કેન્ટુકીના 18 વર્ષીય વિદ્યાર્થી વલ્લભ રમેશે વિશેષ થર્મો રિસ્પોન્સિવ પોલિમર જેલ વિકસાવી
કેન્ટુકીઃ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે એક આશાસ્પદ સિદ્ધિ નોંધાવતા અમેરિકાના કેન્ટુકીના 18 વર્ષીય વિદ્યાર્થી વલ્લભ રમેશે એક વિશેષ થર્મો-રેસ્પોન્સિવ પોલિમર જેલ વિકસાવી છે. આ ‘સ્માર્ટ જેલ’ માનવ શરીરના તાપમાને ઘન સ્વરૂપ ધારણ કરે છે. વલ્લભનું આ સંશોધન ભવિષ્યમાં માનવ શરીરમાં ટાર્ગેટેડ ડ્રગ ડિલિવરી અને બાયોમેડિકલ ક્ષેત્રે ક્રાંતિ સર્જી શકે છે. ડ્યુપોન્ટ મેન્યુઅલ હાઇસ્કૂલના વિદ્યાર્થી વલ્લભ રમેશે સરખામણીમાં ઓછી કિંમતના સાધનો અને ૩ડી-પ્રિન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ જેલ તૈયાર કરી છે. આ જેલ માત્ર તબીબી ક્ષેત્રે જ નહીં, પરંતુ ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં હીટ સિન્ક તરીકે અને ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી માટે પણ અસરકારક છે.
0000000000000000000000000000000000000000
ન્યૂજર્સીના 18 વર્ષીય મૈત્રેય ધારાણીએ કેન્સરની સારવારમાં ઉપયોગી એઆઈ મોડેલ બનાવ્યું
ન્યૂજર્સીઃ ન્યૂજર્સીની પ્રિન્સટન હાઇસ્કૂલના 18 વર્ષીય વિદ્યાર્થી મૈત્રેય ધારાણીએ કેન્સરની સારવારમાં ઉપયોગી એઆઇ મોડેલ તૈયાર કર્યું છે. આ મોડેલ દર્શાવે છે કે કીમોથેરાપી દવા સિસ્પ્લેટિન પ્રત્યે દર્દીની ટ્યુમર કેવી પ્રતિક્રિયા આપશે. સોસાયટી ફોર સાયન્સ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત રિજેનરોન સાયન્સ ટેલેન્ટ સર્ચ 2026માં મૈત્રેયે ટોચના 40 ફાઇનલિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. આ મોડેલ લર્નિંગ અને જીનોમિક ડેટાનો સમન્વય કરીને ડોકટરોને દર્દી માટે યોગ્ય સારવાર પસંદ કરવામાં મદદ કરશે. અચૂક નિદાન દ્વારા દર્દીઓને બિનજરૂરી આડઅસરોથી બચાવી શકાશે અને સારવારના પરિણામો સુધારી શકાશે.
0000000000000000000000000000000000000000
ન્યૂયોર્કમાં પિઝા ડિલિવરી કરવા ગયેલા ગુરદીપ સિંહની ગોળી મારી હત્યા
ન્યૂયોર્કઃ ન્યૂયોર્કમાં ફૂડ ડિલિવરીનું કામ કરતા 27 વર્ષીય ભારતીય ગુરદીપ સિંહની અજાણ્યા શખ્સ દ્વારા ગોળી મારી હત્યા કરાઇ હતી. 2017માં ડંકી રૂટથી અમેરિકા પહોંચેલો ગુરદીપ શુક્રવારે રાત્રે પિઝાની ડિલિવરી માટે ગયો હતો ત્યારે બ્રુકલિનમાં અજાણ્યા શખ્સે 7 ગોળી મારી દીધી હતી. સીસીટીવી અનુસાર બે વ્યક્તિ ઝપાઝપી કરતા જોઇ શકાય છે ત્યારબાદ અચાનક ગોળીબાર થાય છે જેમાં એક શખ્સ જમીન પર પડી જાય છે અને બીજો શખ્સ કાર લઇને ફરાર થઇ જાય છે. ગુરદીપ મૂળ ભારતના પંજાબના કપુરથલા જિલ્લાના જબોવલ ગામનો વતની હતો.
0000000000000000000000000000000000000000
ટેક્સાસમાં નોકરી ન મળવાના કારણે તણાવગ્રસ્ત સાઇ પ્રદીપની આત્મહત્યા
ટેક્સાસઃ અમેરિકામાં નોકરી ન મળવાના કારણે તણાવમાં આવેલા હૈદરાબાદના વિદ્યાર્થી સાઈ પ્રદીપે આત્મહત્યા કરી લીધી છે. મૂળ દમ્માઈગુડાના વતની અને દીપુ તરીકે જાણીતો પ્રદીપ વર્ષ 2024માં માસ્ટર્સની ડિગ્રી મેળવવા માટે યુનિવર્સિટી ઓફ ટેક્સાસ એટ સેન એન્ટોનિયો ગયો હતો. પરિવાર અને મિત્રોના જણાવ્યા અનુસાર, તે છેલ્લા ચાર મહિનાથી નોકરીની શોધમાં ભારે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો હતો. 21 ઓગસ્ટના રોજ તેનું અવસાન થતાં તેના પરિવારમાં શોકની કાલીમા છવાઈ ગઈ છે. તેના પાર્થિવ દેહને ભારત પાછો લાવવા અને અંતિમ સંસ્કારના ખર્ચ માટે પરિવારે ભંડોળ એકઠું કરવાનું શરૂ કર્યું છે.
0000000000000000000000000000000000000000
ફેમિલી પિકનિક દરમિયાન ડૂબી જવાથી ન્યૂજર્સીના કૌશિક શર્માનું મોત
ન્યૂજર્સીઃ ન્યૂજર્સીના એડિસન ખાતે રહેતા 41 વર્ષીય ભારતીય મૂળના નાગરિક કૌશિક શર્માનું રોક્સબરી ટાઉનશિપ સ્થિત હોપેટકોંગ સ્ટેટ પાર્ક ખાતે પરિવાર સાથે પિકનિક મનાવતી વખતે પેડલબોર્ડિંગ દરમિયાન પાણીમાં ડૂબી જવાથી દુઃખદ અવસાન થયું છે. 16 ઓગસ્ટની બપોરે બિનવારસી પેડલબોર્ડ જોઈને સ્થાનિકોએ લાઇફગાર્ડને જાણ કરી હતી. પોલીસના ટેકનિકલ ઇમરજન્સી એન્ડ મિશન સ્પેશિયાલિસ્ટ યુનિટ દ્વારા સાંજે આશરે 7 વાગ્યાની આસપાસ કૌશિક શર્માનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. સ્થાનિક સંગઠનો, બીએપીએસ, એડિસન સ્કૂલ બોર્ડ અને ગુજરાતી સમુદાયમાં સક્રિય કૌશિક શર્મા પોતાના પરિવારના મુખ્ય આધારસ્તંભ હતા.
0000000000000000000000000000000000000000
શિકાગોમાં અકસ્માત સર્જી એકનું મોત નિપજાવનાર પ્રકાશ પટેલની ધરપકડ
શિકાગોઃ ઇલિનોઇસમાં ગમખ્વાર અકસ્માત સર્જી એક વ્યક્તિનું મોત નિપજાવનાર પ્રકાશ પટેલની ધરપકડ કરાઇ છે. શિકાગોથી 26 માઇલ દૂર ઓર્લેન્ડ પાર્કમાં ટેસ્લા ચલાવી રહેલા પ્રકાશે સંખ્યાબંધ કારને ટક્કર મારી હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. પ્રકાશે તેના બચાવમાં જણાવ્યું હતું કે, ડ્રાઇવ કરતી વખતે તેને અચાનક ખેંચ આવી જતાં અકસ્માત સર્જાયો હતો. સર્વેલન્સ ફૂટેજ અનુસાર પ્રકાશની કાર સ્પીડ લિમિટથી વધુ ઝડપે દોડી રહી હતી. તેમના પર બેફામ ડ્રાઇવિંગ કરી મોત નિપજાવવા સહિતના આરોપ લગાવવામાં આવ્યા છે.
0000000000000000000000000000000000000000
કેલિફોર્નિયામાં કાર ખાઈમાં ખાબકતાં ભારતીય મૂળની વિદ્યાર્થીનીનું મોત
કેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયામાં એક દર્દનાક માર્ગ અકસ્માતમાં 19 વર્ષીય ભારતીય મૂળની વિદ્યાર્થિનીનું કરુણ મોત નીપજ્યું છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન્ટા ક્રુઝની વિદ્યાર્થિની અલી રિની સિંહની કાર વેસ્ટ ક્લિફ ડ્રાઇવ પરથી નિયંત્રણ ગુમાવતા સીધી પ્રશાંત મહાસાગરમાં ખાબકી હતી. સિંહ તેના પુરુષ મિત્ર સાથે મુસાફરી કરી રહી હતી. કાર ચલાવી રહેલો મિત્ર સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો અને તેને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જોકે, સિંહ પાણીમાં ડૂબેલી કારની અંદર ફસાઈ ગઈ હતી, જેના કારણે ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.
0000000000000000000000000000000000000000
દીકરીએ હોસ્પિટલનું બિલ ન ચૂકવતાં માતાના ટુરિસ્ટ વિઝા રદ કરી ડિપોર્ટ કરાયાં
પેન્સિલવેનિયાઃ અમેરિકાના 10 વર્ષના વિઝિટર વિઝા ધરાવતી ઉત્તર ગુજરાતની એક મહિલાને દીકરીએ કરેલી એક ભૂલના કારણે વિઝા ગુમાવવાની સાથે ડિપોર્ટ થવાનો વારો આવ્યો હતો. ગયા વર્ષે આ મહિલા પેન્સિલવેનિયામાં રહેતી દીકરીને ત્યાં ગયા હતા. તે દરમિયાન બીમાર પડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દીકરીએ હોસ્પિટલનું બિલ ચૂકવ્યું નહોતું અને હોસ્પિટલ દ્વારા પાઠવાયેલી નોટિસને પણ ગણકારી નહોતી. આ મહિલા આ વર્ષે ફરી અમેરિકાની મુલાકાતે પહોંચ્યા ત્યારે ન્યૂયોર્કના એરપોર્ટ પર જ તેમને અટકાવવામાં આવ્યા હતા અને તેમના વિઝા રદ કરી ભારત પરત મોકલી દેવાયા હતા. આમ દીકરીએ હોસ્પિટલનું બિલ ન ચૂકવતાં તેનું નુકસાન માતાએ વેઠવું પડ્યું હતું.
0000000000000000000000000000000000000000
નાના મોટા છમકલાં કરનારા ત્રણ ગુજરાતી આઇસની કસ્ટડીમાં
વોશિંગ્ટનઃ અમેરિકામાં નાના મોટા છમકલાં કરનારા કોમલ પટેલ, હસમુખ પટેલ અને અમિત પટેલ નામના ત્રણ ગુજરાતી આઇસની કસ્ટડીમાં પહોંચી ગયાં છે. કોમલ પટેલની 19 ઓગસ્ટના રોજ વિસ્કોન્સિનની બ્રાઉન કાઉન્ટીમાંથી ધરપકડ કરાઇ હતી. તેના પર શારીરિક સંબંધ બાંધવા સગીરાનો સંપર્ક કરવાનો આરોપ મૂકાયો છે. 20 ઓગસ્ટના રોજ હસમુખ પટેલની કેન્ટુકીના ઓલ્ડહામમાંથી અને અમિત પટેલની ઇન્ડિયાનાની ક્લે કાઉન્ટીમાંથી ધરપકડ કરાઇ હતી.
0000000000000000000000000000000000000000
એફબીઆઈએ ભારતીય નાગરિક મેજર સિંહને મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ કર્યો
વોશિંગ્ટનઃ અમેરિકામાં ગૅંગસ્ટર પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણી બદલ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ભારતીય નાગરિક મેજર સિંહને પોતાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. એફબીઆઈના જણાવ્યા અનુસાર, 29 વર્ષીય મેજર સિંહ ભારતના પંજાબ અને કેલિફોર્નિયા સહિત અમેરિકાના અન્ય વિસ્તારોમાં સક્રિય જગ્ગુ ભગવાનપુરિયા ગૅંગનો મુખ્ય સભ્ય છે. મેજર સિંહ સામે કાવતરા અને ગેરકાયદેસર શસ્ત્ર વેપાર અંગે ફેડરલ ગુનાહિત ચાર્જ નોંધાયા છે. આ સંદર્ભે 25 જૂનના રોજ તેની સામે ફેડરલ ધરપકડ વોરંટ પણ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું. એફબીઆઈના મતે આ ગેંગ ગેરકાયદે હથિયારોની તસ્કરી, રેકેટિયરિંગ અને નશીલા પદાર્થોના વિતરણ જેવા સંગઠિત ગુનાઓમાં સામેલ છે. એજન્સીએ નાગરિકોને અપીલ કરી છે કે મેજર સિંહ વિશે કોઈ પણ માહિતી હોય તો નજીકની એફબીઆઈ ઓફિસ, અમેરિકી દૂતાવાસ અથવા ઓનલાઈન ટિપ સિસ્ટમ મારફતે સંપર્ક કરવો.
0000000000000000000000000000000000000000
કેનેડામાં ડેટિંગના બહાને 6,000 ડોલરની ખંડણી માગનાર ભારતીય યુગલની ધરપકડ
બ્રેમ્પટનઃ કેનેડાના બ્રેમ્પટન શહેરમાં ડેટિંગ દરમિયાન એક વ્યક્તિને ધમકાવીને કથિત રીતે 6,000 ડૉલરની ખંડણી માગનાર ભારતીય યુવક અને યુવતીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, જુલાઈ મહિનામાં પીડિત વ્યક્તિનો ઓનલાઈન મેસેજિંગ પ્લેટફોર્મ પર મનીષા શર્મા નામના આઈડી પરથી સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે ટોર્બ્રામ રોડ અને પીટર રોબર્ટસન બુલવર્ડ નજીક આવેલા એક બેઝમેન્ટ એપાર્ટમેન્ટમાં મળવાનું નક્કી થયું હતું. પીડિત જેવો એપાર્ટમેન્ટમાં પહોંચ્યો તેના થોડા જ સમયમાં એક પુરુષે પ્રવેશ કર્યો હતો અને ધમકી આપીને ઈ-ટ્રાન્સફર દ્વારા 6,000 ડોલર બળજબરીથી પડાવી લીધા હતા. આ મામલે તપાસ હાથ ધરીને પોલીસે બ્રેમ્પટનના જ રહેવાસી હરવિંદર સિંહ અને રિયાની ધરપકડ કરી છે.
0000000000000000000000000000000000000000
કેનેડાના એડમન્ટનના ગુરુદ્વારામાં હિસ્ટ્રીશીટરના હુમલામાં ગ્રંથિ સહિત બે ઘાયલ
એડમન્ટનઃ કેનેડાના આલ્બર્ટા પ્રાંતના એડમન્ટન સ્થિત નાનકસર ગુરુદ્વારામાં શુક્રવારે વહેલી સવારે એક 27 વર્ષીય હિસ્ટ્રીશીટરે ડિસમિસ વડે હુમલો કરી ગ્રંથિ અને સેવાદાર સહિત બે લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા. એડમન્ટન પોલીસ સર્વિસે આરોપીની સ્થળ પરથી જ અટકાયત કરી છે. આરોપી ગુરુદ્વારામાં પ્રવેશી પ્રાર્થના વિસ્તાર તરફ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે ત્યાં હાજર કર્મચારીઓએ તેને રોક્યો હતો. ત્યારબાદ સર્જાયેલી બોલાચાલીમાં તેણે ગ્રંથિ અને એક સેવાદાર પર હુમલો કરી દીધો હતો. ગુરુદ્વારામાં હાજર લોકોએ હિંમત દાખવીને આરોપીને પકડી રાખ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો.
0000000000000000000000000000000000000000
યુક્રેનના ડ્રોન હુમલામાં મોસ્કોમાં ભારતીય વિદ્યાર્થી ઘાયલ
મોસ્કોઃ રશિયામાં યુક્રેન દ્વારા કરાયેલા ડ્રોન હુમલામાં એક ભારતીય વિદ્યાર્થી ઘવાયો હતો. મોસ્કો સ્થિત ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર હાલમાં તેની સારવાર ચાલી રહી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી ઉફામાં બશકિર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. દૂતાવાસ હાલમાં વિદ્યાર્થી અને સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે અને તેને જરૂરી તમામ મદદ કરી રહ્યું છે.
0000000000000000000000000000000000000000


