ટેનેસીમાં લિકર સ્ટોરના માલિક સુરેશ પટેલની હત્યા કરનાર શંકાસ્પદની ધરપકડ
જેક્સનઃ અમેરિકી પોલીસે ટેનેસીના જેક્સનમાં ગુજરાતી લિકર સ્ટોર માલિક સુરેશ પટેલની હત્યાના કેસમાં એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. સુરેશ પટેલની 20 ઓગસ્ટના રોજ તેમના લિકર સ્ટોરમાં સશસ્ત્ર લૂંટ દરમિયાન ગોળી મારીને કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. જેક્સન પોલીસના જણાવ્યા અનુસાર, 23 ઓગસ્ટની બપોરે નાટકીય કાર પીછો કર્યા બાદ કોરી હોગ નામના શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઇમ સીનથી આશરે 2.5 કિલોમીટર દૂર ક્રિસમસવિલે રોડ પર સ્થિત બર્ગર કિંગ આઉટલેટ બહાર તેની સેડાન કાર અકસ્માતગ્રસ્ત થતાં તે ઝડપાઇ ગયો હતો. અધિકારીઓએ તેને ઝડપી પાડ્યો તે પહેલાં હોગે રેસ્ટોરન્ટના પાછલા દરવાજેથી ભાગી જવાનો અને પાર્કિંગ લોટમાં રહેલા એક ગ્રાહકની કાર લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.
0000000000000000000000000000000000000000000000000
માયામીમાં 89 મિલિયન ડોલરના ફ્રોડ કેસમાં ડેવલપર રિશી કપૂરને 11 વર્ષ 4 મહિનાની કેદ
માયામીઃ અમેરિકાના માયામીના ભારતીય મૂળના રિયલ એસ્ટેટ ડેવલપર રિશી કપૂરને દક્ષિણ ફ્લોરિડામાં પ્રોપર્ટી પ્રોજેક્ટ્સમાં રોકાણકારો સાથે આચરવામાં આવેલા 89 મિલિયન ડોલરના ફ્રોડ કેસ, મની લોન્ડરિંગ અને પેરોલ-ટેક્સ ષડયંત્રના ગુનામાં 11 વર્ષ અને ચાર મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. કપૂરે દક્ષિણ ફ્લોરિડાના રહેણાંક પ્રોજેક્ટ્સ માટે 50 થી વધુ રોકાણકારો પાસેથી 89 મિલિયન ડોલર એકત્ર કર્યા હતા. , જેમાંથી $70 મિલિયનનું રોકાણકારોને અને $8,00,000 થી વધુનું IRS (આંતરિક મહેસૂલ સેવા) ને વળતર ચૂકવવાનું બાકી છે. કપૂરે આ નાણાનો ઉપયોગ 5 મિલિયન ડોલરની લક્ઝરી પ્રિન્સેસ યોટ ખરીદવા કર્યો હતો. તેણે વર્ષ 2020 અને 2022 વચ્ચે કર્મચારીઓના પગારમાંથી કાપવામાં આવેલા સોશિયલ સિક્યોરિટી અને મેડિકેરના આશરે 2 મિલિયન ડોલરનો પેરોલ ટેક્સ સરકારમાં જમા ન કરાવી ષડયંત્ર રચ્યું હતું. આ ઉપરાંત વર્ષ 2019 થી 2023 સુધી પર્સનલ ઇનકમ-ટેક્સ રિટર્ન પણ ભર્યા ન હતા.
0000000000000000000000000000000000000000000000000
અમેરિકામાં 9,50,000 ડોલરના ફ્રોડ માટે ભારતીય મૂળના ડિરેક્ટરને 3 વર્ષની કેદ
ન્યૂયોર્કઃ અમેરિકામાં હેલ્થકેર કંપની ઓપ્ટમના ભારતીય મૂળના પૂર્વ સિનિયર ડિરેક્ટર કરણ ગુપ્તાને કંપની સાથે 9,50,000થી વધુ ડોલરની છેતરપિંડી કરવા બદલ ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. કેલિફોર્નિયા સ્થિત 48 વર્ષીય કરણ ગુપ્તાને વાયર ફ્રોડ, વાયર ફ્રોડના 10 અલગ-અલગ ગુના અને મની લોન્ડરિંગના ષડયંત્ર હેઠળ દોષિત ઠેરવ્યા બાદ 24 ઓગસ્ટે આ સજા સંભળાવવામાં આવી હતી. છ દિવસ સુધી ચાલેલી સુનાવણી બાદ ફેડરલ જ્યુરી દ્વારા તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. કરણ ગુપ્તાએ લાયકાત ન હોવા છતાં પોતાના મિત્ર શાંગ્રાફ કૌલને ડેટા એન્જિનિયર તરીકે હાયર કર્યો હતો અને તેના પગારના 60 ટકા લાંચ તરીકે લેતા હતા. ગુપ્તાના સહ-આરોપી કૌલે ફેબ્રુઆરી 2025માં વાયર ફ્રોડના ગુનાની કબૂલાત કરી લીધી હતી.
0000000000000000000000000000000000000000000000000
અમેરિકામાં લાખો ડોલરનું કૌભાંડ આચરી ફરાર થયેલો જય ગોસ્વામી કેનેડાના એરપોર્ટ પરથી ઝડપાયો
ટોરન્ટોઃ અમેરિકામાં લાખો ડોલરનું કૌભાંડ આચરી ફરાર થયેલો 21 વર્ષનોગુજરાતી યુવાન જય ગોસ્વામી કેનેડાના ટોરન્ટો એરપોર્ટ પરથી ઝડપાઇ ગયો હતો. જય અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતો હતો અને તેની સામે વાયર ફ્રોડ અને મની લોન્ડરિંગના ગંભીર આરોપ હેઠળ કેસ ચાલે છે. આ કેસમાં તેને મહત્તમ 20 વર્ષ કેદની સજા થઇ શકે છે. જય ગોસ્વામીને 17 ઓગસ્ટની સુનાવણી બાદ શરતી જામીન પર મુક્ત કરાયો હતો પરંતુ તે સરહદ પાર કરીને કેનેડા પહોંચી ગયો હતો. ત્યાંથી તેણે ભારત નાસી જવા ફ્લાઇટની ટિકિટ બુક કરી હતી. જોકે તે ફરાર થાય તે પહેલાં જ ટોરન્ટો એરપોર્ટ ખાતે ધરપકડ કરાઇ હતી.
0000000000000000000000000000000000000000000000000
મેરીલેન્ડમાં નિકિતાની હત્યા કરી ફરાર થયેલા અર્જુન શર્માની ભારતના આગ્રામાંથી ધરપકડ
ન્યૂયોર્કઃ મેરીલેન્ડના કોલંબિયા સ્થિત એપાર્ટમેન્ટમાં 31 ડિસેમ્બર 2025ના રોજ 27 વર્ષીય નિકિતા ગોડીશાલાની હત્યા કરી ફરાર થયાના આઠ મહિના બાદ આરોપી અર્જુન શર્માને હૈદરાબાદ અને સ્થાનિક પોલીસની મદદથી આગ્રાના એક ફ્લેટમાંથી ઝડપી લેવાયો હતો. મૂળ હૈદરાબાદની નિકિતા અમેરિકામાં ડેટા એન્ડ સ્ટ્રેટેજી એનાલિસ્ટ તરીકે કામ કરતી હતી. નિકિતાના પિતાના જણાવ્યા અનુસાર, અર્જુન ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025માં પોતાની નોકરી ગુમાવી ચૂક્યો હતો અને તેણે નિકિતા તેમજ તેના પરિવાર પાસેથી પૈસા ઉધાર લીધા હતા. આ હત્યા પાછળ આર્થિક લેવડ-દેવડ અને નાણાકીય વિવાદ મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આરોપીને કસ્ટડીમાં સોંપ્યો છે અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તેને અમેરિકા પ્રત્યર્પિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
0000000000000000000000000000000000000000000000000
કેલિફોર્નિયામાં બે ભારતીય મહિલાના રહસ્યમય મોત, હત્યાના આરોપસર કોમન ફ્રેન્ડની ધરપકડ
કેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયામાં પોતાના પરિવાર સાથે રહેતી કેરળની બે મહિલાના 28 ઓગસ્ટના રોજ રહસ્યમય મોત થયાં હતાં. પોલીસે આ મામલામાં બંનેની મિત્ર એવી અનિલા નામની મહિલાની ધરપકડ કરી છે. મૂળ ભારતના થ્રિસૂરની 35 વર્ષીય સ્કૂલ ટીચર અંજના અને તિરુવનંતપુરમની 40 વર્ષની એન મેરી મેથ્યૂના શંકાસ્પદ મોત પાછળનો ઇરાદો હજુ સ્પષ્ટ થયો નથી. મળતી માહિતી મુજબ, અંજનાનું મોત એક કથિત હિટ એન્ડ રન કેસમાં થયું હતું, જેમાં તેને વાહનથી કચડી નાખવામાં આવી હતી. જ્યારે બીજી તરફ, એન મેરી મેથ્યુ પોતાના એપાર્ટમેન્ટના રૂમમાંથી લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવી હતી. અંજના, અનિલા અને એન મેરી ત્રણેય ખૂબ ગાઢ મિત્રો હતાં. ઘટનાના થોડા સમય પહેલાં જ તેઓએ સાથે ઓણમની ઉજવણી પણ કરી હતી અને થિયેટરમાં ફિલ્મ જોવા ગયા હતા. પરંતુ અચાનક તેમની વચ્ચે એવો શું વિવાદ થયો કે મામલો ક્રૂર હત્યા સુધી પહોંચી ગયો, તે રહસ્ય હજુ અકબંધ છે.
0000000000000000000000000000000000000000000000000
ટેનેસીમાં ગેરકાયદેસર ગેમ્બલિંગ મશીનો પર દરોડા, ગુજરાતીઓ સહિત 13ની ધરપકડ
કોલંબિયાઃ અમેરિકાના ટેનેસી સ્ટેટના કોલંબિયા શહેરમાં ગેરકાયદેસર ગેમ્બલિંગ મશીન ચલાવતા લોકો પર દરોડા પાડી પોલીસ સહિતની એજન્સીઓએ ગુજરાતીઓ સહિત 13ની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી 1.3 મિલિયન ડોલરની રોકડ પણ જપ્ત કરી હતી. કોલંબિયા પોલીસે 25 ઓગસ્ટના રોજ 20 બિઝનેસ અને બે મકાન એમ 22 ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. જેમાં મોટાભાગના ગેસ સ્ટેશન ગુજરાતીઓની માલિકીના હતા. આ કાર્યવાહીમાં આઇસના અધિકારીઓ પણ સામેલ હતા અને ગેરકાયદેસર કામ કરનારાઓને ઝડપી લઇને તેમની સામે ડિપોર્ટેશનની કાર્યવાહી હાથ ધરાઇ છે.
0000000000000000000000000000000000000000000000000
ફ્લોરિડામાં માર્ગ અકસ્માતમાં 3 ભારતીય વિદ્યાર્થીના મોત
બ્રેવર્ડ કાઉન્ટીઃ ફ્લોરિડામાં થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીના મોત થયાં હતાં. આ ત્રણેય યુવક ગત મંગળવારે જોબ પર જઈ રહ્યા હતા ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો. બ્રેવર્ડ કાઉન્ટીમાંથી પસાર થતાં ઈન્ટરસ્ટેટ 95 પર પામ બેમાં થયેલા આ અકસ્માતમાં તેમની કાર એક ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં મોતને ભેટેલા આ ત્રણેય સ્ટૂડન્ટ્સ તેલંગાણા અને આંધ્રપ્રદેશના રહેવાસી હતા અને અમેરિકામાં ભણવાની સાથે પાર્ટ ટાઈમ જોબ્સ કરી રહ્યા હતા. રાહુલ માસ્ટર્સ પૂરું કર્યા બાદ PhD શરૂ કરવાનો હતો. અન્ય બે મૃતકોની ઓળખ સુબ્રમણ્યમ અને અનીલ તરીકે કરવામાં આવી છે.
0000000000000000000000000000000000000000000000000
મહિલા પર બળાત્કાર કરનાર ગુરમીત સિંહની અમેરિકાની નાગરિકતા રદ
ન્યૂયોર્કઃ વર્ષ 2011માં એક મહિલાનું અપહરણ કરી છરીની અણીએ તેના પર બળાત્કાર ગુજારવાના ગુનામાં ગુરમીત સિંહને 20 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. હવે ન્યૂયોર્કની ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગુરમીત સિંહની નાગરિકતા રદ કરવાનો આદેશ આપ્યો છે. અમેરિકાની નાગરિકતા મેળવવાની પ્રક્રિયા દરમિયાન તેણે આ ગંભીર ગુનાની માહિતી છુપાવી રાખી હતી અને 19 ઓક્ટોબર 2011ના રોજ યુએસ સિટિઝનશિપ મેળવી લીધી હતી. યુએસ એટર્ની જનરલ ટોડ બ્લેન્ચે જણાવ્યું હતું કે, અમેરિકન નાગરિકત્વ એ ગુનેગારો માટે કોઈ ઢાલ નથી. ગુનાહિત કૃત્યો છુપાવીને ગેરકાયદેસર રીતે મેળવેલું નાગરિકત્વ રદ કરવામાં આવ્યું છે.
0000000000000000000000000000000000000000000000000
કેનેડામાં સારવારના બહાને મહિલાની જાતીય સતામણી કરનાર હિંદુ પૂજારીની અટકાયત
ઓશાવાઃ અમેરિકા સ્થિત એક હિંદુ પૂજારીની કેનેડાના ઓશાવા શહેરમાં ધાર્મિક વિધિ અને ઉપચારના બહાને એક મહિલાની જાતીય સતામણી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ન્યૂયોર્કના રિચમંડ હિલના રહેવાસી 50 વર્ષીય રાજનૌત દૂધનાથ મહારાજને પીડિતા અને તેના પરિવારે હિંદુ ધાર્મિક વિધિ કરવા માટે યુએસથી કેનેડા બોલાવ્યો હતો. પૂજારીએ મહિલાને તેના પર દુષ્ટ આત્માઓનો ઓછાયો હોવાનું કહીને વિશ્વાસમાં લીધી હતી અને તેને સાજી કરવા માટે એક વિશેષ વિધિની જરૂર હોવાનું જણાવ્યું હતું. તે મહિલાને એક ખાનગી સ્થળે લઈ ગયો હતો, જ્યાં વિધિ કરવાના નામે તેની જાતીય સતામણી કરી હતી. પોલીસ અધિકારીઓએ પૂજારીને કસ્ટડીમાં લીધો હતો.
0000000000000000000000000000000000000000000000000
કેનેડાના ટોરન્ટોમાં હેટ ક્રાઇમ, શીખ વ્યક્તિ પર છરી વડે હુમલો
ટોરન્ટોઃ કેનેડાના ટોરન્ટો શહેરમાં એક શીખ વ્યક્તિ પર અજાણ્યા હુમલાખોરે છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. હુમલા દરમિયાન આરોપીએ વંશીય ટિપ્પણીઓ અને શીખ વિરોધી શબ્દોનો પ્રયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે, જેને પગલે સ્થાનિક પોલીસ આ કેસને શંકાસ્પદ હેટ ક્રાઇમ તરીકે તપાસી રહી છે. પોલીસે 5 ફીટ 6 ઈંચ ઊંચાઈ ધરાવતા અને કાળા વાળવાળા અજાણ્યા આરોપીનો ફોટોગ્રાફ જાહેર કરીને તેને ઓળખી કાઢવા માટે જનતાની મદદ માંગી છે. કેનેડિયન કાયદા મુજબ, જો આ ગુનામાં વંશીય કે નફરતી માનસિકતા સાબિત થશે, તો અદાલત સજાની સુનાવણી વખતે તેને ગંભીર બાબત તરીકે ધ્યાનમાં લેશે.
0000000000000000000000000000000000000000000000000
યુક્રેનમાં રશિયાના ભયાનક હુમલામાં ભારતીય નાગરિકનું મોત
કીવઃ યુક્રેન પર રશિયા દ્વારા રાતોરાત કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં એક ભારતીય નાગરિક સહિત ઓછામાં ઓછા 12 લોકોના મોત નિપજ્યા હતાં. યુક્રેનની વાયુસેનાના જણાવ્યા અનુસાર, સોમવારે સાંજે આશરે 6 વાગ્યાથી શરૂ થયેલા આ હુમલામાં બેલેસ્ટિક, ક્રૂઝ અને એન્ટી-રડાર મિસાઈલો તેમજ 218 ડ્રોન અને ડીકોયનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાજધાની કીવ અને ઓડેસા પ્રદેશો આ હુમલાના મુખ્ય નિશાન બન્યા હતા. કીવ પર રશિયન હુમલાનો આ સતત છઠ્ઠો દિવસ હતો.
0000000000000000000000000000000000000000000000000


