એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ

Tuesday 29th September 2026 10:58 EDT
 
 

ચિરંતન દેસાઇની મેટાના ચીફ એન્ટરપ્રાઇઝ પ્લેટફોર્મ ઓફિસર તરીકે નિયુક્તિ

ન્યૂયોર્કઃ ભારતીય મૂળના ચિરંતન દેસાઇની મેટાના ચીફ એન્ટરપ્રાઇઝ પ્લેટફોર્મ ઓફિસર તરીકે નિયુક્તિ કરાઇ છે. તેઓ મેટાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીને વ્યવસાયો અને ડેવલપર્સ સુધી પહોંચાડવાના અભિયાનનું નેતૃત્વ કરશે. દેસાઈએ જણાવ્યું હતું કે, માર્ક ઝુકરબર્ગને રિપોર્ટ કરીને મેટાના એન્ટરપ્રાઇઝ પ્રયાસોનું નેતૃત્વ કરવા માટે ચીફ એન્ટરપ્રાઇઝ પ્લેટફોર્મ ઓફિસર તરીકે જોડાવવા બદલ હું ખૂબ જ ઉત્સાહિત છું. ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, હું મેટા માટે આ નવા અધ્યાયની શરૂઆતથી ઉત્સાહિત છું અને ચિરંતન દેસાઇ સાથે કામ કરવા આતુર છું. ચિરંતન દેસાઇ ડેટાબેઝ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, સાયબર સિક્યુરિટી, એઆઇ અને એન્ટરપ્રાઇઝ સોફ્ટવેરના ક્ષેત્રમાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવતા ટેકનોલોજી એક્ઝિક્યુટિવ છે.

000000000000000000000000000000000000000

મૂળ લુધિયાણાના અંગદ સિંહ ઢિલ્લોનની યુએઇમાં કેનેડાના રાજદૂત તરીકે નિમણૂંક

ટોરન્ટોઃ ભારતના પંજાબના લુધિયાણામાં મૂળ ધરાવતા અંગદ સિંહ ઢિલ્લોનની યુએઇમાં કેનેડાના રાજદૂત તરીકે નિયુક્તિ કરાઇ છે. કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદ દ્વારા કરવામાં આવેલી આ મહત્વપૂર્ણ રાજકીય નિમણૂકમાં, ઢિલ્લોનને એમ્બેસેડર એક્સ્ટ્રાઓર્ડિનરી એન્ડ પ્લેનિપોટેન્શિયરી તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જે અન્ય દેશમાં મોકલવામાં આવતા કોઈ પણ દેશના સર્વોચ્ચ રેન્કના રાજદ્વારી પ્રતિનિધિ હોય છે. અંગદ સિંહે જણાવ્યું હતું કે, કેનેડામાં ટોચનું રાજદ્વારી પદ ધરાવતા હોવા છતાં તેમનું ગામ જ તેમની સાચી ઓળખ છે. તેમના પિતૃ પક્ષનું મૂળ પંજાબના લુધિયાણા જિલ્લાના ઘુંગરાણા ગામમાં છે અને તેમના માતા-પિતા હાલ ચંદીગઢમાં રહે છે. પંજાબને મારાથી કોઈ અલગ કરી શકે તેમ નથી પણ ચોક્કસપણે મારી વફાદારી સંપૂર્ણપણે કેનેડા સાથે છે.

000000000000000000000000000000000000000

જિનપિંગ માટેના ટ્રમ્પના ગ્રાન્ડ સ્ટેટ ડીનરમાં ભારતીય મૂળના અગ્રણીઓને આમંત્રણ

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે યોજાયેલા ભવ્ય સ્ટેટ ડિનરમાં વ્હાઇટ હાઉસ ખાતે વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ અને ટેકનોલોજી ક્ષેત્રના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. આ હાઇ-પ્રોફાઇલ સમારંભમાં અમેરિકી ટેક ક્ષેત્રનું નેતૃત્વ કરી રહેલા ભારતીય મૂળના પાંચ પ્રમુખ અગ્રણીઓને આમંત્રણ અપાયું હતું જેમાં માઇક્રોસોફ્ટ કોર્પોરેશનના ચેરમેન અને સીઇઓ સત્યા નડેલા, ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ, માઇક્રોન ટેકનોલોજીના સીઇઓ સંજીવ મેહરોત્રા અને તેમના પત્ની સંગીતા મેહરોત્રાનો સમાવેશ થતો હતો.  

000000000000000000000000000000000000000

ઇલિનોઇસનો 65 વર્ષીય શૈલેષ પટેલ 1.70 લાખ ડોલરના ગોલ્ડ સ્કેમમાં ઝડપાયો

શિકાગોઃ ઇલિનોઇસના પ્લેનફિલ્ડના રહેવાસી એવા 65 વર્ષીય ગુજરાતી શૈલેષ પટેલની 1.70 લાખ ડોલરના ગોલ્ડ સ્કેમ અથવા તો પાર્સલ કાંડમાં ધરપકડ કરાઇ છે. જો તેઓ દોષિત ઠરશે તો 15 વર્ષ સુધીની કેદની સજા થઇ શકે છે. ઇન્ડિયાના સ્ટેટના લાફિએત સિટીમાં એક વૃદ્ધ પાસેથી 1.76 લાખ ડોલરનું સોનુ પડાવી લેવાના મામલામાં લાયસન્સ પ્લેટના આધારે શૈલેષ પટેલની ધરપકડ કરાઇ છે. તેમના પર એક લાખ ડોલરથી વધુના ફ્રોડ અને 50,000 ડોલરથી વધુની ચોરીના આરોપ મૂકાયા છે.

000000000000000000000000000000000000000

સગીરની જાતીય સતામણીના આરોપસર કેલિફોર્નિયામાં ઉબેર ડ્રાઇવર અંજુ કુમારની ધરપકડ

સાન જોસેઃ કેલિફોર્નિયામાં સગીર મુસાફરની જાતીય સતામણી કરવાના આક્ષેપ હેઠળ ભારતીય મૂળના ઉબેર ડ્રાઇવર 32 વર્ષીય અંજુ કુમારની અટકાયત કરવામાં આવી છે. આરોપીએ સગીરને વાહન બહાર જતો રોકવા માટે ચાઇલ્ડ લોક સક્રિય કરી દીધું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, 12 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10.30 વાગ્યાની આસપાસ પાસેઓ ડે સાન એન્ટોનિયો નજીકથી સગીર છોકરા સાથે થયેલી જાતીય સતામણી અંગે કોલ મળ્યો હતો. ફોસ્ટર સિટીના રહેવાસી કુમારે 14 વર્ષીય સગીર મુસાફરને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો અને કારના ચાઇલ્ડ લોક ઓન કરી દીધાં હતાં. કુમાર છેલ્લા અઢી વર્ષથી ઉબેર ડ્રાઇવર તરીકે કાર્યરત હતો. આ ગંભીર આરોપો સામે આવ્યા બાદ ઉબેરે તેના પ્લેટફોર્મ પરથી તેને કાયમી ધોરણે પ્રતિબંધિત કરી દીધો છે.  

000000000000000000000000000000000000000

શિકાગોમાં યુવતી સાથે અભદ્ર હરકત કરનાર જિગ્નેશ પટેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો

શિકાગોઃ શિકાગોમાં રહેતા જિગ્નેશ પટેલની બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઇ રહેલી એક મહિલાની છેડતી અને અભદ્ર હરકત કરવાના આરોપસર ધરપકડ કરાઇ છે. જિગ્નેશ પટેલે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, તેનાથી ભૂલથી મહિલાને સ્પર્શ થઇ ગયો હતો. તે વખતે તે શરાબના નશામાં હતો. જોકે અદાલતે જિગ્નેશની દલીલો ફગાવીને કેસની સુનાવણી શરૂ ન થાય ત્યાં સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવા આદેશ આપ્યો હતો.

000000000000000000000000000000000000000

કેન્ટુકીમાં ડ્રગ ટ્રાફિકિંગના આરોપસર ગેસ સ્ટેશન પરથી 3 ગુજરાતીની ધરપકડ

ક્લિન્ટન કાઉન્ટીઃ અમેરિકાના કેન્ટુકી સ્ટેટની ક્લિન્ટન કાઉન્ટીમાં આવેલા એક ગેસ સ્ટેશન પરથી ડ્રગ ટ્રાફિકિંગના આરોપસર સચિન પટેલ, નરેન્દ્ર પટેલ અને કનુ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ દરોડામાં આઇસના અધિકારીઓ પણ સામેલ હતા તેથી આરોપીઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા હોવાની પણ સંભાવના છે. ગેસ સ્ટેશન પર દરોડાની કાર્યવાહીમાં ડ્રગ્સના મોટા જથ્થા સાથે મોટી રકમ પણ જપ્ત કરાઇ હતી. હાલ ત્રણેને જેલભેગા કરાયા છે.

000000000000000000000000000000000000000

વર્જિનિયામાં બિલાડીઓને ખોરાક આપવાના આરોપસર ગુજરાતી સામે કેસ દાખલ કરાયો

વર્જિનિયાઃ અમેરિકાના વેસ્ટ વર્જિનિયા સ્ટેટમાં બનેલી એક વિચિત્ર ઘટનામાં બિલાડીઓને ખોરાક આપવા માટે 81 વર્ષીય ગુજરાતી અરવિંદભાઇ નરસિંહભાઇ પટેલ સામે કેસ દાખલ કરાયો છે. અરવિંદ પટેલ ક્લેર્સવિલમાં રહે છે. તેમને ઓહાયો કાઉન્ટી મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર રહેવાનું હતું પરંતુ ગેરહાજરીને કારણે કેસની સુનાવણી થઇ શકી નહોતી. અરવિંદ પટેલ જાતે જ તેમનો કેસ લડી રહ્યા છે. તેમના પર જાહેર અથવા ખાનગી સ્થળો પર ગેરકાયદેસર રીતે કચરો ફેંકવાના આરોપ મૂકાયા છે.

000000000000000000000000000000000000000

ટેક્સાસમાં યુવતીનું ગળુ દબાવવાના આરોપસર શેલન પટેલની ધરપકડ

એલમોટ સિટીઃ ટેક્સાસના એલમોટ સિટીની મેકલેનન કાઉન્ટીમાં એક યુવતીનું ગળુ દબાવી તેને કારમાંથી બહાર ખેંચવાના આરોપસર શેલન પટેલની ધરપકડ કરાઇ છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ ફરિયાદીનો શ્વાસ રૂંધાઇ જાય ત્યાં સુધી ગળુ દબાવી રાખ્યું હતું. તેણે એવો પણ દાવો કર્યો હતો કે, આરોપીએ મને નીચે પાડી ડ્રેસ ઊંચો કરવાનો પ્રયાસ કર્યો હતો.

000000000000000000000000000000000000000

શારજાહમાં ભારતીયની લાશ કારની ડિક્કીમાંથી મળી આવી, પત્ની અને પુત્ર પણ લાપતા

શારજાહઃ યુએઇના શારજાહમાં કર્ણાટકના ઉડુપી જિલ્લાના એલ્વિન પ્રકાશની કરપીણ હત્યાનો મામલો સામે આવ્યો છે. મૃતકની પત્ની અને પુત્ર પણ લાપતા છે. એલ્વિન 14 વર્ષથી શારજાહ એરપોર્ટ પર ફરજ બજાવતા હતા અને પત્ની ટીના અને પુત્ર સાથે શારજાહમાં જ સ્થાયી થયા હતા. એલ્વિનનો ફોન પર સંપર્ક ન થઇ શક્તા તેમના મોટાભાઇ અનિલ કુંદરે તેમના મિત્રનો સંપર્ક કર્યો હતો. તપાસ બાદ એલ્વિનનો મૃતદેહ કારની ડિક્કીમાંથી મળી આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter