એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ

Tuesday 30th June 2026 11:32 EDT
 
 

શંખ મિત્રા ઇલોન મસ્ક પછી વિશ્વના બીજા સૌથી વધુ વેતન મેળવતા સીઇઓ

ન્યૂયોર્કઃ કોલકાતામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર ભારતીય મૂળના શંખ મિત્રાએ વૈશ્વિક કોર્પોરેટ જગતમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. અમેરિકાની અગ્રણી રિયલ એસ્ટેટ કંપની વેલટાવર ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શંખ મિત્રા વિશ્વના બીજા સૌથી વધુ પગાર મેળવતા કોર્પોરેટ લીડર બન્યા છે. વોલ સ્ટ્રીટ જર્નલના ઉચ્ચ વેતન ધરાવતા સીઇઓની યાદી અનુસાર 2025માં શંખ મિત્રાને કુલ 821 મિલિયન ડોલરનું પેકેજ ચૂકવાયું હતું. શંખ મિત્રા કોલકાતાની પ્રતિષ્ઠિત જાદવપુર યુનિવર્સિટીમાંથી ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં બેચલરની ડિગ્રી મેળવ્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા, જ્યાં તેમણે કોલંબિયા બિઝનેસ સ્કૂલમાંથી એપ્લાઇડ વેલ્યુ ઇન્વેસ્ટિંગમાં  એમબીએની ડિગ્રી હાંસલ કરી હતી.

0000000000000000000000000000000000000000000000

ભારતીય તબીબ દંપતી દ્વારા નોર્થ કેરોલિનાની મેડિકલ કોલેજને પાંચ લાખ ડોલરનું દાન

નોર્થ કેરોલિનાઃ અમેરિકામાં રહેતા ભારતીય મૂળના જાણીતા તબીબ દંપતી ડૉ. રાકેશ ગુપ્તા અને ડૉ. વિનિતા ગુપ્તાએ નોર્થ કેરોલિનાની મેથોડિસ્ટ યુનિવર્સિટી કેપ ફિયર વેલી હેલ્થ સ્કૂલ ઓફ મેડિસિનને 500,000 ડોલરનું માતબર દાન આપ્યું છે. આ કુલ રકમમાંથી 100,000 ડોલર વર્ષ 2026 અને 2027ના શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટ સ્કોલરશિપ તરીકે એનાયત કરવામાં આવશે. જ્યારે બાકીના 400,000 ડોલરનું રોકાણ એન્ડોવમેન્ટ એનરિચમેન્ટ સ્કોલરશિપ તરીકે કરવામાં આવશે જે મેડિકલ સ્કૂલના પ્રથમ વર્ષના અંતે નિર્ધારિત માપદંડો પૂર્ણ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ડૉ. ગુપ્તા દંપતી નોર્થ કેરોલિનાના ફેયેટવિલ વિસ્તારને પોતાનું ઘર માને છે અને તેઓ છેલ્લા ઘણા દાયકાઓથી સ્થાનિક સામાજિક સેવાઓમાં સક્રિયપણે જોડાયેલા છે.

0000000000000000000000000000000000000000000000

કુણાલ પટેલની યુએનસી સ્કૂલ ઓફ મેડિસિનમાં આસિસ્ટન્ટ ડીન તરીકે નિમણૂક

નોર્થ કેરોલિનાઃ યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના સ્કૂલ ઓફ મેડિસિન દ્વારા ભારતીય-અમેરિકન ફિઝિશિયન કુણાલ પટેલની ઓફિસ ઓફ મેડિકલ સ્ટુડન્ટ એજ્યુકેશનમાં સ્ટુડન્ટ અફેર્સના આસિસ્ટન્ટ ડીન તરીકે નિમણૂક કરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિનના ડિવિઝન ઓફ પલ્મોનરી એન્ડ ક્રિટિકલ કેર મેડિસિનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત પટેલ હાલમાં ઓફિસ ઓફ એકેડેમિક એક્સેલન્સમાં ફાઉન્ડેશન ફેઝ એકેડેમિક કોચ તરીકે સેવા આપી રહ્યા છે. પોતાની આ નવી ભૂમિકામાં પટેલ તબીબી શિક્ષણ અને વિદ્યાર્થીઓના સમર્થન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા ચાલુ રાખવાની સાથે વિદ્યાર્થી બાબતોની દેખરેખ રાખશે.

0000000000000000000000000000000000000000000000

વોશયુ મેડિસિન દ્વારા કેન્સર નિષ્ણાત ડૉ. રામાસ્વામી ગોવિંદનને ડીન્સ મેડલ એનાયત

ન્યૂયોર્કઃ ભારતીય મૂળના જાણીતા કેન્સર નિષ્ણાત ડૉ. રામાસ્વામી ગોવિંદનને વોશયુ મેડિસિન દ્વારા વર્ષ 2026ના ડીન્સ મેડલ ફોર ક્લિનિકલ એક્સેલન્સ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ફેફસાના કેન્સર પરના સંશોધન, દર્દીઓની અસાધારણ સેવા અને તબીબી શિક્ષણ ક્ષેત્રે તેમના લાંબા ગાળાના યોગદાનને ધ્યાનમાં રાખીને આ પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવ્યું છે. આ વર્ષે ડીન્સ મેડલ મેળવનારા છ અગ્રણીઓમાં ડૉ. ગોવિંદનનો સમાવેશ થાય છે. આ પુરસ્કાર ક્લિનિકલ કેર, શિક્ષણ, સંશોધન, નેતૃત્વ અને નવીનતા (ઇનોવેશન) જેવા ક્ષેત્રોમાં અસાધારણ કાર્ય કરનાર વ્યક્તિઓને આપવામાં આવે છે.

0000000000000000000000000000000000000000000000

અમેરિકાના ઇમિગ્રેશન લૉયર વિનોદ ડોડામણીને અઢી લાખ ડોલરનો દંડ

ન્યૂયોર્કઃ અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને રાજ્યાશ્રયના કેસ ફાઇલ કરવામાં બનાવટી દસ્તાવેજો રજૂ કરવાના મામલામાં વિનોદ ડોડામણી નામના વકીલને અઢી લાખ ડોલરનો દંડ ફટકારવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. ડોડામણી પર 32 ઇમિગ્રેશન કેસમાં 64 બનાવટી દસ્તાવેજ રજૂ કરવાનો આરોપ છે. હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન્સ દ્વારા ડોડામણી પાસેથી દંડની વસૂલાત કરવા માટે પાંચ નોટિસ જારી કરાઇ છે. ડોડામણીએ ફાઇલ કરેલા તમામ કેસ ભારતીયોના હતા. તેમને પણ દેશનિકાલ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. ડોડામણી દરેક કેસમાં એકસમાન થિયરી રજૂ કરતો હતો અને એકસરખા પુરાવા પણ રજૂ કરતો હતો.

0000000000000000000000000000000000000000000000

પાર્સલ કાંડઃ મિનેસોટામાં પોલીસે બિછાવેલી જાળમાં બે ગુજરાતી સપડાયા

રોચેસ્ટરઃ અમેરિકાના રોચેસ્ટરમાં પાર્સલ કાંડમાં કાર્યવાહી દરમિયાન પોલીસે બિછાવેલી જાળમાં હેમેન્દ્રસિંહ ડાભી અને કિરણ વસાવા નામના બે ગુજરાતી સપડાઇ ગયાં હતાં. બંને ઇલિનોઇસના કેમ્પેનના રહેવાસી છે. રોચેસ્ટર પોલીસના જણાવ્યા અનુસાર બંને મિનેસોટામાં સોનાનું કથિત પાર્સલ લેવા પહોંચ્યા હતા. પોલીસે પાર્સલમાં નકલી સોનુ મૂકીને જીપીએસ ટ્રેકર લગાવ્યું હતું. બંને પર ફેલોની ચાર્જિસ લગાવવામાં આવ્યા છે.

0000000000000000000000000000000000000000000000

સગીરાઓને ફસાવતા લોકોને ઝડપવાના એફબીઆઇના અભિયાનમાં ક્રિશ પટેલની ધરપકડ

બોસ્ટનઃ સગીરાઓને ફસાવતા લોકોને ઝડપી લેવાના એફબીઆઇના અભિયાનમાં અમેરિકાના બોસ્ટન નજીકના ક્વિન્સીનો રહેવાસી 26 વર્ષીય ક્રિશ પટેલ ઝડપાઇ ગયો હતો. એફબીઆઇની હ્યુમન ટ્રાફિકિંગ ટાસ્ક ફોર્સની કાર્યવાહીમાં મેસાચ્યુસેટ્સના 7 લોકોની ધરપકડ કરાઇ હતી જેમાં ક્રિશ પટેલ પણ સામેલ છે. તમામ આરોપીને અદાલતે 1 હજાર ડોલરના બોન્ડ પર મુક્ત કર્યાં છે. હવે પછીની સુનાવણી જુલાઇના અંતમાં હાથ ધરાશે.

0000000000000000000000000000000000000000000000

આંધ્રપ્રદેશની 94 વર્ષીય મહિલાએ અમેરિકન નાગરિકતા સરેન્ડર કરી દીધી

હૈદરાબાદઃ ભારતીયોને અમેરિકાની નાગરિકતાનું ઘેલું છે પરંતુ આંધ્રપ્રદેશના 94 વર્ષીય કોન્ડાગંટા મહાલક્ષમામ્મા ભારતીય તરીકે અંતિમ શ્વાસ લેવા માગતા હોવાથી તેમણે અમેરિકાની નાગરિકતા સરેન્ડર કરી દીધી છે. તેઓ 26 વર્ષ પહેલાં અમેરિકામાં સ્થાયી થયા હતા અને તેમનો દીકરો હાલ અમેરિકામાં ડોક્ટર છે. 2018માં ભારત પરત ફર્યા બાદ હવે તેમણે અમેરિકન પાસપોર્ટ સરેન્ડર કરી દીધો છે. હવે તેમણે ભારતની નાગરિકતા માટે અરજી કરી છે. હાલ તેમની પાસે ઓસીઆઇ કાર્ડ હોવાથી ઇચ્છે ત્યાં સુધી ભારતમાં રહી શકે છે.

0000000000000000000000000000000000000000000000

ઓહાયોમાં ડ્રગના વેપારમાં સંડોવાયેલા ગુજરાતી પિતા-પુત્રની ધરપકડ

ઓહાયોઃ અમેરિકાના ઓહાયોમાં ડ્રગની હેરાફેરીમાં સંડોવાયેલા પિતા પુત્રની ધરપકડ બાદ આઇસને સોંપી દેવાયા છે. અદાલતમાં હાજર ન રહેવા માટે 18 જૂનના રોજ જિતેન્દ્ર પટેલ અને તેમના પુત્ર યશ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. બંને ગુજરાતના ડીંગુચાના વતની છે. જિતેન્દ્ર પટેલ પર ડ્રગની હેરાફેરી અને યશ પટેલ પર ડ્રગ્સ રાખવાનો આરોપ છે.

0000000000000000000000000000000000000000000000

કેન્સાસમાં પૂરમાં તણાઇ જતાં ભારતીય મૂળના વેંકટેશનું મોત

કેન્સાસઃ અમેરિકાના કેન્સાસની સમનર કાઉન્ટીમાં ભારે પૂરમાં કાર તણાઇ જતાં 33 વર્ષીય ભારતીય મૂળના વેંકટેશ દોપ્પાલાઉડીનું મોત થયું હતું. વેંકટેશ મૂળ ભારતના આંધ્રપ્રદેશના વતની હતા અને ઓમાહા, નેબ્રાસ્કા ખાતે વસવાટ કરતા હતા. હ્યુસ્ટનથી ઓમાહા તરફ જતાં તેમની કાર અચાનક પૂરની ઝપટમાં આવી ગઇ હતી.

0000000000000000000000000000000000000000000000

કેનેડામાં ખંડણી રેકેટઃ ભારતીય મૂળના સહિત 16ની ધરપકડ

કેલગરીઃ કેનેડાના કેલગરીમાં સાઉથ એશિયન સમુદાયને નિશાન બનાવી ચલાવવામાં આવી રહેલા એક મોટા ખંડણી રેકેટના કેસમાં તપાસ દરમિયાન ભારતીય મૂળના નાગરિકો સહિત 16 શખ્સો સામે ગુનાહિત ગુના દાખલ કરવામાં આવ્યા છે. ધરપકડ બાદ 15ને જામીન પર મુક્ત કરાયા હતા. તેમના પર ખંડણી સંબંધિત વિવિધ ઘટનાઓ અંતર્ગત કુલ 56 ગંભીર ગુનાહિત આરોપો મૂકવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક પણ વ્યક્તિ કેનેડાનો નાગરિક નથી અને તેઓ સ્ટુડન્ટ અથવા વર્ક વિઝા પર કેનેડામાં રહે છે. ધરપકડ કરાયેલાઓમાં રવજોત તૂર, જર્મનજીત સિંઘ, જસ્કરણ સિંઘ,  કરણબીર સિંઘ, અમનદીપ સિંઘ, અનુરાગ સિદ્ધુ, અનુરાગ સિંઘ, અમનદીપ માલ્હી, સંદીપ સિંઘ, દક્ષ ગૌતમ, આકાશદીપ સિંઘ, ગગનદીપ સિંઘ, પ્રદીપ સિંઘ, તરણવીર સિંઘ અને ગુરકરણ ધાલીવાલનો સમાવેશ થાય છે.

0000000000000000000000000000000000000000000000

સિંગાપોરમાં એર હોસ્ટેસની છેડતી કરનાર ભારતીય નાગરિકને 6 મહિનાની જેલ

સિંગાપોરઃ સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટમાં કેબિન ક્રૂ મેમ્બરની છેડતી અને પજવણી કરવાના મામલે સિંગાપોરની અદાલતે 35 વર્ષીય ભારતીય નાગરિકને છ મહિનાની જેલની સજા ફટકારી છે. જેલની સજા ઉપરાંત કોર્ટે આરોપી આકાશ તિવારીને પીડિતાને વળતર પેટે 90,000 રૂપિયાથી વધુની રકમ ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આકાશ તિવારી તેના ચાર મિત્રો સાથે થાઈલેન્ડથી સિંગાપોર જઈ રહેલી ફ્લાઇટમાં સવાર હતો. વારંવાર ચેતવણી છતાં તેણે એરહોસ્ટેસને પરેશાન કરવાનું જારી રાખ્યું હતું. જેના પગલે ફ્લાઇટ સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર લેન્ડ થતાં જ એરપોર્ટ પોલીસ ડિવિઝનના અધિકારીઓએ આકાશ તિવારીની ધરપકડ કરી લીધી હતી.

0000000000000000000000000000000000000000000000

કર્મચારીઓનું શોષણ કરનાર ઓકલેન્ડના ભારતીય રેસ્ટોરન્ટ માલિકને 4 લાખ ન્યૂઝીલેન્ડ ડોલરનો દંડ

ઓકલેન્ડઃ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં આવેલી એક ભારતીય રેસ્ટોરન્ટ અને તેના ભૂતપૂર્વ માલિકને પ્રવાસી શ્રમિકોના પદ્ધતિસરના શોષણ બદલ આશરે 400,000 ન્યૂઝીલેન્ડ ડોલરનો દંડ કરાયો છે. રેસ્ટોરન્ટમાં કર્મચારીઓ પાસે અઠવાડિયાના 90 કલાક સુધી સખત વૈતરૂં કરાવી અપુરતું વેતન ચૂકવાતું હતું.  એમ્પ્લોયમેન્ટ રિલેશન્સ ઓથોરિટીએ પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે ધ ઇન્ડિયન ટેસ્ટ લિમિટેડ રેસ્ટોરન્ટ અને તેના ભૂતપૂર્વ ડિરેક્ટર કૃષ્ણા ખંડેલવાલે ન્યૂઝીલેન્ડના શ્રમ કાયદાઓનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે. આ નિર્ણય હેઠળ રેસ્ટોરન્ટે અસરગ્રસ્ત 7 કર્મચારીઓને બાકી વેતન પેટે અંદાજે 200,000 ડોલર ચૂકવવા પડશે. આ ઉપરાંત ગેરરીતિઓ માટે ખંડેલવાલને વ્યક્તિગત રીતે 177,300 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે કર્મચારીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવા માટે વળતર પેટે વધારાના 35,000 ડોલર ચૂકવવાનો પણ આદેશ કરાયો છે.

0000000000000000000000000000000000000000000000


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter