ડો. પ્રદીપ નટરાજનને વર્ષ 2026ના પોપ્યુલર રિસર્ચ પ્રાઇઝથી સન્માનિત કરાશે
શિકાગોઃ ડો. પ્રદીપ નટરાજનને શિકાગો ખાતે યોજાનારા અમેરિકન હાર્ટ એસોસિએશનના સાયન્ટિફિક સેશન્સ દરમિયાન વર્ષ 2026ના પોપ્યુલેશન રિસર્ચ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવશે.કાર્ડિયોવાસ્ક્યુલર જિનેટિસિસ્ટ ડો. નટરાજન આ વર્ષની શરૂઆતમાં જ એમજેન કંપનીમાં ગ્લોબલ રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ, હ્યુમન જિનેટિક્સના વડા અને કાર્ડિયોમેટાબોલિક થેરાપ્યુટિક એરિયાના વડા તરીકે જોડાયા હતા. આ સાથે જ તેઓ હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં મેડિસિનના પ્રોફેસર અને મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલમાં પ્રતિષ્ઠિત ફિઝિશિયન તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. માનવ જિનેટિક્સ અને મોટા ડેટાસેટ્સના માધ્યમથી હૃદય રોગો પર સંશોધન ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. તેમણે 330થી વધુ પીઅર રિવ્યૂડ સંશોધન પત્રો પ્રકાશિત કર્યા છે અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ દ્વારા ભંડોળ પ્રાપ્ત અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કર્યું છે.
0000000000000000000000000000000000000000000000000
શર્મિલા સિંહા અમેરિકાના નેશનલ વિમેન્સ હોલ ઓફ ફેઇમમાં સામેલ
વોશિંગ્ટનઃ ભારતીય અમેરિકન શર્મિલા મોના સિંહાને નેશનલ વિમેન્સ હોલ ઓફ ફેમમાં સ્થાન અપાયું છે. ઇક્વાલિટી નાઉના સીઇઓ સિંહા પેપ્સિકોના સીઇઓ ઇન્દ્રા નૂયી બાદ આ સન્માન પ્રાપ્ત કરનારા બીજા ભારતીય મૂળના મહિલા છે. તેમને ન્યૂયોર્કના સેનેકા ફોલ્સ ખાતે હોલ ઓફ ફેઇમમાં સ્થાન અપાયું છે. સેનેકા ફોલ્સ અમેરિકી મહિલાઓના અધિકારો માટેની ચળવળનું જન્મસ્થાન ગણાય છે. કોલકાતામાં જન્મેલા સિંહાની કારકિર્દી વોલ સ્ટ્રીટ, કોર્પોરેટ અમેરિકા અને ગ્લોબલ કેમ્પેઇન ફોર વિમેન્સ ઇક્વાલિટી સુધી વિસ્તરેલી છે.
0000000000000000000000000000000000000000000000000
8 મિલિયન ડોલરના પાર્સલ કૌભાંડમાં શિકાગોના યોગેશ પટેલની ધરપકડ
શિકાગોઃ શિકાગોથી કેશ ભરેલું પાર્સલ લેવા ટેનેસ્સી ગયેલા યોગેશ પટેલની ધરપકડ કરાઇ છે. પોલીસના જણાવ્યા અનુસાર આઠ સ્ટેટમાં ફેલાયેલા 8 મિલિયન ડોલરના પાર્સલ કૌભાંડમાં યોગેશ પટેલ પણ સંડોવાયેલો હોવાની શંકા છે. પીડિત સીનિયર સિટિઝનને અગાઉથી માહિતી અપાઇ હતી કે તેની સાથે સ્કેમ થઇ રહ્યું છે. પોલીસ આ મામલામાં સતત સ્કેમર્સની ગતિવિધિઓ પર ધ્યાન રાખી રહી હતી. યોગેશ પટેલ શિકાગોથી ટેનેસ્સીના ક્લાર્ક્સવિલ ખાતે પાર્સલ લેવા પહોંચ્યો ત્યારે પોલીસે રંગે હાથ ઝડપી લીધો હતો.
0000000000000000000000000000000000000000000000000
ફેક રોબરી કરાવનાર વધુ એક ગુજરાતી બિરેન પટેલે અપરાધ કબૂલ્યો
સાઉથ કેરોલિનાઃ યુ વિઝા માટે બનાવટી લૂટ કરાવનારા એક પછી એક ગુજરાતી પર સકંજો કસાઇ રહ્યો છે. સાઉથ કેરોલિનાના આ પ્રકારના એક કેસમાં બિરેન પટેલે અપરાધ કબૂલી લીધો છે. બિરેને જેના માટે રોબરીનું નાટક કર્યું હતું તે લક્ષિત પટેલ પણ અમેરિકાથી ડિપોર્ટ થઇ ચૂક્યો છે. બિરેને 9 માર્ચ 2025ના રોજ ફેરફિલ્ડ કાઉન્ટી સ્થિત તેની માલિકીના ગેસ સ્ટેશન પર જ બનાવટી લૂટ કરાવી હતી. લક્ષિત પટેલ પણ આજ ગેસ સ્ટેશન પર કામ કરતો હતો. બિરેનને હવે સજાની સુનાવણી કરાશે.
0000000000000000000000000000000000000000000000000
ફ્લોરિડામાં બનાવટી વેઇટ લોસ દવાઓ વેચનાર બે ભારતીયો સામે કેસ દાખલ
ફ્લોરિડાઃ અમેરિકામાં ચીનથી નકલી ઓઝેમ્પિક દવાની તસ્કરી કરવાના આરોપમાં મધ્ય ફ્લોરિડા ડિસ્ટ્રિક્ટમાં 33 વર્ષીય સ્વપ્નદીપ રોય અને 37 વર્ષીય વિકી રામંચા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં ઈટાલીથી પ્રત્યાર્પણ કરાયેલા સ્વપ્નદીપ રોયે ટેમ્પાની અદાલતમાં પ્રથમ રજૂઆત દરમિયાન પોતાને નિર્દોષ ગણાવ્યા છે, જ્યારે વિકી રામંચા હજુ પણ ફરાર છે. બંને આરોપીઓએ જુલાઈ 2023 થી એપ્રિલ 2024 વચ્ચે ચીનમાંથી વજન ઘટાડવા માટે વપરાતી આ દવાનો નકલી જથ્થો મેળવ્યો હતો અને તેને અમેરિકાના ડિસ્ટ્રીબ્યુટર્સને ડિસ્કાઉન્ટ ભાવે વેચ્યો હતો. જો આ કેસમાં દોષિત ઠરે તો બંનેને વધુમાં વધુ 71 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
0000000000000000000000000000000000000000000000000
લો કર લો બાતઃ છોકરીને મળવા મુંબઇથી અમેરિકા પહોંચી ગયેલા પ્રિત જૈનની ધરપકડ
નોર્થ કેરોલિનાઃ એક વિચિત્ર કેસમાં છોકરીને મળવા માટે મુંબઇથી અમેરિકા પહોંચી ગયેલા પ્રિત પંકજ જૈનની પોલીસે ધરપકડ કરી છે. આ 17 વર્ષીય સગીરાએ યુવકને સોશિયલ મીડિયા પર બ્લોક કરી દીધો હોવા છતાં તે નોર્થ કેરોલિનામાં સગીરાના ઘર સુધી પહોંચી ગયો હતો. ત્યાં તેણે તમાશો કરતા તે જે કેબમાં ગયો હતો તેના ડ્રાઇવરે જ પોલીસ બોલાવી હતી. જોકે પ્રિતે પોલીસને જણાવ્યું હતું કે, તેની આ સગીરા સાથે ડેટિંગ સાઇટ પર મુલાકાત થઇ હતી અને તે તેને કેટલીક ભેટ આપવા માગતો હતો.
0000000000000000000000000000000000000000000000000
સાઉથ કેરોલિનામાં સગીરને બિયરનું વેચાણ કરતા ઝડપાયેલા મહેસાણાના યુવકને દેશનિકાલ કરાશે
સાઉથ કેરોલિનાઃ અમેરિકામાં સગીરને બિયરનું વેચાણ કરતા ઝડપાયેલા મહેસાણાના યુવકને દેશનિકાલ કરાશે. મહેસાણાનો આ યુવક સાઉથ કેરોલિનામાં જોબ કરતો હતો અને પોલીસ દ્વારા મોકલાયેલા ડમી કસ્ટમરને આઇડી ચેક કર્યા વિના જ બિયરનું વેચાણ કરતા ઝડપાઇ ગયો હતો. સ્થાનિક પોલીસે તેના સ્ટેટસ અંગે તપાસ કરતાં તે ગેરકાયદેસર રીતે રહેતો હોવાનું બહાર આવ્યું હતું અને તેને આઇસના હવાલે કરી દેવાયો હતો. હાલ તેને જ્યોર્જિયાના ફોકસ્ટનમાં આઇસના ડિટેન્શન સેન્ટરમાં રખાયો છે અને ટૂંકસમયમાં દેશનિકાલ કરાશે.
0000000000000000000000000000000000000000000000000
કેલિફોર્નિયામાં 20 લાખ ડોલરના માલસામાન ચોરીના કેસમાં બે પંજાબી નાગરિક દોષી
કેલિફોર્નિયાઃ દક્ષિણ કેલિફોર્નિયાના વિવિધ ગોડાઉનોમાંથી આશરે 20 લાખ ડોલરથી વધુની કિંમતનો સામાન ચોરવાના કાવતરામાં યુએસ ફેડરલ જ્યુરી દ્વારા ભારતીય મૂળના બે પંજાબી નાગરિકો સેક્રામેન્ટોના અર્શપ્રીત સિંહ (28) અને ફોન્ટાનાના વિક્રમજીત સિંહ (31)ને દોષિત ઠેરવવામાં આવ્યા છે. અર્શપ્રીત સિંહને વાયર ફ્રોડ માટે પણ દોષી ઠરાવાયો છે. ચોરી કરેલા માલસામાનમાં ટીવી, લેપટોપ, ઈલેક્ટ્રોનિક ઉપકરણો, એલઇડી લાઈટો, શૂઝ, વેક્યુમ ક્લીનર અને ટાયર જેવી કિંમતી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. સજાની જાહેરાત યુએસ ડિસ્ટ્રિક્ટ જજ એન્ની વાંગ દ્વારા આગામી 20 જાન્યુઆરી, 2027ના રોજ સજાની જાહેરાત કરવામાં આવશે. ગુનાની ગંભીરતાને જોતાં અર્શપ્રીત સિંહને મહત્તમ 20 વર્ષ સુધીની અને વિક્રમજીત સિંહને 5 વર્ષ સુધીની ફેડરલ જેલની સજા થઈ શકે છે.
0000000000000000000000000000000000000000000000000
કેનેડામાં અકસ્માતમાં બેના મોત નિપજાવનાર ટ્રક ડ્રાઇવર બલજિત સિંહને 6 વર્ષની કેદ
ટોરન્ટોઃ ડ્રાઇવિંગ કરતા મોબાઇલ પર ગેમ રમવા જેવી ગંભીર બેદરકારી દાખવી 2022માં બે લોકોના જીવ લેનારા અકસ્માત કેસમાં કેનેડાની અદાલતે ભારતીય મૂળના ટ્રક ડ્રાઇવર બલજિત સિંહને છ વર્ષની જેલની સજા ફટકારી છે. જેલની સજા ઉપરાંત કોર્ટે બલજિત સિંહ પર 10 વર્ષ માટે ડ્રાઇવિંગ કરવા પર પ્રતિબંધ પણ લાદ્યો છે. બલજિત મોન્ટ્રીયલ શહેર નજીક હાઇવે પર ટ્રેક્ટર-ટ્રેલર ચલાવતી વખતે પોતાના ફોનમાં ગેમ રમી રહ્યો હતો. 19 જુલાઈ 2022ના રોજ સર્જાયેલા આ દુર્ઘટનામાં સાત વાહનો વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં 42 વર્ષીય નેન્સી લેફ્રાન્કોઇસ અને તેમના 11 વર્ષના પુત્ર લુઇસ શેવેલિયરનું મોત નિપજ્યું હતું.
0000000000000000000000000000000000000000000000000
ઓન્ટારિયોમાં ઘરેલુ હિંસામાં ભારતીય મહિલાની હત્યા, પતિની ધરપકડ
લંડનઃ કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના લંડનમાં ઘરેલું હિંસાની એક દુઃખદ ઘટનામાં ભારતીય મૂળની એક મહિલાનું મૃત્યુ થયું છે. લંડન પોલીસે મૃતકના 41 વર્ષીય પતિ મનદીપ સિંહ સામે સેકન્ડ-ડિગ્રી મર્ડરનો ગુનો નોંધી ધરપકડ કરી છે. શેલ્ટન રોડ સ્થિત પોતાના ઘરે ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મળી આવેલી 30 વર્ષીય રમન દેવીનું 15 સપ્ટેમ્બરના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના સમયે ઘરમાં પરિવારના અન્ય સભ્યો પણ હાજર હતા, જોકે અન્ય કોઈને ઈજા પહોંચી નથી. રમન દેવી બે નાના બાળકોની માતા હતી.
0000000000000000000000000000000000000000000000000
સાઉદી અરબમાં ડ્રગ્સની હેરાફેરીના કેસમાં ગુરપ્રીત સિંહને ફાંસીની સજા
રિયાધઃ રોજીરોટીની શોધમાં વિદેશ ગયેલા રોપરના પટ્ટી લોઅર ગામના રહેવાસી ગુરપ્રીત સિંહ ઉર્ફે બબ્બીને સાઉદી અરેબિયામાં માદક પદાર્થોના એક કેસમાં મૃત્યુદંડની સજા ફટકારાઇ છે. ગુરપ્રીત આશરે ચાર વર્ષ પહેલા કમાણી કરવા માટે મસ્કત ગયો હતો. ગુરપ્રીત ત્યાં ટ્રક ડ્રાઇવિંગ કરતો હતો અને મસ્કતથી સાઉદી અરેબિયા વચ્ચે માલસામાનની હેરફેર કરતો હતો. આશરે બે વર્ષ પહેલાં તે જે ટ્રક ચલાવી રહ્યો હતો તેમાંથી કથિત રીતે નશાકારક પદાર્થો મળી આવતા પોલીસે તેની અટકાયત કરી હતી. જેલમાં બે વર્ષ વિતાવ્યા બાદ તાજેતરમાં તેને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
0000000000000000000000000000000000000000000000000
પેરિસમાં ચાઈલ્ડ એબ્યુઝ નેટવર્ક ચલાવવાના આરોપસર ભારતીય નાગરિક સામે ખટલો શરૂ
પેરિસ: ઓનલાઈન માધ્યમથી સગીર વયની બાળકીઓનું શોષણ કરવા તથા તેમની પાસે જાતીય કૃત્યો કરાવતા આંતરરાષ્ટ્રીય નિયો-નાઝી નેટવર્કનું નેતૃત્વ કરવાના આરોપસર 29 વર્ષીય ભારતીય નાગરિક રોહન રાણે સામે સોમવારે પેરિસમાં બંધ બારણે અદાલતી કાર્યવાહી શરૂ થઈ છે. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, ફ્રાન્સની બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કરવા ગયેલા અને બાદમાં ફિટનેસ કોચ તરીકે કાર્યરત રોહન રાણેને બાળ શોષણ સાથે જોડાયેલા કલ્ટ નામના આંતરરાષ્ટ્રીય નિયો-નાઝી અને નકારવાદી નેટવર્કનો અગ્રણી સંચાલક માનવામાં આવે છે. આરોપ છે કે રાણેએ ડિસ્કોર્ડ પ્લેટફોર્મ પર ગ્રૂપનું સંચાલન કર્યું હતું, જ્યારે આ ગ્રૂપના અન્ય સભ્યો જર્મની, ન્યુઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા વિવિધ દેશોમાંથી કાર્યરત હતા. અમેરિકા સ્થિત નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઈટેડ ચિલ્ડ્રનને સગીર વયની બાળકીઓ સંબંધિત આપત્તિજનક સામગ્રી મળ્યા બાદ વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ શરૂ કરાઈ હતી. તેના આધારે 2021માં રાણેની ધરપકડ કરવામાં આવી હતી.
0000000000000000000000000000000000000000000000000
મિસુરીમાં ગમખ્વાર અકસ્માતમાં તેલંગાણાની સુપ્રિયાનું મોત
મિસુરીઃ અમેરિકાના મિસુરી રાજ્યમાં બનેલી એક અત્યંત દુઃખદ ઘટનામાં તેલંગાણા મૂળની 31 વર્ષીય ભારતીય મહિલા સુપ્રિયાનું માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યું છે. 4 ઓક્ટોબરના રોજ બનેલી આ ઘટનામાં કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં સુપ્રિયાનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું, જ્યારે તેમની સાથે પ્રવાસ કરી રહેલી અન્ય એક ભારતીય મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. સુપ્રિયા મૂળ તેલંગાણાના મહબૂબાબાદ જિલ્લાના મરીપેડા મંડળના વતની હતા. પાંચ વર્ષ અગાઉ સોફ્ટવેર એન્જિનિયર કોડુમુરી રંજીત સાથે લગ્નગ્રંથિથી જોડાયા બાદ તેઓ મિસૌરી સ્થાયી થયા હતા. તેમને અઢી વર્ષનો એક પુત્ર આદિત્ય છે. સુપ્રિયાના પિતા શ્રીનિવાસે તેલંગાણા સરકાર અને ભારતીય વિદેશ મંત્રાલયને તેમની પુત્રીના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે ભારત લાવવામાં મદદ કરવા અપીલ કરી છે.
0000000000000000000000000000000000000000000000000
અમેરિકામાં વૃદ્ધો સાથે 200 મિલિયન ડોલરની છેતરપિંડીના કેસમાં ભાવેશકુમાર ઠક્કર દોષિત જાહેર
ટેક્સાસઃ અમેરિકાના ટેક્સાસમાં એક ફેડરલ જ્યુરી દ્વારા ભારત સ્થિત કૉલ સેન્ટર કૌભાંડમાં સામેલ ભારતીય નાગરિક ભાવેશ કુમાર ઠક્કરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના જણાવ્યા અનુસાર, આ કૌભાંડમાં મુખ્યત્વે વૃદ્ધ અમેરિકનોને નિશાન બનાવીને 150 મિલિયનથી 200 મિલિયન કરોડ ડૉલરની છેતરપિંડી કરવામાં આવી હતી. ઓસ્ટિન ખાતેની અદાલતમાં ભાવેશ ઠક્કર પર વાયર ફ્રોડ અને મની લોન્ડરિંગના બે મુખ્ય ગુનાઓ સાબિત થયા છે. તપાસકર્તાઓના મતે, ઠક્કર માત્ર નાણાં એકઠા કરનાર કુરિયર તરીકે નહીં, પરંતુ સમગ્ર નેટવર્કના કોઓર્ડિનેટર તરીકે સક્રિય ભૂમિકા ભજવતા હતા. સરકારી ચોપડે નોંધાયેલી વિગતો મુજબ, ભારતમાં કાર્યરત કૉલ સેન્ટરોમાંથી અમેરિકાના નાગરિકો, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોનો સંપર્ક કરવામાં આવતો હતો. તેમને એવો ડર બતાવવામાં આવતો હતો કે તેમના નાણાં અને સંપત્તિ જોખમમાં છે. ત્યારબાદ સુરક્ષાના નામે તેમની મિલકતો કે બચતને રોકડ અથવા સોનામાં રૂપાંતરિત કરાવીને સરકારી અધિકારીઓ પાસે જમા કરાવવાના બહાને પડાવી લેવામાં આવતી હતી.
0000000000000000000000000000000000000000000000000


