ઓહાયોના ગવર્નરપદ માટે વિવેક રામાસ્વામીની ઉમેદવારીને ટ્રમ્પનું સમર્થન
ઓહાયોઃ વર્ષ 2026માં અમેરિકાના ઓહાયો સ્ટેટના ગવર્નરપદની ચૂંટણીમાં ઉમેદવારી માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય અમેરિકન ઉદ્યોગ સાહસિક વિવેક રામાસ્વામીને સમર્થન આપી દીધું છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, રિપબ્લિકનોએ વિવેક રામાસ્વામીના વ્યક્તિત્વ, પશ્ચાદભૂ અને પોલિસી એજન્ડાની પ્રશંસા કરતા એકજૂથ થઇને સમર્થન આપવું જોઇએ. વિવેક રામાસ્વામી ઓહાયોના ગવર્નરપદની ઉમેદવારી કરી રહ્યાં છે. વિવેક વિશેષ વ્યક્તિત્વ ધરાવે છે.
કિશન પટેલને ગોળી મારનાર પોલીસ અધિકારીએ અપરાધ કબૂલ્યો
ન્યૂજર્સીઃ કોઇપણ વાંક ગુના વિના ન્યૂજર્સીના રહેવાસી કિશન પટેલને ગોળી મારી દેનારા ન્યૂયોર્ક પોલીસના અધિકારીએ અપરાધ કબૂલી લીધો છે. 17 મે 2024ના રોજ ન્યૂજર્સીની વૂરહીસ ટાઉનશિપમાં કિશન અને પોલીસ અધિકારીની કાર વચ્ચે ટક્કર થતાં માથા ફરેલા પોલીસ અધિકારી હ્યુ ટ્રાને કિશન પર ગોળી ચલાવી હતી. ગોળી માથામાં વાગતાં ગંભીર ઇજાગ્રસ્ત કિશનને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. હજુ આજે પણ કિશન પથારીવશ છે. અપરાધ બાદ ટ્રાન ફરાર થયો હતો પરંતુ સર્વેલન્સ વીડિયો અને સેલફોન રેકોર્ડ્સના આધારે તેને ઝડપી લેવાયો હતો. ટ્રાન તે સમયે ડ્યુટી પર હતો અને એક લગ્ન સમારોહમાં હાજરી આપવા આવ્યો હતો.
અલાબામામાં દેહવેપાર કરાવતા બે ગુજરાતીની ધરપકડ
અલાબામાઃ અમેરિકાના અલાબામા સ્ટેટની કોવિંગ્ટન કાઉન્ટીની મોટેલમાં દેહવેપારની પ્રવૃત્તિ ચલાવતા બે ગુજરાતીની ધરપકડ કરાઇ છે. ઓપન ટાઉન સ્થિત મોટર લોજ મોટેલ પર પોલીસ છેલ્લા કેટલાક સમયથી નજર રાખી રહી હતી. લાંબી કાર્યવાહી બાદ પોલીસે દિક્ષિત પટેલ અને કેતન તલાટીની ધરપકડ કરી હતી. દિક્ષિત પટેલ પર લોહીના વેપારની સાથે મહિલાઓની હેરાફેરીનો પણ આરોપ મૂકાયો છે. દિક્ષિત પટેલને 16 હજાર ડોલર અને કેતન તલાટીને 26 હજાર ડોલરના બોન્ડ પર મુક્ત કરાયા હતા.
ટેક્સાસના કુટણખાના પર દરોડામાં 3 ભારતીય ઝડપાયાં
ઇરવિંગઃ ટેક્સાસના ઇરવિંગમાં પોલીસ દ્વારા કરાયેલા સ્પેશિયલ સ્ટીંગ ઓપરેશનમાં 3 ભારતીય સહિત 10ની ધરપકડ કરાઇ હતી. આ તમામ નાણા આપીને શરીર સુખ માણવા ગયા હતા પરંતુ પોલીસે રેડ પાડતાં જેલભેગા થવાનો વારો આવ્યો છે. પોલીસે શશી કુનચી, સાઇ હેમંત અને મનોહરચારી શ્રીરામુલાની ધરપકડ કરી હતી. આ ત્રણે તેલંગાણાના વતની છે. તેમના લીગલ સ્ટેટસની વિગતો જારી કરાઇ નથી.
પેન્સિલવેનિયામાં સ્ટેટસ વિના વોટર રજિસ્ટ્રેશન કરાવવાનો ગુજરાતી પર આરોપ
પેન્સિલવેનિયાઃ અમેરિકાના પેન્સિલ્વેનિયામાં રહેતા કૌશલ પટેલ પર કોઇપણ સ્ટેટસ વિના પોતાને અમેરિકન નાગરિક ગણાવી મતદાર યાદીમાં રજિસ્ટ્રેશન માટે અરજી કરવા માટે ફ્રોડનો ફેડરલ ચાર્જ લગાવાયો છે. 47 વર્ષીય કૌશલ પટેલે ભારતીય નાગરિક હોવા છતાં ઓક્ટોબર 2020માં વોટર રજિસ્ટ્રેશન માટે અરજી કરી હતી. 20 વર્ષથી અમેરિકામાં રહેતા કૌશલ પટેલે ગ્રીન કાર્ડ હાંસલ કરવા માટે અસાયલમ પણ ફાઇલ કરેલું છે. હવે તેમને દેશનિકાલ કરાય તેવી સંભાવના છે.
રશિયામાં ભારતીય મેડિકલ વિદ્યાર્થીનું બંધમાં ડૂબી જવાના કારણે મોત
મોસ્કોઃ રશિયાના ઉફા શહેરની બશકિર સ્ટેટ મેડિકલવ યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરતો રાજસ્થાનના અલવર જિલ્લાના કફનવાડા ગામનો વતની અજિત ચૌધરી એક ડેમમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. અજિત છેલ્લા 19 દિવસથી લાપતા હતો. યુનિવર્સિટી કેમ્પસથી થોડા કિલોમીટર દૂર વ્હાઇટ નદી પરના બંધમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો. નદીમાં આવેલા પૂરમાં તણાવાના કારણે અજિતનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં માનવામાં આવી રહ્યું છે.
ટેક્સાસમાં આંધ્રપ્રદેશની યુવતી મૃત હાલતમાં મળી આવી
ટેક્સાસઃ અમેરિકાના ટેક્સાસની એ એન્ડ એમ યુનિવર્સિટીમાંથી તાજેતરમાં જ સ્નાતક થયેલી ભારતના આંધ્રપ્રદેશની 23 વર્ષીય રાજ્યલક્ષ્મી યર્લાગડા 7 નવેમ્બરના રોજ મૃત મળી આવી હતી. તેના પિતરાઇના જણાવ્યા અનુસાર તે ગંભીર કફ અને છાતીના દુઃખાવાથી પીડાતી હતી. 7 નવેમ્બરની સવારે તે ઊંઘમાંથી ઉઠી જ નહોતી. રાજલક્ષ્મીના મૃત્યુના કારણ માટે હાલ મેડિકલ તપાસ ચાલી રહી છે.


