સ્વીડનની સંસદમાં ભારતીય મૂળના નીલા વિખે પાટિલ સાંસદ તરીકે ચૂંટાયા
સ્ટોકહોમઃ મહારાષ્ટ્રના શિક્ષણવિદ્દ અશોક વિખે પાટિલના પુત્રી નીલા વિખે પાટિલ સ્વીડનની સંસદમાં ચૂંટાઇ આવ્યા છે. 41 વર્ષીય નીલા ગ્રીન પાર્ટીના ઉમેદવાર તરીકે સ્ટોકહોમ સિટી બેઠક પર ચૂંટાયા છે. 349 સભ્યોની સ્વીડીશ સંસદનો હિસ્સો બનતા નીલાએ બાળકોના કલ્યાણ અને પર્યાવરણ સાથે સંકળાયેલા મુદ્દા પર કામ કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હું સમગ્ર દેશ અને સ્ટોકહોમ માટે યોગદાન આપવા ઉત્સાહિત છું. નીલા વ્યાપક રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ અગાઉ સ્ટોકહોમ નગર નિગમની સિટી કાઉન્સિલની ચૂંટણી જીતી ચૂક્યા છે. પૂર્વ વડાપ્રધાન સ્ટીફન લોફવેનના કાર્યકાળમાં વડાપ્રધાનના રાજકીય સલાહકાર તરીકે કામ કર્યું છે.
0000000000000000000000000000000000000000
કરનદીપ આનંદની વોલ્ટ ડિઝનીમાં ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે નિયુક્તિ
ન્યૂયોર્કઃ તાજેતરમાં કેરેક્ટર.એઆઈના સીઈઓ તરીકે સેવા આપી ચૂકેલા કરનદીપ આનંદની ધ વોલ્ટ ડિઝની કંપનીમાં ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે નિયુક્ત કરાઇ છે. ડિઝની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કરનદીપ આનંદ બીજી ઓક્ટોબરથી સિનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે જોડાઇ રહ્યાં છે. આ નવા નવસર્જિત પદ પર તેઓ એન્ટરપ્રાઇઝ ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા અને એઆઈ પ્લેટફોર્મ્સ તેમજ પ્રોડક્ટ અને એન્જિનિયરિંગ સુપરવિઝનની કામગીરી સંભાળશે. તેઓ ડિઝની ખાતે ટેકનોલોજી સિસ્ટમ્સને આધુનિક બનાવવાની અને વિવિધ બિઝનેસ વિભાગો સાથે મળીને નવા ડિજિટલ ઉત્સાહ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આનંદે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, હૈદરાબાદમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી મેળવી છે. ક્લાઉડ કોમ્પ્યુટિંગ, સોશિયલ મીડિયા, ફિનટેક અને કન્ઝ્યુમર એઆઈ જેવા ક્ષેત્રોમાં વ્યાપક અનુભવ બાદ તેઓ હવે ડિઝનીના આ મહત્વપૂર્ણ ટેકનોલોજી પદની જવાબદારી સંભાળી રહ્યા છે.
0000000000000000000000000000000000000000
મેસેચ્યુસેટ્સના રાજર્ષિ મંડલે મેલેરિયા મોડેલ તૈયાર કર્યું, 50,000 ડોલરનો પુરસ્કાર જીત્યો
લેક્સિંગટનઃ મેસેચ્યુસેટ્સના લેક્સિંગટનના 16 વર્ષીય વિદ્યાર્થી રાજર્ષિ મંડલે મેલેરિયા મોડેલ તૈયાર કર્યું છે. લેક્સિંગટન હાઇસ્કૂલના આ વિદ્યાર્થીએ એક એવું ગણિતીય મોડેલ તૈયાર કર્યું છે, જે નક્કી કરે છે કે જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીઓનો સૌથી વધુ અસરકારક ઉપયોગ ક્યાં થઈ શકે છે. તેના આ સંશોધન બદલ ડેવિડસન ફેલોઝ સ્કોલરશિપ તરફથી 50,000 ડોલર પુરસ્કાર સ્વરૂપે મળ્યા છે. સંશોધકોના માર્ગદર્શન હેઠળ તેમણે 'બેકવર્ડ બાયફરકેશન' નામના સિદ્ધાંતનો અભ્યાસ કરી પોતાના મોડેલમાં મોસમ, જંતુનાશક પ્રતિકાર, મચ્છરદાનીનું આયુષ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં પહોંચવાની લોજિસ્ટિકલ પડકારો ઉમેરીને મોડેલને વધુ વાસ્તવિક બનાવ્યું છે. ડેવિડસન ફેલોઝ તરીકેની આ ઓળખ રાજર્ષિના સંશોધનને નવી ઊંચાઈ આપશે, જેથી વધુ સારા નિર્ણયો દ્વારા આરોગ્ય ક્ષેત્રે સકારાત્મક પરિણામો મેળવી શકાય.
0000000000000000000000000000000000000000
35 મિલિયન ડોલરની પોન્ઝી સ્કીમમાં ભારતીય મૂળના સિદ્ધાર્થ જવાહરને 11 વર્ષની કેદ
ટેક્સાસઃ 35 મિલિયન ડોલરની પોન્ઝી સ્કીમમાં ભારતીય મૂળના સિદ્ધાર્થ જવાહરને 11 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. અમેરિકન ફૂટબોલ સ્ટાર અને પોપ સુપરસ્ટાર ટેલર સ્વિફ્ટના પતિ ટ્રેવિસ કેલ્સ પણ આ પોન્ઝી સ્કીમ કૌભાંડનો ભોગ બન્યા હતા. અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે જવાહરને પીડિતોને 31.35 મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે. જવાહરે ટેક્સાસ સ્થિત સ્વિફ્ટઆર્ક કેપિટલ LLC નામની કંપની દ્વારા રોકાણકારો પાસેથી નાણાં એકઠા કર્યા હતા. તેણે તમામ નાણાં એક જ રોકાણમાં લગાવ્યા હતા જે નાદાર થઈ ગયું હતું. તેમ છતાં, તેમણે રોકાણકારોને નફો થઈ રહ્યો હોવાનું કહીને નવા રોકાણકારોના પૈસાથી જૂના રોકાણકારોને ચુકવણી કરી પોન્ઝી સ્કીમ ચલાવી હતી. કેલ્સ ઉપરાંત NBA ખેલાડી ગેરી હેરિસ, ટિમ હાર્ડવે જુનિયર અને મેસન પ્લમલી જેવા અન્ય અગ્રણી રમતવીરોએ પણ આ યોજનામાં નાણાં ગુમાવ્યા હોવાના અહેવાલ છે.
0000000000000000000000000000000000000000
જ્યોર્જિયામાં ગુજરાતી મહિલા તુલસી પટેલને 122 વર્ષ કેદ થાય તેવી સંભાવના
જ્યોર્જિયાઃ અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટની ફુલટોન કાઉન્ટીમાં ડે-કેર સેન્ટરમાં જોબ દરમિયાન બાળકો સાથે અયોગ્ય વર્તન કરવાના ગંભીર આરોપોનો સામનો કરી રહેલી તુલસી પટેલ નામની ગુજરાતી યુવતીએ તેના પર મૂકાયેલા ગંભીર આરોપ કબૂલવાનો ઇનકાર કરી દીધો છે. 2024માં તુલસી પટેલની ધરપકડ કરાઇ હતી. પાંચ મહિના જેલમાં રખાયા બાદ તેને બોન્ડ પર મુક્ત કરાઇ હતી. હવે આ કેસમાં ટ્રાયલ શરૂ થઇ છે. જો તુલસી પટેલ ટ્રાયલ દરમિયાન પોતાનો અપરાધ કબૂલી લે તો તેને 20 વર્ષ સુધીની કેદની સજા થઇ શકે છે પરંતુ જો કબૂલાત ન કરે અને કોર્ટમાં આરોપ સિદ્ધ થાય તો તેને 122 વર્ષ સુધીની કેદ થઇ શકે છે.
0000000000000000000000000000000000000000
ટેક્સાસમાં ગેરકાયદેસર મતદાન માટે ખલવિંદરસિંહ ભંગુરા સામે કેસ દાખલ
ટેક્સાસઃ ટેક્સાસમાં 2022થી કાયદેસર રીતે ગ્રીન કાર્ડ ધારક તરીકે રહેતા 69 વર્ષીય ભારતીય નાગરિક ખલવિંદર સિંહ ભંગુરા સામે ફેડરલ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે મતદાન કરવા અને મતદાર નોંધણી માટે નાગરિકતા અંગે ખોટા નિવેદનો આપવાના ગંભીર આરોપો ઘડવામાં આવ્યા છે. જાન્યુઆરી 2024માં મતદાર નોંધણી દરમિયાન ભંગુરાએ યુ.એસ.ના નાગરિક હોવાનો ખોટો દાવો કર્યો હતો અને ત્યારબાદ ઓગસ્ટ 2024માં ટેક્સાસનું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવતી વખતે પણ આ જ ખોટી રજૂઆત દોહરાવી હતી. તેમણે નવેમ્બર 2024ની સામાન્ય ચૂંટણીમાં મતદાન કર્યું હતું. 11 સપ્ટેમ્બરના રોજ તેમની અટકાયત કરવામાં આવી હતી. મતદાર નોંધણી અથવા મતદાનના હેતુ માટે યુનાઈટેડ સ્ટેટ્સની નાગરિકતાનો જાણી જોઈને ખોટો દાવો કરવા બદલ તેમને પાંચ વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે.
0000000000000000000000000000000000000000
યુ વિઝા ફ્રોડમાં ગુજરાતી સાથે સાંઠગાંઠ કરનાર અમેરિકી પોલીસ અધિકારીને પાંચ વર્ષની કેદ
ન્યૂયોર્કઃ અમેરિકામાં એક ગુજરાતી પાસેથી લાંચ લઇ યુ વિઝા ફ્રોડમાં સામેલ થનારા એક પોલીસ અધિકારીને પાંચ વર્ષની કેદ ફટકારવામાં આવી છે. લૂઇઝિયાના સ્ટેટના આ ચકચારી કેસમાં મુખ્ય આરોપી ચંદ્રકાન્ત પટેલ હાલ જેલમાં છે. તેણે ચારેક પોલીસ અધિકારી સાથે મળીને અલગ અલગ સ્થળે ફેક રોબરી કરાવી યુ વિઝાના સેટિંગ પાડ્યા હતા. તેમાં સામેલ ગ્લેનમોર ટાઉનના પોલીસ ચીફ ટેબો ઓનિશી પણ સામેલ હતા. કોર્ટે તેને આર્થિક લાભ માટે હોદ્દાનો દુરુપયોગ કરવાના અપરાધમાં પાંચ વર્ષની કેદ ફટકારી હતી.
0000000000000000000000000000000000000000
કેલિફોર્નિયાના મોટેલ ઓપરેટર અનુપ પટેલ પર લાખો ડોલરની ટેક્સ ચોરીનો આરોપ
બ્યુમોન્ટઃ કેલિફોર્નિયાના બ્યુમોન્ટ સિટીના મોટેલ ઓપરેટર અનુપ ગિરિશ પટેલ પર લાખો ડોલરની ટેક્સ ચોરીનો આરોપ મૂકાયો છે. તેની સામે તપાસમાં મળેલા પુરાવા બાદ 6 ફેલોની ચાર્જ ઘડાયા છે. તેના પર આરોપ છે કે તેણે બ્યુમોન્ટ સ્થિત તેની મોટેલને ભરવાના ટેક્સ અંગે ખોટી માહિતી આપીને 1,66,739 ડોલરની ટેક્સ ચોરી કરી હતી. હવે આ રકમ દંડ સાથે વસૂલવામાં આવશે.
0000000000000000000000000000000000000000
મેસેચ્યુસેટ્સમાં લગ્નના બે સપ્તાહ બાદ ભારતીય ઇજનેર મૃત હાલતમાં મળી આવ્યો
લોવેલઃ અમેરિકાના મેસેચુસેટ્સ સ્થિત લોવેલમાં હૈદરાબાદના 27 વર્ષીય સિવિલ એન્જિનિયર મોહમ્મદ જાબેર હુસૈન પોતાના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા. લગ્નના માંડ બે સપ્તાહ બાદ જ સર્જાયેલી આ કરૂણાંતિકાથી તેમનો પરિવાર ભારે આઘાતમાં સરી પડ્યો છે. જાબેર 28 ઓગસ્ટના રોજ લગ્નગ્રંથિથી જોડાયા હતા અને ટૂંક સમયમાં જ પોતાની પત્ની સાથે નવા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થવાની યોજના બનાવી રહ્યા હતા. 15 સપ્ટેમ્બરના રોજ સવારે રૂમનો દરવાજો ન ખોલતાં સાથે રહેતા મિત્રોએ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ ઊંઘમાં જ હૃદયરોગના તીવ્ર હુમલાને કારણે તેમનું અવસાન થયું હોવાનું માનવામાં આવે છે. પરિવારે ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં રાખીને મૃતદેહને ભારત લાવવાને બદલે યુ.એસ.માં જ તેમના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
0000000000000000000000000000000000000000
હેટ ક્રાઇમઃ વાયોમિંગમાં શીખ ટ્રક ડ્રાઇવર પર જીવલેણ હુમલો, છરીના 17 ઘા ઝિંકી દીધા
વાયોમિંગઃ વાયોમિંગમાં ઇન્ટર સ્ટેટ હાઇવે 80 પર બિટ્ટર ક્રીક રેસ્ટ એરિયા ખાતે એક 28 વર્ષીય ભારતીય મૂળના પંજાબી શીખ ટ્રક ડ્રાઇવર ગુરવિંદર સિંહ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગુરવિંદર સિંહ પેન્સિલવેનિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે રેસ્ટ એરિયાના વોશરૂમમાં એક અજાણ્યા શખ્સે તેમનો પીછો કરીને છરી વડે અચાનક હુમલો કર્યો હતો. આ અણધાર્યા હુમલામાં તેમને ગળા, છાતી, હાથ અને પાંસળીના ભાગે છરીના 17 ઘા વાગ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા ડ્રાઇવરે કોઈક રીતે શૌચાલયમાંથી બહાર નીકળીને મદદ માટે બૂમો પાડી હતી, જેને સાંભળીને ત્યાં હાજર એક પરિવારે તેમની મદદ કરી હતી અને પોલીસને શંકાસ્પદ વાહનની માહિતી આપી હતી. આ માહિતીના આધારે વાયોમિંગ હાઇવે પેટ્રોલે રોલિન્સ નજીક વાહનને આંતરીને 45 વર્ષીય એન્ડ્રુ ક્રિસ બઝડાકની અટકાયત કરી હતી. સંભવિત આરોપી સામે પ્રથમ ડિગ્રીની હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં પોલીસ દ્વારા આ હુમલા પાછળના મુખ્ય હેતુની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
0000000000000000000000000000000000000000
કેનેડામાં ફ્લાઇટ ટ્રેનિંગ દરમિયાન થયેલા વિમાન અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીના મોત
ટોરન્ટોઃ કેનેડામાં 18 સપ્ટેમ્બરના રોજ ફ્લાઇટ ટ્રેનિંગ દરમિયાન થયેલા વિમાન અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીના મોત થયાં હતાં. સાસ્કેચેવાન પ્રાંતમાં મનોજ શિવકુમાર અને શ્રીશરણ થિરુગનાનાસંબંથન નામના બે ભારતીય વિદ્યાર્થીએ વિમાન ભાડે લીધું હતું. રેજિનાથી રવાના થયા બાદ તેઓ સવારે 10.30 કલાકે સ્ટાઇનબેક પહોંચવાના હતા પરંતુ સમયસર ન પહોંચતા શોધખોળ શરૂ કરાઇ હતી. આઠ કલાકની જહેમત બાદ વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો. બંને પાસે પાયલટ લાયસન્સ હતું અને તેઓ કોમર્શિયલ પાયલટ લાયસન્સ માટે જરૂરી ઉડાનના કલાકો પૂરા કરી રહ્યા હતા.
0000000000000000000000000000000000000000
કેલિફોર્નિયાના 73 વર્ષીય શીખ હીલર પર સારવારના બહાને 4 મહિલાના જાતીય શોષણનો આરોપ
સેલ્માઃ કેલિફોર્નિયાના સેલ્મામાં શીખ સમુદાયમાં હીલર તરીકે ઓળખાતા 73 વર્ષીય વૃદ્ધ પર ચાર મહિલાનું જાતીય શોષણ કરવાના આરોપ મૂકાયા છે. પોલીસ હાલ આખા અન્ય કોઈ પીડિત છે કે નહીં તેની તપાસ કરી રહી છે. સેલ્મા પોલીસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, નિવાસી પાલ સિંઘની ૮ સપ્ટેમ્બરે તેમના નિવાસસ્થાને જાતીય શોષણ થયાની ફરિયાદો મળ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. સિંઘ સામે ચાર અલગ-અલગ મહિલાઓ સાથે બળજબરીપૂર્વક અયોગ્ય કૃત્ય કરવાના ચાર ફોજદારી ગુના નોંધવામાં આવ્યા છે. સિંઘે આ આરોપો સામે પોતાને નિર્દોષ ગણાવ્યા છે. તેમનો બે લાખ ડોલરના બોન્ડ ભરીને 10 સપ્ટેમ્બરે જામીન પર છુટકારો થયો હતો. તેઓ 27 ઓક્ટોબરે સુનાવણી માટે કોર્ટમાં હાજર થશે. ફ્રેસ્નો કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસે આ ચાર મહિલાઓનો સંપર્ક કરવા પર પ્રતિબંધ મૂકતો ફોજદારી રક્ષણાત્મક આદેશ મેળવ્યો છે.


