કેનેબેરાઃ ઓસ્ટ્રેલિયામાં માંસની એક જાહેરાતમાં ભગવાન ગણપતિને દર્શાવવા બાબતે ભારતે ઓસ્ટ્રેલિયા સમક્ષ રાજદ્વારી સ્તરે વિરોધ નોંધાવ્યો છે. આ જાહેરાતમાં ભગવાન ગણપતિને અન્ય ધર્મોના લોકો સાથે ઘેંટાનું માંસ ખાતા હોય એ રીતે દેખાડાયા છે. ટીવીની એક જાહેરાતમાં માંસ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક ગ્રુપ દ્વારા વિવિધ ધાર્મિક લોકોને ભોજન કરતા દર્શાવાયા છે.
ઓસ્ટ્રેલિયાનો હિન્દુ સમુદાય આ જાહેરાતને લીધે ભારે ગુસ્સામાં છે. કેનબેરાસ્થિત ભારતીય રાજદૂતાવાસે કહ્યું હતું કે તેમણે ઓસ્ટ્રેલિયન સરકારના ત્રણ વિભાગો સમક્ષ આ મુદ્દો ઊઠાવ્યો છે. ભારતીય રાજદૂતાવાસે મીટ અને લાઈવસ્ટોક ઓસ્ટ્રેલિયા (એમએલએ) પર ભારત મૂક્યો છે કે તેઓ આ જાહેરાત બંધ કરી દે કેમ કે આ લોકો માટે ઉશ્કેરણીજનક ઘટના છે. તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે.
ભારતીય રાજદૂતાવાસે એમ પણ કહ્યું હતું કે હિન્દુ સમુદાયની અનેક સંસ્થાઓએ ઓસ્ટ્રેલિયન સરકાર અને એમએલએ સમક્ષ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.