એપલમાં ટીમ કૂકનો યુગ પૂરો, હવે જ્હોન ટર્નસ સુકાન સંભાળશે

Saturday 02nd May 2026 06:52 EDT
 
 

કેલિફોર્નિયા: દુનિયામાં સૌથી લોકપ્રિય સ્માર્ટફોન આઈફોનનું નિર્માણ કરતી કંપની એપલના સીઈઓ 65 વર્ષના ટીમ કૂકે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જોકે, તેઓ આગામી પહેલી સપ્ટેમ્બર સુધી હોદ્દા પર ચાલુ રહેશે. આ સાથે એપલમાં દોઢ દસકા લાંબો ટીમ કૂક યુગ પૂરો થશે. ટીમ કૂકના અનુગામી તરીકે હાર્ડવેર ડિવિઝનના વડા જ્હોન ટર્નસની નિમણૂક કરાઇ છે. ટર્નસના સીઈઓ બનવા સાથે ટીમ કૂકને એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવાશે.
એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સના નિધનના પગલે ટીમ કૂકે વર્ષ 2011માં કંપનીનું સીઈઓ પદ સંભાળ્યું હતું, તેમના નેતૃત્વમાં એપલે અનેક સિદ્ધિઓ હાંસલ કરી હતી. કૂકના કાર્યકાળમાં એપલની માર્કેટ કેપ 20 ગણાથી વધુ વધી છે. કંપની હાલમાં 4 લાખ કરોડ ડોલરની માર્કેટ કેપ સુધી પહોંચી છે. તેમણે આઈફોન સહિત સ્માર્ટફોનના ઉત્પાદન માટે ચીન પરની નિર્ભરતા ઘટાડીને તેને ભારત જેવા દેશોમાં કેન્દ્રિત કરી હતી. એપલમાં 65 વર્ષના ટીમ કુકનું સ્થાન જોન ટર્નસ લેશે, જેઓ કંપનીના હાર્ડવેર એન્જિનિયરિંગ વિભાગના પ્રમુખ છે. છેલ્લા પાંચ વર્ષથી આઈફોન, આઈપેડ અને મેકમાં ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજીના મેઈન્ટેનન્સના કારણે તેઓ સીઈઓની ભૂમિકા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ટર્નસ 1 સપ્ટેમ્બરથી સીઈઓની જવાબદારી સંભાળશે. હાલ હાર્ડવેર વિભાગના પ્રમુખ ટર્નસ એપલના આઠમા સીઈઓ બનશે.
એપલના જણાવ્યા મુજબ ટીમ કૂક આગામી આગામી સીઈઓ ટર્નસ સાથે મળીને સુનિશ્ચિત કરશે કે કંપનીમાં લીડરશિપનું પરિવર્તન સરળતાથી પૂરું થાય. ટીમ કૂકે 2011માં સહ-સ્થાપક સ્ટીવ જોબ્સના મૃત્યુના થોડાક સમય પહેલા જ કંપનીનું સુકાન સંભાળ્યું હતું.
એક રિપોર્ટ મુજબ ગયા વર્ષે કૂકને કુલ 74.6 મિલિયન ડોલર પગાર ચૂકવાયો હતો, જેમાં 3 મિલિયન ડોલરના બેઝિક પગાર અને લાખો ડોલરના સ્ટોક એવોર્ડનો સમાવેશ થાય છે. ‘ફોર્બ્સ’ના રિપોર્ટ મુજબ ટીમ કૂકની સંપત્તિ લગભગ 3 બિલિયન ડોલર જેટલી છે.
એપલે હાર્ડવેર વિભાગના વડા જ્હોન ટર્નસના અનુગામીની પણ જાહેરાત કરી દીધી છે. આરબ-ઈઝરાયલી જ્હોની શ્રોજી ટર્નસનું સ્થાન લેશે. એટલે કે હવે આઈફોન, આઈપેડ, મેક અને આગામી બધા હાર્ડવેર ઉત્પાદનોનું સુકાન તે સંભાળશે. આ માત્ર પ્રમોશન નહીં, પરંતુ એપલની સંપૂર્ણ હાર્ડવેર વ્યૂહરચનામાં મોટું પરિવર્તન છે. 2008માં એપલ સાથે જોડાયેલા જ્હોની શ્રોજીએ અત્યાર સુધીમાં કંપનીના મહત્વના ટેક્નોલોજી ટ્રાન્ઝિશનનું નેતૃત્વ કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter