બહાવલપુર: 24 ડિસેમ્બર 1999ના રોજ કંદહારમાં ઇન્ડિયન એરલાઇન્સના વિમાન આઇસી-814 હાઇજેકનો માસ્ટર માઇન્ડ અબ્દુલ રઉફ અઝહર પણ ઓપરેશન સિંદૂરમાં માર્યો ગયો છે. પાક. મીડિયાએ તેની પુષ્ટિ કરી છે. કાઠમાંડુથી દિલ્હી આવી રહેલા વિમાનને હરકત ઉલ મુજાહિદ્દીનના પાંચ આતંકી હાઈજેક કરીને અફઘાનિસ્તાન લઈ ગયા હતા અને આતંકી મસૂદ અઝહરને મુક્ત કરાવાયો હતો. રઉફને અમેરિકાએ 2 ડિસેમ્બર 2010ના રોજ વૈશ્વિક આતંકી જાહેર કર્યો હતો. મસૂદ અઝહર ભૂગર્ભમાં ગયા બાદ 2007માં તેનો ભાઈ રઉફ જૈશનો પ્રમુખ બન્યો હતો. આ જ આતંકી સંગઠને ભારતીય સંસદ પર હુમલો કર્યો હતો. 26/11 હુમલો, 2016નો પઠાણકોટ, 2019ના પુલવામા હુમલો આ જ સંગઠને કર્યો હતો. આ ઉપરાંત ભારતીય સશસ્ત્ર દળોએ પાંચ ખૂંખાર આતંકવાદીઓનો ખાતમો કર્યો છે. મૃત્યુ પામેલા આતંકીઓમાં મસૂદ અઝહરનો બનેવી અને તેનાં પત્નીનો ભાઈ પણ સામેલ છે. આ બંને કંદહાર વિમાન અપહરણ કેસમાં વોન્ટેડ હતા. ભારતના હુમલામાં મુદસ્સર ખાદિયન ખાસ ઉર્ફે મુદસ્સર ઉર્ફે અબુ જુંદાલ, હાફિઝ મુહમ્મદ જમીલ, મોહમ્મદ યુસુફ અઝહર ઉર્ફે ઉસ્તાદજી ઉર્ફે મોહમ્મદ સલીમ ઉર્ફે ઘોસીસાહબ, ખાલિદ ઉર્ફે અબુ અકાશા અને મોહમ્મદ હસન ખાનનો ખાતમો થયો છે.