સેથુરામન પંચનાથન આર્થર એમ બુશ એવોર્ડ જીતનારા પ્રથમ ભારતીય મૂળના અમેરિકન બન્યા
ન્યૂયોર્કઃ નેશનલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગ (NAE) એ હવે પંચનાથનને વર્ષ 2026ના આર્થર એમ બુશ એવોર્ડ માટે પસંદ કર્યા છે. આ પુરસ્કાર અમેરિકી વિજ્ઞાન અને ટેકનોલોજી નીતિ, તકનીકી વિકાસ અને ઉદ્યોગ, સરકાર તથા યુનિવર્સિટીઓ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર એન્જિનિયરને એનાયત કરવામાં આવે છે. તેઓ હાલમાં એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી ખાતે ટેકનોલોજી અને ઇનોવેશનના યુનિવર્સિટી પ્રોફેસર છે અને યુએસ નેશનલ સાયન્સ ફાઉન્ડેશન (NSF) ના ભૂતપૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે. એએસયુના પ્રમુખ માઇકલ એમ. ક્રોએ પંચનાથનને દેશના સૌથી શ્રેષ્ઠ સિસ્ટમ્સ થિંકર્સમાંના એક તરીકે વર્ણવ્યા હતા. પંચનાથને આ સન્માન અંગે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું આ માન્યતાથી ખૂબ જ સન્માનિત અને વિનમ્ર અનુભવું છું. આ પ્રકારના પુરસ્કારો ક્યારેય માત્ર એક વ્યક્તિ માટે નથી હોતા. તે એ તમામ લોકો માટે છે જેમણે આ પરિણામોમાં યોગદાન આપ્યું છે.
00000000000000000000000000000000000
યુનિવર્સિટી ઓફ ટેક્સાસની નર્સિંગ સ્કૂલના ડીન તરીકે કવિતા રાધાકૃષ્ણનની નિયુક્તિ
હ્યુસ્ટનઃ ભારતીય મૂળના વૈજ્ઞાનિક કવિતા રાધાકૃષ્ણનની યુનિવર્સિટી ઓફ ટેક્સાસની નર્સિંગ સ્કૂલના ડીન તરીકે નિયુક્તિ કરાઇ છે. લોરા લી બ્લેન્ટન ચેર ઇન નર્સિંગનો હોદ્દો ધરાવતા રાધાકૃષ્ણને 6 માર્ચથી વચગાળાના ડીન તરીકે સેવા આપ્યા બાદ 1 સપ્ટેમ્બરથી આ પદનો વિધિવત કાર્યભાળ સંભાળ્યો છે. તેઓ 2012થી આ યુનિવર્સિટીમાં ફેકલ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે, આપણે નર્સિંગ ક્ષેત્રના એક નવા યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ. ઉચ્ચ શિક્ષણ, આરોગ્ય સંભાળ અને ટેકનોલોજી ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યા છે, જે આપણી સમક્ષ પડકારોની સાથે શિક્ષણ, સંશોધન અને સારસંભાળની પદ્ધતિઓને પુનઃવ્યાખ્યાયિત કરવાની અભૂતપૂર્વ તકો પણ લાવે છે. ભારતમાં જન્મેલા અને ઉછરેલા રાધાકૃષ્ણને મુંબઈ યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી મેળવી હતી અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે તેઓ અમેરિકા ગયા હતા.
00000000000000000000000000000000000
ન્યૂયોર્કમાં સબવે સ્ટેશન પર ટ્રેનની હડફેટે ભારતીય મૂળના યુવક-યુવતીના મોત
ન્યૂયોર્કઃ ન્યૂયોર્ક સિટીના મનહટન સ્થિત સ્પ્રિંગ સ્ટ્રીટ સબવે સ્ટેશન પર રવિવારે વહેલી સવારે ટ્રેનની અડફેટે આવતા ભારતીય મૂળના યુવક-યુવતીના કરૂણ મોત નીપજ્યા છે. મૃતકોની ઓળખ 24 વર્ષીય મલાઈકા ચિત્રે અને નવમ કૌલ તરીકે થઈ છે. તેઓ રુટગર્સ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને લાંબા સમયના મિત્રો હતા. પોલીસ અને ટ્રેન ઓપરેટરના જણાવ્યા અનુસાર મોડી રાત્રે આશરે 3 વાગ્યા પછી ટ્રેન આવી રહી હતી ત્યારે બંને ટ્રેક પર બેઠેલા જોવા મળ્યા હતા. ટ્રેન ઓપરેટરે તેમને જોતા જ તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી હતી, પરંતુ ટ્રેન સમયસર રોકી શકાઈ ન હતી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી પરંતુ નશાની હાલત અથવા આત્મહત્યા સહિતના તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.
00000000000000000000000000000000000
મેસેચ્યુસેટ્સમાં કર્મચારીઓના શોષણ માટે 3 ગુજરાતીને લાખો ડોલરનો દંડ
મેસેચ્યુસેટ્સઃ અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં કર્મચારીઓનું શોષણ કરવાના આરોપસર 3 ગુજરાતી અને બે સ્ટાફિંગ કંપનીને લાખો ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. એટર્ની જનરલ એન્ડ્રી જોય કેમ્બેલના જણાવ્યા અનુસાર ડંકીન ડોનટ્સની ફ્રેન્ચાઇઝી ઓપરેટ કરતા નોર્ધન મેનેજમેન્ટ ગ્રુપ એલએલસીના મેનેજર જિગર પટેલ, નિકુલ પટેલ અને નિલેશ પટેલ સહિત સ્ટાફિંગ એજન્સી ડી એન્ડ જે સર્વિસિઝ ગ્રુપ એલએલસી અને પ્રાઇમ મેનેજમેન્ટ સર્વિસ કોર્પને કર્મચારીઓને સમયસર વેતન ન ચૂકવવા તથા નવી કામગીરી માટે યોગ્ય નોટિસ નહીં પાઠવવા બદલ 100 કર્મચારીને વળતર ચૂકવવું પડશે.
00000000000000000000000000000000000
સેક્રામેન્ટોમાં મહિલાની હત્યા બાદ રોહિતની આત્મહત્યા
સેક્રામેન્ટોઃ અમેરિકાના સેક્રામેન્ટોમાં પનેરા બ્રેડ રેસ્ટોરન્ટ બહાર 8 સપ્ટેમ્બરના રોજ એક 38 વર્ષીય મહિલાની ગોળી મારીને હત્યા કરવાના આરોપમાં 22 વર્ષીય રોહિત રોહિતનું નામ સામે આવ્યું છે. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આરોપી છેલ્લા કેટલાક મહિનાઓથી આ મહિલાનો પીછો કરી તેને હેરાન કરી રહ્યો હતો. રોહિત મહિલા તરફ એકતરફી આકર્ષણ ધરાવતો હતો. મે મહિનામાં મહિલાએ રોહિત વિરુદ્ધ રિટ્રેનિંગ ઓર્ડર મેળવ્યો હતો. 8 સપ્ટેમ્બરના રોજ બપોરે આશરે 3 વાગ્યાના સુમારે, હાઉ એવન્યુ પર આવેલા એક શોપિંગ સેન્ટર નજીક રોહિતે મહિલાનો સંપર્ક કર્યો હતો. મહિલાએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતા આરોપીએ અત્યંત નજીકથી માથામાં ગોળી મારી હત્યા કરી દીધી હતી. ઘટના બાદ ભાગી રહેલા પોલીસ દ્વારા ઘેરાબંધી કરવામાં આવતા આરોપીએ પોતાની કારમાં જ આપઘાત કરી લીધો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
00000000000000000000000000000000000
ટેક્સાસમાં વોર વેટરન સાથે છેતરપિંડીના કેસમાં ભારતીય વિદ્યાર્થીને 30 મહિનાની કેદ
સાન એન્ટોનિયોઃ અમેરિકાના ટેક્સાસમાં સ્ટુડન્ટ વિઝા પર રહેતા ભારતીયને વિયેટનામના વોર વેટરન સાથે છેતરપિંડી કરવાના કેસમાં 30 મહિનાની કેદની સજા ફટકારવામાં આવી છે. ટેક્સાસના સાન એન્ટોનિયોમાં રહેતા 37 વર્ષીય વેંકટેશ્વરા છાગમરેડ્ડીને સજા ઉપરાંત 99,496 ડોલર વળતર ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. જેલની સજા પૂર્ણ થયા બાદ તેણે ત્રણ વર્ષ સુપરવાઇઝ્ડ રિલીઝ હેઠળ રહેવું પડશે, તેમજ તેને અમેરિકામાંથી દેશનિકાલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે તેવી સંભાવના છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે છાગમરેડ્ડી અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારે વૃદ્ધોને નિશાન બનાવીને સોનું ઉઘરાવતો હતો. તેના ફોનમાંથી પીડિતનો ફોટો પણ મળી આવ્યો હતો.
00000000000000000000000000000000000
ગુજરાતી દંપતીની ભૂલના કારણે દીકરાને અમેરિકાથી દેશનિકાલ થવાની નોબત આવી
ન્યૂયોર્કઃ અમેરિકાના વિઝિટર વિઝા માટે એપ્લાય કરનારા ગુજરાતી દંપતીની ભૂલના કારણે અમેરિકામાં રહેતા દીકરાને દેશનિકાલ થવાની નોબત આવી છે. મૂળ ઉત્તર ગુજરાતના અને હાલ અમદાવાદમાં રહેતા આ પરિવારનો દીકરો બે વર્ષ પહેલા ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી અમેરિકા પહોંચ્યો હતો અને સેટ થઇ ગયો હતો. ત્યારબાદ તેના માતાપિતાએ વિઝિટર વિઝા માટે અરજી કરી હતી. પરંતુ એજન્ટે તેમના ડીએસ-160માં અમેરિકામાં ગેરકાયદેસર રહેતા દીકરાની માહિતી આપી દેતાં દીકરાની સામે તપાસ હાથ ધરાઇ હતી અને હવે તેને દેશનિકાલ કરવામાં આવી રહ્યો છે.
00000000000000000000000000000000000
93 મિલિયન ડોલરના મેડિકેર કૌભાંડમાં ખદીરખાન મોહમ્મદને ફરાર જાહેર કરાયો
વોશિંગ્ટનઃ અમેરિકામાં જિનેટિક ટેસ્ટિંગના નામે 93 મિલિયન ડોલરના મેડિકેર ફ્રોડ કેસમાં ભારતીય મૂળના લેબોરેટરી માલિકને ફરાર જાહેર કરાયો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસ અનુસાર, 46 વર્ષીય ખદીર ખાન મોહમ્મદે ટેક્સાસ સ્થિત પોતાની લેબોરેટરી મારફતે એક વર્ષથી વધુ સમય સુધી અમેરિકી સરકારની મેડિકેર યોજના હેઠળ બોગસ ક્લેમ રજૂ કર્યા હતા. તેણે કુલ 93 મિલિયન ડોલરના નકલી ક્લેમ કર્યા હતા, જેમાંથી મેડિકેરે ઓછામાં ઓછા 65 મિલિયન ડોલર ચૂકવી પણ દીધા હતા. વર્ષ 2023ના માત્ર 10 દિવસના સમયગાળામાં જ મેડિકેરે આ શંકાસ્પદ ક્લેમ સામે આશરે 13 મિલિયન ડોલરની ચૂકવણી કરી હતી. યુએસ સત્તાવાળાઓએ ખદીર ખાન મોહમ્મદને સત્તાવાર રીતે ફરાર જાહેર કર્યો છે અને તે ભારતના હૈદરાબાદમાં છુપાયો હોવાની શંકા વ્યક્ત કરી છે.
00000000000000000000000000000000000
ફેક રોબરી કેસમાં ફરાર થઇ ગયેલો રજની પટેલ ફરી ઝડપાયો
અલાબામાઃ શિકાગોમાં યુ વિઝા માટે ફેક રોબરી કરાવવાના કેસમાં ટ્રાયલ દરમિયાન જ પરિવાર સાથે ફરાર થઇ ગયેલા રજની પટેલને ફરી ઝડપી લેવાયો છે. કોર્ટે તેને ગેરહાજરીમાં જ કેસ ચલાવીને દોષી ઠેરવ્યો હતો. રજની પટેલને અલાબામામાંથી ઝડપી લેવાયો હતો. કોર્ટમાં તેણે ડિટેન્શન હિયરિંગ રાઇટ જતો કરતાં હવે નવેમ્બર સુધી સજાની સુનાવણી કરાશે નહીં.
00000000000000000000000000000000000
પેન્સિલવેનિયામાં ડ્રગ્સની હેરાફેરીના આરોપસર 10 ગુજરાતીની ધરપકડ
પેન્સિલવેનિયાઃ અમેરિકાના પેન્સિલવેનિયા સ્ટેટમાં માદક પદાર્થોની હેરાફેરી અને લાખો ડોલરના મનીલોન્ડરિંગના આરોપસર 10 ગુજરાતીની ધરપકડ કરાઇ છે. સ્ટેટ એટર્ની જનરલ ઓફિસના જણાવ્યા અનુસાર આરોપીઓ મોટાપાયે નાર્કોટિક્સ ટ્રાફિકિંગની પ્રવૃત્તિ કરતા હતા. ધરપકડ કરાયેલામાં ધર્મેશ પટેલ, મિતુલ પટેલ, અંકિત પટેલ, કેતન પટેલ, રોશની પટેલ, પલક પટેલ, દિવ્યેશ પટેલ, નિરવ પટેલ, માધવ પટેલ અને એલ્બિના પટેલનો સમાવેશ થાય છે. તેમાંના કેટલાક આરોપી મૂળ ચરોતરના હોવાનું કહેવાય છે. વેસટમોરલેન્ડ કાઉન્ટીમાં તેમની સામે નશીલા પદાર્થોની હેરાફેરીના આરોપ મૂકાયા છે. આરોપીઓ 3 વેરહાઉસમાંથી ડ્રગ્સનો સપ્લાય કરતા હતા.
00000000000000000000000000000000000
કેનેડામાં રાજ્યાશ્રયનો દાવો ફગાવી દેવાતાં ભારતીય પરિવારને દેશનિકાલ કરાયો
ક્વિબેકઃ કેનેડાના ક્વિબેક પ્રાંતમાં રાજ્યાશ્રયનો દાવો ફગાવી દેવાતાં ભારતીય પરિવારને દેશનિકાલ કરાયો છે. હરીશ કુમાર તેમની પત્ની સોનિકા અને બે સંતાન સાથે એપ્રિલ 2018માં કેનેડા પહોંચ્યા હતા. હરીશે ભારતમાં પોતાના જીવનને જોખમ હોવાનું જણાવી આશ્રય માંગ્યો હતો. આઠ વર્ષ ચાલેલી કાનૂની પ્રક્રિયા બાદ, પરિવારે 7 સપ્ટેમ્બરે ભારત માટે ફ્લાઇટ પકડી હતી. ઈમિગ્રન્ટ વર્કર્સ સેન્ટરે આ ડિપોર્ટેશનની ટીકા કરતા જણાવ્યું હતું કે, કોવિડ રોગચાળા દરમિયાન હરીશે ટ્રક ડ્રાઇવર તરીકે આવશ્યક સેવાઓ આપી હતી. જ્યારે કેનેડાને તેમની જરૂર હતી ત્યારે તેઓ 'આવશ્યક કામદારો' કહેવાયા, પરંતુ સંકટ પત્યા પછી વર્ષોનું યોગદાન પણ તેમને દેશનિકાલથી બચાવી શક્યું નથી. બીજી તરફ, કેનેડિયન ઇમિગ્રેશન સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે તમામ કાનૂની વિકલ્પો અને અપીલો પૂર્ણ થયા બાદ જ કાયદા અનુસાર આ પગલું લેવામાં આવ્યું છે.
00000000000000000000000000000000000
વાનકુંવરમાં છેતરપિંડીના આરોપસર પોલીસ અધિકારી કલવિંદર દોસાંજની ધરપકડ
વાનકુંવરઃ કેનેડાના વાનકુંવરમાં છેતરપિંડી અને ચોરીના આરોપસર વરિષ્ઠ ઇન્ડો કેનિડિયન પોલીસ અધિકારી કલવિંદર દોસાંજની ધરપકડ કરાઇ છે. વાનકુંવર પોલીસ ડિપાર્ટમેન્ટના ચીફ સ્ટીવ રાયે જણાવ્યું હતું કે દોસાંજને તાત્કાલિક અસરથી સેવામાંથી સસ્પેન્ડ કરાયા છે. દોસાંજ સામે CAD $5,000થી વધુ રકમની છેતરપિંડીના ચાર કેસ અને વિશ્વાસઘાતનો એક કેસ સહિત ગંભીર ગુનાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, આ કથિત ગુનાહિત પ્રવૃત્તિઓ વર્ષ 2017થી 2025 વચ્ચે આચરવામાં આવી હતી. વકીલ મારફતે જાહેર કરેલા એક નિવેદનમાં દોસાંજે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા મને કેનેડાની ન્યાય વ્યવસ્થા પર પૂરો ભરોસો છે. પુરાવા અને સત્ય અદાલતમાં સ્પષ્ટ થઈ જશે.
00000000000000000000000000000000000
પંજાબી સિંગર એમી વિર્ક પર કેનેડામાં ગોળીબાર
ટોરન્ટોઃ કેનેડામાં શો પૂરો કર્યા પછી પરત ફરી રહેલા પંજાબી સિંગર અને એક્ટર એમી વિર્ક પર અજાણ્યા શખ્સો દ્વારા આડેધડ ફાયરિંગ કરાયું હતું. એમી વિર્કની રોલ્સ રોય્સ કાર પર 7થી 8 ગોળી ચલાવવામાં આવી ત્યારે કારમાં એમી સહિત 4 લોકો સવાર હતા. સદ્દભાગ્યે કોઇને ઇજા પહોંચી નહોતી.
00000000000000000000000000000000000


