શિકાગોમાં પિતાની હત્યાના આરોપસર ગુજરાતી યુવકની ધરપકડ
શિકાગોઃ શિકાગો નજીક આવેલા શામ્બર્ગમાં પિતાની હત્યા કરવાના આરોપસર 28 વર્ષીય ગુજરાતી યુવક અભિજિત પટેલની ધરપકડ કરાઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર અભિજિતે 67 વર્ષીય પિતા અનુપમ પટેલ સાથે કોઇ મામલે ઝગડો કરી ઢોર માર માર્યો હતો. કોઇએ પોલીસને જાણ કરતાં પોલીસ અને મેડિકલ ટીમ પહોંચી ત્યાં સુધીમાં અનુપમ પટેલનું મોત થઇ ચૂક્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર અનુપમનું મોત માથામાં બોથડ પદાર્થથી થયેલી ઇજાને કારણે થયું હતું.
----------------------------------------------------------------------------------------------------------------
ફ્લોરિડામાં વધુ એક ભારતીય પાર્સલ કાંડમાં દોષી ઠરાવાયો
ફલોરિડાઃ મિલિયનો ડોલરના પાર્સલ કાંડમાં અમેરિકાના ફ્લોરિડામાં ધરપકડ કરાયેલા 22 વર્ષીય ભારતીય અથર્વ સતાવણેને ફેડરલ જ્યુરી દ્વારા મની લોન્ડરિંગના આરોપસર દોષી ઠેરવાયો છે. ફ્રોડના પીડિત પાસેથી સોનુ અને કેશ લેવા જતી વખતે પોલીસે તેને ઝડપી લીધો હતો. ટેમ્પામાં રહેતા અથર્વએ ગેઇન્સવિલેના 83 વર્ષીય વૃદ્ધ પાસેથી બે લાખ ડોલરના ગોલ્ડ કોઇન લેતા 13 ફેબ્રુઆરીના રોજ ઝડપી લેવાયો હતો. અથર્વને ઓછામાં ઓછી 20 વર્ષ કેદની સજા થાય તેવી સંભાવના છે.
----------------------------------------------------------------------------------------------------------------
ઇલિનોઇસમાં સૈયદ મક્કીનું 8 મિલિયન ડોલરનું વાયર ફ્રોડ
શિકાગોઃ અમેરિકામાં 10 પીડિતો સાથે 8 મિલિયન ડોલરનું પાર્સલ ફ્રોડ કરનાર ઇલિનોઇસની મોર્ગન કાઉન્ટીમાં રહેતા ભારતીય સૈયદ મક્કીએ પોતાનો અપરાધ સ્વીકારી લીધો છે. પોલીસે 21 માર્ચ 2024ના રોજ સૈયદની ધરપકડ કરી હતી. વાયર ફ્રોડ આચરનાર સૈયદે પીડિતો પાસેથી સોનાની લગડીઓ અને સિક્કા પડાવી લીધા હતા.
-------------------------------------------------------------------------------------------------------------
અમેરિકન મહિલા પાસેથી 6.53 લાખ ડોલર પડાવી લેવાનો બે ગુજરાતી પર આરોપ
કેનોશા કાઉન્ટીઃ અમેરિકાના વિસ્કોન્સિન સ્ટેટની કેનોશા કાઉન્ટીની એક અમેરિકન મહિલા પાસેથી 6.53 લાખ ડોલર પડાવી લેવાના આરોપસર ચિંતન ઠક્કર અને જગદીશ નંદાણી નામના બે ગુજરાતી સામે કેસ દાખલ કરાયો છે. બંને આરોપી શિકાગો શહેરના રહેવાસી છે. બંને પર ચોરી અને મની લોન્ડરિંગના આરોપ મૂકાયા છે. પોલીસનો આરોપ છે કે બંનેએ મહિલા પાસેથી લાખો ડોલરનું સોનુ પડાવી લીધું છે.
---------------------------------------------------------------------------------------------------------------
મેઇનમાં ગૌતમ હરખાણીએ 2.61 લાખ ડોલરનું ગોલ્ડ સ્કેમ આચર્યું
લિન્કન કાઉન્ટીઃ મેઇન સ્ટેટની લિન્કન કાઉન્ટીમાં પાર્સલ કાંડમાં 35 વર્ષીય ગૌતમ હરખાણી નામના ગુજરાતીની ધરપકડ કરાઇ છે. તેના પર ફેડરલ વોરન્ટ સ્કેમમાં સામેલ હોવાનો આરોપ છે. ગૌતમે ખોટી ઓળખ આપીને સીનિયર સિટીઝન સાથે 2.61 લાખ ડોલરનું ગોલ્ડ સ્કેમ કર્યું હતું. ગૌતમ આ વ્યક્તિ પાસેથી ગોલ્ડનું પાર્સલ લેવા પહોંચ્યો ત્યારે પોલીસને તેની ધરપકડ કરી લીધી હતી.
-----------------------------------------------------------------------------------------------------------------
પેન્સિલ્વેનિયામાં ગેરકાયદેસર રહેતા 3 ગુજરાતીની ધરપકડ
પિટ્સબર્ગઃ પેન્સિલ્વેનિયાના પિટ્સબર્ગમાં છેલ્લા બે સપ્તાહમાં આઇસીઇ દ્વારા ગેરકાયદેસર રહેતા એક મહિલા સહિત 3 ગુજરાતીની ધરપકડ કરાઇ છે. ત્રણે મૂળ ઉત્તર ગુજરાતના વતની છે અને બેથી 3 વર્ષ પહેલાં ગેરકાયદેસર રીતે અમેરિકા આવ્યા હતા. બે વ્યક્તિ સ્ટોરમાં કામ કરતા હતા ત્યારે આઇસીઇ દ્વારા પડાયેલી રેડમાં ઝડપાઇ ગયા હતા. અન્ય એક ગુજરાતી જોબ કરીને ઘેર જઇ રહ્યો હતૌ ત્યારે તેને ઝડપી લેવાયો હતો.


