યુ-ટ્યુબના નીલ મોહનને ટાઇમ સીઇઓ ઓફ ધ યર જાહેર કરાયા
ન્યૂયોર્કઃ યુટ્યુબના સીઇઓ નીલ મોહનને ટાઇમ સીઇઓ ઓફ ધ યર તરીકે પસંદ કરાયા છે. ટાઇમે તેના પોર્ટલ પર જણાવ્યું હતું કે, નીલ મોહન આ દુનિયામાં સૌથી વધુ ધ્યાન ભટકાવવા માટે જવાબદાર મશીનના પાયલટ છે તો અત્યંત શાંત સ્વભાવના અને સમજી વિચારીને નિર્ણય લેનાર વ્યક્તિ છે. ભારતીય મૂળના નીલ મોહનનો જન્મ અમેરિકાના ઇન્ડિયાનામાં થયો હતો. તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સ્નાતક અને એમબીએના અનુસ્નાતક છે. નીલ મોહન વર્ષ 2023થી યુટ્યુબના સીઇઓ તરીકે નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે કારકિર્દીની શરૂઆત વર્ષ 2008માં ગૂગલથી કરી હતી.
000000000000000000
વધુ એક ભારતીય ટ્રક ડ્રાઇવરે અકસ્માત સર્જતાં અમેરિકન દંપતીનું મોત
ઓરેગોનઃ અમેરિકાના ઓરેગોન સ્ટેટમાં વધુ એક ભારતીય ટ્રક ડ્રાઇવરે સર્જેલા અકસ્માતમાં એક નવપરણિત દંપતીનું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર 32 વર્ષીય રાજિન્દર કુમાર ગેરકાયદેસર રીતે અમેરિકા આવ્યો હતો અને કેલિફોર્નિયામાંથી ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવ્યું હતું. 24 નવેમ્બરના રોજ રાજિન્દરની ટ્રકે ટક્કર મારતાં વિલિયમ કાર્ટર અને જેનિફર લોઅરના મોત થયાં હતાં. અમેરિકામાં આ વર્ષમાં 4 ભારતીય ટ્રક ડ્રાઇવર અકસ્માત સર્જી ચૂક્યાં છે.
000000000000000000
હિપેટાઇટિસ સી નાબૂદીમાં યોગદાન માટે ડો. જગપ્રીત છઠ્ઠવાલને ઇમ્પેક્ટ એવોર્ડ
વોશિંગ્ટનઃ મોહાલીના મૂળ વતની એવા ડો. જગપ્રીત છઠ્ઠવાલને અમેરિકામાં હિપેટાઇટિસ સી રોગ નાબૂદ કરવામાં યોગદાન માટે પ્રોફેશનલ સોસાયટી ફોર હેલ્થ ઇકોનોમિક્સ એન્ડ આઉટકમ્સ રિસર્ચ દ્વારા ઇમ્પેક્ટ એવોર્ડથી સન્માનિત કરાયા છે. જાહેર આરોગ્યમાં સુધારા અને નીતિ ઘડતરમાં હેલ્થ ઇકોનોમિક્સના યોગદાન માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. છઠ્ઠવાલે જણાવ્યું હતું કે, આ પ્રકારના યોગદાનથી રાષ્ટ્રીય આરોગ્ય લક્ષ્યાંકો હાંસલ કરીને જીવનો સુધારી શકાય છે.
000000000000000000
વોશિંગ્ટનમાં મેડિકેર ફ્રોડ આચરનાર મોહમ્મદ આસિફને બે વર્ષની કેદ
વોશિંગ્ટનઃ વોશિંગ્ટન સ્થિત ડાયગ્નોસ્ટિક લેબ દ્વારા મલ્ટી-મિલિયન ડોલરનું મેડિકેર ફ્રોડ આચરનાર ભારતીય નાગરિક મોહમ્મદ આસિફને બે વર્ષની કેદ ફટકારવામાં આવી છે. 10 એપ્રિલ 2025ના રોજ આસિફ શિકાગોના ઓ-હેર વિમાની મથકથી દેશ છોડીને ફરાર થાય તે પહેલાં ઝડપી લેવાયો હતો. આસિફને અદાલત દ્વારા 11,74,813 ડોલરની પેનલ્ટી પણ કરાઇ છે. સજા પૂરી થયા બાદ તેને અમેરિકામાંથી દેશનિકાલ કરાશે.
000000000000000000
આલ્બનીમાં મકાનમાં આગ ફાટી નીકળતા ભારતીય વિદ્યાર્થિનીનું મોત
ન્યૂયોર્કઃ ન્યૂયોર્ક સ્થિત ભારતીય મિશનના જણાવ્યા અનુસાર આલ્બનીમાં ઘરમાં આગ લાગતાં 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થિનીનું મોત થયું હતું. સહજ રેડ્ડી ઉડુમાલા નામની ભારતીય વિદ્યાર્થિની માસ્ટર ડિગ્રી માટે અભ્યાસ કરી રહી હતી. ભારતીય કોન્સુલ જનરલે જણાવ્યું હતું કે, આલ્બનીમાં ઘરમાં આગ લાગવાના કારણે સહજનું મોત અત્યંત દુઃખદાયક છે. આ મુશ્કેલ સમયમાં અમે તેના પરિવારની સાથે છીએ અને તમામ પ્રકારની સહાય કરી રહ્યાં છીએ. આલ્બની પોલીસના જણાવ્યા અનુસાર 4 ડિસેમ્બરના રોજ મકાનમાં આગ ફાટી નીકળતાં આખું મકાન ખાક થઇ ગયું હતું. આગમાં સહજ ગંભીર રીતે દાઝી ગઇ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાઇ હતી પરંતુ તેનું મોત થયું હતું.
000000000000000000
પાર્સલ કાંડઃ મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીનો ભારતીય વિદ્યાર્થી ઝડપાયો
મેસેચ્યુસેટ્સઃ રહોડ આઇલેન્ડમાં એક વૃદ્ધો સાથે ફ્રોડ કરવાના આરોપસર સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા આવેલા વધુ એક 25 વર્ષીય ભારતીયની ધરપકડ કરાઇ છે. મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા સમ્યગ ઉદય દોશીની એક વૃદ્ધ પાસેથી રોકડ અને સોનુ લેતી વેળાએ ધરપકડ કરાઇ હતી. આમ અમેરિકામાં ચાલી રહેલા પાર્સલ કાંડમાં વધુ એક ભારતીય ઝડપાયો છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે, તે પહેલીવાર જ નાણા લેવા આવ્યો હતો પરંતુ પોલીસને તેના ફોનમાંથી પુરાવા મળી આવ્યા હતા. તે ચારથી પાંચ વાર આ રીતે નાણા લઇ ચૂક્યો છે અને તેને પ્રત્યેક વખતે 500 ડોલર ચૂકવાયા હતા.
000000000000000000
ઓસ્ટ્રેલિયન મહિલાની હત્યા માટે ભારતીય મૂળનો નર્સ રાજવિન્દર દોષી
ક્વીન્સલેન્ડઃ ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં એક ઓસ્ટ્રેલિયન મહિલાની હત્યા માટે ભારતીય મૂળના પૂર્વ નર્સને દોષી ઠેરવાયો છે. 22 ઓક્ટોબર 2018ના રોજ તોયાહ કોર્ડિંગ્લીનો મૃતદેહ દરિયા કિનારા પર રેતીના ઢગલામાં અડધો દટાયેલો મળી આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજવિન્દર સિંહ દરિયા કિનારા પર ગયો હતો ત્યારે ત્યાં કોર્ડિંગ્લીનો શ્વાન તેની તરફ ભસતા બંને વચ્ચે તકરાર થઇ હતી. તકરારમાં રાજિન્દરે કોર્ડિંગ્લીની હત્યા કરી નાખીને તેનો મૃતદેહ રેતીથી ઢાંકી દીધો હતો. કેઇર્ન્સ સુપ્રીમ કોર્ટે રાજવિન્દરને હત્યા માટે દોષી ઠેરવ્યો હતો.
000000000000000000
કેનેડાના સંદિપસિંહે ભારત સરકાર પર 9 મિલિયન ડોલરનો બદનક્ષીનો દાવો માંડ્યો
ટોરન્ટોઃ કેનેડામાં લાંબા સમય સુધી બોર્ડર સર્વિસ એજન્સીમાં સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવનાર સંદિપસિંહ સિદ્ધુએ ભારત સરકાર પર 9 મિલિયન ડોલરનો બદનક્ષીનો દાવો માંડ્યો છે. સંદિપસિંહનો આરોપ છે કે ભારત સરકાર દ્વારા મારી વિરુદ્ધ ચલાવાયેલા ગેરમાર્ગે દોરતા અભિયાનના કારણે મારી કારકિર્દી ખોરવાઇ ગઇ હતી અને મારા જીવન પર પણ જોખમ સર્જાયું હતું. સંદિપે ઓન્ટારિયો સુપિરિયર કોર્ટમાં આ દાવો દાખલ કર્યો છે. તેમનો આરોપ છે કે ભારતીય સત્તાવાળાઓએ ખોટી રીતે મે ભાગેડુ આતંકવાદી તરીકે ચિતર્યો હતો. ભારત સરકારે સંદિપસિંહના આરોપો નકારી કાઢ્યાં છે.
000000000000000000


