કેનબેરા: ઓસ્ટ્રેલિયામાં દર ત્રણ વર્ષે યોજાતી ચૂંટણી પૈકી ત્રીજી મેનાં રોજ યોજાયેલી ચૂંટણીમાં લેબર પાર્ટીનો વિજય થયો છે. સિટિંગ પીએમ અલ્બનીઝ ફરી દેશનાં વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે. લેબર પાર્ટીનો 87 સીટ પર વિજય થયો છે જ્યારે વિપક્ષી લિબરલ -નેશનલ ગઠબંધનનો 34 સીટ પર વિજય થયો છે. સરકાર રચવા માટે 76 સીટની જરૂર છે. આમ લેબર પાર્ટીનાં વિજયને પગલે એન્થની અલ્બનીઝ ફરી પીએમ બનશે તે નક્કી છે. 21 વર્ષમાં કોઈ નેતા બીજી વખત ચૂંટાઈને પીએમ બને તેવી આ પહેલી ઘટના છે. આ અગાઉ 2004માં લિબરલ પાર્ટીનાં જોન હાવર્ડ સતત બીજી વખત ચૂંટણી જીત્યા હતા. વિપક્ષી લિબરલ -નેશનલ ગઠબંધને તેની હાર સ્વીકારી છે. વિપક્ષી નેતા પીટર ડટનને કહ્યું હતું કે ચૂંટણીમાં અમે સારું પ્રદર્શન કરી શક્યા નથી. હારની તમામ જવાબદારી હું સ્વીકારું છું.