તિયાન્જિનઃ શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ) સમિટની બે દિવસીય બેઠકના અંતે સંગઠનના સભ્ય રાષ્ટ્રોએ ટ્રમ્પ ટેરિફથી વિચલિત થયા વગર વૈશ્વિક વિકાસનું સમર્થન કર્યું હતું. એસસીઓ રાષ્ટ્રોના વડાઓએ પોતાનો દબદબો દર્શાવતા મુક્ત વૈશ્વિક આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા હેતુ માન્ય આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો અને નિયમો આધારિત મુક્ત, પારદર્શક, ન્યાયી, ભેદભાવ રહિત તથા બહુપક્ષીય વેપાર વ્યવસ્થાના સમર્થન તેમજ મજબૂત બનાવવા માટે સહમતિ દર્શાવી હતી.
બેઠકના અંતે સંયુક્ત નિવેદન જારી કરાયું હતું. જેમાં ઉલ્લેખ હતો કે, સભ્ય દેશો યુએન ચાર્ટર તથા આંતરરાષ્ટ્રીય કાયદાના અન્ય માપદંડો, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના નિયમો અને સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરતા આર્થિક સહિતના એકતરફી બળપૂર્વક પગલાંનો વિરોધ કરે છે. યુએસ પ્રેસિડન્ટ ટ્રમ્પે તાજેતરમાં વિશ્વના દેશો પર લાદેલા ટેરિફથી થયેલી ઊથલપાથલ અને તેનાથી વૈશ્વિક બજારોમાં ઉદ્ભવેલી આર્થિક અનિશ્ચિતતાના માહોલમાં આ સંયુક્ત નિવેદન કરાયું છે.
આતંકવાદ સામે એક થવા હાકલ
એસસીઓના ઘોષણાપત્રમાં પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવામાં આવી હતી અને મૃતકોના પરિવારજનોને આશ્વાસન આપવામાં આવ્યું હતું. કૂટનીતિની રીતે આ ભારતની તરફેણની નોંધપાત્ર ગણાય. પાકિસ્તાનની હાજરીમાં જ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે યજમાન દેશ ચીનના પ્રમુખ જિનપિંગે પણ આતંકવાદ અને ઉગ્રવાદની ટીકા કરી હતી.
વડાપ્રધાન મોદીએ એસસીઓ સમિટમાં SCOની વ્યાખ્યા કરતા કહ્યું હતું કે S એટલે સિક્યુરિટી, C એટલે કનેક્ટિવિટી અને O એટલે ઓર્પોચ્યુનિટી. તેમણે આતંકવાદની ઝાટકણી કાઢીને કહ્યું હતું કે આતંકવાદ સામે સૌએ એક થઈને કાર્યવાહી કરવી જોઈએ. પાકિસ્તાનનું નામ લીધા વગર મોદીએ કહ્યું કે અમુક દેશોને આતંકવાદની ખુલ્લી છૂટ કેમ મળી જાય છે? ભારત છેલ્લાં ચાર દસકાથી આતંકવાદનો સામનો કરે છે. આખી દુનિયા માટે આતંકવાદ ખતરો છે.
સાથે સાથે જ વડાપ્રધાન મોદીએ ચીન-પાકિસ્તાનના ઈકોનોમિક કોરિડોર (સીપીઇસી) નું નામ લીધા વગર કહ્યું હતું કે એવા કોઈ જોડાણનો અર્થ નથી, જેમાં કોઈ બીજા દેશના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન થતું હોય. ઉલ્લેખનીય છે કે ભારત સીપીઈસીનો વિરોધ કરતું આવે છે, કારણ કે એના પ્રોજેક્ટ પીઓકેમાંથી પસાર થાય છે.