એલિયન અંગે સ્પેસમાંથી ભેદી સિગ્નલ મળ્યા

સ્ટીફન હોકિંગના પ્રોજેક્ટમાં ગુજરાતી વિજ્ઞાનીને પણ સ્થાન

Tuesday 05th September 2017 14:18 EDT
 
 

લંડનઃ પરગ્રહવાસીઓનું અસ્તિત્વ છે કે નહીં શોધવા માટે જગવિખ્યાત વિજ્ઞાની સ્ટીફન હોકિંગે બે વર્ષ પૂર્વે શરૂ કરેલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને પ્રથમવાર મોટી સફળતા મળી છે. પ્રોજેક્ટમાં કાર્યરત વિજ્ઞાનીઓને સ્પેસમાં ત્રણ અબજ પ્રકાશવર્ષ દૂરથી ૧૫ જેટલા ભેદી રેડિયો સિગ્નલ મળ્યાં છે. ‘બ્રેકથ્રુ લિસન પ્રોજેક્ટ’ નામના આ અભિયાનમાં ગુજરાતી વિજ્ઞાની ડો. વિશાલ ગજ્જર પણ જોડાયેલા છે.
૨૦૧૫માં સ્ટીફન હોકિંગ અને રશિયાના અબજોપતિ યુરી મિલનેરે બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય અન્ય ગ્રહ પર જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે કે નહીં તપાસવા પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ડો.ગજ્જરે જણાવ્યું હતું કે સિગ્નલ ચોક્કસપણે ક્યાંથી આવ્યાં છે તે કોઈ જાણતું નથી. શક્ય છે કે અવકાશમાં જીવનનું કોઈ પણ સ્વરૂપ અસ્તિત્વ ધરાવતું હોઈ શકે છે. અને તેમાંથી સિગ્નલ નીકળ્યાં હોઈ શકે છે. ગજ્જરે જોકે જણાવ્યું હતું કે આ સિગ્નલ મનુષ્ય જેવા કોઈ સુવ્યવસ્થિત સમાજમાંથી આવ્યા હોય એવી શક્યતા ઓછી છે.
અંતરિક્ષમાંથી મળેલાં ભેદી સિગ્નલ મુદ્દે ગજ્જરે કહ્યું હતું કે હાલ અમારી પાસે જવાબો કરતા સવાલો વધારે છે. આ દિશામાં અમે હવે વધારે અભ્યાસ કરીશું.

કોણ છે વિશાલ ગજ્જર?

બ્રેકથ્રુ લિસન પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ભારતીય મૂળના વિજ્ઞાની વિશાલ ગજ્જર યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના બર્કલે રિસર્ચ સેન્ટરમાં કામ કરે છે. તેમણે પૂણેસ્થિત નેશનલ સેન્ટર ફોર રેડિયોએસ્ટ્રોફિઝિક્સમાંથી પીએચ.ડી. કર્યું છે. મોટા ભાગનો સમય તેમણે અમેરિકાના બે સૌથી વિશાળ ટેલિસ્કોપનાં તારણોનો અભ્યાસ કરવામાં ગાળ્યો છે.

૧૦ કરોડ ડોલરનો પ્રોજેક્ટ

વિજ્ઞાની સ્ટીફન હોકિંગ અને રશિયન બિલિયોનેર મિલનેરે ૧૦ કરોડ ડોલર જેટલી માતબર રકમનો બ્રેકથ્રુ લીસન પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. પ્રોજેક્ટમાં કામ કરતા વિજ્ઞાનીઓ પોતાના મહાકાય ટેલિસ્કોપ દ્વારા પરગ્રહવાસીઓ વિશે સંશોધન કરી રહ્યા છે. પ્રોજેક્ટના પ્રથમ ૧૦ વર્ષમાં પૃથ્વીની નજીકના ૧૦ લાખ તારાઓનો સરવે કરવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટ શરૂ કરતી વખતે હોકિંગે કહ્યું હતું કે મને ખાતરી છે કે પૃથ્વીથી દૂર સ્પેસમાં કોઈ જીવસૃષ્ટિ આપણા પ્રકાશને જોઈ
રહી હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter