એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ

Tuesday 27th October 2026 10:06 EDT
 
 

અમેરિકામાં 6 લાખ ડોલરનું ફૂડ સ્ટેમ્પ કૌભાંડ આચરનાર મનજિત બેદીની ધરપકડ

વોશિંગ્ટનઃ અમેરિકામાં 6 લાખ ડોલરનું ફૂડ સ્ટેમ્પ કૌભાંડ આચરનારા મનજિતસિંહ બેદીની ધરપકડ કરવામાં આવી છે. બેદી કૌભાંડ આચરીને ભારત નાસી ગયો હતો પરંતુ એફબીઆઇની અપીલ પર પંજાબની જલંધર પોલીસે તેની ધરપકડ કરી અમેરિકી સત્તાવાળાઓને સોંપી દીધો હતો. તેના પર વર્ષ 2024થી 2025ના સમયગાળામાં અમેરિકાની સરકાર સાથે 6 લાખ ડોલરનું એસએનએપી ફ્રોડ કરવાનો આરોપ મૂકાયો છે.

0000000000000000000000000000000000000000000000

કિશોરને જાણીજોઇ ટક્કર મારી મોત નિપજાવનાર કવન પટેલ પર હત્યાનો આરોપ

ન્યૂયોર્કઃ અમેરિકામાં પોતાના સ્ટોરમાં કથિત ચોરી કરનાર 14 વર્ષના છોકરાને કારની ટક્કર મારનાર કવન પટેલ નામના ગુજરાતીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કવને જાણીજોઇને ટક્કર મારતાં કિશોરને ગંભીર ઇજા પહોંચી હતી. હવે તેનું મોત થતાં કવન પટેલ પર સેકન્ડ ડિગ્રી મર્ડરનો આરોપ મૂકાયો છે. અગાઉ કવનની હીટ એન્ડ રનના આરોપસર ધરપકડ કરાઇ હતી. કોર્ટે તેને બોન્ડ પર મુક્ત કર્યો હતો પરંતુ હવે કિશોરનું મોત થતાં ફરી તેની ધરપકડ કરાઇ છે.

0000000000000000000000000000000000000000000000

પત્નીની હત્યા કરી આઇસ દ્વારા ધરપકડનું જુઠ્ઠાણું ચલાવનાર ગુરિન્દર ગિલની ધરપકડ

કેલિફોર્નિયાઃ કેલિફોર્નિયામાં પત્નીની ઘાતકી હત્યા કરી પોલીસથી બચવા માટે ફિલ્મી સ્ટોરી ઊભી કરનાર ગુરિન્દર ગિલની ધરપકડ કરાઇ છે. ગિલે તેની પત્ની જસ્મિનની હત્યા કરી નાખી હતી અને જુઠ્ઠાણું ફેલાવ્યું હતું કે, આઇસના એજન્ટ્સ દ્વારા જસ્મિનની ધરપકડ કરાઇ છે. તેણે જસ્મિનની લાશને એલ ડોરાડો કાઉન્ટીમાં લઇ જઇ સળગાવી દીધી હતી. પોલીસે લાંબી તપાસ બાદ ગુરિન્દરની હત્યાના આરોપસર ધરપકડ કરી છે.

0000000000000000000000000000000000000000000000

ન્યૂયોર્કમાં ભારતીય મૂળની માતાએ 5 વર્ષની દીકરીની હત્યા કરી નાખી

ન્યૂયોર્કઃ અમેરિકાના ન્યૂયોર્કના ક્વીન્સ વિસ્તારમાં સ્થિત રિચમન્ડ હિલ ખાતે 5 વર્ષની બાળકી ફેબિયાના કેબેલોની તેની જ માતા દ્વારા કથિત રીતે હત્યા કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, 14 ઓક્ટોબરની સાંજે 32 વર્ષીય ફ્રાન્સિસ કેબેલોએ પોતે 911 પર કોલ કરીને પોલીસને જણાવ્યું હતું કે, મેં મારી પુત્રીની હત્યા કરી દીધી છે, તે ઉપરના માળે શ્વાસ નથી લઈ રહી. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે બાળકી બેભાન અને નાકમાંથી લોહી વહેતી હાલતમાં મળી આવી હતી. તેને તાત્કાલિક જમૈકા હોસ્પિટલ મેડિકલ સેન્ટર ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. માતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે. આરોપી માતા ફ્રાન્સિસ કેબેલો માનસિક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાતી હતી અને ઘટના સમયે તેની દવાઓ બંધ હતી.

0000000000000000000000000000000000000000000000

ઇલેક્શન ફ્રોડમાં ઝડપાયેલી કેલિફોર્નિયાની અમનદીપ કૌરને ડીપોર્ટ કરવાની તૈયારી

કેલિફોર્નિયાઃ ઇલેક્શન ફ્રોડના મામલે ગ્રીન કાર્ડ ધરાવતી કેલિફોર્નિયાની 30 વર્ષીય અમનદીપ કૌર પર ફેલોની ચાર્જ લગાવી ડીપોર્ટ કરવાની તૈયારી ચાલી રહી છે. રેન્ચો પેલોસ વર્ડ્સમાં રહેતી કૌરે અમેરિકાની નાગરિકતા માટે અરજી પણ કરી દીધી હતી પરંતુ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, ગ્રીન કાર્ડધારક હોવા છતાં કૌરે સપ્ટેમ્બર 2019માં અમેરિકન નાગરિક હોવાનો ખોટો દાવો કરી મતદાર તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેણે 2020માં એકવાર અને 2022 તથા 2024માં બે વાર મતદાન કર્યું હતું.

0000000000000000000000000000000000000000000000

ઓહાયોમાં પત્નીની મારઝૂડ કરતા કલોલના ધવલ પટેલને આઇસે કસ્ટડીમાં લીધો

ઓહાયોઃ ઓહાયોના કોલંબસમાં રહેતા ધવલ પટેલને પત્નીની મારઝૂડના આરોપસર આઇસની કસ્ટડીમાં ધકેલી દેવાયો છે. કલોલના ધવલ પટેલે 12 સપ્ટેમ્બરના રોજ તેની પત્ની પર હિંસક હુમલો કર્યો હતો. સેકન્ડ ડિગ્રી ફેલોની ચાર્જ હેઠળ ધરપકડ બાદ તેને દોઢ લાખ ડોલરના બોન્ડ પર મૂકવામાં આવ્યો હતો. જોકે તેની પાસે કોઇ સ્ટેટસ ન હોવાના કારણે બોન્ડ પર મુક્ત થતાની સાથે જ આઇસ દ્વારા ધરપકડ કરાઇ હતી. હવે તેને ડીપોર્ટ કરવાની તૈયારી ચાલી રહી છે.

0000000000000000000000000000000000000000000000

શિકાગોમાં ઘરકંકાસના પગલે અંકુર પટેલે પત્નીને રહેંસી નાખી

શિકાગોઃ અમેરિકાના શિકાગોમાં મૂળ ગુજરાતી એવા 31 વર્ષીય અંકુર પટેલે તેની પત્નીની ચાકુ મારીને હત્યા કરી નાખી હતી. હત્યા બાદ ભારત ભાગી છૂટવા તે એરપોર્ટ પર પહોંચી ગયો હતો પરંતુ શિકાગો પોલીસે તેને દબોચી લીધો હતો. મળતી માહિતી અનુસાર અંકુર પટેલ અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ હતો અને વારંવાર ઝગડા થતા હતા. મે મહિનાથી પત્ની પોતાની દીકરી અંકુર પાસે મૂકીને અલગ રહેવા ચાલી ગઇ હતી. અલગ થયા બાદ તે તેની ઓફિસના જ એક પુરુષ સાથે સંબંધમાં આવી હતી. અંકુરે દીકરીને મળવાના બહાને પત્નીને ઘેર બોલાવી હતી અને તેના પર છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી.

0000000000000000000000000000000000000000000000

કોરોના મહામારીમાં 66 મિલિયન ડોલરનું ફ્રોડ, શિકાગોના રાજ પટેલ પર આરોપ ઘડાયા

શિકાગોઃ કોરોના મહામારી દરમિયાન 66 મિલિયન ડોલરનું ફ્રોડ આચરનાર શિકાગોના શામબર્ગના રાજ પટેલ પર છેતરપિંડીના આરોપ ઘડાયા છે. રાજ પટેલે માત્ર કાગળ પર હજારો ટેસ્ટ કરીને કરોડો ડોલર સેરવી લીધા હતા. આ તમામ રકમની ઉચાપત ફેડરલ હેલ્થ પ્રોગ્રામમાંથી કરાઇ હતી. રાજ પટેલ ઇલિનોઇના હિલ સાઇડની ક્લિનિકલ લેબોરેટરીનો સહમાલિક અને ચીફ ઓપરેટિંગ ઓફિસર હતો. તેની લેબ દ્વારા મહામારીમાં મોટી સંખ્યામાં પીસીઆર ટેસ્ટ કરાયા હતા. તેમાંથી મોટાભાગના દર્દી અસ્તિત્વ જ ધરાવતા નહોતા અથવા તો તેમના ટેસ્ટ જ કરાયા નહોતા.

0000000000000000000000000000000000000000000000

પેન્સિલ્વેનિયામાં શરાબના નશામાં અકસ્માત સર્જનાર અપાર પટેલને 8 વર્ષની કેદ

પેન્સિલ્વેનિયાઃ અમેરિકાના પેન્સિલ્વેનિયામાં શરાબના નશામાં ગમખ્વાર અકસ્માત સર્જનાર અપાર શિશિરકુમાર પટેલને 13 ઓક્ટોબરના રોજ 8 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી હતી. અપાર પટેલે વર્ષ 2024માં શરાબના નશામાં અકસ્માત સર્જ્યો હતો જેમાં એક યુવતીનું મોત થયું હતું. અપાર રૂટ 283 પર સ્પીડ લિમિટનો ભંગ કરી 80 માઇલ પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. 8 સપ્ટેમ્બર 2024ના રોજ તેની કાર એક ટ્રેલર સાથે ટકરાઇ હતી. જેમાં પેસેન્જર સાઇડનો દરવાજો ખૂલી જતાં કારમાં સવાર કેરા ક્લેવેન્જર નામની મહિલા બહા ફેંકાઇ જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

0000000000000000000000000000000000000000000000

કેન્ટકીના સ્ટોરમાં ડ્રગ્સનું વેચાણ કરતા જયેશ પટેલની ધરપકડ

કેન્ટકીઃ અમેરિકાના કેન્ટકીની મહલનબર્ગ કાઉન્ટીના એક સ્ટોરમાં કામ કરતા જયેશ પટેલ નામના ગુજરાતની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાઇ છે. પોલીસના જણાવ્યા અનુસાર જયેશ પટેલ જે સ્ટોરમાં કામ કરતો હતો ત્યાં ગેરકાયદેસર નશીલા પદાર્થોનું વેચાણ થતું હતું. પોલીસે સ્ટોર પર પાડેલા દરોડા દરમિયાન પ્રતિબંધિત મિટ્રેજિન સૂડોઇનડોક્સીલની મલ્ટિપલ પ્રોડક્ટ્સ જપ્ત કરી હતી. હાલ જયેશ પટેલને કાઉન્ટી  ડિટેન્શન સેન્ટરમાં રખાયો છે. જો તેની પાસે કોઇ સ્ટેટસ નહીં હોય તો આઇસના હવાલે કરાશે.

0000000000000000000000000000000000000000000000

ફેક રોબરીમાં સંડોવાયેલા શિકાગોના પાર્થ નાઇને બે વર્ષની કેદ

શિકાગોઃ અમેરિકાના શિકાગો શહેર અને આસપાસના વિસ્તારોમાં યુ-વિઝા માટે ફેક રોબરી કરાવી 3 વર્ષમાં 3 મિલિયન ડોલરની કમાણી કરનારા પાર્થ નાઇને બે વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે. પાર્થને જેલની સજાની સાથે 50,000 ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. વૂડબ્રિજમાં વસવાટ કરતો પાર્થ વર્ષ 2024માં અલગ અલગ ફેક રોબરીમાં સંડોવાયેલા 6 આરોપી પૈકીનો એક હતો. પાર્થ નાઇની જેમ ન્યૂયોર્કના રામ પટેલ અને લૂઇસિયાનાના ચંદ્રકાન્ત પટેલ પર પણ ફેક રોબરીના આરોપ છે.

0000000000000000000000000000000000000000000000

કેનેડાના હાઇવે પર ગંભીર અકસ્માતમાં હરિયાણાના જસ્કીરત નૌખરિયાનું મોત

વાનકુંવરઃ ગત 17 ઓક્ટોબરના રોજ કેનેડાના કોક્વિહલ્લા હાઈવે પર સર્જાયેલી કરૂણ દુર્ઘટનામાં હરિયાણાના 24 વર્ષીય જસ્કીરત નૌખરિયાનું મોત થયું હતું. જસ્કીરત 2024માં કેનેડા પહોંચ્યો હતો.  વિગતો મુજબ, હાઈવે પર રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવી રહેલા એક પિકઅપ ટ્રકે સામેથી આવી રહેલી જસ્કીરતની કારને જોરદાર ટક્કર મારી હતી. પિકઅપ ટ્રકના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને નશાની હાલતમાં વાહન ચલાવવાના શંકાના આધારે પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. કારમાં સવાર અન્ય ત્રણ પંજાબી યુવકો ગંભીર રીતે ઘવાતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા  જેમાંથી બેની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

0000000000000000000000000000000000000000000000

જર્મનીના બોચમમાં ઇમારતમાં લાગેલી આગમાં 3 ભારતીય નાગરિકના કરુણ મોત

બોચમઃ જર્મનીના બોચમ શહેરમાં એક રહેણાંક ઇમારતમાં લાગેલી આગમાં ત્રણ ભારતીય નાગરિકોના મોત થયા હતા. મૃતકોમાં બે મહિલા અને એક યુવકનો સમાવેશ થાય છે. જોકે, મૃતકોના નામ અને ભારતમાં તેમના હોમ સ્ટેટ અંગે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરાઇ નથી. મંગળવારે વહેલી સવારે ઘટેલી આ દુર્ઘટનામાં અન્ય પાંચ લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે હત્યાની શંકાના આધારે આ ઈમારતમાં રહેતા 41 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. આ શખ્સ રોમાનિયાનો નાગરિક છે. તપાસકર્તાઓએ આગ પાછળ કોઈ ટેકનિકલ ખામી હોવાની શક્યતાને નકારી કાઢી છે અને આગચંપીની શંકા વ્યક્ત કરી છે. જોકે, આગ જાણી જોઈને લગાડવામાં આવી હતી કે અકસ્માતે લાગી હતી તે અંગે હજુ તપાસ ચાલુ છે.

0000000000000000000000000000000000000000000000

સાઉદીના એરપોર્ટ પર હૂથીના હુમલામાં ભારતીય નાગરિકનું મોત

દમ્મામઃ સાઉદી અરેબિયાના દમ્મામ સ્થિત કિંગ ફહદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા એક હુમલામાં ભારતીય નાગરિક સહિત બે લોકોના મોત નિપજ્યા છે, જેની પુષ્ટિ દેશની સિવિલ એવિએશન અથોરિટી દ્વારા ગુરુવારે કરવામાં આવી હતી. મૃતકોમાં એક સાઉદી નાગરિક અને એક ભારતીય નાગરિક સામેલ છે. એરપોર્ટ પ્રશાસન અનુસાર, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સત્તાવાળાઓ દ્વારા હુમલામાં થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી રહી છે, જ્યારે એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા છે અને હવાઈ વ્યવહાર પૂર્વવત થઈ ગયો છે.

0000000000000000000000000000000000000000000000

રીમા નાણાવટીને 'હિલેરી રોધમ ક્લિન્ટન એવોર્ડ'થી સન્માનિત કરાયા

ન્યૂયોર્કઃ શાંતિ અને સુરક્ષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વૈશ્વિક આગેવાનોને બિરદાવતા પ્રતિષ્ઠિત 'હિલેરી રોધમ ક્લિન્ટન એવોર્ડ'થી ભારતીય સામાજિક કાર્યકર રીમા નાણાવટીને સન્માનિત કરવામાં આવ્યા છે. સેલ્ફ-એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (સેવા)ના નિયામક રીમા નાણાવટીને જ્યોર્જટાઉન ઇન્સ્ટિટ્યૂટ ફોર વિમેન, પીસ એન્ડ સિક્યુરિટી ખાતે યોજાયેલા એક ખાસ સમારંભમાં ભૂતપૂર્વ અગ્રણી યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ હિલેરી ક્લિન્ટનના હસ્તે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. નાણાવટીના નેતૃત્વ હેઠળ 'સેવા' સંસ્થા ભારતમાં અસંગઠિત ક્ષેત્રના કામદારોના સૌથી મોટા સંગઠન તરીકે કામ કરે છે.

0000000000000000000000000000000000000000000000


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter