ન્યૂ યોર્કઃ અમેરિકાના દિગ્ગજ ઉદ્યોગપતિ એલન મસ્કે ઇતિહાસ રચ્યો છે. 500 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવનાર તેઓ પ્રથમ વ્યક્તિ બની ગયા છે. ટેસ્લાના શેરોમાં તેજી તથા તેમની ટેક કંપનીઓ - એક્સ એઆઈ અને સ્પેસએક્સના મૂલ્યાંકનમાં થયેલા વધારાના પગલે મસ્ક આ સિમાચિહ્ન હાંસલ કરી શક્યા છે.
ફોર્બ્સ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, મસ્કની નેટવર્થ 499.5 બિલિયન ડોલર હતી. ટેસ્લાના શેર પહેલી ઓક્ટોબરે લગભગ 4 ટકા વધ્યા, જેનાથી મસ્કની નેટવર્થ 9.3 બિલિયન ડોલર વધી હતી.
એપ્રિલમાં મસ્કે જાહેરાત કરી હતી કે તેઓ ટેસ્લા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)માંથી રાજીનામું આપશે. ત્યારથી, ટેસ્લાના શેર લગભગ બમણા થઈ ગયા છે. કંપનીનું બજાર મૂલ્ય હવે ડિસેમ્બરના ટોચના સ્તરથી માત્ર 10 ટકા નીચે છે. મસ્ક ટેસ્લામાં 12 ટકા હિસ્સો ધરાવે છે, જેનું મૂલ્ય 191 બિલિયન ડોલર છે. સપ્ટેમ્બરમાં ટેસ્લાના બોર્ડે મસ્ક માટે નવા પગાર પેકેજને મંજૂરી આપી હતી. આ એક રેકોર્ડબેક ઓફર છે. જો ટેસ્લા આગામી 10 વર્ષમાં તેનું બજાર મૂલ્ય આઠ ગણું વધારશે, તો મસ્કને 1 ટ્રિલિયન ડોલરના શેર મળી શકે છે.
મસ્કની વિશાળ નેટવર્થ ફક્ત ટેસ્લા પાસેથી જ આવતી નથી. તેમની રોકેટ કંપની, સ્પેસએક્સે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. 2002માં શરૂ થયેલી આ કંપનીનું મૂલ્ય ઓગસ્ટમાં એક ખાનગી સોદામાં 400 બિલિયન ડોલર હતું. ડિસેમ્બરમાં, તે 350 બિલિયન ડોલર થયું હતું. મસ્ક કંપનીમાં 42 ટકા હિસ્સો ધરાવે છે, જેનું મૂલ્ય 168 બિલિયન ડોલરનું છે.
બીજી કંપની. xAI હોલ્ડિંગ્સે પણ મસ્કની નેટવર્થમાં વધારો થયો છે. તેની રચના માર્ચમાં કરવામાં આવી હતી. મસ્ક તેની AI કંપની XAI અને સોશિયલ મીડિયા કંપની X (અગાઉ ટ્વિટર) ને મર્જ કરી હતી. નવી એન્ટિટીનું મૂલ્ય 113 બિલિયન ડોલરનું હતું. મસ્ક તેમાં 53 ટકા હિસ્સો ધરાવે છે, જેનું મૂલ્ય લગભગ 60 બિલિયન ડોલર હતું.
શું મસ્ક એક ટ્રિલિયન ડોલર સુધી પહોંચશે?
ફોર્બ્સ અનુસાર, જો મસ્ક આ ગતિએ આગળ વધશે, તો તે માર્ચ 2033 પહેલા વિશ્વનો પ્રથમ ટ્રિલિયન ડોલરનો વ્યક્તિ બની શકે છે. આ સમયે ટેસ્લાનું નવું 1 ટ્રિલિયન ડોલરનું પગાર પેકેજ શરૂ થશે. મસ્કે કહ્યું છે કે પુરસ્કાર પૈસા વિશે નથી, પરંતુ ધ્યેય વિશે છે. જો મસ્કની કંપનીનો આ રીતે જ પ્રગતિ કરતી રહેશે તો 2033 સુધીમાં મસ્ક ટ્રિલિયન ડોલરની સંપત્તિ ધરાવનાર પ્રથમ વ્યક્તિ બની શકે છે. જો કે તેમની પ્રગતિનો આધાર ટેક્નોલોજી પર રહેલો છે. જો અન્ય કંપનીઓની સ્પર્ધા નડશે તો તેમને તકલીફ પડી શકે છે.
મસ્કની સંપત્તિ યાત્રા
માર્ચ 2020: સંપત્તિ 24.6 બિલિયન ડોલર
ઓગસ્ટ 2020ઃ 100 બિલિયન ડોલરના ક્લબમાં, આમ કરનાર પાંચમા વ્યક્તિ બન્યા
જાન્યુ. 2021: 190 બિલિયન ડોલરની સંપત્તિ સાથે પ્રથમ વખત વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા
સપ્ટે. 2021: 200 બિલિયન ડોલરનો આંકડો વટાવી ગયો
નવે. 2021: 300 બિલિયન ડોલર સુધી પહોંચ્યો
ડિસે. 2024: 400 બિલિયન ડોલરની કુલ સંપત્તિ હાંસલ કરી
ઓક્ટો. 2025: 500 બિલિયન ડોલરની નજીક. આમ કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા