઓને બ્લેકમેલ કરતો હતો જેથી બેંક સ્ટાફ અને તેના સાથીદારો તેના નિયંત્રણમાં રહે.
0000000000000000000000000000000000000000000000000
મિશિગનમાં 7 લાખ ડોલરનું સોનુ પડાવવાનો પ્રયાસ કરતા ભારતીય મૂળના યુવકની ધરપકડ
મિશિગનઃ મિશિગન સ્ટેટમાં એક જાગૃત વેપારીની સમયસૂચકતાના કારણે એક વૃદ્ધ મહિલા ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનતા બચી ગઈ છે. સોશિયલ સિક્યોરિટી ફંડ આતંકવાદી પ્રવૃત્તિઓમાં વપરાતું હોવાનો ડર બતાવી 79 વર્ષીય વિધવા મહિલા પાસેથી આશરે 7 લાખ ડોલરનું સોનું પડાવવાનો પ્રયાસ કરી રહેલા 20 વર્ષીય ભારતીય મૂળના યુવક યુગ બી ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અને વેપારીએ મળીને આરોપીને સોનાના બદલે સોનેરી વરખવાળા ચોકલેટના સિક્કા ભરેલી બેગ પધરાવી દબોચી લીધો હતો. યુગ ઇલિનોઇસનો રહેવાસી છે.
0000000000000000000000000000000000000000000000000
ટેક્સાસમાં હિન્દુ મંદિર વિરોધી અબ્રાહમ જ્યોર્જનો પ્રાયમરીમાં પરાજય
ટેક્સાસઃ અમેરિકામાં રહીને ભારતીયો અને હિન્દુઓ સામે બેફામ નિવેદનબાજી કરનારા અબ્રાહમ જ્યોર્જની ચૂંટણીમાં હાર થઈ છે. અબ્રાહમ ટેક્સાસમાં રિપબ્લિકન પાર્ટીના પહેલા ઈન્ડિયન-અમેરિકન ચેરપર્સન હતા. પોતે મૂળ ઈન્ડિયન હોવા છતાંય તેઓ હિન્દુ મંદિરો તેમજ H-1B વિઝા હોલ્ડર્સ સામે ગમે તેમ નિવેદન આપતા હતા. જોકે, અબ્રાહમની હાર પર રિપબ્લિકન પાર્ટીના સપોર્ટર્સની સાથે ઈન્ડિયન-અમેરિકન કોમ્યુનિટીના લોકો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. અબ્રાહમને અમેરિકન વ્હાઈટ મહિલા ડ્રિન્ડા રેનડૉલે હરાવ્યા હોવાથી રિપબ્લિકન્સ પણ એક ઈન્ડિયનની એક્ઝિટથી ગેલમાં છે જ્યારે ઈન્ડિયન-અમેરિકન કોમ્યુનિટીના લોકો તેમના એન્ટી હિન્દુ સ્ટેન્ડને કારણે તેમની હારથી ખુશ છે.
0000000000000000000000000000000000000000000000000
દુબઇમાં અકસ્માતમાં માર્યા ગયેલા 7 ભારતીયોને 1 મિલિયન દિરહામની સહાય કરવા અબજોપતિ ડો. વાયાલિલની જાહેરાત
દુબઇઃ તાજેતરમાં યુએઇમાં સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 7 ભારતીય કામદારોના પરિવારોને મદદ કરવા ભારતીય મૂળના બિલિયોનર ડો. શમશીર વાયાલિલે 1 મિલિયન દિરહામની સહાય જાહેર કરી છે. ડો. વાયાલિલ રેડિયોલોજિસ્ટ અને બિઝનેસમેન છે. તેઓ સમગ્ર યુએઇમાં હોસ્પિટલ અને મેડિકલ સેન્ટરનું સંચાલન કરતા હેલ્થકેર ગ્રુપ બુરજીલ હોલ્ડિંગ્સના સ્થાપક ચેરમેન છે. આ સહાય અંતર્ગત દરેક મૃતક કામદારના પરિવારને 1 લાખ દિરહામની સહાય અપાશે. અકસ્માતમાં ઇજા પામેલા અન્ય 9 કામદારોને મદદ માટે વધારાના 1,80,000 દિરહામ અપાશે.
0000000000000000000000000000000000000000000000000
કેનેડાના સરીમાં ફાયરિંગ અને આગજનીના કેસમાં 3 ભારતીય યુવકને કેદ
સરીઃ કેનેડાના સરી શહેરમાં ફાયરિંગ અને આગચચંપીના કેસમાં 3 ભારતીય યુવકને અદાલતે દોષી ઠેરવી કેદની સજા ફટકારી છે. 1 ફેબ્રુઆરી 2026ના રોજ પરોઢિયે 3.50 કલાકે સરીના ક્રેસન્ટ બીચ વિસ્તારમાં એક ઘરની બહાર ગોળીબાર થયો હતો અને મકાનમાં આગ પણ લાગી હતી. પોલીસે તપાસ હાથ ધરતાં 21 વર્ષીય હરજોતસિંહ, 19 વર્ષીય તરનવીર સિંહ અને 21 વર્ષીય દયાજીતસિંહ બિલિંગની શંકાના આધારે ધરપકડ કરી હતી. 9 જૂન 2026ના રોજ સરીની અદાલતમાં આ ત્રણેયે પોતાનો અપરાધ કબૂલી લેતાં તરનવીર સિંહને પાંચ વર્ષની કેદ ફટકારવામાં આવી હતી. તેના સાથી દયાજીત સિંહને 27 મહિના અને હરજોતને 25 મહિના કેદની સજા ફટકારવામાં આવી હતી.
0000000000000000000000000000000000000000000000000
અમેરિકાના જ્યોર્જિયામાં ગુજરાતી વૃદ્ધાની શોપ લિફ્ટિંગના આરોપસર ધરપકડ
ફોર્ટ ઓગલથોર્પઃ અમેરિકામાં એક ગુજરાતી મહિલાની ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે, પુનિતા પટેલ નામના આ 58 વર્ષીય મહિલાને જ્યોર્જિયાના ફોર્ટ ઓગલથોર્પ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા 06 જૂનના રોજ આ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી, તેમના પર શોપલિફ્ટિંગ અંગેનો મિસડિમિનર ચાર્જ લગાવવામાં આવ્યો છે. જેલ રેકોર્ડ અનુસાર પુનિતા પટેલને કટુસા કાઉન્ટીની જેલમાં રાખવામાં આવ્યા હતા અને ધરપકડના બીજા દિવસે એટલે કે એક હજાર ડોલરના બોન્ડ પર રિલીઝ કરી દેવાયા હતા. જ્યોર્જિયાના કાયદા અનુસાર જો ચોરી કરાયેલી ચીજવસ્તુની કિંમત 500 ડોલર કે તેનાથી ઓછી હોય તો મિસડિમિનર ચાર્જ લગાવવામાં આવે છે. પુનિતા પટેલ સામે પણ આ જ ચાર્જ લગાવાયો છે.


