રોમઃ ઇટાલીનાં 92 વર્ષીય એમ્મા મારિયા માઝેંગા વિશ્વનાં સૌથી વૃદ્ધ મહિલા દોડવીરોમાંનાં એક છે. 90 વર્ષથી વધુ ઉંમરનાં વર્ગમાં તેમના નામે ચાર વિશ્વ રેકોર્ડ છે. વિજ્ઞાનીઓ હવે તેમના સ્નાયુઓ, ચેતાતંત્ર અને કોષોના માઇટોકોન્ડ્રિયાની તપાસ કરી રહ્યા છે, જેથી તેઓ આ ઉમરે પણ કેવી રીતે દોડી શકે છે તે સમજી શકે. એમ્માએ ગત વર્ષે 200 મીટરની દોડ 51.47 સેકન્ડમાં પૂર્ણ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. એક મહિના પછી તેમણે પોતાનો જ રેકોર્ડ એક સેકન્ડથી તોડી નાંખ્યો. બન્ને વખત તેઓ એકમાત્ર સ્પર્ધક હતાં. વિજ્ઞાનીઓના મતે, એમ્માની કાર્ડિયો-રેસ્પિરેટરી ફિટનેસ 50 વર્ષની વ્યક્તિ જેવી છે અને તેના સ્નાયુઓનો માઇટોકોન્ડ્રિયા 20 વર્ષની વ્યક્તિની જેમ કામ કરી રહ્યાં છે.
વિજ્ઞાનીઓની નજરે તેઓ સંશોધન માટે ‘પરફેક્ટ સબ્જેક્ટ’ છે. ઇટાલી અને અમેરિકાના વિજ્ઞાનીઓ સંયુક્ત રીતે એમ્માની ફિટનેસનો અભ્યાસ કરી રહ્યા છે. રિસર્ચર માર્ટા કોલોસિયોએ જણાવ્યું હતું કે તેમણે ક્યારેય 90 વર્ષની વ્યક્તિને એમ્મા જેવી ફિટનેસ ધરાવતી જોઇ નથી. પવિયા યુનિવર્સિટીના પ્રોફેસર સિમોન પોર્સેલીએ એમ્માને તેમના સ્ટડી માટે પરફેક્ટ સબ્જેક્ટ ગણાવ્યો હતો. એમ્મા ખુદ જૈવિક વિજ્ઞાનના વિદ્યાર્થી રહી ચૂક્યાં છે અને નિવૃત્ત વિજ્ઞાન શિક્ષિકા છે. તેઓ આજે પણ સાયન્ટિફિક જર્નલો વાંચે છે. 
સ્નાયુ પરીક્ષણમાં આશ્ચર્યજનક પરિણામો
વિજ્ઞાનીઓએ એમ્માના જાંઘના સ્નાયુમાંથી એક નાનો નમૂનો લીધો અને તેને અમેરિકા મોકલ્યો. તપાસમાં જાણવા મળ્યું કે તેના ઝડપી - ટ્વિચ મસલ ફાઇબર્સ (જે ગતિ સાથે સંબંધિત છે) 70 વર્ષની સ્વસ્થ વ્યક્તિ જેવા છે. જ્યારે તેના સ્લો-વિચ મસલ ફાઇબર્સ (જે સહનશક્તિ સાથે સંબંધિત છે) તો 20 વર્ષના યુવાન જેવા છે. તેમના સ્નાયુઓમાં બ્લડ ફ્લો, ચેતાતંત્રના જોડાણો પણ ખૂબ મજબૂત છે. એમ્માએ 19 વર્ષની ઉમરે દોડવાનું શરૂ કર્યું. લગ્ન અને બાળકો પછી, તેમણે 25 વર્ષનો વિરામ લીધો અને 53 વર્ષની ઉંમરે ફરીથી દોડવાનું શરૂ કર્યું હતું.
એમ્માની ફિટનેસનું રહસ્ય
નેધરલેન્ડ્સના પ્રોફેસર બાસ વેન હૂરેનના મતે, નિયમિત કસરત દ્વારા વૃદ્ધત્વની અસરોને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. તેમણે જે ખેલાડીઓનો અભ્યાસ કર્યો હતો તે બધાએ મધ્યમ વયમાં તાલીમ શરૂ કરી હતી. એમ્મા કહે છે કે નિયમિત રમતગમત અને સંતુલિત દિનચર્યાએ મને ઘણું આપ્યું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન એજિંગના સાયન્ટિફિક ડાયરેક્ટર લુઈગી ફેરુચીએ કહ્યું કે માનસિક સક્રિયતા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.


