એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ

Tuesday 08th September 2026 10:33 EDT
 
 

કિરણ રેડ્ડી મિસ ટીન યુએસએ જીતનાર પ્રથમ ભારતીય અમેરિકન

ડગ્લાસઃ જ્યોર્જિયા સ્ટેટના ડગ્લાસની 18 વર્ષીય વિદ્યાર્થીની કિરણ રેડ્ડીએ નેશનલ મિસ ટીન યુએસએનો તાજ પોતાના નામે કરીને નવો ઇતિહાસ રચ્યો છે. આ પ્રતિષ્ઠિત ખિતાબ જીતનારી તે પ્રથમ ભારતીય અમેરિકન છે. માયામી સ્થિત એડ્રિએન સેન્ટર ફોર ધ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે યોજાયેલી 44મી વાર્ષિક સૌંદર્ય સ્પર્ધામાં કિરણે અન્ય 50 સ્પર્ધકોને માત આપીને આ સિદ્ધિ મેળવી હતી. આ અગાઉ મિસ જ્યોર્જિયા ટીન યુએસએનો ખિતાબ જીતનારી પણ તે પ્રથમ ભારતીય અમેરિકન હતી. આ જીત સાથે તેણે જ્યોર્જિયા સ્ટેટને આ સ્પર્ધાના ઇતિહાસમાં પ્રથમ રાષ્ટ્રીય વિજય અપાવ્યો છે. કિરણે જણાવ્યું હતું કે, જ્યોર્જિયા અને અમેરિકાનું પ્રતિનિધિત્વ કરવા બદલ અને બાળપણમાં મને જે રોલ મોડેલની જરૂર હતી તે બનવા માટે હું મારી જાતને ધન્ય માનું છું. કિરણે શૈક્ષણિક ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તે કોફી હાઇ સ્કૂલની ટોપર રહી ચૂકી છે. હાલમાં તે યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયા ખાતે બાયોલોજિકલ સાયન્સમાં પ્રી-મેડિકલનો અભ્યાસ કરી રહી છે અને હેલ્થકેર ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છે છે.

00000000000000000000000000000000000000000000

ન્યૂજર્સીના ગુજરાતી પરિવાર પર 100 મિલિયન ડોલરના લોન કૌભાંડનો આરોપ

ન્યૂજર્સીઃ અમેરિકાના ન્યૂજર્સીમાં હોટેલ ચેઇનનું સંચાલન કરતા ગુજરાતી પરિવારે શેલ કંપનીઓ દ્વારા 100 મિલિયન ડોલરથી વધુનુ કૌભાંડ આચર્યું હોવાના આરોપ મૂકાયા છે. પંકજ શેઠ અને તેમના પુત્ર રાજન શેઠે તેમની કહેવા માટે જ ચાલતી મોટેલો પર અવનવા કબાડા કરીને 100 મિલિયન ડોલર કરતાં વધુની લોન લીધી હતી જેમાં ગેરેંટર તરીકે અમેરિકન સરકાર છે. આમ આ પરિવારે અમેરિકાની સરકારને જ ચૂનો લગાવ્યો છે. તાજેતરમાં પેન્સિલ્વેનિયામાં દાખલ કરાયેલા ખટલામાં આરોપ મૂકાયો છે કે આ પરિવારે 30 વર્ષ સુધી વિવિધ લોન લઇને મિલિયનો ડોલરનું કૌભાંડ આચર્યું છે. પરિવાર સામે દાખલ કરાયેલી 332 પાનાની ફરિયાદમાં પરિવારની સાથે સાથે 21 કંપની અને તેના આઠ ભાગીદારોનો પણ ઉલ્લેખ કરાયો છે.

00000000000000000000000000000000000000000000

યુએસમાં ડ્રગ્સના કાચા માલની દાણચોરીના કેસમાં સુરતના ભાવેશ લાઠીયાને સાડા ચાર વર્ષની કેદ

ન્યૂયોર્કઃ અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલી ફેડરલ કોર્ટે સુરતના બિઝનેસમેન ભાવેશ લાઠીયાને ફિન્ટેનાઇલ ડ્રગ્સના કાચા માલની તસ્કરી અને વિતરણ કરવા બદલ 4.5 વર્ષની જેલની સજા ફટકારી છે. અદાલતના  ચુકાદા અનુસાર, સજા પૂર્ણ કર્યા બાદ ભાવેશ લાઠીયાને દેશનિકાલ કરાશે. તે ઉપરાંત તેને 24,560 ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સુરત સ્થિત રેક્સુટર કેમિકલ્સના સ્થાપક ભાવેશ લાઠીયાએ આ વર્ષના એપ્રિલ મહિનામાં પોતાના ગુનાની કબૂલાત કરી હતી. લાઠીયાની કંપનીએ અમેરિકા અને મેક્સિકોમાં ફિન્ટેનાઇલ બનાવવા માટે વપરાતા રસાયણો ગેરકાયદેસર રીતે મોકલ્યા હતા. આ કેમિકલ્સની હેરાફેરી માટે વિટામિન સી અને એન્ટાસિડ દવાઓ તરીકે ખોટા કસ્ટમ્સ દસ્તાવેજો અને લેબલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2025માં ન્યૂયોર્કથી ભાવેશ લાઠીયાની ધરપકડ કરવામાં આવી હતી.

00000000000000000000000000000000000000000000

ટેક્સાસના 250 મિલિયન ડોલરના ગોલ્ડ સ્કેમમાં મુઝમ્મિલ એહમદની ધરપકડ

ટેક્સાસઃ ટેક્સાસમાં 250 મિલિયન ડોલરના ગોલ્ડ સ્કેમમાં ન્યૂજર્સીની મુઝમ્મિલ એહમદની ધરપકડ કરાઇ છે. મુઝમ્મિલ ન્યૂયોર્કના જેએફકે એરપોર્ટ પરથી દેશ છોડીને નાસવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ ઝડપાઇ ગયો હતો. તેના પર 3 મિલિયન ડોલરનો બોન્ડ મૂકાયો છે. જાન્યુઆરી 2026માં ટેક્સાસના અરવિંગમાં તિલક જ્વેલર્સ પર દરોડો પાડી પોલીસે આ ગોલ્ડ સ્કેમ ઉઘાડું પાડ્યું હતું. તેમાં સંખ્યાબંધ ગુજરાતી પણ સંડોવાયેલા છે. મુઝમ્મિલ પણ તિલક જ્વેલર્સ સાથે સંકળાયેલો હતો અને આ સ્કેમમાં પીડિતો પાસેથી પડાવવામાં આવેલા સોનાનો વહીવટ કરવામાં મહત્વની ભુમિકા ભજવતો હતો.

00000000000000000000000000000000000000000000

પાર્સલ કાંડમાં ટેક્સાસના શાર્લિન પટેલની ધરપકડ, વૃદ્ધ પાસેથી 1.5 લાખ ડોલર પડાવવાનો આરોપ

ટેક્સાસઃ અમેરિકાના ટેક્સાસમાં 27 ઓગસ્ટના રોજ શાર્લિન પટેલની પાર્સલ કાંડમાં ધરપકડ કરાઇ હતી. હાલ તેને કોર્ટ દ્વારા 1.5 મિલિયન ડોલરના બોન્ડ પર મૂકાયો છે. શાર્લિન પટેલ પર એક સિનિયર સિટિઝન પાસેથી 1.5 લાખ ડોલર પડાવવાનો આરોપ છે. તેના પર ઓર્ગેનાઇઝ્ડ ક્રિમિનલ એક્ટિવિટીના પણ આરોપ મૂકાયા છે. આ ગંભીર આરોપોસર તેને પાંચ વર્ષથી માંડીને આજીવન કેદ સુધીની સજા થઇ શકે છે.

00000000000000000000000000000000000000000000

મિઝુરીમાં ગેરકાયદેસર ગેમ્બલિંગ દ્વારા 9 ગુજરાતીએ 9.3 મિલિયન ડોલરની કાળી કમાણી કરી

મિઝુરીઃ અમેરિકાના મિઝુરી સ્ટેટમાં ગેરકાયદેસર ગેમ્બલિંગ મશીનો ચલાવીને 9 ગુજરાતીએ 9.3 મિલિયન ડોલરની કમાણી કરી હતી. આ કેસમાં આરોપી એવા સુનિલ પટેલે પોતાનો ગુનો કબૂલી લીધો છે. ન્યૂયોર્કમાં રહેતો સુનિલ પટેલ સાઉથવેસ્ટ મિઝુરીમાં 6 સ્થળે ચાલતી મલ્ટી મિલિયન ડોલરની ગેરકાયદેસર ગેમ્બલિંગમાં સામેલ હતો. ફેડરલ કોર્ટ સમક્ષ પોતાનો અપરાધ સ્વીકારતા સુનિલ પટેલે જણાવ્યું હતું કે તેણે પોતાના સાથીદારો સાથે મળીને આ ગેરકાયદેસર ધંધામાં 9.3 મિલિયન ડોલરની કમાણી કરી હતી અને મની લોન્ડરિંગ દ્વારા તમામ રકમ સગેવગે કરી હતી.

00000000000000000000000000000000000000000000

એફબીઆઇની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ મનજીત બેદી પંજાબમાંથી ઝડપાયો

જલંધરઃ અમેરિકાના ફૂડ બેનિફિટ્સ પ્રોગ્રામ સાથે સંકળાયેલા કૌભાંડમાં એફબીઆઇની મોસ્ટ વોન્ટેડ ફ્રોડસ્ટર્સ યાદીમાં સામેલ ભારતીય મૂળના અમેરિકન નાગરિક મનજીત સિંહ બેદીની પંજાબ પોલીસે ધરપકડ કરી છે. ડીજીપી ગૌરવ યાદવે માહિતી આપતા જણાવ્યું હતું કે, જલંધર પોલીસે બેદીને કસ્ટડીમાં લીધો છે. તેના પર 1.5 લાખ યુએસ ડોલરનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. અમેરિકામાં સપ્લીમેન્ટલ ન્યુટ્રિશન આસિસ્ટન્સ પ્રોગ્રામ હેઠળના લાભોમાં છેતરપિંડીના કેસમાં સંડોવાયેલો બેદી કાયદાની પકડથી બચવા માટે તે એપ્રિલ 2026માં કેનેડા થઈને ભારત ભાગી આવ્યો હતો.

00000000000000000000000000000000000000000000

કેલિફોર્નિયામાં પિઝા આઉટલેટ પરથી ડ્રગ્સ વેચતા કવલપ્રીત સિંહની ધરપકડ

ફ્રેસ્નોઃ કેલિફોર્નિયાના ફ્રેસ્નોમાં પિઝા આઉટલેટ પરથી નશીલા પદાર્થોનું વિતરણ કરવા બદલ એક ભારતીય નાગરિક સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. કવલપ્રીત સિંહ પર મિથેમ્ફેટામાઈનનું વિતરણ કરવા, વેચાણના ઈરાદાથી મિથેમ્ફેટામાઈન રાખવા અને ડ્રગ ટ્રાફિકિંગના ગુનાને અંજામ આપવા ગેરકાયદેસર હથિયારો રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સિંહ યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદેસર રીતે રહેતો હતો.તે દિનુબામાં રાઉન્ડ ટેબલ પિઝા નામના રેસ્ટોરન્ટમાંથી ગેરકાયદેસર હથિયારો સાથે રાખીને જથ્થાબંધ પ્રમાણમાં મિથેમ્ફેટામાઈનનું વેચાણ કરતો હતો. તેના ઘર અને વ્યવસાયિક સ્થળ પર દરોડા દરમિયાન 20 કિલોથી વધુ મિથેમ્ફેટામાઈન, ત્રણ ગેરકાયદેસર હથિયારો અને 10,000 ડોલરથી વધુની રોકડ રકમ મળી આવ્યાં હતાં. દોષી સાબિત થાય ડ્રગ ટ્રાફિકિંગના આરોપો હેઠળ તેને ઓછામાં ઓછી 10 વર્ષની અને વધુમાં વધુ આજીવન કેદની સજા તેમજ 1 કરોડ ડોલર સુધીનો દંડ થઈ શકે છે.

00000000000000000000000000000000000000000000

ન્યૂયોર્ક સ્ટેટના ગેસ સ્ટેશન પર મહિલા સાથે અશ્લિલ હરકત માટે શૈલેષ પટેલની ધરપકડ

ન્યૂયોર્કઃ ન્યૂયોર્ક સ્ટેટના એક ગેસ સ્ટેશન પર જોબ કરતા 56 વર્ષીય ગુજરાતી આધેડની એક મહિલા સાથે અશ્લિલ હરકતો કરવાના આરોપસર ધરપકડ કરાઇ છે. આલ્બની કાઉન્ટીના વોરહિસવીલ સ્થિત મોબિલ ગેસ સ્ટેશન પર 2 સપ્ટેમ્બરના રોજ બનેલી ઘટનાની ફરિયાદ કરતાં મહિલાએ જણાવ્યું હતું કે, ત્યાં જોબ કરતા શૈલેષ પટેલ નામના વ્યક્તિએ તેની સાથે અશ્લિલ છેડછાડ કરી હતી. શૈલેષ પટેલ એલ્ટમોન્ટનો રહેવાસી છે. જો આરોપ સાબિત થશે તો તેને એક વર્ષની કેદ અને એક હજાર ડોલરનો દંડ થઇ શકે છે.

00000000000000000000000000000000000000000000

વિઝિટર વિઝા પર આવેલા ગુજરાતી પરિવારને શિકાગો એરપોર્ટથી જ ડિપોર્ટ કરાયો

શિકાગોઃ વિઝિટર વિઝા પર અમેરિકા આવેલા વધુ એક ગુજરાતી પરિવારને શિકાગો એરપોર્ટથી જ ડિપોર્ટ કરાયો હતો. દક્ષિણ ગુજરાતના આ પરિવારને વર્ષ 2025માં પહેલીવાર વિઝા મળ્યા હતા. અમેરિકા પહોંચ્યા બાદ તેમણે પાંચથી છ મહિનાનો સ્ટે કર્યો હતો અને ભારત પરત ફર્યા હતા. જોકે જુલાઇ 2026માં ફરી અમેરિકા પહોંચેલા આ પરિવારને શિકાગો એરપોર્ટ પર અટકાવી ફોનની તપાસ કરાઇ હતી અને કેટલીક માહિતીના આધારે પરિવારના વિઝિટર વિઝા રદ કરી ભારત પરત મોકલી દેવાયો હતો. આ પરિવારે 2025માં એક મોટેલમાં કામ કર્યું હતું અને કેશમાં પગાર લીધો હતો.

00000000000000000000000000000000000000000000

વાનકુંવરમાં હત્યાના આરોપસર ઇન્દરદીપસિંહ ગોસાલને દોષી ઠરાવાયો

વાનકુંવરઃ કેનેડાના બ્રિટિશ કોલંબિયાના વાનકુવરમાં આવેલા એક સ્ટારબક્સ કાફે બહાર ધૂમ્રપાન કરવા બાબતે થયેલી બોલાચાલીમાં પોલ સ્મિથ નામના વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવા બદલ ભારતીય મૂળના ઇન્દરદીપ સિંહ ગોસાલને માનવવધનો દોષી ઠેરવવામાં આવ્યો છે. વર્ષ 2023ના 26 માર્ચના રોજ ઘટેલી આ ઘટના અંગે કોર્ટે ચુકાદો આપતા ગોસાલને સેકન્ડ-ડિગ્રી મર્ડરના આરોપમાંથી મુક્ત કર્યો હતો. તપાસ અનુસાર પોલ સ્મિથે ગોસાલને કાફેના પ્રવેશદ્વાર નજીક ગાંજો પીવાની મનાઈ કરી ત્યારે બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. જે દરમિયાન ગોસાલે તેના હૂડીના ખિસ્સામાંથી છરી કાઢીને સ્મિથના છાતી અને ગળાના ભાગે છ વાર ઘા ઝીંક્યા હતા. હુમલા બાદ માત્ર 28 સેકન્ડમાં જ સ્મિથ ઢળી પડ્યો હતો.

00000000000000000000000000000000000000000000

અમેરિકામાં સૌથી અમીર ઇમિગ્રન્ટ્સમાં સૌથી વધુ 19 ભારતીય મૂળના ઉદ્યોગપતિ

ન્યૂયોર્કઃ યુનાઇટેડ સ્ટેટ્સમાં વસતા પરદેશી અબજોપતિઓની ફોર્બ્સની યાદીમાં 19 ભારતીય મૂળના ઉદ્યોગપતિઓને સ્થાન અપાયું છે. વર્ષ 2026માં આ યાદીમાં સાત નવા ભારતીય-અમેરિકન અબજોપતિઓનો ઉમેરો થયો છે, જેમાં વેન્ચર કેપિટલિસ્ટ હેમંત તનેજા, પાલાંતિરના ચીફ ટેકનોલોજી ઓફિસર શ્યામ શંકર અને સેમિકન્ડક્ટર કંપની એસ્ટેરા લેબ્સના સ્થાપકોનો સમાવેશ થાય છે. સન માઇક્રોસિસ્ટમ્સના સ્થાપક વિનોદ ખોસલા 13.9 બિલિયન ડોલરની અંદાજિત સંપત્તિ સાથે સૌથી અમીર ભારતીય મૂળના અબજોપતિ તરીકે ઉભરી આવ્યા છે. આ ઉપરાંત, સાયબર સિક્યુરિટી ક્ષેત્રની અગ્રણી કંપની ઝીસ્કેલર (Zscaler) ના ચીફ એક્ઝિક્યુટિવ જય ચૌધરી, ઈન્ડિગો એરલાઈન્સના સહ-સ્થાપક રાકેશ ગંગવાલ અને સોફ્ટવેર ક્ષેત્રના દિગ્ગજ રોમેશ વાધવાની ટોચના 100 સમૃદ્ધ વસાહતી સ્થાપકોમાં સ્થાન પામ્યા છે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નાડેલા અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ પણ આ યાદીમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

00000000000000000000000000000000000000000000

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter