પન્નુનની હત્યાના કાવતરાના કેસમાં નિખિલ ગુપ્તાને 235 મહિનાની કેદ
ન્યૂયોર્કઃ અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદીની હત્યાના કાવતરામાં સામેલ હોવાના આરોપી ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને શુક્રવારે ફેડરલ જજ દ્વારા 235 મહિના એટલે કે 19 વર્ષથી વધુની જેલની સજા ફટકારવામાં આવી છે સધર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યૂયોર્કના જજ વિક્ટર મારેરોએ આ સજા સંભળાવી હતી. ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુને દાવો કર્યો હતો કે તેની હત્યાના કાવતરાને કારણે 1,200 થી વધુ દિવસો સુધી તેની નિયમિત વકીલાતની કામગીરી ખોરવાઈ ગઈ હતી. અમેરિકા અને કેનેડાની બેવડી નાગરિકતા ધરાવતા પન્નુનને ભારત સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. પ્રતિબંધિત અલગતાવાદી સંગઠન 'શીખ્સ ફોર જસ્ટિસ' (SFJ) નો સ્વયંભૂ જનરલ કાઉન્સેલ પન્નુન નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ છે.
અહેવાલો અનુસાર, 55 વર્ષીય નિખિલ ગુપ્તાએ કોર્ટને સંબોધતા પન્નુનની હત્યાના કાવતરામાં પોતાની સંડોવણી બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. આ વર્ષની શરૂઆતમાં, ગુપ્તાએ ન્યૂયોર્કમાં પન્નુનની હત્યા કરવાના પ્રયાસના સંબંધમાં 'મર્ડર-ફોર-હાયર', હત્યાનું કાવતરું ઘડવું અને મની લોન્ડરિંગના કાવતરાના આરોપો હેઠળ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.
આરોપનામા, અન્ય જાહેર કોર્ટ દસ્તાવેજો અને કોર્ટમાં અપાયેલા નિવેદનો અનુસાર, 2023 ની આસપાસ ગુપ્તાએ ભારત અને અન્ય સ્થળોએ રહેલા અન્ય લોકો સાથે મળીને અમેરિકી ધરતી પર પન્નુનની હત્યાનું કાવતરું રચ્યું હતું.
00000000000000000000000000000000000000000000
અમેરિકામાં 23 વર્ષી યશ પાટિલની સ્ટાર્ટ અપ કંપની 4.5 બિલિયન ડોલરમાં વેચાઇ
ન્યૂયોર્કઃ યુએસમાં ટેક્નોલોજી સેક્ટરમાં ઈન્ડિયન્સનો ડંકો વાગે છે અને કેટલાય તેમાં ઝંપલાવીને લાખો કરોડો ડોલર કમાયા છે. જોકે આ બધામાં પોતાનો ધંધો શરૂ કરીને માત્ર દોઢ વર્ષમાં સાડા ચાર બિલિયન ડોલરની ડીલ કરનારો માત્ર 23 વર્ષનો એક યુવક અપવાદ સાબિત થયો છે જેની હાલ આખીય દુનિયામાં નોંધ લેવાઈ રહી છે. ઈન્ડિયામાં 23 વર્ષની ઉંમરે લોકો ભણવાનું માંડ પૂરું કરીને જોબ શોધવા ધક્કા ખાતા હોય છે પરંતુ અમેરિકામાં રહેતા યશ પાટીલ નામના એક ઈન્ડિયન અમેરિકનની સ્ટોરી કોઈને પણ ચોંકાવે તેવી છે. માત્ર 23 વર્ષની ઉંમરે યશ પાટીલે ઉભાં કરેલા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્ટાર્ટઅપનો 4.5 બિલિયન ડોલરમાં સોદો થયો છે. તેની કંપની અપ્લાઈડ કમ્પ્યુટની શરૂઆત હજુ દોઢ વર્ષ પહેલા જ મુઠ્ઠીભર લોકો સાથે કરવામાં આવી હતી જેણે ઝીરોમાંથી 100 મિલિયન ડોલરના રેવન્યુ ટાર્ગેટને ગણતરીના મહિનામાં જ હાંસલ કરીને AI ક્ષેત્રના દિગ્ગજોને પણ ચોંકાવી દીધા છે. તેના અકલ્પનીય ગ્રોથની ચારેય તરફ ચર્ચા થઈ રહી હતી તેવામાં સાયબરસિક્યોરિટી જાયન્ટ પાલો અલ્ટો નેટવર્ક્સે યશ પાટીલની આખીય કંપનીને 4.5 બિલિયન ડોલર ચૂકવીને ખરીદી લીધી છે.
00000000000000000000000000000000000000000000
મિનેસોટામાં કેબ ડ્રાઇવર પર હુમલાના આરોપસર ગુજરાતી યુવકની ધરપકડ
મિનેસોટાઃ અમેરિકાના મિનેસોટા સ્ટેટમાં કેબ ડ્રાઈવર પર ઘાતકી હુમલો કરવાના આરોપમાં એક ગુજરાતી યુવક સમિત પટેલની ફર્સ્ટ ડિગ્રી અસોલ્ટના ચાર્જ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ જેના પર હુમલો કર્યો હતો તે ટેક્સી ડ્રાઈવરનું નામ મોહમ્મદ યુસુફ જણાવાયું છે જે હાલ કોમામાં છે અને જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આ કેસની તપાસ હોપકિન્સ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના નવેમ્બર 14ના રોજ રાતે દોઢેક વાગ્યે બની હતી અને તે જ દિવસે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. જોકે, ફોર્મલ ચાર્જિંગ ડિસિઝન પેન્ડિંગ હોવાથી પોલીસે સત્તાવાર રીતે આરોપીની ઓળખ જાહેર નથી કરી, પરંતુ તેના અરેસ્ટ રેકોર્ડના આધારે કેટલીક વેબસાઈટ્સ પર તેનું નામ અને મગશોટ બંને શેયર કરવામાં આવ્યા છે જેના આધારે તેના ગુજરાતી હોવાની પુષ્ટિ થઈ છે. આરોપીએ ટેકસી ડ્રાઈવર પર કોઈ દેખીતા કારણ વિના જ હુમલો કર્યો હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, સમગ્ર મિનેસોટામાં ચર્ચાસ્પદ બની ગયેલા આ બનાવ અંગે પોલીસનું કહેવું છે કે વિક્ટિમના ધર્મને કારણે તેના પર અટેક કરાયો હતો કે કેમ તે જાણવા માટે હાલ તપાસ ચાલી રહી છે. કેસની તપાસ પૂરી ના થાય ત્યાં સુધી લોકોને શાંતિ જાળવવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
00000000000000000000000000000000000000000000
ઇલિનોઇસના અહમદ સૈયદને પાર્સલ કાંડમાં આઠ વર્ષની કેદ
શિકાગોઃ અમેરિકાના ઇલિનોઇસમાં રહેતા અહમદ મકબુલ સૈયદ નામના આ શખસને મની લોન્ડરિંગનું કાવતરું રચવાના ગુનામાં એરિઝોનાની ફેડરલ કોર્ટ દ્વારા આઠ વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. અહમદને જેલની સજા ભોગવવાની સાથે તેના સ્કેમનો ભોગ બનેલા લોકોને 2.4 મિલિયન ડોલર પણ ચૂકવવાના રહેશે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર 60 વર્ષીય અહમદ ફ્રોડનો ભોગ બનેલા સિનિયર સિટીઝન્સ પાસેથી કેશ અને ગોલ્ડથી ભરેલા પાર્સલ કલેક્ટ કરવા માટે જતો હતો. તેણે 2023માં વેસ્ટફિલ્ડમાં રહેતા એક વિક્ટિમ પાસેથી 80 હજાર ડોલરનું ગોલ્ડ ભરેલું પાર્સલ કલેક્ટ કર્યું હતું, આ બાબતે નવેમ્બર 2023માં લોકલ પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં પાર્સલ ઉઠાવનારો અહદમ મકબુલ સૈયદ જ છે તેવું કન્ફર્મ થયું હતું. ફેબ્રુઆરી 2024માં ઈન્ડિયાનાના કાર્મેલના અન્ય એક શખસ પાસેથી કોઈકે નકલી ફેડરલ એજન્ટ બનીને 48 હજાર ડોલર કેશથી ભરેલું પાર્સલ કલેક્ટ કર્યું હતું. આ કેસમાં વિક્ટિમે શકમંદના વ્હીકલનો ફોટોગ્રાફ ક્લીક કરી લીધો હતો જેમાં લાઈસન્સ પ્લેટ પણ દેખાતી હતી, તેના આધારે પોલીસે લોકલ ચાર્જિસ હેઠળ અહમદની ધરપકડ કરી લીધી હતી અને ત્યારબાદ તેના પર ફેડરલ ચાર્જિસ લગાવવામાં આવ્યા હતા.
00000000000000000000000000000000000000000000
ન્યૂયોર્કમાં કારની અંદર ભાઈના હાથે આકસ્મિક ગોળી વાગતા હૈદરાબાદના યુવકનું મોત
ન્યૂયોર્કઃ ન્યૂયોર્કના હિક્સવિલે ખાતે 14 નવેમ્બરના રોજ મોટા ભાઈના હાથે આકસ્મિક રીતે ગોળી વાગતા હૈદરાબાદના 24 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું છે. નાસાઉ કાઉન્ટી પોલીસ દ્વારા આરોપી ભાઈ સામે માનવવધ અને ગેરકાયદેસર હથિયાર રાખવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસને વાહનની અંદરથી મોહમ્મદ ઈબ્રાહિમ અહેમદ નામનો યુવક પીઠમાં ગોળી વાગેલી હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મૃતકના 27 વર્ષીય મોટા ભાઈ મોહમ્મદ બશીર અહેમદની પિસ્તોલમાંથી બંને કારમાં બેઠા હતા ત્યારે આકસ્મિક રીતે ગોળી છૂટી ગઈ હતી. જોકે, ગોળી કયા સંજોગોમાં છૂટી અને હથિયાર કારની અંદર કેવી રીતે આવ્યું તે અંગે પોલીસે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ ખુલાસો કર્યો નથી.
00000000000000000000000000000000000000000000
સાઉથ કેરોલિનામાં માઇનોરને બિયર વેચતા ઝડપાયેલી ગુજરાતી યુવતીને ડિપોર્ટ કરાશે
સાઉથ કેરોલિનાઃ અમેરિકાના સાઉથ કેરોલિનામાં માઈનોરને બિયર વેચતા પકડાયેલી એક ગુજરાતી યુવતીને હવે ડિપોર્ટ કરવામાં આવે તેવી શક્યતા છે. સિટી ઓફ બ્યૂફોર્ટમાં બનેલી આ ઘટનામાં અરેસ્ટ કરાયેલી યુવતીની ઉંમર 22 વર્ષ છે અને નવેમ્બર 16ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે આ યુવતીને સૌ પહેલા લોકલ પોલીસે અરેસ્ટ કરી હતી અને ત્યારબાદ તેના ઈમિગ્રેશન સ્ટેટસ અંગે ICEને જાણ કરાયા બાદ હાલ તેને ઈમિગ્રેશન હોલ્ડ પર રાખવામાં આવી છે. 22 વર્ષની આ યુવતી ક્યારે અમેરિકા ગઈ હતી અને કેટલા સમયથી જોબ કરતી હતી તેની કોઈ વિગતો પ્રાપ્ત નથી થઈ શકી. જોકે, તેને ઈમિગ્રેશન હોલ્ડ પર રાખવામાં આવી હોવાથી એટલું કન્ફર્મ છે કે તે યુએસમાં કોઈ સ્ટેટસ વિના રહેતી હતી.
00000000000000000000000000000000000000000000
અમેરિકામાં ફેક મેરેજ કરાવતી બ્રિટિશ સિટીઝન ચાંદની પટેલે ગૂનો કબૂલ્યો
ન્યૂયોર્કઃ અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે ફેક મેરેજ કરાવવાના રેકેટમાં પકડાયેલી ચાંદની પટેલ નામની ગુજરાતી મહિલાએ આખરે ગુનાની કબૂલાત કરી લીધી છે. ચાંદની બ્રિટિશ સિટીઝન છે પણ અમેરિકામાં રહે છે, તેણે ન્યૂયોર્કમાં દિશાંત પટેલ અને શ્વેતા પટેલના અલગ-અલગ પાત્રો સાથે ફેક મેરેજ કરાવવાનું સેટિંગ કરાવ્યું હતું અને તેના બદલામાં દસ હજાર ડોલર પણ લીધા હતા. આ કેસમાં તેના પર મેરેજ ફ્રોડનું કાવતરું રચવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો જે તેણે કબૂલ કરી લેતા હવે તેને વધુમાં વધુ પાંચ વર્ષની જેલની સજા તેમજ અઢી લાખ ડોલર સુધીનો દંડ થઈ શકે છે. જોકે, તેને સજા ક્યારે કરવામાં આવશે તેની કોઈ તારીખ કોર્ટ દ્વારા હજુ સુધી નક્કી કરવામાં નથી આવી.
00000000000000000000000000000000000000000000
યુવતીના અંગત ફોટો મોબાઇલમાંથી તફડાવનાર ભારતીય યુવક દોષી, આઇસની કસ્ટડીમાં
વોશિંગ્ટન : અમેરિકામાં એક ભારતીય મૂળના યુવકે એક યુવતીના મોબાઇલમાંથી તેના અંગત ફોટો પોતાના મોબાઇલમાં લઇ લીધા હતા, સાથે જ યુવતીની મંજૂરી વગર સ્નેપચેટમાં લોગઇન પણ કરી લીધુ હતું. આ મામલે યુવકને દોષિત ઠેરવવામાં આવ્યો છે અને અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સ આઇસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ભારતીય મૂળના રાહુલ આનંદકૃષ્ણનને મંજૂરી વગર વાંધાજનક તસવીરો અને વીડિયો લેવા બદલ તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આઇસે જણાવ્યું હતું કે આનંદકૃષ્ણન કાઉંટ જેલમાં સજા કાપી ચુક્યો છે અને હવે ઇમિગ્રેશન કોર્ટની કાર્યવાહી પુરી થાય ત્યાં સુધી આઇસની કસ્ટડીમાં રહેશે. ટેક્સાસમાં કેપિટલ પ્લાઝા શોપિંગ સેન્ટર સ્થિત ટોટલ વાયરલેસ સ્ટોરમાં કામ કરતા એક કર્મચારી વિરુદ્ધ ફરિયાદ મળી હતી. મહિલાએ ફરિયાદ કરી હતી કે સ્ટોરના એક કર્મચારીએ નેટવર્ક સેટિંગ ઠીક કરવાના નામે મારો મોબાઇલ લીધો હતો, બાદમાં મારા મોબાઇલમાં મારી જે અંગત તસવીરો હતી તેને મારી મંજૂરી વગર જ એક એપની મદદથી પોતાના મોબાઇલમાં ટ્રાન્સફર કરી દીધા હતા. એટલુ જ નહીં મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ખોલ્યા હતા.
00000000000000000000000000000000000000000000
અમેરિકાના અલાબામામાં ગુજરાતી પરિવારના 2.29 લાખ ડોલર પોલીસે જપ્ત કર્યાં
અલાબામાઃ અલાબામામાં ગેસ સ્ટેશન ચલાવતો એક ગુજરાતી પરિવાર વિચિત્ર સમસ્યામાં ફસાયો છે. આ ફેમિલીના સભ્ય અને ગેસ સ્ટેશન ચલાવવામાં મદદ કરતા અમિન દેવાણી છેલ્લા 20 વર્ષથી ગ્રીન કાર્ડ પર અમેરિકામાં રહે છે. તેઓ બેન્કમાં કેશ જમા કરાવવા માટે અલામાબાથી 2.29 લાખ ડોલર લઈને આવી રહ્યા હતા. તે વખતે જ્યોર્જિયામાં તેમને લોકલ પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. તેમની કારમાંથી કોઈ નશીલા પદાર્થ નહોતા મળ્યા કે ના તો તે પોતે નશાની હાલતમાં હતા. પોલીસે તેમની ધરપકડ પણ નહોતી કરી અને ડ્રાઈવ કરતી વખતે લેન મેઈન્ટેન રાખવાની વોર્નિંગ આપી તેમને છોડી દેવાયા હતા. જોકે, તે વખતે પોલીસે તેમની ગાડીમાંથી મળેલા 2,29,981 ડોલર કરન્સી ઈન્વેસ્ટિગેશન માટે જપ્ત કરી લીધા હતા. આ વાતને આજે બે મહિનાથી પણ વધુનો સમય વિતી ચૂક્યો છે પરંતુ હજુ સુધી દેવાણી ફેમિલીને તેમના પૈસા પાછા નથી મળ્યા. અમિન દેવાણીએ એવો દાવો કર્યો છે કે પોલીસે તેમને ચહેરો જોઈને ઉભા રાખ્યા હતા કારણકે આમ જોવા જઈએ તો તેમને અટકાવવાનું કોઈ જ કારણ નહોતું અને આવું તેમની સાથે અગાઉ પણ અનેકવાર થઈ ચૂક્યું છે. જોકે, હેરાલસન કાઉન્ટી શેરિફે અમિન દેવાણીના દાવાને નકારી દેતા એવું જણાવ્યું કે મની લોન્ડરિંગની આશંકાએ કેશ જપ્ત કરવામાં આવ્યા છે.
00000000000000000000000000000000000000000000
કેનેડાના સરીમાં શંકાસ્પદ હત્યાનો ભોગ બનેલો ભારતીય 25 વર્ષીય તુષાર શર્મા હતો
ટોરન્ટોઃ ગત મહિનાના અંતમાં પ્રકાશમાં આવેલી એક શંકાસ્પદ હત્યાના ભોગ બનેલા 25 વર્ષીય ભારતીય યુવકની કેનેડાના તપાસકર્તાઓ દ્વારા ઓળખ કરી લેવામાં આવી છે. 29 ઓક્ટોબરના રોજ રાત્રે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના લેંગલી વિભાગના અધિકારીઓને બ્રિટિશ કોલંબિયાની ટાઉનશિપમાં એક વાહનમાં આગ લાગી હોવાનો અહેવાલ મળ્યો હતો. લેંગલી ફાયર ડિપાર્ટમેન્ટના ફર્સ્ટ રિસ્પોન્ડર્સ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ ઓલવવાની કામગીરી દરમિયાન તેમને માનવ અવશેષો જેવું કંઈક મળી આવ્યું હતું. મંગળવારે તપાસને આગળ વધારવા માટે તેમણે મૃતકની ઓળખ જાહેર કરી હતી. મૃતકની ઓળખ સરીના રહેવાસી તુષાર શર્મા તરીકે થઈ છે. શર્માનો કોઈ ગુનાહિત રેકોર્ડ નહોતો અને કેનેડામાં તેના જાણીતા સંપર્કો પણ મર્યાદિત હતા. હત્યા પાછળનો હેતુ હજુ તપાસ હેઠળ છે પરંતુ અત્યાર સુધીના પુરાવા સૂચવે છે કે આ એક પૂર્વયોજિત ઘટના હતી.
00000000000000000000000000000000000000000000
કેનેડામાં કેરળની સ્નેહા જોયને પાંચ મિલિયન ડોલરની લોટરી લાગી
ટોરન્ટોઃ કેનેડામાં વસવાટ કરતી કેરળની સ્નેહા જોયને લોટો લોટરીમાં પાંચ મિલિયન ડોલરનું ઇનામ લાગતાં તે રાતોરાત માલામાલ બની ગઇ છે. તેણે જણાવ્યું હતું કે, હું સ્તબ્ધ થઈ ગઈ હતી. કરોડપતિ બનવાના આ સમાચારે સ્નેહાના મનમાં "આઘાત", "ખુશી" અને "રાહત" જેવી મિશ્ર લાગણીઓ જન્માવી હતી. સ્નેહા જોયે વધુમાં જણાવ્યું હતું કે, હું સૌથી પહેલા મારી હોમ લોન ચૂકવી દઈશ. ત્યારબાદ, હું વિશ્વ પ્રવાસે નીકળીશ. સ્નેહા આ અણધારી સંપત્તિનો હિસ્સો પોતાના પ્રિયજનો સાથે પણ વહેંચવાની યોજના ધરાવે છે. તેના મતે, આ જીતની રકમથી પોતાના લક્ષ્યો હાંસલ કરવા જેટલું જ મહત્વનું પોતાના પરિવાર અને મિત્રોની મદદ કરવી પણ છે. સ્નેહાના જણાવ્યા અનુસાર, જેકપોટ જીતવાની સૌથી શ્રેષ્ઠ બાબત એ છે કે હવે તે સંપૂર્ણપણે "આર્થિક તણાવમુક્ત" જીવન જીવી શકશે.
00000000000000000000000000000000000000000000


