એન્ટીવાઇરસ સોફ્ટવેર McAfeeના પ્રણેતાની જેલમાં આત્મહત્યા

સ્ત્રીસંગ, રોમાંચ, રોમાન્સ અને રહસ્યના આશિક તરીકે ઓળખ

Wednesday 30th June 2021 06:51 EDT
 
 

બાર્સેલોનાઃ સુપ્રસિદ્ધ કમ્પ્યૂટર એન્ટિવાઇરસ સોફ્ટવેર McAfeeના સ્થાપક જ્હોન મેકેફીએ સ્પેનના બાર્સેલોનાની જેલમાં આત્મહત્યા કરી લીધી છે. સ્પેનની એક કોર્ટે ૨૩ જૂને કરચોરીના એક કેસમાં ૭૫ વર્ષના મેકેફીનું અમેરિકા પ્રત્યર્પણ કરવાનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાથી પરેશાન મેકેફીએ જેલમાં પોતાની બેરેકમાં આત્મહત્યા કરી લીધી હતી. ૭૫ વર્ષના જ્હોન તેની કોટડીમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. અહેવાલો અનુસાર જો અમેરિકામાં જો તે દોષિત સાબિત થયા હોત તો તેને ૩૦ વર્ષની જેલની સજા થઈ શકે તેમ હતી. નોંધનીય છે કે મેકેફી ઓક્ટોબર ૨૦૨૦થી સ્પેનની જેલમાં કેદ હતા. મેકેફી ઉપર બેલીઝમાં પોતાના અમેરિકન પડોશીની હત્યા કરવાનો પણ આરોપ હતો, જોકે આ આરોપ અદાલતમાં સાબિત થયો નહોતો.
મેકેફી હંમેશાં પોતાને દુનિયાથી અલગ વ્યક્તિ માનતા હતા. એક સમયે સાવ સાધારણ જીવન પસાર કરનાર કમ્પ્યૂટર જિનિયસ મેકેફી પોતાની સોફ્ટવેર પ્રોડક્ટ ઈન્ટેલને વેચ્યા બાદ સાવ વ્યાભિચારી જીવન જીવી રહ્યા હતા. તેમણે પોતાના વિશાળ મકાનમાં અનેક મહિલાઓ રાખી હતી. તે પોતાને મહિલાઓ, રોમાંચ, રોમાન્સ અને રહસ્યનો પ્રેમી ગણાવતો હતો.
૨૦૧૪થી વિવાદોમાં આવવાનું શરૂ થઈ ગયું હતું
જાણકારોના મતે મેકેફી સામે કરચોરી કરવાના આરોપો મુકાવા લાગ્યા હતા. તેમણે પોતાની આવક ઉપર અમેરિકામાં ટેક્સ ભરવાનો વિરોધ કર્યો હતો. તેણે પોતાની લાઈફસ્ટોરી વેચી અને તેના દ્વારા થયેલી આવક ઉપર પણ કોઈ ટેક્સ ભર્યો નહોતો. ૨૦૧૮ સુધી તેની અનેક આર્થિક ગતિવિધિઓ અંગે અમેરિકી તંત્ર તપાસ કરતું હતું. તેને અનેક કેસમાં આરોપી માનવામાં આવતા હતા પણ તેની સામે નક્કર પુરાવા મળતા નહોતા. જોકે ૨૦૧૯માં પાડોશીની હત્યાના કેસમાં મેકેફી ભાગેડુ જાહેર થયા હતા અને ત્યારથી નાસતા ફરતા હતા.
અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું
અમેરિકી કાયદા અને ટેક્સ સિસ્ટમનો વિરોધ કરનારા મેકેફી એક સમયે અમેરિકી પ્રમુખ બનવા માગતા હતા. તેમણે બે વખત આ માટે પ્રયાસ કર્યા હતા. તેણે રાજકીય પક્ષો સાથે જોડાણ કરવા ઉપરાંત મોટા પાયે ફંડિંગ પણ મેળવ્યું હોવાની ચર્ચા છે. ૨૦૧૬માં તેણે લિબર્ટેરિયન પાર્ટીની પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ભાગ લીધો હતો. તે પોતાને ક્રિપ્ટો કરન્સીનો વિશ્વ ગુરુ સમજતો હતો. તેણે એક જ દિવસમાં એક ડોલરના ૨૦૦૦ ડોલર કરી દેવાની વાતો પણ કરી હતી. આ ઉપરાંત તે યોગ, અલ્ટ્રાલાઈટ એરક્રાફ્ટ, હર્બલ દવાઓ સાથે પણ સંકળાયેલો હતો. અમેરિકી તંત્રમાં અનેક સ્તરે સુધારા કરવાની તેણે હિમાયત કરી હતી.
મેકેફીની ડિસેમ્બર ૨૦૧૯ની ટ્વિટ વાઇરલ
મેકેફીના મોત બાદ તરત તેમની ડિસેમ્બર ૨૦૧૯ની એક ટ્વિટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ હતી. જ્હોને પોતાના જમણા હાથ પર કરાવવામાં આવેલા એક ટેટુનો ફોટો શેર કરીને લખ્યું હતું કે, જો મેં આત્મહત્યા કરી લીધી તો માની લેજો કે તે મેં નથી કરી. મારા પર પ્રહાર કરવામાં આવ્યો હશે. મારો જમણો હાથ ચેક કરો. તેણે જણાવ્યું હતું કે, અમેરિકી સરકાર મને ખોટા આરોપોમાં ફસાવીને લાંબી સજા કરવા માગે છે. તેઓ દુનિયા સામે એક ઉદાહરણ મૂકવા માગે છે.
પિતાની આત્મહત્યા અંગે જાણીને આઘાત લાગ્યો હતો
મેકેફીને પોતાના પિતાના મોત બાદ જાણવા મળ્યું હતું કે, તેના મિલિટરી વેટર્ન પિતાએ આત્મહત્યા કરી લીધી હતી. આલ્કોહોલની સખત આદત ધરાવતા તેના પિતા સતત ડિપ્રેશનમાં રહેતા હતા. મેકેફી ૧૫ વર્ષના હતા ત્યારે તેના પિતાએ આત્મહત્યા કરી હતી. મેકેફીને આ વાતનો ખૂબ જ આઘાત લાગ્યો હતો.
મેકેફીનું મોત શંકાસ્પદઃ પરિવારનો આક્ષેપ
સ્પેનના સત્તાવાળાઓએ જણાવ્યું છે કે એક જજે જ્હોન મેકેફીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનો આદેશ કર્યો છે. કેટાલોનિયા રિજનની કોર્ટના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે મૃત્યુનું સાચું કારણ જાણવા ફોરેન્સિક ટીમે મેકાફીના બોડી પર ટોક્સિકોલોજી ટેસ્ટ કરવો પડશે અને તેનું પરિણામ આવવામાં દિવસો કે સપ્તાહો લાગી શકે છે. જોકે સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે સ્થળ પરની તમામ બાબતો અને પ્રાથમિક તપાસ નિર્દેશ કરે છે કે મેકેફીએ આત્મહત્યા જ કરી છે.
દરમિયાન મેકેફીના સ્પેનિશ લોયર જેવિયર વિલાલ્બાએ જણાવ્યું હતું કે ઉદ્યોગપતિનું મોત તેની પત્ની અને અન્ય સંબંધીઓ માટે આશ્ચર્યજનક છે અને તે પોતાના ક્લાયન્ટના મોતની ઘટનામાં છેક તળિયા સુધી જશે. તેણે જણાવ્યું હતું કે આ ઘટના જાણે તેના પરિવાર
અને તેનો બચાવ કરતી ટુકડી પર ઠંડું પાણી રેડવા જેવી છે.
સેક્સ વર્કરને એક રાત માટે હાયર કરી અને પછી લગ્ન કરી લીધા
વિશ્વની બહુચર્ચિત કમ્પ્યૂટર એન્ટિવાયરસ કંપની મેકેફીના સ્થાપક જ્હોન મેકેફીએ જેલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જોન મેકેફી અને તેમની પત્ની લક્ઝુરિયસ અને ગ્લેમરસ લાઇફસ્ટાઇલ માટે જાણીતા હતા. જ્હોન મેકેફીએ એક કોલગર્લ સાથે પણ લગ્ન કર્યા હતા. તે તેમના ત્રીજા લગ્ન હતા.
૭૫ વર્ષના જ્હોન મેકેફી તેમની ૩૪ વર્ષની પત્ની જેનિસ ડાયસનને પહેલી વાર ત્યારે મળ્યા હતા કે જ્યારે એક રાત સાથે વીતાવવા જેનિસને કોલગર્લના રૂપમાં પોતાની પાસે બોલાવી હતી. એક કાર્યક્રમમાં તેમણે ખુદે આ વાતની સ્પષ્ટતા કરી હતી.
જોન મેકેફીએ જેનિસ ડાયસનને ગ્વાટેમાલાથી અમેરિકા હદપાર થયાના એક દિવસ પછી મિયામી બીચ કાફે ખાતે એક દિવસ અને એક રાત સાથે રહેવા બોલાવી હતી. આ પછી વર્ષ ૨૦૧૩માં જ્હોન મેકેફીએ જેનિસ ડાયસન સાથે લગ્ન કરી લીધા હતા. તે પછી ડાયસને પણ પોતાની અટક બદલીને મેકેફી કરી દીધી હતી. તેમની પત્નીએ આ વિષયે જણાવ્યું હતું કે તે ઘટના જાદુ જેવી હતી. જ્હોન મેકેફીએ જેનિસને એક હિંસક દલાલ અને યૌન દાણચોરથી એટલા માટે બચાવી લીધી હતી કે જેથી તે તેના દૂર થઇ ગયેલા પુત્ર સાથે રહીને જીવનની નવી શરૂઆત કરી શકે. જ્હોન મેકેફીના પત્નીએ પોતે આ સ્પષ્ટતા કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter