એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ

Tuesday 13th October 2026 12:41 EDT
 
 

મિશિગન હાઉસના પ્રથમ ભારતીય અમેરિકન સ્પીકર બનવા રણજીવ પુરીની દાવેદારી

લાન્સિંગઃ ભારતીય મૂળના મિશિગનના ધારાસભ્ય રણજીવ પુરી યુનાઇટેડ સ્ટેટ્સમાં કોઇપણ રાજ્યના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર બનનારા પ્રથમ ભારતીય અમેરિકન બનીને ઇતિહાસ રચવાની દિશામાં આગળ વધી રહ્યાં છે. તેમની આ દાવેદારી 3 નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં ડેમોક્રેટ્સ મિશિગન હાઉસ પર ફરીથી પોતાનું નિયંત્રણ મેળવે તેના પર નિર્ભર કરે છે. રણજીવ પુરી હાલમાં મિશિગન હાઉસના ડેમોક્રેટિક લીડર તરીકે સેવા આપી રહ્યા છે અને તેમણે રાજ્યના રાજકીય ઇતિહાસમાં પહેલાથી જ ઘણા તબક્કે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. પુરી આગામી ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર એલિસન કે ફુલર સામે ચૂંટણી લડી રહ્યા છે. પંજાબી ઇમિગ્રન્ટ દંપતીના સંતાન એવા રણજીવ પુરીનો ઉછેર સેવા અને સમુદાય પ્રત્યેની જવાબદારીના મૂલ્યો સાથે થયો છે. તેમણે પૂર્વ પ્રમુખ બરાક ઓબામાના પ્રચાર અભિયાન સાથે પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી હતી.

00000000000000000000000000000000000000000

4 વર્ષના ભારતીય-અમેરિકન અદ્વય જૈને સૌથી નાની વયે પુસ્તક પ્રકાશિત કરી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ન્યૂયોર્કઃ અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા ભારતીય અમેરિકન બાળક અદ્વય જૈને એક અસાધારણ સિદ્ધિ હાંસલ કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. માત્ર 3 વર્ષ અને 345 દિવસની વયે 'ડિનો લર્ન્સ નોટ ટુ વેસ્ટ ફૂડ' શિર્ષક હેઠળ પુસ્તક પ્રકાશિત કરી તે વિશ્વનો સૌથી નાની વયનો પુરુષ લેખક બન્યો છે. ન્યૂયોર્ક સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ ખાતે કોન્સુલ જનરલ બિનયા શ્રીકાંત પ્રધાને હાલ 4 વર્ષના અદ્વય જૈનનું ખાસ સન્માન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે અદ્વય પોતાના પુસ્તક દ્વારા નાના બાળકોને ખોરાકનું મૂલ્ય સમજવા અને તેનો બગાડ અટકાવવાની પ્રેરણા આપે છે. પાંડા પબ્લિશિંગ એજન્સી દ્વારા પ્રકાશિત કરાયેલા આ પુસ્તકની અત્યાર સુધીમાં વિશ્વભરમાં 1300થી વધુ નકલો વેચાઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, અદ્વયની 12 વર્ષની મોટી બહેન આવ્યા પણ એક લેખિકા અને ચિત્રકાર છે.

00000000000000000000000000000000000000000

કેનેડામાં બે મહિલાનો જીવ બચાવનાર પંજાબી પોલીસ અધિકારી સન્માનિત

વાનકુંવરઃ કેનેડામાં એક ગ્રોસરીની દુકાનમાં બે મહિલાઓને બંધક બનાવી તેમના પર હુમલો કરનાર સશસ્ત્ર હુમલાખોરને રોકી બહાદુરીપૂર્વક કામગીરી કરવા બદલ પંજાબી મૂળના કેનેડિયન પોલીસ અધિકારી અને તેમના ત્રણ સાથીદારોનું સન્માન કરવામાં આવ્યું છે. પોલીસ અનુસાર 4 ડિસેમ્બર  2024ના રોજ કોન્સ્ટેબલ ઓપિન્દર કૂનર, રાયલી નેલ્મ્સ, બ્રાયન રોગર અને માઇકલ વૂએ ડાઉનટાઉનની એક દુકાનમાં બનેલી ઘટના અંગે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. હુમલાખોરે દુકાનની મહિલા કર્મચારી પર છરી વડે હુમલો કરી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી હતી અને બીજી મહિલા કર્મચારીને પણ બંધક બનાવી લીધી હતી. પોલીસ અધિકારીઓની આ ત્વરિત અને સાહસિક કામગીરી બદલ વાનકુંવર પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ચારેય કોન્સ્ટેબલ્સને ચીફ કોન્સ્ટેબલ્સ સાયટેશન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

00000000000000000000000000000000000000000

પેરિસમાં સગીરાઓનું ઓનલાઇન શોષણ રેકેટ ચલાવનાર રોહન રાણેને 20 વર્ષની કેદ

પેરિસઃ ઓનલાઈન માધ્યમથી સગીરાઓ અને નાની વયની બાળકીઓ પાસે હિંસક તથા જાતીય કૃત્યો કરાવતા એક આંતરરાષ્ટ્રીય ગુનાહિત જૂથનું નેતૃત્વ કરવા બદલ પેરિસની વિશેષ અદાલતે 29 વર્ષીય ભારતીય નાગરિક રોહન રાણેને 20 વર્ષની જેલની સજા ફટકારી છે. અભ્યાસ અર્થે ફ્રાન્સ આવેલો રોહન રાણે એક મસ્ક્યુલિનિસ્ટ અને અત્યાચારી વિચારધારા ધરાવતા 'CVLT' નામના જૂથનો વડો હતો. આ જૂથ ડિસ્કોર્ડ પ્લેટફોર્મ પર સક્રિય હતું અને અમેરિકા, બ્રિટન તથા કેનેડાની સગીર વયની બાળકીઓને જાળમાં ફસાવી તેમનું શોષણ કરતું હતું. રાણેના નેતૃત્વ હેઠળના આ જૂથનો ભોગ બનનાર મોટાભાગની બાળકીઓ 15 વર્ષથી ઓછી વયની હતી.

00000000000000000000000000000000000000000

નેવાડામાં પાર્સલ કાંડમાં ઝડપાયેલા અનિલ કુમારને 45 વર્ષની આકરી કેદની સજા

નેવાડાઃ અમેરિકામાં ગયા વર્ષે પાર્સલ કાંડમાં ઝડપાયેલા અનિલ કુમારને નેવાડાની અદાલતે 45 વર્ષ કેદની સજા ફટકારી છે. પાર્સલ કાંડમાં આટલી સખ્ત સજાનો આ પહેલો કિસ્સો છે. નેવાડાની વાશુ કાઉન્ટીની ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસના જણાવ્યા અનુસાર અનિલ કુમારને 18 વર્ષની સજા કાપ્યા બાદ જ પેરોલ મળી શકશે. નેવાડાના એક સિનિયર સિટિઝન પાસેથી પાંચ લાખ ડોલર પડાવવાના મામલામાં અનિલ કુમારે ગુનો કબૂલવાનો ઇનકાર કર્યા બાદ આ સજા સંભળાવવામાં આવી હતી.

00000000000000000000000000000000000000000

વિસ્કોન્સિનમાં 1 મિલિયન ડોલરના પાર્સલ કાંડમાં અંકુર પટેલને 7 વર્ષની કેદ

બ્રુકફિલ્ડઃ અમેરિકાના વિસ્કોન્સિન સ્ટેટના બ્રુકફિલ્ડમાં રહેતા અંકુર પટેલને પાર્સલ કાંડમાં 7 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. અંકુર પટેલની સપ્ટેમ્બર 2025માં ધરપકડ કરાઇ હતી. તેણે એક મિલિયન ડોલરથી વધુ રકમનું લોન્ડરિંગ કરવાનું કાવતરું ઘડવાનો આરોપ કબૂલી લીધો હતો. તે હેકર સ્કેમનો ભોગ બનેલા સિનિયર સિટિઝન્સ પાસેથી કેશ અને ગોલ્ડના પાર્સલ કલેક્ટ કરવાનું કામ કરતો હતો. અંકુરને જેલની સજા ઉપરાંત પીડિતોને 1.3 મિલિયન ડોલર પરત ચૂકવવાનો આદેશ પણ અપાયો છે.

00000000000000000000000000000000000000000

ફ્લોરિડામાં ડૂબતા બાળકને બચાવવાનો કોઇ પ્રયાસ ન કરવાના આરોપસર ભારતીય ડોક્ટરની ધરપકડ

ફ્લોરિડાઃ અમેરિકના ફ્લોરિડામાં સ્વિમિંગ પુલમાં ડૂબી રહેલા 7 વર્ષના બાળકને બચાવવાનો કોઇ જ પ્રયાસ ન કરવા માટે ભારતીય મૂળની ડોક્ટર સુકાંતિનિ સુબિયાની ઓર્લોન્ડો પોલીસ દ્વારા ધરપકડ કરાઇ છે. હાલ તેને ઓરેન્જ કાઉન્ટીની જેલમાં રખાઇ છે. આ ઘટના 10 એપ્રિલના રોજ બની હતી જેમાં ખુશિલ બાંદી નામના બાળકનું મોત થયું હતું. લાંબી તપાસ બાદ પૂરવાર થયું હતું કે સુકાંતિનિએ બાળકને બચાવવાનો કોઇ જ પ્રયાસ કર્યો નહોતો. સુકાંતિનિ વ્યવસાયે ઓન્કોલોજિસ્ટ છે અને લૂઇઝિયાનાની વતની છે. તે પોતાની માતાને મળવા ફ્લોરિડા ગઇ હતી તે દરમિયાન તે પોતાના દીકરાની સાથે મૃતક ખુશિલને લઇને સ્વિમિંગ પુલ પહોંચી હતી.

00000000000000000000000000000000000000000

ભારતીય મૂળના ફિલ્મ નિર્માતા અરાફાત શેખની ડલ્લાસ એરપોર્ટ પર ધરપકડ બાદ છૂટકારો

ડલ્લાસઃ અમેરિકાના ડલ્લાસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગમન થતાં જ ભારતીય મૂળના ફિલ્મ નિર્માતા અરાફાત શેખની યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઇસ) દ્વારા અટકાયત કરવામાં આવી છે. વર્જિનિયાના એલેક્ઝાન્ડ્રિયામાં રહેતા શેખની 24 સપ્ટેમ્બરે અટકાયત કરવામાં આવી હતી. અરાફાત શેખ જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીમાં ફિલ્મ સ્ટડીઝનો અભ્યાસ કરવા માટે સ્ટુડન્ટ વિઝા પર યુએસમાં છે અને તેમની ઇમિગ્રેશન અરજી પ્રક્રિયા હેઠળ છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે તમામ જરૂરી ઇમિગ્રેશન દસ્તાવેજો રજૂ કરવા છતાં અધિકારીઓએ તેમને કસ્ટડીમાં લીધા હતા. જોકે તપાસ બાદ તેમને મુક્ત કરાયા હતા.

00000000000000000000000000000000000000000

ટેક્સાસમાં વધુ એક ગુજરાતી સૂચિત પટેલની પાર્સલ કાંડમાં ધરપકડ

ટેક્સાસઃ અમેરિકાના ટેક્સાસમાં વધુ એક ગુજરાતીની પાર્સલ કાંડમાં ધરપકડ કરાઇ છે. કોર્ટે સૂચિત પટેલને 10 મિલિયન ડોલરના બોન્ડ પર મૂક્યો છે. પોલીસનો દાવો છે કે તેની પાસેથી 4 લાખ ડોલરનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. પોલીસ દ્વારા ગેલ્વેસ્ટન કાઉન્ટી અને ફોર્ટ બેન્ટ કાઉન્ટીમાં સર્ચ વોરંટ જારી કરાયા હતા જેમાં રિચમન્ડમાં રહેતા સૂચિતની ઓર્ગેનાઇઝ્ડ ક્રિમિનલ એક્ટિવિટીમાં સામેલ હોવાના આરોપસર ધરપકડ કરાઇ હતી. તેના પર 3 લાખ ડોલરની ચોરીનો ફર્સ્ટ ડિગ્રી ફેલોની ચાર્જ લગાવવામાં આવ્યો છે.

00000000000000000000000000000000000000000

અલાબામામાં ડ્રગ ટ્રાફિકિંગના આરોપસર ભરત પટેલની ધરપકડ

અલાબામાઃ અમેરિકાના અલાબામા સ્ટેટમાં સ્ટોર ચલાવતા ભરત પટેલની ડ્રગ ટ્રાફિકિંગના આરોપસર ધરપકડ કરાઇ છે. હાલ તેમને સેન્ટ ક્લેર કાઉન્ટી જેલમાં મોકલી અપાયા છે. તેમના પર 15 લાખ કરતાં વધુ ડોલરનો બોન્ડ મૂકાયો છે. જામીન પર મુક્ત થવા માટે તેમણે બોન્ડની 10 ટકા રકમ ચૂકવવી પડશે.

00000000000000000000000000000000000000000

ઓહાયોમાં ગુજરાતી યુવતીની આઇસ દ્વારા ધરપકડ

ઓહાયોઃ અમેરિકાના ઓહાયો સ્ટેટની માહોનિંગ કાઉન્ટીમાંથી 21 વર્ષીય ગુજરાતી યુવતીની આઇસ દ્વારા ધરપકડ કરાઇ હતી. અગાઉ આ જ કાઉન્ટીમાંથી યશ પટેલ નામના ગુજરાતી યુવકની જૂન 2026માં ઇમિગ્રેશન કેસમાં ધરપકડ કરાઇ હતી. ગુજરાતી યુવતીની પણ ઇમિગ્રેશન અપરાધ અંતર્ગત ધરપકડ કરાઇ હોવાનું માનવામાં આવે છે.

00000000000000000000000000000000000000000

કેનેડાના વાનકુવરમાં પંજાબી મૂળના યુવકની ગોળી મારીને હત્યા

વાનકુંવરઃ કેનેડાના વાનકુવરમાં 23 વર્ષીય પંજાબી મૂળના એક યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલિસે તપાસ હાથ ધરી છે. આ ઘટના 5 ઓક્ટોબરના રોજ બની હતી. રાત્રે આશરે 9.45 કલાકે પોલીસને ગોળીબારની સૂચના મળી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને એક બિઝનેસ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં યુવક ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની આશરે 20 મિનિટ બાદ, 75 એવેન્યુ વિસ્તાર પાસે એક કાર સળગાવી દેવામાં આવી હોવાના સમાચાર મળ્યા હતા. પોલીસને સળગેલી હાલતમાં એક સેડાન કાર મળી આવી છે, જેનો ઉપયોગ આ ગોળીબારમાં કરવામાં આવ્યો હોવાની આશંકા છે. પોલીસે હજુ મૃતક યુવકની ઓળખ જાહેર કરી નથી. આ હત્યા પાછળ ગૅંગવૉરની શક્યતા પણ હોઈ શકે છે.

00000000000000000000000000000000000000000


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter