કરાચી એરપોર્ટ નજીક રહેણાંક વિસ્તાર પર પ્લેન તૂટી પડ્યુંઃ ૯૭નાં મૃત્યુ

Tuesday 26th May 2020 06:21 EDT
 
 

કરાચી: પવિત્ર રમઝાન માસનો અંતિમ શુક્રવાર પાકિસ્તાનના મહાનગર કરાચી માટે ગોઝારો પુરવાર થયો હતો. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઇએ)નું વિમાન એરબસ એ-૩૨૦ શુક્રવારે ઝીણા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગની થોડીક ક્ષણો પૂર્વે જ નજીકના રહેણાક વિસ્તાર પર તૂટી પડતાં ૯૭ વ્યક્તિના મૃત્યુ થયા હતા જ્યારે બે પ્રવાસીનો ચમત્કારિક બચાવ થયો છે. આ દુર્ઘટનામાં અનેકને નાનીમોટી ઇજા થઇ હતી. મૃતકોમાં નવ બાળકો સામેલ છે. વિમાનમાં કુલ ૧૦૭ લોકો હતા.
વિમાનના બન્ને એન્જિન ફેઇલ થઇ જતાં આ દુર્ઘટના થયાનું મનાય છે, પરંતુ કોઈ સ્પષ્ટ કારણ જાહેર થયું નથી. બીજી તરફ, પાકિસ્તાનના પાયલટ એસોસિએશને આંતરરાષ્ટ્રીય ટીમ પાસે નિષ્પક્ષ તપાસ માગી છે. બચી ગયેલા મુસાફરે આપવીતી વર્ણવતા કહ્યું હતું કે વિમાન તૂટી પડયું તે પહેલાં ત્રણ મોટાં ઝટકા અનુભવાયા હતા.
અહેવાલ અનુસાર ૨૨ મેના રોજ બપોરે એક કલાકે લાહોરથી ઊપડીને કરાચી આવી રહેલી ફ્લાઇટ પીકે-૮૩૦૩ એરપોર્ટ પર ઉતરાણની એક જ મિનિટ પહેલાં ઝીણા ગાર્ડન એરિયામાં માલીરની મોડેલ કોલોની નજીક ક્રેશ થઇ હતી. વિમાનમાં ૯૯ પ્રવાસી હતા. પ્લેન ક્રેશ થયું તે પહેલાં પાઇલટે બેથી ત્રણ વાર ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો.
ક્રેશ સાઇટ નજીક રહેતા શકીલ અહેમદે જણાવ્યું હતું કે, એકદમ નીચે આવી ગયેલું વિમાન એરપોર્ટથી થોડાક કિલોમીટર જ દૂર હતું ત્યારે પહેલાં તો મોબાઇલ ટાવર સાથે ટકરાયું અને પછી નજીકનાં મકાનો પર તૂટી પડયું હતું.
એધી ફાઉન્ડેશનના પ્રવક્તા સાદ એધીએ જણાવ્યું હતું કે, અમે વિમાનના કાટમાળમાંથી ૧૩ મૃતદેહ અલગ અલગ હોસ્પિટલમાં પહોંચાડયા છે. રહેણાંક વિસ્તારમાંથી ૨૫થી ૩૦ ઇજાગ્રસ્તોને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. વિમાન દુર્ઘટનામાં ભારે નુકસાન પામેલાં મકાનોમાંથી મૃતદેહ મળી આવ્યા છે.
અકસ્માત બાદ સિંધના આરોગ્ય મંત્રી એઝરા પેચુહોએ કરાચીની તમામ હોસ્પિટલમાં ઇમર્જન્સી જાહેર કરી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ પાકિસ્તાની સેના અને પાકિસ્તાની રેન્જરની ટુકડીઓ રાહત અને બચાવ કામગીરી માટે સ્થળ પર પહોંચી હતી. જોકે, આ વિસ્તારની ગીચતા અને સાંકડી શેરીઓના કારણે બચાવ કામગીરીમાં ભારે અવરોધ સર્જાયો હતો.

પીઆઇએની બેદરકારી

પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય એરલાઈન્સના તૂટી પડેલા વિમાન બાબતે મીડિયા અહેવાલોમાં ઘટસ્ફોટ થયો છે કે છેલ્લાં બે મહિનાથી વિમાનની તપાસ જ થઈ ન હતી. વિમાન ઉડાન ભરે તે પહેલાં તેની ટેકનિકલ તપાસ થતી હોય છે, પણ પાકિસ્તાન એરલાઈન્સે ઘોર બેદરકારી દાખવીને ૯૭ લોકોને મોતના મુખમાં ધકેલી દીધા. ડોન અખબાર સહિતના મીડિયાએ ઘટસ્ફોટ કર્યો હતો કે તૂટી પડેલા વિમાન બાબતે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સે ઘોર બેદરકારી દાખવી હતી. છેલ્લાં બે મહિનાથી વિમાનની ટેકનિકલ તપાસ જ થઈ ન હતી. વિમાન એક દિવસ પહેલાં મસ્કતથી લાહોર આવ્યું હતું. તેની ગણતરીની કલાકોમાં લાહોરથી કરાચી મોકલાયું હતું. તૂટી પડેલા વિમાનની ટેકનિકલ હિસ્ટ્રી રજૂ થઈ છે. જેમાં દાવો થયો હતો એ પ્રમાણે વિમાનના એન્જિનમાં કે લેન્ડિંગ સિસ્ટમમાં કોઈ ખામી સર્જાઈ ન હતી.

૧૫ વર્ષ જૂનું વિમાન

પીઆઇએએ કુવૈત સ્થિત ચીની કંપની પાસેથી ૧૫ વર્ષ જૂનું વિમાન લીઝ પર લીધું હતું. એરબસ એ-૩૨૦ પ્રકારના આ વિમાનને પીઆઇએના કાફલામાં ગયા નવેમ્બરમાં જ સામેલ કરાયું હતું.

ડીએનએ ટેસ્ટ થશે

વિમાનમાં કચડાઈ ગયેલા અને આગમાં ભડથું થયેલાં અડધોઅડધ મૃતદેહો ઓળખી શકાયા નથી. જે મૃતદેહોની ઓળખ થઈ નથી તેની ઓળખ માટે પાક. સરકાર ડીએનએ ટેસ્ટની મદદ લેશે. એરપોર્ટમાં ૯૧ પેસેન્જર્સ અને આઠ ક્રુ મેમ્બર્સ હતા. એમાંથી ૯૭ના મોત થયા હતા. માત્ર બેનો બચાવ થયો હતો, પરંતુ એમાંથી માત્ર પાંચ જ મુસાફરોની સ્પષ્ટ ઓળખ થઈ છે.

તાત્કાલિક તપાસઃ ખાન

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે, પ્લેન ક્રેશની ઘટના અંગે તાત્કાલિક તપાસ હાથ ધરાશે. પીઆઇએનું વિમાનના ક્રેશ થવાથી મને ઘણું દુઃખ અને આઘાત લાગ્યાં છે. હાલ રાહત અને બચાવ કામગીરી જ પ્રાથમિકતા છે.

મૃતકોના પરિવારજનોને દિલસોજીઃ મોદી

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનાનો ભોગ બનેલા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં ટ્વિટ કર્યું હતું કે પાકિસ્તાનમાં પ્લેન ક્રેશમાં જિંદગીઓની ખોટથી ઘણો આઘાતમાં છું મૃતકોના પરિવારજનોને આપણી દિલસોજી, હું ઇજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે કામના કરું છું.

બચી ગયેલા બેન્ક વડાનું ‘પાકિઝા’ કનેક્શન

વિમાન અકસ્માતમાં બે પેસેન્જર્સનો ચમત્કારિક બચાવ થયો હતો. એમાં એક બેંક ઓફ પંજાબના પ્રેસિડેન્ટ ઝફર મસૂદ છે. આ ઝફર મસૂદ ભારતની ક્લાસિક ફિલ્મ ‘પાકિઝા’ના ડિરેક્ટર કમાલ અમરોહી સાથે પારિવારિક નાતો ધરાવે છે. ઝફર મસૂદના મૂળિયા ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલા છે. તેનો પરિવાર ૧૯૫૨માં પાકિસ્તાન ચાલ્યો ગયો હતો. ઝફરના કાકાના દીકરા ભાઈ અને મુંબઈમાં ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિર્માણ કરતાં આદિલે કહ્યું હતું કે ઝફરના નાના તકી અમરોહી અને ડિરેક્ટર કમાલ અમરોહી બંને ભાઈઓ હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter