મેસેચ્યુસેટ્સમાં 40 વર્ષ નોકરી કરનાર બલબીરનું ફ્રેન્ચાઇઝી માલિકે અનોખું સન્માન કર્યું
મેસેચ્યુસેટ્સઃ મેસેચ્યુસેટ્સના મેકડોનાલ્ડમાં છેલ્લા 40 વર્ષથી જોબ કરનાર ભારતીય મૂળના બલબીર સિંહનું ફ્રેન્ચાઇઝ માલિક લિન્ડસે વોલિન દ્વારા અનોખુ સન્માન કરાયું હતું. બલબીરને લિમો કારમાં ફ્રેન્ચાઇઝી પર લાવવામાં આવ્યા હતા અને તેમના સ્વાગત માટે લાલ જાજમ બિછાવવામાં આવી હતી. વોલિને આટલા લાંબા વર્ષોની સેવા માટે બલબીરને પુરસ્કાર પેટે 40,000 ડોલર ભેટમાં આપ્યા હતા. વોલિને જણાવ્યું હતું કે, બલબીરે મારા પિતા બોબ કિંગ સાથે કામ શરૂ કર્યું હતું. 40 વર્ષમાં તેમણે અમારા આઉટલેટને આકાર આપવામાં હૃદયથી સહકાર આપ્યો હતો.
000000000000000
અલાબામામાં ગુજરાતી મોટેલ માલિકની હત્યા માટે અમેરિકનને આજીવન કેદ
કોલબર્ટ કાઉન્ટીઃ અમેરિકાના અલાબામા સ્ટેટની કોલબર્ટ કાઉન્ટીમાં મોટેલ માલિક પ્રવિણ પટેલની ગોળી મારી હત્યા કરનાર વિલિયમ મોર નામના અમેરિકનને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 8 ફેબ્રુઆરી 2024ના રોજ મોટેલમાં રૂમ લેવાના મામલે થયેલી તકરારમાં વિલિયમે પ્રવિણ પટેલ પર ગોળીબાર કરી હત્યા કરી નાખી હતી. માર્ચ 2024માં તેની સામે હત્યાના આરોપ ઘડાયા હતા પરંતુ તેણે અપરાધ કબૂલવાનો ઇનકાર કરી દેતાં તેની સામે ટ્રાયલ ચલાવવામાં આવી હતી. 22 ઓક્ટોબર 2025ના રોજ અદાલતે તેને દોષી ઠેરવ્યો હતો.
000000000000000
પાર્સલ કાંડઃ અમેરિકામાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થીની ધરપકડ
રહોડ આઇલેન્ડઃ અમેરિકાના રહોડ આઇલેન્ડના ન્યૂપોર્ટ ખાતેથી સમયગ દોશી નામના એક ગુજરાતી વિદ્યાર્થીની પાર્સલ કાંડમાં ધરપકડ કરાઇ છે. સમયગ ફ્રોડનો ભોગ બનેલા એક સીનિયર સિટિઝન પાસેથી કેશનું પાર્સલ લેવા આવ્યો તે સમયે પોલીસે ઝડપી લીધો હતો. સમયગ મેસેચ્યુસેટ્સના ડોર્ચેસ્ટરનો રહેવાસી છે. હાલ તેના પર વાયર ફ્રોડના આરોપ મૂકાયા છે. કોર્ટે તેને બોન્ડ આપવાનો ઇનકાર કરી દીધો હતો. ફ્રોડના વિક્ટિમ સ્કેમર્સને પહેલા 50,000 ડોલર આપી ચૂક્યા હતા. બીજી વધુ રકમ ચૂકવે તે પહેલાં પોલીસે બિછાવેલી જાળમાં સમયગ ઝડપાઇ ગયો હતો.
000000000000000
અમેરિકા-કેનેડા બોર્ડર પરથી ભારતમાં હત્યાના આરોપી વિશત કુમારની ધરપકડ
બફેલોઃ અમેરિકાના કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના અધિકારીઓએ અમેરિકા-કેનેડાની બોર્ડર પરથી 22 વર્ષીય ભારતીય વિશત કુમારની ધરપકડ કરી હતી. પોર્ટ ઓફ બફેલોના પીસ બ્રિજ બોર્ડર ક્રોસિંગ ખાતે ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસના કારણે વિશતને કેનેડામાં એન્ટ્રી અપાઇ નહોતી. વિશત કુમાર પર ભારતમાં હત્યાનો આરોપ છે. અમેરિકન સત્તાવાળાઓ હવે વિશતકુમારને દેશનિકાલની તૈયારી કરી રહ્યાં છે.
000000000000000
કેન્ટકીમાં શરાબના નશામાં કાર ચલાવતા ઝડપાયેલા મહેસાણાના યુવકને દેશનિકાલ કરાયો
બૂન કાઉન્ટીઃ અમેરિકાના કેન્ટકીની બૂન કાઉન્ટીમાં દારૂ પીને કાર ચલાવવાના આરોપસર ઝડપાયેલા મહેસાણાના સાંગણપુર ગામના યુવકને દેશનિકાલ કરી ભારત પરત મોકલી અપાયો છે. 19 નવેમ્બરના રોજ અમેરિકાથી દિલ્હી આવેલી 200 જેટલા દેશનિકાલ કરાયેલા ભારતીયો સાથેની આ ફ્લાઇટમાં આ શખ્સ પણ સામેલ હતો. મહેસાણાના આ યુવક પાસે લાયસન્સ ન હોવા છતાં કોમર્શિયલ વ્હિકલ ચલાવી રહ્યો હતો. નશામાં ધૂત થઇને તે જે વાહન ચલાવી રહ્યો હતો તેમાં ગેમિંગ મશીન લોડ કરેલા હતા. તેની સામે કેસ નોંધ્યા પછી તેને આઇસીઇને સોંપી દેવાયો હતો.
000000000000000
એપસ્ટિન ફાઇલમાં ભારતીય મૂળના લેખક દીપક ચોપરાનું પણ નામ સામે આવ્યું
વોશિંગ્ટનઃ સેક્સ સ્કેન્ડલ દ્વારા વિશ્વભરમાં કુખ્યાત જેફરી એપસ્ટિનની ફાઇલમાં ભારતીય મૂળના લેખક દીપક ચોપરાનું પણ નામ સામે આવ્યું છે. એપસ્ટિનની ડિજિટલ આર્ચિવ પરથી સામે આવ્યું છે કે ચોપરા અને એપસ્ટિન વચ્ચે સંદેશાવ્યવહાર થતો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ પર કેટી જ્હોન્સન નામની મહિલાએ બળાત્કારના આરોપ મૂકી દિવાની ખટલો દાખલ કર્યો હતો. તેણે આ ખટલો પાછો ખેંચી લીધા બાદ નવેમ્બર 2016માં એપસ્ટિન અને દીપક ચોપરા વચ્ચે આ મુદ્દે ઇ-મેઇલ દ્વારા વાતચીત થઇ હતી.
000000000000000
વરમોન્ટમાં ગુજરાતી સ્ટોર માલિક પીટર પટેલને દેશનિકાલ કરાશે
વરમોન્ટઃ અમેરિકાના વરમોન્ટમાં સ્ટોર ચલાવતા અને કોઇપણ પ્રકારના સ્ટેટસ વિના રહેતા ગુજરાતી પીટર પટેલની આઇસીઇ દ્વારા ધરપકડ કરાઇ છે. પીટર પટેલ પર અમેરિકા તેમજ ભારતમાં પણ કેટલાક અપરાધમાં સંડોવણીના આરોપ છે. 2019માં ગેરકાયદેસર રીતે અમેરિકા આવેલા પીટર પટેલને ડિસેમ્બર 2020માં જ દેશનિકાલનો આદેશ આપી દેવાયો હતો તેમ છતાં તેણે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેવાનું જ પસંદ કર્યું હતું.
000000000000000
કેનેડામાં કોકેન લૉયર તરીકે કુખ્યાત દીપક પરાડકરની ધરપકડ
ટોરન્ટોઃ કેનેડાના જાણીતા ડિફેન્સ લૉયર દીપક પરાડકરની તેમના ક્લાયન્ટ રાયન વેડિંગ વિરુદ્ધ સાક્ષી આપનારની હત્યામાં મદદ કરવા માટે ધરપકડ કરી હતી. પરાડકરને અમેરિકા ખાતે ડિપોર્ટ કરાય તેવી સંભાવના છે. દીપક પરાડકરના ક્લાયન્ટોમાં મોટાભાગના ડ્રગ માફિયા છે અને કેનેડામાં તેમને કોકેન લૉયર તરીકે ઓળખાય છે. દીપક પર એવો આરોપ છે કે વેડિંગ સામેના એફબીઆઇના કેસમાં સાક્ષી અંગેની માહિતી આપી હતી જેની કોલમ્બિયાના રેસ્ટોરન્ટમાં હત્યા કરી નાખવામાં આવી હતી.
000000000000000
કેનેડાના મિસિસાગાના ગુરસેવકની ડ્રગ સિન્ડિકેટ સાથે સાંઠગાંઠના આરોપસર ધરપકડ
મિસિસાગાઃ કેનેડાના મિસિસાગાના નિવાસી પંજાબી મૂળના ક્રાઇમ બ્લોગર ગુરસેવકસિંહ બાલની પૂર્વ ઓલિમ્પિક સ્નોબોર્ડર રાયન જેમ્સ વેડિંગની ડ્રગ સિન્ડિકેટ સાથે સાંઠગાંઠના આરોપસર ધરપકડ કરાઇ છે. કેનેડાની પોલીસે ઓપરેશન જાયન્ટ સ્લેલોમ અંતર્ગત દરોડા પાડી બાલ સહિત 7 કેનેડિયનની 19 નવેમ્બરના રોજ ધરપકડ કરી હતી. ઓન્ટારિયોના મિસિસાગાનો ગુરસેવક ડર્ટી ન્યૂઝ નામનું ન્યૂઝ આઉટલેટ ચલાવતો હતો અને વેડિંગ કેસના સાક્ષીઓના ફોટો જાણીજોઇને પોસ્ટ કરતો હતો જેથી તેમને શોધીને તેમની હત્યા કરી શકાય. આ માટે તેને નાણા ચૂકવાતા હતા.
000000000000000
સિડનીમાં કારે ટક્કર મારતા 8 માસની ગર્ભવતી ભારતીય મહિલાનું મોત
સિડનીઃ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં 14 નવેબરના રોજ કાર અકસ્માતમાં ભારતીય મૂળની 33 વર્ષીય ગર્ભવતી મહિલા સમનવિતા ધારેશ્વરનું મોત થયું હતું. સમનવિતા આઠ મહિનાની ગર્ભવતી હતી. તે અને તેનો પરિવાર સડક પાર કરી રહ્યાં હતાં ત્યારે એક કિયા કાર તેમને જોઇને અટકી ગઇ હતી પરંતુ પાછળથી આવેલી બીએમડબલ્યુ કારના ચાલકે કિયા કારને ટક્કર મારતાં સમનવિતાને ગંભીર ઇજાઓ થઇ હતી. હોસ્ટિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે આ મામલામાં 19 વર્ષીય એરોન પાપાઝોગલુ નામના યુવકની ધરપકડ કરી છે. મૂળ કર્ણાટકની સમનવિતા સિડનીમાં આઇટી પ્રોફેશનલ તરીકે જોબ કરતી હતી.
000000000000000


