પ્રેમની કોઈ ટાઈમલાઈન નથી હોતી. બ્રાઝિલના કપલ મેનોલ એન્જેલિમ ડીનો અને મારિયા ડી’સોઝાની ઉંમર અનુક્રમે 105 અને 101 વર્ષ છે. તેમના લગ્નને 84 વર્ષ અને 77 દિવસનો સમય થયો છે. આ સાથે જ તેમણે સૌથી લાંબા લગ્નજીવન માટે તેમણે ગિનીસ બુકમાં સ્થાન મેળવ્યું છે. તેમણે 1940માં બ્રાઝિલના સીરામાં લગ્ન કર્યા હતાં. તે સમયે પહેલા પ્રોગ્રામેબલ કમ્પ્યુટરની શોધ થઈ નહતી અને બ્રાઝિલે એક પણ ‘ફિફા’ વર્લ્ડ કપ જીત્યો નહતો. સૌથી રોચક વાત એ છે કે, બન્નેએ તે જમાનામાં લવ મેરેજ કર્યા હતાં. ખેતીકામ કરતી વખતે તેમની નજરો મળી ગઇ અને પછી પરિવારના ઉગ્ર વિરોધ વચ્ચે પણ તેમણે સાથે રહેવાનું નક્કી કરી લીધું હતું. તેમને 13 સંતાનો છે. આ 13 સંતાનોથી 55 પૌત્ર-પૌત્રીઓ, 54 પ્રપૌત્ર-પૌત્રીઓ છે.