એવરેસ્ટ શિખર સર કરવા ૮૬ વર્ષીય ગુરખા મિન બહાદુર ફરી મેદાને પડ્યા

Wednesday 08th February 2017 05:35 EST
 
 

લંડનઃ એમ કહેવાય છે કે ‘મન હોય તો માળવે જવાય’ અને ૮૬ વર્ષના પૂર્વ ગુરખા સૈનિક મિન બહાદુર શેરચાને ફરી એક વખત વિશ્વના સૌથી ઊંચા શિખર એવરેસ્ટને સર કરવાનું મન બનાવી લીધું છે. મિન બહાદુરે ૨૦૦૮માં હિમાલયના સર્વોચ્ચ શિખરને સર કર્યું ત્યારે તેમની ઉંમર ૭૭ વર્ષની હતી અને તેમણે સૌથી વૃદ્ધ વયે ૨૯૦૨૯ ફૂટની ઊંચાઈના એવરેસ્ટ પર વિજય મેળવવાનો વિક્રમ સર્જ્યો હતો. જોકે, તેમનો વિક્રમી તાજ ૮૦ વર્ષના જાપાની પર્વતારોહક યુઈચિરો મિઉરાએ ૨૦૧૩માં છીનવી લીધો હતો.

મિન બહાદુરે કહ્યું હતું કે,‘યુઈચિરો મિઉરાએ મારો રેકોર્ડ તોડ્યા પછી મને તેમના માટે ઘણું માન થયું છે. પરંતુ, હું પર્વતની ટોચે પહોંચવા અને મારો તાજ પુનઃ હાંસલ કરવા ફીટ અને અત્યંત આતુર છું. મારું ધ્યેય સફળતાપૂર્વક માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચવાનું છે.’ સૌપ્રથમ ૧૯૫૩માં ન્યૂ ઝીલેન્ડના સર એડમન્ડ હિલેરીએ નેપાળી શેરપા તેનઝિંગ નોર્ગે સાથે એવરેસ્ટ પર વિજય મેળવ્યો હતો. દર વર્ષે આશરે ૮૦૦ પર્વતારોહકો વિશ્વના સર્વોચ્ચ શિખરને સર કરવાનો પ્રયાસ કરે છે અને અત્યાર સુધી ૪,૦૦૦થી વધુ લોકોએ એવરેસ્ટની ટોચ પર પગ મૂક્યો છે.

એલ્ડરશોટ, હેમ્પશાયરના રહેવાસી મિન બહાદુરે આ પછી ૨૦૧૫ અને ૨૦૧૬માં ગિનેસ વર્લ્ડ રેકોર્ડનો તાજ પુનઃ હાંસલ કરવા પ્રયાસો કર્યા જ હતા. જોકે, પહેલી વખત પેપરવર્ક-દસ્તાવેજોના કારણે અને બીજી વખત, ભૂકંપના કારણે નેપાળથી એવરેસ્ટ જવાના અનેક માર્ગ બંધ થઈ જવાથી તેમણે પીછેહઠ કરવી પડી હતી. હવે તેઓ મે મહિનામાં એવરેસ્ટ પર ચડાઈ કરવા પુનઃ સજ્જ થયા છે અને હાઈ-એલ્ટિટ્યુડ ટ્રેનિંગ પણ આરંભી દીધી છે. જોકે, આ પ્રયાસ કરતા પહેલા તેમણે ૭૫,૦૦૦ પાઉન્ડનું ભંડોળ એકત્ર કરવાનું છે, જે માટે તેમણે ફંડરેઈઝિંગ અપીલ પણ કરી છે. માત્ર ૧૭ વર્ષની વયે બ્રિગેડ ઓફ ગુરખાઝમાં જોડાયેલા મિન બહાદુરે એક વખત નેપાળમાં ૨૦ દિવસમાં ૬૦૦ માઈલનું અંતર કાપેલું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter