સિલિકોન વેલીમાં બે ભારતીય અમેરિકન સહિત 3ની સૌથી યુવાવયે બિલિયોનર બનવાની સિદ્ધી
વોશિંગ્ટનઃ આટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સેક્ટર એટલી ઝડથી વિકાસ કરી રહ્યું છે કે તેમાં ઝંપલાવીને હવે યુવાઓ ઝડપથી બિલિયોનર બની રહ્યાં છે. સિલિકોન વેલીમાં હાઇસ્કૂલના મિત્રો એવા 22 વર્ષીય 3 યુવાનો વિશ્વના સૌથી યુવા સેલ્ફ મેઇડ બિલિયોનર્સ બન્યાં છે. જેમાં બે ભારતીય અમેરિકન યુવાઓનો સમાવેશ થાય છે. આદર્શ હાયરમેથ, સૂર્યા મિધા અને બ્રેન્ડન ફૂડીએ સાન ફ્રાન્સિસ્કોમાં એઆઇ રિક્રુટિંગ પ્લેટફોર્મ મેર્કોરની સ્થાપના કરી હતી. તાજેતરમાં જ તેમની કંપનીને 350 મિલિયન ડોલરનું ફંડિંગ પ્રાપ્ત થયું છે અને કંપનીની માર્કેટ કેપ 10 બિલિયન ડોલર પર પહોંચી છે. ત્રણે યુવાએ મેટાના સહસ્થાપક માર્ક ઝૂકરબર્ગનો સૌથી યુવા વયે બિલિયોનર બનવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઝૂકરબર્ગ 23 વર્ષની વયે બિલિયોનર બન્યાં હતાં.
અમેરિકામાં પાર્સલ કાંડઃ બે ગુજરાતી વિદ્યાર્થીને દેશનિકાલ કરાશે
ન્યૂયોર્કઃ સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયેલા અને પાર્સલ કાંડમાં ઝડપાયેલા બે ગુજરાતી યુવકો શુભમ પટેલ અને હર્ષિલ પટેલે અપરાધ કબૂલી લેતાં તેમને દેશનિકાલ કરવાની તૈયારી ચાલી રહી છે. શુભમ અને હર્ષિલને 9 જૂનના રોજ અલાસ્કામાંથી ઝડપી લેવાયા હતા. બંને પર એક વૃદ્ધ મહિલા પાસેથી 1 લાખ ડોલર પડાવવાનો આરોપ છે. આ કેસમાં હર્ષિલને 170 દિવસ કેદની સજા કરાઇ છે પરંતુ તેણે જેલમાં 170 દિવસ વીતાવ્યા હોવાથી તેને મુક્ત કરાયો હતો. શુભમને નવેમ્બરમાં સજાની સુનાવણી કરાશે. તેને એક વર્ષથી વધુની સજા થઇ શકે છે.
અમેરિકામાં વધુ એક ભારતીય મહિલા મોલમાં ચોરી કરતાં ઝડપાઇ
વોશિંગ્ટનઃ અમેરિકામાં વધુ એક ભારતીય મહિલા શોપિંગ મોલમાં ચોરી કરતાં ઝડપાઇ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થયો હતો. વીડિયોમાં આ મહિલા વારંવાર અધિકારીઓની માફી માગતી જોવા મળી રહી છે. તેણે અધિકારીઓ સમક્ષ દાવો કર્યો હતો કે તે અજાણતા જ સામાનનું પેમેન્ટ કરવાનું ભૂલી ગઇ હતી. આ પહેલાં ઇલિનોઇસમાં આ પ્રકારનો કિસ્સો બન્યો હતો જેમાં એક ભારતીય મહિલાએ ટાર્જેટ સ્ટોરમાંથી 1300 ડોલરનો સામાન ચોર્યો હતો.
કેનેડામાં કાર પર પેશાબ કરી રહેલા વ્યક્તિને અટકાવતાં હુમલો, ભારતીય બિઝનેસમેનનું મોત
એડમોન્ટનઃ કેનેડાના એડમોન્ટનમાં બનેલી એક વિચિત્ર ઘટનામાં એક અજાણી વ્યક્તિએ 55 વર્ષીય ભારતીય મૂળના કેનેડિયન આરવી સિંહ સાગૂની હત્યા કરી નાખી હતી. આરવી સિંહે 19 ઓક્ટોબરના રોજ તેમની કાર પર પેશાબ કરી રહેલી એક વ્યક્તિને અટકાવતાં તે વ્યક્તિએ તેમના પર હુમલો કરી દીધો હતો. જેના પગલે સાગૂને માથામાં ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. પાંચ દિવસ બાદ તેમનું નિધન થયું હતું. એડમોન્ટન પોલીસે આ મામલામાં 40 વર્ષીય કાયલે પાપિનની ધરપકડ કરી છે.
યુએસ-કેનેડા બોર્ડર પર 7 મિલિયન ડોલરના ડ્રગ્સ સાથે ભારતીય મૂળનો ટ્રક ડ્રાઇવર ઝડપાયો
આલ્બર્ટાઃ કેનેડાથી અમેરિકામાં ટ્રકમાં અંદાજિત 7 મિલિયન ડોલરનું ડ્રગ્સ લઇ જવાનો પ્રયાસ કરનાર કેલગરીના ભારતીય મૂળના ટ્રક ડ્રાઇવર 28 વર્ષીય સુર્જસિંહ સલારિયાની ધરપકડ કરવામાં આવી છે. સલારિયા પર ડ્રગ્સની દાણચોરી અને પ્રતિબંધિત માલસામાનની હેરાફેરીના આરોપ મૂકાયા છે. તેને 27 ઓક્ટોબરના રોજ આલ્બર્ટા કોર્ટ ઓફ જસ્ટિસમાં હાજર કરાયો હતો જ્યાં અદાલતે તેને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. સલારિયા કેલગરીનો રહેવાસી છે.
સાઉદીમાં પોલીસ અને અપરાધીઓ વચ્ચેના ગોળીબારનો ભોગ ભારતીય યુવક બન્યો
રિયાધઃ સાઉદી અરબમાં પોલીસ અને ગેરકાયદેસર શરાબના વેપાર સાથે સંકળાયેલા અપરાધીઓ વચ્ચેના ગોળીબારમાં નિર્દોષ ભારતીય હોમાઇ ગયો હતો. ઝારખંડના ગિરિદીહ જિલ્લાના 27 વર્ષીય વિજય કુમાર મહાતોનું ક્રોસ ફાયરિંગમાં મોત થયું હતું. વિજય કુમાર હ્યુન્ડાઇ એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરતો હતો. ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે તે એક વર્ષ પહેલાં જ સાઉદી અરબ પહોંચ્યો હતો. પોલીસ અને અપરાધીઓ વચ્ચે અથડામણ સર્જાઇ ત્યારે વિજય નજીકમાં જ હતો અને આ ગોળીબારનો ભોગ બન્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો પરંતુ ત્યાં તેનું મોત થયું હતું. વિજય તેની પાછળ પત્ની અને બે પુત્ર તથા માતા-પિતાને છોડી ગયો છે.
ડંકી રૂટથી અમેરિકા જવા નીકળેલા બે ભારતીય યુવકની ગ્વાટેમાલામાં હત્યા
ગ્વાટેમાલાઃ ડંકી રૂટથી અમેરિકા જઇ રહેલા બે ભારતીય યુવકની ગ્વાટેમાલામાં ઘાતકી હત્યા કરી નાખવામાં આવી છે. પંજાબનો 21 વર્ષીય સાહિબ સિંહ અને હરિયાણઆનો 18 વર્ષીય યુવરાજ સિંહ ડંકી રૂટથી અમેરિકા પહોંચવા નીકળ્યા હતા. બંનેને માર મારીને પૈસા મંગાવવા તેના પરિવારજનો પર દબાણ કરાયું હતું. બંને યુવકનું ગ્વાટેમાલામાં ડોન્કર્સ દ્વારા અપહરણ કરાયું હતું. હરિયાણા સ્થિત એક એજન્ટની મદદથી બંને અમેરિકા પહોંચવા નીકળ્યા હતા. પરિવારજનોને મેક્સિકોથી માહિતી મળી હતી કે બંનેનું મોત થયું છે.


