ઇથિયોપિયા પ્લેન ક્રેશઃ મૃતક શિખાના પરિવારને 36 મિલિયન ડોલર ચૂકવવા બોઇંગને આદેશ
શિકાગોઃ ઇથિયોપિયામાં વર્ષ 2019માં થયેલા પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા ભારતીય મહિલા શિખા ગર્ગના પરિવારને 36 મિલિયન ડોલરનું વળતર ચૂકવવા અમેરિકન જ્યૂરીએ આદેશ આપ્યો છે. શિખા સંયુક્ત રાષ્ટ્રમાં કામ કરતા હતા. તેમના વકીલે દાવો કર્યો હતો કે દુર્ઘટનાગ્રસ્ત બોઇંગ 757 જેટ વિમાનની ડિઝાઇનમાં ખામી હતી. આ દુર્ઘટનામાં 157 પ્રવાસી માર્યા ગયા હતા. શિખાના પરિવારજનોને 26 ટકા વ્યાજ સાથે કુલ 35.85 મિલિયન ડોલરનું વળતર ચૂકવાશે. પ્લેન ક્રેશમાં આ પહેલી સિવિલ ટ્રાયલ હતી અને એકસમયે બોઇંગનું મુખ્યમથક શિકાગોમાં હોવાથી કંપની સામે આજ શહેરમાં દાવો ઠોકવામાં આવ્યો હતો. શિખાના પરિવારના વકીલોએ ચુકાદાને આવકારતાં જણાવ્યું હતું કે, બોઇંગના ખોટા કામોની જવાબદારી નક્કી થઇ છે. પ્લેન ક્રેશ થયું તેના થોડા મહિના પહેલાં જ શિખાના લગ્ન થયાં હતાં અને તેઓ યુએનની એન્વાયરમેન્ટલ એસેમ્બ્લીમાં ભાગ લેવા કેન્યાના નૈરોબી જઇ રહ્યાં હતાં.
પેન્સિલ્વેનિયાના સ્ટોરમાં લૂટ દરમિયાન માર્યા ગયેલા અશોક પટેલના પરિવારને 15.3 મિલિયન ડોલરનું વળતર
હેઝલ્ટનઃ અમેરિકાના પેન્સિલ્વેનિયા સ્ટેટના હેઝલ્ટનમાં 12 ડિસેમ્બર 2020ના રોજ ક્રેગ્સ ફૂડ માર્ટ નામના સ્ટોરમાં જોબ કરતા અશોક પટેલની ગોળી મારી હત્યા કરાઇ હતી. અદાલતે અશોક પટેલના પરિવારને 15.3 મિલિયન ડોલરનું વળતર ચૂકવવા આદેશ અપાયો છે. સ્ટોરમાં ગેમિંગ મશીન હોવાના કારણે લૂટ થઇ હોવાની દલીલ પરિવાર તરફથી અદાલતમાં કરાઇ હતી. પરિવારે સ્ટોરના માલિક અને ગેમિંગ મશીન બનાવતી તથા વિતરણ કરતી કંપનીઓ સામે વળતરનો દાવો માંડ્યો હતો. અશોક પટેલે નોકરી શરૂ કર્યાને માંડ એક સપ્તાહ થયું હતું ત્યારે રોબરીની ઘટનામાં તેમને ગોળી મારી દેવાઇ હતી.
અમેરિકામાં પાર્સલ કાંડમાં વધુ એક ગુજરાતી ધ્રુવ માંડુકિયાને 97 માસની કેદ
ઓસ્ટિનઃ ટેક્સાસમાં પાર્સલ કાંડમાં ઝડપાયેલા ધ્રુવ માંગુકિયાને ઓસ્ટિન ફેડરલ કોર્ટ દ્વારા 97 માસની કેદ ફટકારવામાં આવી છે. તે ઉપરાંત ધ્રુવને ફ્રોડનો ભોગ બનેલા લોકોને 2.5 મિલિયન ડોલર ચૂકવવાનો પણ આદેશ અપાયો છે. સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયેલો ધ્રુવ અમેરિકામાં સીનિયર સિટિઝન્સને ઠગી તેમની પાસેથી નાણા પડાવવાના રેકેટમાં ઝડપાયો હતો. ધ્રુવને તેના બદલામાં સ્કેમર્સ દ્વારા તગડું કમિશન ચૂકવવામાં આવતું હતું. જૂન મહિનામાં તેના સાથી કિશન રાજેશકુમાર પટેલને 63 મહિનાની જેલ ફટકારવામાં આવી હતી. ધ્રુવ અને કિશન વૃદ્ધોની ઓળખ કરી ફોન પર સંપર્ક કરી તેઓ સરકારી અધિકારી હોવાનો દાવો કરતા અને ધમકી આપતા કે તપાસ બંધ કરવા માટે તેમણે રોકડ અથવા સોનુ આપવું પડશે નહીંતર તેમને આર્થિક નુકસાન થશે.
જ્યોર્જિયામાં નશામાં અકસ્માત સર્જી મોત નિપજાવનાર સોનલ પટેલને 7 વર્ષની કેદ
જ્યોર્જિયાઃ અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટમાં શરાબના નશામાં કાર અકસ્માત સર્જી એક વ્યક્તિનું મોત નિપજાવનાર સોનલ પટેલને 7 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. સોનલ પટેલને કુલ 25 વર્ષની કેદ ફટકારવામાં આવી છે જેમાંથી 7 વર્ષ તેણે જેલમાં અને બાકીનો સમયગાળો પ્રોબેશન પર વીતાવવાનો રહેશે. ફેબ્રુઆરી 2024માં સોનલ પટેલે સર્જેલા અકસ્માતમાં ઓમર ઓર્ટિઝ નામની વ્યક્તિનું મોત થયું હતું. અકસ્માત સમયે સોનલ પટેલ શરાબના નશાની સાથે સાથે ટ્રાઝોડન નામના ડ્રગના નશામાં પણ હતા.
મિશિગનના ક્રિસ્ટલ લેકમાં ગુજરાતીની મોટેલને આગચંપી
ક્રિસ્ટલ લેકઃ મિશિગનના ક્રિસ્ટલ લેકમાં આવેલી ગુજરાતીની મોટેલને આગચંપી કરાઇ હતી. પોલીસે આ મામલામાં જેમ્સ રોવર નામના વ્યક્તિની ધરપકડ કરી છે. જેમ્સ રોવરે સુપર 8 મોટેલમાં જાણીજોઇને આગ લગાડી હતી. સદ્દનસીબે મોટેલના મેનેજર અને વર્કિંગ પાર્ટનર સેમ પટેલે તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી હતી. તેમની સમયસૂચકતાના કારણે મોટેલમાં જાનમાલનું નુકસાન અટકી ગયું હતું.
જ્યોર્જિયાઃ અમિત પટેલના હત્યારાની માહિતી આપનારને 20,000 ડોલરનું ઇનામ અપાશે
કોલંબસઃ અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના કોલંબસમાં વર્ષ 2021માં અમિત પટેલની ગોળી મારીને હત્યા કરાઇ હતી પરંતુ આટલો સમય વીતી ગયા છતાં એફબીઆઇ તેમના હત્યારાને શોધી શકી નથી. તેથી હવે એફબીઆઇએ અમિત પટેલના હત્યારાની માહિતી આપનારને 20,000 ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. 6 ડિસેમ્બર 2021ના રોજ અમિત પટેલ બેન્કમાં નાણા જમા કરાવવા ગયા ત્યારે બેન્કની બહાર લૂટના ઇરાદે તેમના પર ગોળીબાર કરાયો હતો. આ ઘટનામાં બે હત્યારા સામેલ હોવાની શંકા છે. અમિત પટેલ કોલંબસમાં ગેસ સ્ટેશન ધરાવતા હતા.
કુવૈતમાં લાયસન્સ વગર મેડિકલ પ્રેકટિસ કરતા ભારતીયની ધરપકડ, 3 ભારતીય દર્દી પણ ઝડપાયા
કુવૈતઃ કુવૈતમાં સુરક્ષા સત્તાવાળાઓએ લાયસન્સ વગર મેડિકલ ક્લિનિક ચલાવી રહેલા એક ભારતીયની ફારવાનિયા ખાતેથી ધરપકડ કરી હતી. તેના ક્લિનિકમાં સારવાર લઇ રહેલા 3 ભારતીયની પણ ધરપકડ કરાઇ હતી. આ લોકો સાથે સરકારી હેલ્થ સેન્ટરમાંથી દવાઓ ચોરીને ગેરકાયદેસર રીતે વેચતા અન્ય 4 લોકોની પણ ધરપકડ કરાઇ છે.
માલીમાં પાંચ ભારતીયનું અપહરણ
બામાકોઃ પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં પાંચ ભારતીયનું અપહરણ કરાયું છે. બામાકો ખાતેની ભારતીય એમ્બેસીએ જણાવ્યું હતું કે, અમે માલીને સત્તાવાળાઓ અને ભારતીયોને નોકરી પર રાખનાર કંપની સાથે મળીને અપહ્યતોની મુક્તિ માટે કામ કરી રહ્યાં છીએ. કોબરી શહેરમાં મુંબઇ સ્થિત કંપની અંતર્ગત આ ભારતીયો વીજળી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં હતાં. તમામ અપહ્યતો ભારતના તામિલનાડુના વતની છે.


